એક દલિત સફાઈ-કામદારે દાવો કર્યો છે કે મંદિરના વહીવટદારોએ તેની પાસે ગેરકાયદે રીતે ૧૦૦થી પણ વધુ લાશોની દફનવિધિ કરાવી હતી
મંજુનાથસ્વામીના મંદિર
કર્ણાટકનું જાણીતું ધાર્મિક સ્થળ અચાનક વિવાદના વંટોળમાં ફસાયું છે. એક દલિત સફાઈ-કામદારે દાવો કર્યો છે કે મંદિરના વહીવટદારોએ તેની પાસે ગેરકાયદે રીતે ૧૦૦થી પણ વધુ લાશોની દફનવિધિ કરાવી હતી. એ લાશો મહદંશે અર્ધનગ્ન મહિલાઓ અને ટીનેજ છોકરીઓની હતી જેમનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. શું છે આ આખો વિવાદ અને કેવી રીતે આ કેસ બહાર આવ્યો? જાણો અતથી ઇતિ
કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના બેલથગંડી નામના તાલુકામાં આવેલું ધર્મસ્થલા નામનું ગામ આમ તો ત્યાં આવેલા મંજુનાથસ્વામીના મંદિરના કારણે પૉપ્યુલર છે. ભગવાન શિવને સમર્પિત થયેલા મંજુનાથસ્વામીએ એકતા અને ધાર્મિક સહિષ્ણુતા પર અનેક સંદેશાઓ આપ્યા, પણ એ તમામ સંદેશાઓનો ક્ષય થઈ ગયો હોય એવું વાતાવરણ અત્યારે ધર્મસ્થલામાં છે.
ADVERTISEMENT
વાત વિગતે સમજવા માટે આ જ વર્ષની શરૂઆતના મહિનામાં રિવાઇન્ડ થવું પડશે. વાત છે જાન્યુઆરી મહિનાની. કર્ણાટકના અને ખાસ તો દક્ષિણ ગુજરાતના દલિતોને એકત્રિત કરવાનું કામ કરતી અને દલિતોના હક માટે લડતી એક યુટ્યુબ ચૅનલને કારણે ધર્મસ્થલા પર વિવાદનો બૉમ્બ ફેંકાયો. બન્યું એવું કે યુટ્યુબ પર ઍક્ટિવ એવી ‘દલિત કૅમેરા’ ચૅનલ પર એક દલિતનો ઇન્ટરવ્યુ રિલીઝ થયો. ચહેરો કે ઓળખ જાહેર ન કરવાની શરતે થયેલા એ ઇન્ટરવ્યુમાં ભીમ ગારુ (નામ બદલ્યું છે) નામના રિટાયર્ડ દલિત સફાઈ-કામદારે આરોપ કર્યો કે ૧૯૯પથી ૨૦૧૪ દરમ્યાન એટલે કે પોતે જ્યારે ધર્મસ્થલામાં સાફસફાઈનું કામ કરતો હતો ત્યારે ધર્મસ્થળ નજીક અનેક મૃતદેહોને દફન કરવા માટે બિનસત્તાવાર રીતે તેને કહેવામાં આવ્યું અને રાજકીય તથા ધાર્મિક દબાણ વચ્ચે તેણે એ કામ કરવું પડ્યું.
ભીમ ગારુએ પોતાના એ યુટ્યુબ ઇન્ટરવ્યુમાં એવું પણ કહ્યું કે ‘જે લાશોની દફનવિધિ તેની અને તેના સાથીઓ પાસે કરાવવામાં આવી હતી એ લાશોમાં મોટા ભાગની લાશો મહિલા અને ટીનેજર્સની હતી. કેટલીક લાશો પર શારીરિક અત્યાચારનાં નિશાનો પણ હતાં અને કેટલીક લાશો પરથી સ્પષ્ટ દેખાતું હતું કે ટીનેજર્સનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું.’
ધર્મસ્થલાના નિવૃત્ત દલિત સફાઈ-કામદારે બતાવ્યાં એ ઠેકાણાંઓ પર ખોદકામ કરીને ગુનાના અવશેષો મેળવવાની કોશિશ થઈ રહી છે.
