Aastha Nu Address: મહાદેવનું મંદિર મઢ કિલ્લાની પડખે આવેલું હોઇ સ્થાનિકોએ તેને કિલ્લેશ્વર મહાદેવ મંદિર નામ આપ્યું હોઇ શકે છે.
આજનું આસ્થાનું એડ્રેસ છે મઢમાં આવેલ કિલ્લેશ્વર મહાદેવ મંદિર
માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્રેસ’ (Aastha Nu Address) જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.
આજે તમને મુંબઈમાં જ આવેલા પરંતુ બહુ જ ઓછા જાણીતા એવા આસ્થાના એડ્રેસ પર લઈ જવા છે. મલાડના મઢ આઇલેન્ડમાં મહાદેવનું અતિપ્રાચીન મંદિર આવેલું છે. કહે છે કે આ મંદિર ૭૦૦ વર્ષ જૂનું છે. અહીં ભોળાનાથ કિલ્લેશ્વર મહાદેવના નામથી પૂજાય છે. પવિત્રતાની સાથે આ આસ્થાના એડ્રેસ પર પ્રાકૃતિક ખજાનો પણ માણી શકાય એવો છે. આ મંદિરના સ્થાપત્યને લઈને કોઈ ચોક્કસ માહિતી નથી. પરંતુ ૧૭-૧૮મી સદીમાં પોર્ટુગીઝ-મરાઠા યુગ બાદ આ મંદિર બંધાયું હોઇ શકે. સંભવત: મઢ કિલ્લોના વિજય બાદ તે બાંધવામાં આવ્યું હશે તેવું લાગી રહ્યું છે. બીજું કે કિલ્લો અને ઈશ્વર શબ્દના સંયોજનથી કિલ્લેશ્વર તરીકે મહાદેવ ઓળખાય છે.
ADVERTISEMENT
મંદિરના નામ પાછળનાં રસપ્રદ તારણો:
૧૭મી સદીમાં પોર્ટુગીઝોએ મઢ કિલ્લો બંધાવ્યો હતો. પાછળથી તે મરાઠાઓએ કબજે કરેલો. મહાદેવનું મંદિર આ કિલ્લાની પડખે આવેલું હોઇ સ્થાનિકોએ તેને કિલ્લેશ્વર મહાદેવ મંદિર (Aastha Nu Address) નામ આપ્યું હોઇ શકે છે. ઘણા લોકો મુક્તેશ્વર મહાદેવ તરીકે પણ તેને ઓળખાવે છે. દરિયાકિનારે વસેલા મહાદેવ મુંબઈના દરિયાકિનારાની રક્ષા કરતાં હોવાની પણ લોકોમાં આસ્થા છે. મંદિરમાં જે શિવલિંગ છે તે સ્વયંભૂ પ્રગટ થઈ હોય એવી માન્યતા છે. વર્ષોથી સ્થાનિક કોળી-માછીમાર સમુદાય મંદિરમાં પૂજાપાઠ કરે છે અને ધ્યાન રાખે છે. શિવલિંગની સામે નંદીની સફેદ પથ્થરમાંથી નિર્મિત મૂર્તિ આવેલી છે. જેની ઉપર પણ સુંદર છત્ર છે.
શ્રાવણમાં અહીં એકવાર જરૂર જજો!
શ્રાવણ મહિનામાં તો અહીં ભક્તોની ભીડ ઊમટે છે. ૨-૩ કલાક લાઇનમાં ઊભા પણ રહેવું પડી શકે છે. મંદિર (Aastha Nu Address) પરિસર પણ પ્રમાણમાં મોટો છે. ત્યાં થોડોક સમય વિતાવી શાંતિનો અહેસાસ કરી શકાય છે.
કઈ રીતે જવું આ આસ્થાના એડ્રેસ સુધી?
Aastha Nu Address: અહીં પહોંચવા માટે વર્સોવા થઈને પણ જઇ શકાય છે. વર્સોવા જેટ્ટીથી ફેરી કરી વર્સોવા ખાડી પાર કરતાં જ મઢ કિલ્લા સુધી પહોંચે છે. બીજું મઢ-માર્વે રોડ થઈને મલાડથી પણ અહીં જઇ શકાય છે. મલાડ સ્ટેશનથી મઢ માર્કેટ સુધી બસો મળી રહે છે. ત્યાંથી લીલોતરી વટાવતાં ૧-૨ કિમી ચાલીને મંદિર સુધી જઇ શકાય છે. અક્સા બીચથી પણ મઢ કિલ્લા સુધી જઇ શકાય છે.
આસપાસ શું છે ખાસ?
બપોરે ૧૨થી સાંજે ચાર સુધી મંદિર (Aastha Nu Address) બંધ રહે છે. એટલે એ પ્રમાણે પ્લાન કરીને જઇ શકાય. મંદિરની પાસે જ સુંદર બીચ છે. ત્યાં પણ સમય પસાર કરી શકાય છે. નજીકમાં બહુ શોપ્સ નથી. જો તમે ઐતિહાસિક ધરોહરો જોવા ને જાણવાનો શોખ ધરાવતા હોવ તો મઢ કિલ્લાની મુલાકાતે પણ જઇ શકો છો. માછીમારી કરતાં લોકો, તેમની હોડીઓ તમને અહીં આસપાસ જોવા મળશે. કોળી સમાજની દૈનિક પ્રવૃત્તિઓથી રૂબરૂ પણ થઈ જ શકાય છે. પાસે જ ૧૬મી સદીમાં બંધાયેલું પોર્ટુગીઝકાલીન ચર્ચ પણ આવેલું છે. સેંટ બોનાવેન્ચર ચર્ચ ખાતે પણ જઇ શકાય.

