ચારેય દશરથનંદનની જન્મજયંતી નિમિત્તે આપણે આ વખતે જઈએ કેરલાની નાલમ્બલમ યાત્રાએ જેમાં મર્યાદા પુરુષોત્તમ ઉપરાંત ત્રણેય ભાઈઓનાં અલાયદાં મંદિરોની જાત્રા થાય છે
શ્રી રામ મંદિર, ત્રિશુર
કારણ કે રવિવારે ભગવાન ૧શ્રી રામનો જન્મદિવસ છે. સોમવારે ભરતજીનો અને મંગળવારે જોડિયા બંધુઓ લક્ષ્મણ અને શત્રુઘ્નનો. આ ચારેય દશરથનંદનની જન્મજયંતી નિમિત્તે આપણે આ વખતે જઈએ કેરલાની નાલમ્બલમ યાત્રાએ જેમાં મર્યાદા પુરુષોત્તમ ઉપરાંત ત્રણેય ભાઈઓનાં અલાયદાં મંદિરોની જાત્રા થાય છે
માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના કોઈ પણ સ્થળે જ્યાં હિન્દુઓની વસ્તી છે ત્યાં શ્રી રામ મંદિર હશે જ. રઘુનાથની સાથે સીતામાતા હશે, લક્ષ્મણજી અને હનુમાન પણ હશે. તો વળી ક્યાંક આખો રામ પરિવાર પણ બિરાજમાન હશે પરંતુ દક્ષિણી રાજ્ય કેરલામાં રામચન્દ્રજીના ટેમ્પલ ઉપરાંત ત્યાંથી ૧૬ કિલોમીટરના અંતરે આવેલા એક ગામમાં ઓન્લી ભરતજીને સમર્પિત મંદિર છે. એનાથી વળી ૩૦ કિલોમીટર દૂર લક્ષ્મણ પ્રભુનું અલાયદું દેવાલય છે અને તેમના મંદિરથી ૩૨ કિલોમીટરના અંતરે તેમના ટ્વિન બ્રધર શત્રુઘ્નજીનું દેવળ છે. ઍન્ડ મજાની વાત તો એ છે કે દક્ષિણ ભારતીય ભક્તો આ ચારેય ભાઈઓની મંદિરની સર્ક્યુલર યાત્રા કરે છે, જેને નાલમ્બલમ યાત્રા કહેવાય છે.
ADVERTISEMENT
હવે આ મંદિરોની કથા જાણવા પૂર્વે નાલમ્બલમ યાત્રા વિશે થોડું જાણીએ. નાલમ્બલમ યાત્રા વર્ષમાં ફક્ત એક મહિના માટે જ થાય છે? ના-ના, પછીયે આ મંદિરો ખુલ્લાં રહે છે પરંતુ પર્ટિક્યુલર આ યાત્રા ખાસ સમય દરમિયાન કરવામાં આવે છે. હવે તમને થશે એ રામનવમીની આસપાસ જ થતી હશે, કારણ કે ચારેય ભાઈઓની જન્મજયંતી એક-એક દિવસના અંતરે જ આવે છે.
