આજે હનુમાન જન્મોત્સવ ઊજવાઈ રહ્યો છે ત્યારે આ ઇચ્છાપૂર્તિ હનુમાન મંદિર સાથે સંકળાયેલી અનેક ઇન્ટરેસ્ટિંગ વાતો જાણીએ
ખારમાં આવેલા શ્રી ઘંટેશ્વર હનુમાન મંદિર
ખાર રોડ સ્ટેશનથી પાંચ-સાત મિનિટના અંતરે આવેલા મધુ પાર્કની લગોલગ બિરાજમાન સ્વયંભૂ ઘંટેશ્વર હનુમાન માટે ભક્તોની શ્રદ્ધા એવી છે કે તેમને એક ઘંટ ચડાવીને માનતા માનવામાં આવે તો મનની ઇચ્છાઓ પૂરી થાય છે. આજે હનુમાન જન્મોત્સવ ઊજવાઈ રહ્યો છે ત્યારે આ ઇચ્છાપૂર્તિ હનુમાન મંદિર સાથે સંકળાયેલી અનેક ઇન્ટરેસ્ટિંગ વાતો જાણીએ
ખારમાં આવેલા શ્રી ઘંટેશ્વર હનુમાન મંદિરનો ઇતિહાસ જેટલો રોચક છે એટલી જ રસપ્રદ અને અનોખી અહીંની પરંપરા છે. અહીં હનુમાન જન્મોત્સવની ઉજવણી એટલી ધામધૂમથી થાય છે કે આખા મુંબઈના લોકો દિવસ દરમિયાન યોજાતા કાર્યક્રમોમાં સહભાગી થવા આતુર થતા હોય છે.
ADVERTISEMENT
રોચક ઇતિહાસ
સ્વયંભૂ પ્રગટ થયેલા હનુમાનદાદા ભક્તોની માનતાઓ પૂરી કરતા હોવાથી પશ્ચિમનાં ઉપનગરોમાં રહેતા લોકો ખાસ અહીં દર્શન કરવા આવે છે. આ મંદિર કયા સંજોગોમાં બન્યું એ વિશે વાત કરતાં ઘંટેશ્વર હનુમાન મંદિર મંડળના ઉપસચિવ સુધીર વામને ‘મિડ-ડે’ને કહે છે, ‘૧૯૬૦માં મધુ પાર્કની લગોલગ આવેલા પીપળાના ઝાડની નીચે ઘંટેશ્વર હનુમાનદાદાની સ્થાપના થઈ હતી. કથા એવી છે કે સ્વ. રમેશ મોરે અને સ્વ. ગોપીનાથ માલપ તેમના મિત્રો સાથે અવારનવાર કબડ્ડીની રમત રમવા મધુ પાર્કના મેદાનમાં આવતા હતા. રમેશ મોરે હનુમાનદાદાના મોટા ભક્ત હતા. એક વાર તેમના સ્વપ્નમાં હનુમાનદાદા પોતે આવ્યા. રાતે આવેલા સપનામાં તેમણે મધુ પાર્કની લગોલગ આવેલા પીપળાના મૂળમાં ધરતી નીચે હનુમાનની મૂર્તિ જોઈ અને એવું પણ અનુભવ્યું કે હનુમાનદાદાએ પોતે તેમને દર્શન દીધાં હતાં અને કહ્યું હતું કે હું તારી ભક્તિથી પ્રસન્ન છું, મારી મૂર્તિને અહીંથી બહાર કાઢીને સ્થાપિત કરો. રમેશ મોરેએ તેમના સ્વપ્ન વિશે ગોપીનાથ અને તેમના અન્ય મિત્રોને જણાવ્યું. બધાએ મળીને એ જગ્યાની તપાસ કરવાનું નક્કી કર્યું કે ત્યાં ખરેખર કોઈ મૂર્તિ છે કે આ ફક્ત સ્વપ્ન જ હતું. ત્યાં જઈને જોયું તો ખરેખર મૂર્તિ મળી આવી. રમેશ મોરે અને તેમના મિત્રોએ મળીને પીપળા અને વડના વૃક્ષ નીચે મધુ પાર્કની બહારના ભાગે મૂર્તિની સ્થાપના કરી અને નિયમિત પૂજાની શરૂઆત કરી. ભંડોળ ભેગું કરીને નાનકડું મંદિર બનાવ્યું. ત્યારથી અત્યાર સુધી દરરોજ હનુમાનદાદાની પૂજાઅર્ચના થાય છે અને ચૈત્રી પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થાય છે. હવે મંડળના સભ્યો મળીને ટૂંક સમયમાં જીર્ણોદ્ધાર કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ.’