ભીમ ગારુની વાત હજી અહીં પૂરી નથી થતી.
ભીમ ગારુએ એ જ ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘કેટલીક મહિલાઓની લાશ જોતાં લાગતું હતું કે તેમના પર કોઈ વિધિ કરવામાં આવી છે. મસ્તકના ભાગમાં ચંદનનો પાઉડર દેખાતો હતો તો વાળને કંકુના પાણીમાં ઝબોળી રાખવામાં આવ્યા હોય એવું લાગતું હતું. કેટલીક મહિલાના શરીર પર કપડાં જ નહોતાં તો કેટલીક મહિલાઓનાં મોત પછી તેમને સાડી વીંટાળવામાં આવી હોય એવું લાગતું હતું. જે ટીનેજ છોકરીઓ હતી તેમની નાભિની આસપાસ અબીલ ગુલાલની ચિત્ર-વિચિત્ર આકૃતિ બનાવવામાં આવી હતી.’
ભીમ ગારુનું કહેવું હતું કે મરનારી દરેક વ્યક્તિનો કાં તો મેલી વિદ્યા માટે અને કાં તો શારીરિક ગેરલાભ લેવા માટે ઉપયોગ થયો હોવાની શક્યતા ભારોભાર હતી.
ઇન્ટરવ્યુએ મચાવી ધમાલ
યુટ્યુબ ચૅનલ પર ભીમ ગારુનો આ ઇન્ટરવ્યુ જેવો રિલીઝ થયો એટલે આખા કર્ણાટકમાં દેકારો મચી ગયો. યુટ્યુબના ઇન્ટરવ્યુને લોકો સુધી પહોંચાડવાનું કામ ધર્મસ્થલાથી ૭પ કિલોમીટર દૂર આવેલા મૅન્ગલોર શહેરની લોકલ ન્યુઝ-ચૅનલે અને ન્યુઝપેપરે કર્યું.
સીધી વાત હતી કે ભીમ ગારુ કહે છે એ જો સાચું હોય તો એ વિસ્તારમાં એક જ ધર્મસ્થાન છે જેના વહીવટદારોએ આ કામ તેની પાસે કરાવ્યું હોય. ધર્મસ્થલામાં મંજુનાથસ્વામીનું જે મંદિર આવેલું છે એનો વહીવટ પારિવારિક સ્તર પર છે અને ધર્મસ્થલાની અત્યંત પૉપ્યુલર હેગડે ફૅમિલી દ્વારા આ મંદિરનો વહીવટ થાય છે. કહ્યા વિના, આંગળી ચીંધ્યા વિના પણ એ હેગડે પરિવાર તરફ ઇશારો થવા માંડ્યો અને એટલે જ કર્ણાટક સરકારે પણ ચુપકીદી સેવી લીધી.
વાત જાન્યુઆરી મહિનાની હતી અને એ પછી પણ છેક જૂન મહિના સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નહીં એટલે અગેઇન યુટ્યુબની પેલી દલિત કૅમેરા ચૅનલે આગેવાની લીધી અને દલિત સંગઠને સીધો સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો કે આ કેસની ઇન્ક્વાયરી માટે ખાસ ટીમ બનાવવામાં આવે અને રાજ્ય સરકારની દરમ્યાનગીરી વિના એ કામ કરતી હોવી જોઈએ. અલબત્ત, એવું બન્યું નહીં અને સુપ્રીમ કોર્ટે કેસને સ્થાનિક કોર્ટમાં લઈ જવાની ભલામણ કરી જેને લીધે કેસ સિવિલ કોર્ટમાં આવ્યો. સિવિલ કોર્ટ પોતે ફરિયાદી બની અને એણે પહેલું કામ ઑનલાઇન મૂકવામાં આવેલા લેખો અને આ વિષય પર શરૂ થયેલી ચર્ચાઓના વિડિયો કાઢવાનો આદેશ આપ્યો. એના આધારે ૯૦૦૦થી વધારે આ આખી ઘટનાને લગતા આર્ટિકલ અને વિડિયો કાઢી નાખવામાં આવ્યાં! અલબત્ત, આ ઘટના પછી ફરીથી મુદ્દો એ જ આવ્યો કે સિવિલ કોર્ટ વાજબી રીતે કામ નહીં કરે એટલે કર્ણાટક હાઈ કોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન સાથે સ્થાનિક દલિત સંગઠન પહોંચ્યું અને કર્ણાટક હાઈ કોર્ટ અહીંથી એન્ટર થઈ.