શ્રી ભરતમ મંદિર, ઈરિન્જાલાકુડા
ચોક્કસ મલયાલમ મહિને ચન્દ્ર જ્યારે મેષ રાશિમાં આવે ત્યારે યોજાય છે ત્યારે નાલમ્બલમ યાત્રા યોજાય છે. આ મહિનો મોસ્ટ્લી આપણા ગુજરાતી કૅલેન્ડર મુજબ અષાઢ વદ સાતમથી શ્રાવણ વદ પાંચમ દરમિયાન રહે છે. એમાંય આ મહિનાની બેઉ અગિયારસોએ તો અહીં ભક્તોની ભારી ભીડ હોય છે. ઍક્ચ્યુઅલી, કેરલામાં આ મહિનાને રામાયણ માસમના નામે પણ ઓળખવામાં આવે છે. મલયાલમ કૅલેન્ડરમાં એ વર્ષનો અંતિમ મહિનો છે. પરંપરા અનુસાર આ મહિનામાં મંદિરોમાં તેમ જ અનેક ઘરોમાં રામાયણનું વાંચન-કથા કરવામાં આવે છે. એથી જ આ માસમાં નાલમ્બલમ (નાલ અર્થાત ચાર અને મ્બલમ મીન્સ મંદિરો) યાત્રાનું મહત્ત્વ અદકેરું છે. સોશ્યોલૉજિસ્ટ કહે છે કે કેરલા ખેતીપ્રધાન રાજ્ય છે. આ મહિનાઓમાં અહીં અતિ ભારે વર્ષા થાય છે. આથી ખેતીલાયક કામકાજ કરી શકાતું નથી. એ ફાજલ સમયમાં પ્રભુનામ સ્મરણ થાય એ માટે રામાયણનું પઠન શરૂ થયું હોઈ શકે. નાલમ્બલમ યાત્રા પણ આ કારણે શરૂ થઈ હોવી જોઈએ. જોકે સોશ્યોલૉજિસ્ટે તો એક-બે સૈકાઓની સ્ટડી કરીને આ તારણ કાઢ્યું હશે. પરંતુ યાત્રાના ભરતમંદિરની એક શિલાલેખમાં ઉલ્લેખ છે કે ઈ. સ. ૮૫૪-૪૪ના ગાળામાં અહીં રાજ કરતા રાજવીઓએ આ આખોય જમીનનો પટ્ટો મંદિરને દાન કર્યો છે. એ અનુસાર મંદિરોનું સ્થાપન તો સાડાતેરસો વર્ષ પૂર્વે થયેલું છે અને મંદિરના પૂજારીઓ પણ કહે છે, ‘જ્યારે વાહનવ્યવહારનાં કોઈ સાધનો નહોતાં, રસ્તા કે કેડીઓ નહોતી એવા ટાઇમે પણ ભાવિકો પગપાળા, ચારેય બંધુઓનાં મંદિરો જુહારતા અને એક દિવસમાં નાલમ્બલમ યાત્રા પૂર્ણ કરતા.
આજે પણ ભાવિકો એ જ પદ્ધતિથી યાત્રા કરે છે. મોટા ભાગના લોકો વાહનોના માધ્યમે યાત્રા કરે, પરંતુ જૂજ ભક્તો પગપાળા પણ અહીં આવે છે. યાત્રા વહેલી સવારે ૪ વાગ્યે શરૂ થાય છે. કેરલા રાજ્યના ત્રિશુર (પૂર્વે ત્રિચુર) જિલ્લાના ત્રિપાયર ખાતે આવેલા રામ મંદિરથી. અહીં શ્રીરામજીની ઉષાપાનમ પૂજામાં શરીક થયા પછી ગાડી ઉપાડો ઇરિન્જાલાકુડા. આ ગામે ભરતને સમર્પિત મંદિર છે જે કુડલ માણિક્યમ નામે પણ ઓળખાય છે. જો તમે અહીં સવારે સાડાનવ- દસ વાગ્યા સુધી ફ્રી થઈ ગયા તો ડ્રાઇવ ટુ થિરુમુઝિકુલમ, જ્યાં લક્ષ્મણજીનાં બેસણાં છે અને એ પછી શત્રુઘ્નના મંદિરે પયામ્મલ જ્યાં સાંજના દીપોત્સવ કાર્યક્રમમાં હાજરી પુરાવો. અહીંનાં ચારેય મંદિર સવારે ચાર-પાંચ વાગ્યે ખૂલી મધ્યાહને સાડાઅગિયારે બંધ થઈ જાય છે. એ પછી સાંજે પાંચથી આઠ-સાડાઆઠ સુધી ખુલ્લા હોય છે. નાલમ્બલમ્ યાત્રા કરનારા ભાવિકો સવારના ભાગમાં રામજી અને ભરત મંદિરમાં દર્શન કરે છે અને સાંજે લક્ષ્મણ અને શત્રુઘ્નને વંદન કરે છે.