ઘંટેશ્વર નામ કઈ રીતે પડ્યું?
મંદિરની કથા જેટલી રસપ્રદ છે એટલું જ રસપ્રદ છે મંદિરનું નામ. ભક્તો અહીં સ્થાપિત કરેલી મૂર્તિને ઘંટેશ્વર હનુમાનના નામે જાણે છે. આ નામ પાછળનો મહિમા જણાવતાં સુધીરભાઈ કહે છે, ‘શ્રી ઘંટેશ્વર હનુમાન મંદિર જાગૃત દેવસ્થાન છે. પહેલાં આ હનુમાન મંદિર તરીકે જ ઓળખાતું હતું, પણ એક વાર ભક્તે તેની માનતા પૂરી થતાં દાદાને ઘંટ ચડાવ્યો. ધીરે-ધીરે બધા જ ભક્તને એવું લાગવા લાગ્યું કે અહીંના હનુમાનને ઘંટ ચડાવવામાં આવે તો મનોકામનાઓ પૂરી થાય છે ત્યારથી આ પ્રથા અત્યાર સુધી ચાલતી આવે છે. ભક્તોની શ્રદ્ધા અને આસ્થાને લીધે જ આ અનોખી પરંપરા શરૂ થઈ અને એને કારણે આ મંદિરનું નામ શ્રી ઘંટેશ્વર હનુમાન મંદિર રાખવામાં આવ્યું.’
મંદિરની વિશેષતા
મંદિર વિશે વધુ માહિતી આપતાં સુધીરભાઈ કહે છે, ‘મંદિરમાં જાગૃત હનુમાનની મૂર્તિ સાથે ગણપતિબાપ્પા અને અંબા માતાજીની પણ નિત્ય પૂજા પણ થાય છે. આ ઉપરાંત શનિદેવને પણ બિરાજમાન કરવામાં આવ્યા છે. મંદિરમાં મંગળવારે અને શનિવારે આખો દિવસ હનુમાનદાદાને તેલ ચડે છે. તેથી બુધવારે અને રવિવારે સાફસફાઈ થતી હોવાથી ભક્તો માટે મંદિરનાં દ્વાર મોડાં ખૂલે છે. દાદાને ચડાવેલું તેલ અમે વેસ્ટ જવા દેતા નથી, એ જમા કરીને એનો ઉપયોગ અખંડ દીવા માટે કરીએ છીએ. અહીં પાંચ અખંડ દીવા અવિરત ચાલુ રહે છે. મંદિરમાં પાંચ અખંડ દીવાની જ્યોત ચાલુ જ રહે છે. ગર્ભગૃહની બહાર બિરાજમાન શનિદેવની છબીની બાજુમાં પણ એક દીવો ચાલુ રહે છે.’
હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાનદાદાની ચાંદીની મૂર્તિને પાલખીમાં બેસાડી ભવ્ય પાલખી યાત્રાનું આયોજન થાય છે.