ભીમ ગારુએ લગાવેલા આક્ષેપોના આધારે કર્ણાટક હાઈ કોર્ટે ગયા મહિનાની ૧૯ તારીખે SIT એટલે કે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિવ ટીમનું ગઠન કરીને આદેશ આપ્યો કે સૌથી પહેલાં તો દર્શાવવામાં આવેલી જગ્યાનો કબજો લઈને ધીમે-ધીમે એ જગ્યાએ ખોદકામ કરવું અને ત્યાંથી શું મળે છે એનો રિપોર્ટ કોર્ટને સબમિટ કરવો.
અને શરૂ થઈ તપાસ
ટીમે સૌથી પહેલાં લોકેશનને અલગ-અલગ સાઇટ-નંબર આપીને તપાસની શરૂઆત કરી. એમાં સાઇટ-નંબર એકથી પાંચનો વિસ્તાર ધર્મસ્થલામાં આવેલી નદી પાસે હતો. ત્યાં ખોદકામ થયું અને કશું હાથમાં આવ્યું નહીં. સ્વાભાવિક રીતે લાગતાવળગતા રાજી થઈ ગયા તો આક્ષેપ પછી ઊછળવા માંડેલા લોકોના ફુગ્ગામાંથી હવા નીકળી ગઈ. અલબત્ત, છઠ્ઠા નંબરની સાઇટ પર ખોદકામ થતાં ત્યાંથી ૧૦૦થી વધુ હાડકાં અને એક માનવ-ખોપડી મળી. આ પહેલી સફળતા. મળેલાં એ અસ્થિઓને ફૉરેન્સિક લૅબોરેટરીમાં મોકલીને તપાસ આગળ વધારવામાં આવી. જોકે ૭થી ૧૦ નંબરની સાઇટ પર ખોદકામ કર્યા પછી હાથમાં કશું ન આવ્યું, પણ ૧૧ નંબરની સાઇટ પરથી અઢળક પુરાવા મળ્યા. એમાં અસ્થિ અને ખોપરી સહિત ભીમ ગારુએ કહ્યું હતું એમ સાડી (જેમાં લાશ બાંધવામાં આવી હોવાનું માનવામાં આવે છે), મહિલાઓનાં જૂતાં અને તૂટેલી બંગડીઓ જેવી ચીજવસ્તુઓ મળી તો આ જ સાઇટથી ૮૦ મીટર દૂર આવેલા લોકેશન પરથી અનાયાસ જ અનેક ખોપરીઓ અને હાડકાં મળ્યાં. કરમની કઠણાઈ જુઓ કે એ લોકેશન પર તપાસ થવાની નહોતી, પણ રખડતા કૂતરાઓની વર્તણૂક જોઈને ટીમે એ જગ્યાએ ખોદકામ કર્યું અને હાથમાં આ પુરાવા આવ્યા.
સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ માટે પણ આ આખી તપાસ રોલર-કોસ્ટર રાઇડ જેવી રહી છે. હાથમાં ખજાનો આવ્યા પછી ફરીથી સાઇટ-નંબર ૧૨ અને ૧૩માંથી એને કશું ન મળ્યું, પણ એ પછી ૪ ઑગસ્ટે થયેલા ખોદકામમાં ૨૭૦થી વધુ દફન થયેલા મૃતદેહ મળ્યા! જોકે એ મૃતદેહ મળ્યા પછી ધર્મસ્થલા પંચાયતે જૂના રેકૉર્ડ રજૂ કરીને એવો દાવો કર્યો કે એ જગ્યાએ એક સમયે કબ્રસ્તાન હોવાને લીધે એ લાશ મળી હોવાની શક્યતા છે.