આ યાત્રા તથા મંદિરો વિશે જાણી તમને પ્રશ્ન થયો? કે મૂળે રામ બ્રધર્સ ઉત્તર ભારતમાં અયોધ્યાના, જે આ ધરતીથી ૨૪૦૦ કિલોમીટર દૂર છે. વળી રામ-લક્ષ્મણ-સીતાજી વનવાસ દરમિયાન પણ અહીં આવ્યાં નથી કે સીતામાતાની શોધમાં લંકા જતી વખતે પણ આ પ્રદેશમાં પધાર્યા નથી. તો વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામજીએ નિર્માણ કરેલી આ ભૂમિ પર શ્રી રામજીનું આટલું મહત્ત્વ કેમ? અમને પણ આ આશ્ચર્ય થયું. પછી દિમાગમાં બત્તી થઈ કે ધાર્મિક ગ્રંથો અનુસાર પ્રભુ રામ વિષ્ણુ ભગવાનનો સાતમો અવતાર છે. તેમના ભાઈ ભરત, વિષ્ણુજીના સુદર્શન ચક્રનો અવતાર છે એ જ રીતે લક્ષ્મણ શેષનાગજી (જેની ઉપર વિષ્ણુ ભગવાન પોઢે છે) અને શત્રુઘ્નને વિષ્ણુના શંખનો અવતાર મનાય છે. દક્ષિણ ભારતનો આખો આ પટ્ટો વિષ્ણુ પૂજક છે. એ અન્વયે રઘુનંદન અને તેમના ત્રણેય ભાઈઓ પણ અહીં એટલા જ પૂજનીય હોયને ભલા...
શ્રી લક્ષ્મણ પેરૂમલ મંદિર, થિરૂમુઝ્ઝિકુલ
શ્રી રામ મંદિર, ત્રિશુર
વેલ, આ યાત્રાની પૂર્વ ભૂમિકા જાણ્યા પછી ઝટ-ઝટ મંદિરે પહોંચીએ. તીર્થાટનનું મંગલાચરણ કરીએ શ્રી રામ મંદિરથી. ત્રિશુરથી ૨૨ કિલોમીટરના અંતરે આવેલું ત્રિપાયર ગામ કરુવન્નુરૂ (થીવ્રા)નદીને કિનારે વસેલું રળિયામણું ગામ છે. અને અહીંનું રામ મંદિર ગામની શાન છે. ટિપિકલ કેરેલિયન સ્ટાઇલનું, નક્કાશીદાર લાકડા અને લાલ નળિયાંવાળું મંદિર વિશાળ પરિસરમાં આવેલું છે. લાંબી પરસાળો, વિશાળ જળકુંડ. ઊંચો દીપ સ્તંભ અને હિમાચલી મંદિર જેવા દેખાતા મંદિરમાં પ્રવેશતાં એક અદ્ભુત અનુભૂતિ થાય છે.
થાય જ વળી, કારણ કે સામે જે શ્રી રામની મૂર્તિ છે એ શ્રીકૃષ્ણ દ્વારા પુજાયેલી છે. કહેવાય છે કે દ્વારિકામાં રાજા દ્વારકાધીશ (કૃષ્ણ) શ્રી રામની આ પ્રતિમાની પૂજા કરતા. જળસંકટ આવ્યું ને દ્વારકા ડૂબી એમાં આ મૂર્તિ પણ સમુદ્રમાં તણાઈ ગઈ. એ પછી હજારો વર્ષો વીત્યા બાદ એ પ્રદેશના એક માછીમારને મૂર્તિ સાંપડી અને તેણે વક્કાયિલ જાતિના સરદારને આપી અને ત્યારથી આ પ્રતિમા પુજાય છે. કહે છે કે મછવારાને ચારેય ભાઈઓની મૂર્તિ સાથે જ મળી હતી.
અગેઇન બૅક ટુ રામ મંદિર. તો ગર્ભગૃહમાં ચાર હસ્તધારી શ્રી રામની પ્રતિમા છે જેના એક હાથમાં શંખ, બીજામાં ચક્ર, ત્રીજામાં ગદા અને ચતુર્થ હાથમાં માળા છે. મોટા ભાગે રામચંદ્રજીની મૂર્તિમાં તેઓ બાણ અને તીર લઈને ઊભા હોય. જ્યારે આ રામ મૂર્તિ વિષ્ણુજીના સ્વરૂપમાં છે એટલે ચતુર્ભુજ છે. અહીં રામની મૂર્તિ જેમ યુનિક છે એ જ રીતે કુડલ માણિક્યમમાં ભરતની મૂર્તિ પણ આ જ સ્વરૂપમાં છે.