અહીં ભક્તો દ્વારા ચડાવવામાં આવતા ઘંટને સૌથી પહેલાં હનુમાનદાદાને ચડાવવામાં આવે છે, પછી એ ઘંટને વગાડીને પ્રાર્થના કર્યા બાદ એને બીજા દિવસે અન્ય ઘંટ સાથે પરોવી નખાય છે. મંદિરમાં આખો દિવસ હનુમાન ચાલીસાના પાઠની ટેપ ચાલુ જ હોય છે. આમ તો સવારની આરતી આઠ વાગ્યે અને સાંજની સાત વાગ્યે થાય છે, પણ મંગળવારે સવારે સાડાચાર વાગ્યે અને શનિવારે ચાર વાગ્યે પહેલી આરતી થાય છે અને સાંજે રોજ પ્રમાણે સાત વાગ્યે આરતી થાય છે. ઘંટેશ્વર હનુમાન ભક્તોને હાજરાહજૂર રહેવાના પરચા આપે છે એમ જણાવતાં સુધીરભાઈ કહે છે, ‘અહીં આવતા ભક્તોની તમામ માનતાઓ પૂરી થાય છે એનાથી મોટો પરચો તો કોઈ હોઈ જ ન શકે. ઘણી વાર બગડતાં કામ બની જાય છે, મુશ્કેલીઓમાંથી સહેલાઈથી નીકળી જવાય છે ત્યારે એવું લાગે કે હનુમાનદાદા અમારી સાથે જ છે. એક તાજું જ ઉદાહરણ આપું તો દરરોજ ભજનનો કાર્યક્રમ હોય છે. અલગ-અલગ ભજનમંડળ અહીં આવીને ભજન ગાય છે ત્યારે મહિલામંડળનાં ભજન રાખ્યાં હતાં એમાં એક યુવતીએ કહ્યું કે હું જ્યારથી અહીં આવતી થઈ છું ત્યારથી મારા જીવનમાં નકારાત્મક ચીજો બનતી બંધ થઈ ગઈ છે એટલું જ નહીં, મને વર્ષોથી માઇગ્રેનની સમસ્યા હતી એ પણ દૂર થઈ ગઈ છે. ખારમાં રહેતાં એક ગુજરાતી બહેન મંદિરમાં ઘંટ ચડાવવા આવ્યાં હતાં ત્યારે તેમણે પણ જણાવ્યું હતું કે હું અહીં આવીને મારા પરિજનોના સ્વાસ્થ્ય અને સારા જીવન માટે કામનાઓ કરતી જ હોઉં છું અને ઘંટેશ્વર હનુમાન મારી માનતાઓ પૂરી કરે છે.’
ઘંટનું મૅનેજમેન્ટ જબરદસ્ત
મંદિરમાં દર્શન માટે આવતા ભક્તોમાંથી શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે કોઈ પિત્તળના ઘંટ ચડાવે તો કોઈ ચાંદીના ચડાવે. જેમની સ્થિતિ સારી હોય એ લોકો સોનાના ઘંટ પણ ચડાવી જાય છે. ઘણા લોકો ગદા પણ ચડાવે છે. અમે આ ઘંટને મંદિરના પિલરમાં અને છત પર ગોઠવી નાખીએ છીએ એમ જણાવતાં સુધીર વામને કહે છે, ‘નાના ઘંટ અને ગદાનાં અલગ-અલગ તોરણ બનાવીને એને સજાવીએ છીએ. મોટાં અને મીડિયમ સાઇઝના ઘંટ અને ગદાને મોટા ભાગે છત પર જ ગોઠવાય છે. આ ઘંટ અને ગદાનું મેઇન્ટેનન્સ અને ગણતરી પણ અમારે રાખવી પડે છે. ચોમાસામાં એને નુકસાન ન પહોંચે એ માટે અમે લોખંડને બદલે તાંબાથી બનેલા તારમાં સ્ક્રૂની મદદથી ઘંટને પરોવીએ છીએ. દર બે મહિને અમે નટબોલ્ટ અને સ્ક્રૂની હેલ્થ પણ ચેક કરીએ છીએ. અસંખ્ય ભક્તો અહીં ઘંટ ચડાવીને માનતા માનતા હોય છે. મંદિરની જગ્યા નાની હોવાથી વર્ષો જૂના ઘંટને અત્યાર સુધી સ્ટોર કરી શકાય એમ ન હોવાથી અમે ત્રણથી ચાર વાર આ ઘંટની હરાજી પણ કરી છે. અત્યારે મંદિરમાં નાની-મોટી સાઇઝના પાંચ લાખ કરતાં વધુ ઘંટ છે અને ગદાની સંખ્યા ૨૦૦ કરતાં વધુ છે.’