ભીમ ગારુ અને સ્થાનિક લોકો આ વાત માનવા રાજી નથી, કારણ કે ૩૦ વર્ષ જૂની વાત કંઈ એટલી જૂની નથી કે ગામના લોકોને એના વિશે ખબર ન હોય. સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિવ ટીમે ધર્મસ્થલાના એ લોકોનાં સ્ટેટમેન્ટ લેવાનું શરૂ કર્યું જેમની ઉંમર પચાસ વર્ષથી વધુ હોય. એમાંથી મોટા ભાગના લોકોએ આ કબ્રસ્તાનવાળી વાતને ફગાવી દીધી છે. જો વાત સાચી જ હોય તો ભીમ ગારુએ જે જગ્યા દેખાડી એ જગ્યામાંથી મોટા ભાગની જગ્યા ખાલી કેમ નીકળી એવો પ્રશ્ન પણ સામે આવ્યો. જોકે એનો જવાબ દલિત કૅમેરા ચૅનલ પર ભીમ ગારુએ આપ્યો કે આટલાં વર્ષોમાં ખરું લોકેશન તેને યાદ ન રહ્યું હોય અને જગ્યામાં પણ ફેરફારો થયા હોઈ શકે છે.
પંચાયત અને સ્થાનિક પોલીસનો રેકૉર્ડ એવું કહે છે કે અમુક મૃતદેહની દફનવિધિ તેમને જાણ કરીને કરવામાં આવી છે. બન્ને પાસે પોતપોતાના રેકૉર્ડ પણ છે. અલબત્ત, એ રેકૉર્ડ અને અત્યારે મળેલી લાશ સમાન છે કે નહીં એ ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી પણ કહી શકશે કે નહીં એની શંકા છે.
ઇશારો કોની તરફ?
સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ માટે આ આખી પ્રક્રિયા એવી લમણાઝીંક ઊભી કરનારી છે કે હવે આમાં આગળ કઈ રીતે વધવું એની સમજ નથી પડતી. આ કેસમાં હજી સુધી કોઈને ફરિયાદી બનાવવામાં આવ્યા નથી તો સામે પક્ષે હજી કોઈને આરોપી પણ ગણવામાં આવ્યા નથી. ભીમ ગારુની થયેલી પૂછપરછમાં ભીમે દાવો કર્યો છે કે મંદિરના સંચાલક વિષ્ણુદાસ હેગડે સહિત મંદિરના અન્ય સંચાલકો અને ટ્રસ્ટીઓએ તેને દબાણ કરીને મૃતદેહની દફનવિધિ કરાવી હતી તો ભીમ ગારુ વિષ્ણુદાસ હેગડેના દીકરા ધીરેન્દ્ર હેગડે તરફ પણ ઇશારો કરે છે. ભીમે સ્ટેટમેન્ટ આપ્યું છે કે દર વર્ષે દસથી વીસ લાશોના નિકાલનું કામ તેને સોંપવામાં આવતું હતું.
કામમાં સરળતા આવે અને મહેનત ઘટે એવા હેતુથી હવે ટીમે નક્કી કર્યું છે કે આગળનું ખોદકામ કરતાં પહેલાં GPR એટલે કે ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડારનો ઉપયોગ કરવો. આ મશીન જમીનમાં સેંકડો મીટર અંદરનું દૃશ્ય બહાર મૉનિટર પર દેખાડી દે છે. અલબત્ત, આની સામે પણ વિરોધ શરૂ થયો છે. ફરિયાદી સંગઠનની દલીલ છે કે જમીનમાં લુપ્ત થઈ ગયેલી લાશના અમુક અવશેષોને મશીન ઓળખી નહીં શકે. સંગઠનનો એવો પણ દાવો છે કે ટીમ કેટલાક લોકોને બચાવવા માટેના રસ્તાઓ ખોળી રહી છે. જોકે ટીમ પાસે જવાબ તૈયાર છે. મીડિયા બ્રીફિંગમાં ટીમના સિનિયર ઑફિસરે એવો જવાબ આપ્યો હતો કે કેસ જે સ્તર પર જૂનો છે એ જોતાં સીધી જ કોઈની સામે ઍક્શન લેવી વાજબી નથી. બીજું, મરનારી વ્યક્તિનાં કોઈ સગાં કે લોહીના સંબંધથી જોડાયેલી વ્યક્તિ પણ હજી સુધી સામે આવી નથી ત્યારે ત્રાહિત વ્યક્તિના આક્ષેપ પર સમાજમાં સન્માનનીય સ્થાન ધરાવતી વ્યક્તિ સામે ઍક્શન લેવી ગેરવાજબી છે.