શ્રી શત્રુઘ્નસ્વામી મંદિર, પયામ્મલ
શ્રી ભરતમ ટેમ્પલ, ઈરિન્જાલાકુડા
હવે ભરતના મંદિરે જઈએ. ત્રિપાયરથી ઈરિન્જાલાકુડા ફક્ત ૧૬ કિલોમીટર દૂર છે. અહીં આવેલું કુડલ માણિક્યમ દેશનું પ્રાચીન મંદિરોમાંનું એક છે. ચારેય બાજુ વૉટર બૉડી ધરાવતા આ મંદિરનું વાતાવરણ એવું શાતાદાયક છે કે કોઈ વિઝિટરને અહીંથી નીકળવાનું મન નથી થતું. હવે જો મુલાકાતીઓની પણ આવી લાગણી હોય તો શ્રદ્ધાળુઓની તો વાત જ શું કરાય!
દ્રવિડ વાસ્તુકલાના બેજોડ નમૂના સમા આ આલયમ્ (મંદિર)નું પ્રવેશદ્વાર, ગોળાકાર ગર્ભગૃહ, દીવાલો પર ઉકેલાયેલી પથ્થર તેમ જ લાકડાની નક્કાશી તેમ જ રંગીન ભીંતચિત્રો જબરદસ્ત પ્રભાવશાળી છે. સ્થાપત્યકળામાં રસ ધરાવતા લોકોની કૅમેરાની ચાંપો જરાય પોરો નથી ખાવાની.
‘પણ આને ભરત મંદિર નહીં ને કુડલ માણિક્યમ કેમ કહે છે?’ એનો જવાબ આપતાં અહીંના પૂજારી ‘મિડ-ડે’ને કહે છે, ‘કુડલ માણિક્યમનો હિન્દી અનુવાદ થાય ઈશ્વર સાથે સંગમ. આ સ્થળને સંગમેશ્વર પણ કહેવાય છે. એની પાછળની લોકકથા એ છે કે અનેક વર્ષો પૂર્વે એક દિવસ અહીંના મુખ્ય દેવતાના લલાટ પર અસામાન્ય તેજપુંજ દેખાયો. શોધખોળ કરવા છતાં પૂજારીઓને કે દર્શનાર્થીઓને એ રોશની ક્યાંથી આવે છે એનો કોઈ સ્રોત ન મળ્યો. આ વાતની જાણ અહીંના રાજાને થઈ ત્યારે કાયમકુલમના રાજાએ એ ચમકનાં પારખાં કરવા પોતાના ખજાનામાં રહેલા કીમતી માણેક લઈને અનુચરોને મંદિરમાં મોકલ્યા. તેઓ એ રત્નને પોતાના હાથમાં રાખી બેઉ રોશનીની તુલના કરી રહ્યા હતા ત્યાં અચાનક એ માણેક રાજાના માણસોના હાથમાંથી સરી ગયો અને મૂર્તિમાં સમાઈ ગયો. આમ મૂર્તિના તેજમાં માણેકના ઝળહળાટનો સંગમ થવાથી એનું નામ પડ્યું કુડલ માણિક્યમ. જોકે હવે મૂર્તિ ચમકતી નથી પરંતુ પ્રમાણ છે કે છેલ્લે ૧૯૦૭માં અગેઇન મૂર્તિ પર એવું તેજ દેખાયું હતું.
ઈરિન્જાલકુડા ગામ પણ કાફી પ્રસિદ્ધ છે. કહેવાય છે કે પૌરાણિક કાળમાં અહીં ગાઢ અરણ્ય હતું અને આ જંગલમાં મહર્ષિ કુલિપીનીના નેતૃત્વ હેઠળ અનેક ઋષિઓએ શ્રી વિષ્ણુને પ્રસન્ન કરવા લગાતાર યજ્ઞ કર્યા. ઋષિઓની ભક્તિની ગહેરાઈ અને આતુરતા જોઈ ભગવાન સાક્ષાત પ્રગટ થયા અને તેમને વરદાન માગવાનું કહ્યું. ત્યારે મહર્ષિએ તેમને અહીં રહી જવાનું સૂચન કર્યું. શ્રી વિષ્ણુજીએ કહ્યું, તથાસ્તુ. એ પછી ઋષિઓએ પવિત્ર ગંગા નદીને પણ આહવાન કર્યા અને માતા ગંગા અનેક ઝરણાં સ્વરૂપે અહીં પ્રગટ્યાં. માન્યતા છે કે ઋષિઓએ એમાં જ જળસમાધિ લઈ દેવલોકમાં પહોંચ્યા. આથી આ તીર્થ કુલિપિની તીર્થમ પણ કહેવાય છે. આજે આ નામ બહુ જાણીતું નથી પરંતુ કુલિપિની તીર્થમ નામનું સરોવર હજી અહીં મોજૂદ છે .અને ભગવાનને ચડતો ભોગ આ જળમાંથી જ બને છે. તેમ જ અહીંના પૂજારીઓ પણ આ પાણીથી સ્નાન કર્યા બાદ ગર્ભગૃહમાં જાય છે.