કાર્યક્રમોનું મૅનેજમેન્ટ જોરદાર
મંદિર નાનું છે પણ કાર્યક્રમોનું આયોજન મોટા પાયે થતું હોય છે. એનું મૅનેજમેન્ટ કઈ રીતે થાય છે એ વિશે વાત કરતાં મંડળના અધ્યક્ષ સંદીપ માલપ કહે છે, ‘અમે દરેક તહેવાર અને સામાજિક પ્રવૃત્તિઓ મોટા પાયે કરીએ છીએ. ૧૫ ઑગસ્ટ અને દિવાળી જેવા તહેવારો ઉપરાંત બ્લડ-ડોનેશન કૅમ્પ, નાનાં બાળકો માટે સહાય, હૉસ્પિટલના દરદીઓને પોષણ મળે એ માટે રૅશન કિટ બનાવીને વહેંચણી કરવી જેવાં કાર્યો અમે છાશવારે હાથ ધરતા હોઈએ છીએ. મંદિર રોડની લગોલગ આવેલું હોવાથી દરેક કાર્યક્રમ કરતાં પહેલાં પાલિકા અને ટ્રાફિક વિભાગની પરવાનગી લઈએ છીએ અને તેમનાં સલાહ-સૂચનોનું પાલન કરીને કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ. આ મંદિરમાં દર્શન કરવા શિલ્પા શેટ્ટી, રાની મુખરજી અને મરાઠી ફિલ્મોના કલાકાર સિદ્ધાર્થ જાદવ તથા રાજકારણીઓ પણ અવારનવાર આવતાં હોય છે. આ વખતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી મહાઆરતીમાં સહભાગી થશે અને પ્રસાદનું વિતરણ કરશે. આનાથી વિશેષ અમારા માટે કંઈ ન હોઈ શકે. અનંત અંબાણી ધર્માદામાં અને ધાર્મિક કાર્યોમાં મોખરે હોય છે તેથી અમે તેમને આમંત્રણ આપ્યું હતું અને તરત જ તેમણે સ્વીકાર્યું.’
હનુમાન જન્મોત્સવ વિશે જાણવા જેવું
અહીંનો હનુમાન જન્મોત્સવ પણ બહુ ખાસ છે એવું જણાવતાં સંદીપ માલપ કહે છે, ‘આખી દુનિયા હનુમાનદાદાના જન્મદિનને હનુમાન જયંતી કહે છે, પણ અમે જન્મોત્સવ કહીએ છીએ. આ દિવસ હનુમાનભક્તો માટે બહુ જ મોટો ગણાય છે. સૂર્યોદય પહેલાં મહાપૂજા થાય છે અને પછી મંદિરની બાજુમાં ગોઠવેલા સ્ટેજ પર સત્યનારાયણની કથા કરવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. અમે એનું અનુસરણ કરીએ છીએ. સાંજે પાંચ વાગ્યે હનુમાનદાદાની ચાંદીની મૂર્તિને પાલખીમાં બેસાડીને પૂજા કરીને પાર્કની ફરતે ગોળ ફેરવીને પાલખીયાત્રા કાઢીએ છીએ. આ યાત્રામાં સેંકડો લોકો અમારી સાથે જોડાય છે અને સાંજે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન હોય છે. દર વર્ષે અમે ધામધૂમથી હનુમાન જન્મોત્સવ ઊજવીએ છીએ. આ વખતે અમે પહેલી વાર રામનવમીથી હનુમાન જન્મોત્સવ સુધી વિશેષ ભજનનું આયોજન રાખ્યું. સાંજે છ વાગ્યે શરૂ થાય અને ૧૦ વાગ્યે પૂરાં થાય. સોશ્યલ મીડિયા પર પણ ઘંટેશ્વર હનુમાનની લોકપ્રિયતા વધી રહી હોવાથી ઘણા લોકો અહીં આવીને રીલ બનાવી જાય છે. એ બાબતને ધ્યાનમાં રાખીને અમે રીલ બનાવવાની કૉમ્પિટિશન રાખી છે. આજે જે લોકો અહીં આવીને બેસ્ટ રીલ બનાવશે તેને ભેટ અપવામાં આવશે.’