કર્ણાટકના હોમ મિનિસ્ટર પરમેશ્વરે ગુરુવારે જ પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું કે આ કેસમાં આરોપી જ નહીં, ફરિયાદી પણ અમારી નજરમાં રહેશે અને જે કોઈ દોષી હશે તેની સામે ઍક્શન લેવામાં આવશે. કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે હજી સુધી આ વિશે કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું, પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આપેલા નિવેદન મુજબ ધર્મસ્થલાને બદનામ કરવાનું આ એક ષડયંત્ર માત્ર છે. હિન્દુ સંસ્થાને બદનામ કરવા માટે થતી આ પ્રક્રિયામાં સરકારે ફરિયાદીનું નામ પણ જાહેર કરવું જોઈએ એવી પણ સંઘે માગણી કરી છે.
ફરિયાદીને બુરખો શું કામ?
જો ફરિયાદીના જીવનું જોખમ હોય તો તેની ઓળખ છુપાવવાનો આદેશ કોર્ટ આપી શકે છે. આ કેસમાં કોર્ટે આદેશ કર્યો છે કે મીડિયા કે સોશ્યલ મીડિયા પર ફરિયાદીનું નામ કોઈ જાહેર કરે તો તેની સામે ઇન્ડિયન પીનલ કોડની સેક્શન ૨૨૮/એ હેઠળ ગુનો દાખલ કરીને તેની એરેસ્ટ કરવી.
પહેલી વાર મીડિયા સામે આવ્યો ભીમ ગારુ
જાન્યુઆરીથી ચાલતા આ વિવાદમાં ભીમ ગારુએ પહેલી વાર મીડિયા સમક્ષ પોતાના મનની વાત કહી છે. પ્રસ્તુત છે એ વાતના કેટલાક અંશો તેના જ શબ્દોમાં.
મેં મારા હાથે લાશો દાટી છે. હું કંઈ ખોટું નથી કહેતો. હું હિન્દુ છું. મંદિરની બદનામી કરવાની મારી કોઈ ભાવના નથી, પણ જે હકીકત છે એ મેં જાહેર કરી છે. લાશ દાટવા માટે મને ક્યારેય પંચાયતની મરણનોંધ આપવામાં આવી નથી. લાશ દફનાવવા માટે મંદિરના વહીવટદારો જ ઑર્ડર કરતા અને મારે એ કામ કરવું પડતું. ૨૦૧૪ સુધી મેં ફરજ સમજીને આ કામ ચૂપચાપ કર્યું, પણ હું અંદરથી તૂટી ગયો. મને રાતે સપનામાં લાશો જ આવતી. મારી ઊંઘ હરામ થઈ ગઈ એટલે મેં ગામ છોડી દીધું. એ પછી પણ મને શાંતિ મળી નહીં એટલે હું ગામમાં પાછો આવ્યો અને ન્યાય માટે લોકોની સામે આવ્યો.
મેં એકલાએ ઓછામાં ઓછી ૧૦૦થી વધુ લાશો દાટી છે. મારી જેમ જ આ વિસ્તારમાં કામ કરતા અન્ય સફાઈ-કામદારો પાસે પણ આ કામ થતું. મેં જે લાશો દાટી એમાંથી ૭૦થી વધુ લાશ મહિલાઓની હતી. એ મહિલાઓના શરીર પર ઈજાનાં નિશાનો હતાં તો અમુક મહિલાઓના શરીરનો દુરુપયોગ થયો હોય એવું પણ દેખાતું હતું. આ મહિલાઓ કોણ છે, તેમના પરિવારજનો કોણ છે એની મને ખબર નથી.