જોકે હાલનું મંદિર આ ઘટના પછી સેંકડો વર્ષો બાદ બન્યું છે, જેની કથા અનુસાર વક્કાયિલ જાતિના મુખિયાને સ્વપ્ન આવ્યું હતું, જેમાં કોઈ અગોચર શક્તિએ તેમને ચારેય મૂર્તિ વિશે કહ્યું હતું, સ્વપ્નના આદેશ અનુસાર તેઓ બીજા દિવસે સમુદ્રતટ પર ગયા અને તેમને ત્યાં ચારેય ભાઈઓની પ્રતિમા મળી અને સપનામાં થયેલાં નિર્દેશિત સ્થળોએ જ તેમણે બધી મૂર્તિઓને એ-એ સ્થળે સ્થાપિત કરી.
શ્રી લક્ષ્મણ પેરૂમલ મંદિર, થિરૂમુઝ્ઝિકુલ
આમ તો કેરલાના ૧૩ અને દક્ષિણ ભારતના વિષ્ણુ ભગવાનના ૧૦૮ દિવ્ય દેશમ્ સ્થળના ગણના પામતું શ્રી લક્ષ્મણા પેરૂમલ (લક્ષ્મણજી)નું મંદિર થિરૂમુઝ્ઝિકુલ, ત્રિશુરના બાજુના જિલ્લા એર્નાકુલમમાં પડે, પરંતુ ભાઈ ભરતના દેવાલયથી માત્ર ૩૦ કિલોમીટર દૂર છે. બેઉ જ્યેષ્ઠ ભ્રાતાઓનાં મંદિરોની જેમ લક્ષ્મણજીનું મંદિરનું બાંધકામ કેરાલિયન શૈલીનું છે અને પવિત્રતા પણ એવી જ પાવરફુલ છે. ઊડીને આંખે વળગે એવી વિશેષતા એ છે કે મંદિરના પરિક્રમા પથની દીવાલો પર અદ્વિતીય પેઇન્ટિંગ્સ છે જે કલાપ્રેમીઓ માટે ગોળનું ગાડું છે (આ ચિત્રો જોવા વિદેશી યાત્રાળુઓ અહીં મોટી સંખ્યામાં આવે છે). અન્ય સિગ્નિફિકન્ટ વાત એ છે કે મંદિરના પ્રવેશદ્વારમાંથી અંદર આવો એટલે દરેક વ્યક્તિને સૅક્રિફાઇસ, ડિવોશન અને ડેડિકેશનની ઑરા ઘેરી વળે જે કદાચ લક્ષ્મણજીના જુવાન કવનમાંથી આવતી હશે.
શ્રી શત્રુઘ્નસ્વામી મંદિર, પયામ્મલ
શત્રુઘ્ન આમ તો લક્ષ્મણના જોડિયા સહોદર. પણ ચારેય ભાઈઓમાં નાના. કદાચ એટલે જ રામ, લક્ષ્મણ, ભરતની શક્તિ, સાર્મથ્ય અને બલિદાનની સામે અનુજ શત્રુઘ્નની બહુ વાતો નથી થઈ. પરંતુ જેમ લક્ષ્મણ રામના પડછાયા બનીને રહ્યા તેમ શત્રુઘ્ન આજીવન ભાઈ ભરતના અનુચર બનીને રહ્યા. રામ-લક્ષ્મણનો વનવાસ કાળ, એ ૧૪ વર્ષો સુધી ભરતનું નંદિગ્રામમાં રહેવું. એવા સમયે શત્રુઘ્નએ રાજ્યનો સઘળો કાર્યભાર તથા ત્રણેય માતાઓ, ભાઈઓની પત્નીઓને સાચવ્યા અને સંભાળ્યા. અરે, મથુરાનો ક્રૂર શાસક લવણાસુરનો વધ પણ આ પરાક્રમી રાજકુમારે કર્યો છે. આવા વીર શત્રુધ્નનું મંદિર થિરુમુઝિક્કુલથી ૩૨ કિલોમીટર દૂર પયામ્મલમાં છે. નાલમ્બલમ યાત્રાનું આ છેલ્લું યાત્રાસ્થળ પણ શાંત અને સુંદર છે. આ ગામ પ્રમાણમાં નાનું છે અને મંદિર પણ નાનું છે. પરંતુ વિષ્ણુ સ્વરૂપની શત્રુઘ્નની મૂર્તિ ૬ ફીટની છે અને એનાં દર્શન કરતાં જ ભક્તો સંતુષ્ટિનો અનુઠો ભાવ અનુભવે છે.
અહીં પણ દરેક મંદિરની જેમ દિવસ દરમ્યાન ૩ પૂજાઓ થાય છે, જેમાં મોટા ભાગે ભક્તો સાંજની દીપારાધનામાં ભાગ લે છે. કહેવાય છે કે આ દીપક શત્રુઘ્ન ભગવાનની પત્ની શ્રુતકીર્તિ માટે પ્રગટાવાય છે. એ જ રીતે ભક્તોની શ્રદ્ધા છે કે અહીં ધાતુ અથવા ફૂલનું સુદર્શન ચક્ર અર્પણ કરતાં પરિવારમાં સમૃદ્ધિ વધે છે.
ટીપુ સુલતાનના કાર્યકાળમાં આ મંદિરને એના સૈનિકોએ ખૂબ નુકસાન પહોંચાડ્યું હતું. એ ક્રૂર સૈન્યથી બચવા પૂજારીઓએ ભગવાન શત્રુઘ્નની પંચ ધાતુની મૂર્તિ તળાવમાં પધરાવી દીધી હતી. બાદમાં એ મૂર્તિ તો પરત નથી મળી પણ હાલમાં એના જેવી જ પથ્થરની મૂર્તિની પૂજા કરાય છે. જોકે એરિજિનલ મૂર્તિ ન હોવા છતાં ભક્તોની આસ્થામાં ઓટ આવી નથી. વર્ષ દરમિયાન થતાં મંદિરના વાર્ષિક ઉત્સવોમાં તેમ જ યાત્રા દરમિયાન હજારો યાત્રાળુઓ ભગવાન શત્રુઘ્નને ભેટવા આવે છે.
અનેક પવિત્ર અને પૌરાણિક મંદિરો ધરાવતો કેરલાનો ત્રિશુર જિલ્લો રાજ્યનું કલ્ચરલ કૅપિટલ ગણાય છે. મંદિરોની સાથે આ જિલ્લામાં નૃત્ય, કળા, સાહિત્ય, સંગીતની રચના થઈ છે અને એનું સંવર્ધન પણ થાય છે. મુંબઈથી ત્રિશુર પહોંચવા ડાયરેક્ટ ટ્રેનો છે અને ફ્લાઇટ્સ પણ છે. દરેક મંદિર આ શહેરથી જ નજીક હોવાથી ત્રિશુરમાં જ રહેવું સુગમ રહે છે. રહેવા માટે અહીં અનેક રિસૉર્ટ, હોટેલ્સ છે તો કેરાલિયન વિલા કે હોમ સ્ટેનો કન્સેપ્ટ પણ અવેલેબલ છે. કેળના પાન પર ભાત સાથે જાતજાતની ચટણી, કરી, અથાણાંઓ, પાપડમ્ પીરસવા માટે ફેમસ આ ટાઉનમાં દરેક જગ્યાએ મસ્ત વેજિટેરિયન ફૂડ મળી રહે છે. ઈવન દરેક મંદિરની બહાર પણ શાકાહારી ભાણું પીરસતી સુઘડ રેસ્ટોરાં છે.
કેરલાને ગૉડ્સ ઓન કન્ટ્રીનું બિરુદ મળ્યું છે. દરેક ઘુમક્કડોને, પ્રકૃતિપ્રેમીઓને પણ લાઇફ ટાઇમમાં એક વખત કેરલા ફરવા જવાનું પ્રલોભન રહે જ છે. બૅકવૉટર્સ, બીચિસ, હરિયાળાં ખેતરો, ડુંગરાઓની સાથે અહીં બેનમૂન મંદિરો પણ છે. સો, તીર્થાટન પ્રેમીઓ તમે પણ મસ્ટ-ગો પ્લેસમાં કેરલા રાજ્યનો સમાવેશ કરી દેજો. નાલમ્બલમ યાત્રા દરમિયાન ન જઈ શકો તો વાંધો નહીં, એ સિવાય કોઈ પણ દહાડે આ ચારેય ભાંડુઓનાં મંદિરોનાં દર્શન કરવા જાજો. અને હા, ચૈત્ર સુદ નોમ, દશમ, અગિયારસ ત્રણેય દિવસે લાપસીનાં આંધણ ચડાવવાનું ચૂકતા નહીં.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
કેરલાના આ સ્વચ્છ અને સુઘડ મંદિરોમાં પાશ્ચાત્ય પોષાકમાં એન્ટ્રી નથી. પુરુષો શર્ટ-પૅન્ટ પહેરે એ ચાલે પરંતુ નરેન્દ્રભાઈ મોદીની જેમ ધોતી પહેરો તો ઉત્તમ. સ્ત્રીઓ સાડી, સલવાર, કમીઝમાં જઈ શકે છે.
આગળ કહ્યું એમ ત્રિપાયર રામ મંદિરમાં મીનુષ્ઠુ કરવાની વિધિ બહુ પૉપ્યુલર છે. ઍન્ડ યસ, શ્રી કૃષ્ણને સમર્પિત ગુરુવાયુર અહીંથી ફક્ત ૨૫ કિલોમીટરના અંતરે છે.
ભરત મંદિર કથકલી (નૃત્ય), કુથુ, કુડિયારમ, થુલલ્લ જેવી કળાઓનું પોષણ કેન્દ્ર છે. આ આર્ટ માટે અહીં મંદિરના પ્રાંગણમાં વિશેષ હૉલ ફાળવવામાં આવ્યા છે. જ્યાં પર્ફોર્મન્સ પણ થાય છે અને શીખવવામાં પણ આવે છે. અહીંની અન્ય વિશિષ્ટતાઓ એ છે કે અહીં ભરત ભગવાનની દીપક પૂજા નથી થતી તેમ જ આખાય પરિસરમાં ક્યાંય તુલસી ક્યારો નથી. કહે છે કોઈ અગમ્ય કારણોસર અહીં તુલસી ઊગતાં જ નથી. તેમ જ આ મંદિરમાં ભરત સિવાય અન્ય કોઈ દેવી કે ભગવાનની મૂર્તિ પણ નથી.
શત્રુઘ્ન મંદિરના ગણપતિ પ્રત્યે ભાવિકોને ખૂબ લગાવ છે તેઓ અહીં સ્પેશ્યલ ગજાનન મહારાજની પૂજા કરવા પણ આવે છે.
નાલામ્બલમ યાત્રા સિવાય દરેક મંદિરના વાર્ષિક ઉત્સવો અલગ-અલગ દિવસોએ છે. આ બે મહત્ત્વના પ્રસંગો સિવાયના દિવસોમાં દરેક મંદિરમાં બહુ ભીડ નથી હોતી.
કેરલામાં નાલમ્બલમ યાત્રા એટલી પૉપ્યુલર છે કે આ રાજ્યમાં જ અન્ય પાંચ ઠેકાણે આ રીતે શ્રી રામ ઍન્ડ બ્રધર્સનાં મંદિરો નિર્માણ કરાયાં છે. અફકોર્સ, આ સર્કિટ અર્વાચીન છે. છતાંય અહીં પણ ભાવિકોનું આવાગમન ચાલુ જ રહે છે.
ગયા વર્ષે અયોધ્યાના રામ મંદિરની પ્રતિષ્ઠા પૂર્વે માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેરલાના ગુરુવાયુર મંદિર સાથે ત્રિપાયર રામ મંદિરનાં દર્શન પણ કર્યાં હતાં. ટ્રેડિશનલ મુંડુ (ધોતી) અને વેષ્ટી (ખેસ) પહેરી તેમણે મિનોષ્ટુ (ફિશ ફીડિંગ) વિધિ પણ કરી હતી.

