ઈશ્વરના અંશનો અંશ આપણા અંતરમાં રહેલો હોય છે. છતાં આપણને તે દેખાતો નથી કારણ કે શરીરના પડદા પાછળ આ ઈશ્વરી અંશ છુપાયેલો હોય છે. અને માનવી પોતાના સ્વભાવ મુજબ સુખ-દુઃખ, હસી-ખુશીના ઘોંઘાટમાં ડૂબી ગયો છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
એક પ્રખ્યાત ચિંતકે લખ્યું છે It is Divinity that stirs within. જે અંદરથી સારું કાર્ય કરવાનું સૂઝવે તે ઈશ્વર જ હોઈ શકે. ઈશ્વરના અંશનો અંશ આપણા અંતરમાં રહેલો હોય છે. છતાં આપણને તે દેખાતો નથી કારણ કે શરીરના પડદા પાછળ આ ઈશ્વરી અંશ છુપાયેલો હોય છે. અને માનવી પોતાના સ્વભાવ મુજબ સુખ-દુઃખ, હસી-ખુશીના ઘોંઘાટમાં ડૂબી ગયો છે. એનાથી પર થવા માટે સુખ કે દુ:ખમાં અટવાયા વગર મનની શાંતિની અનુભૂતિ કરો. તટસ્થ બનીને સુખની અને દુઃખની વાતો એકલા કાનને જ સાંભળવા દો. એટલાબધા શાંત બની રહો કે તમારી ખુદની અંદર બેઠેલા ઈશ્વરના અંશની ઇચ્છા અને વિભુની વાણી તમે સાંભળી શકો. મારા પિતાશ્રીને ગમતું એક ભજન યાદ આવી રહ્યું છે. ‘ઈશ્વર ગુલોગુલઝાર મેં મૈંને તુમ્હે ઢૂંઢા.... કહીં મંદિર.. કહીં મસ્જિદ.. કહીં ગિરજે સભી દેખે... ગંગા યમન કે દ્વાર પર મૈંને તુમ્હે ઢૂંઢા... આખિર પતા લગા કિ તેરા દિલ મેં વાસ હૈ... ઢૂંઢે કોઈ કહાં કિ તૂ હર એક કે પાસ હૈ’ આપણી અંદર રહેલા ઈશ્વરની વાણીને સ્પષ્ટ રૂપે સમજવા માટે મનમાંથી મૃત્યુનો ભય હટાવી દો. આ ખ્યાલ છોડી દેશો તો તમારી અને ઈશ્વરની વચ્ચે જુદાઈ છે એવું તમને લાગશે જ નહીં. અને જીવમાત્રમાં તમને ઈશ્વરી અંશના-આત્મસ્વરૂપનાં દર્શન થશે. શરીરભાવથી જીવવાને બદલે તમે આત્મભાવથી જીવશો. ત્યાર બાદ દરેક પ્રકારનાં અંગત સ્વાર્થ, કર્મફળની આશાનું, દોરદમામનું અને આપવડાઈનું બધાંનું આપોઆપ વિસર્જન થશે. અને આ જગતમાં જે કાંઈ છે એ બધાંમાં તમને ઈશ્વરનાં દર્શન થશે. આમ અંદર અને બહાર તમને બસ ‘તૂ હી તૂ હી’ જ દેખાવાની શરૂઆત થશે. આમ થતાં તમારા અંતરમાં ઈશ્વર જે કાંઈ વિચારશે કે બોલશે એ જ પ્રમાણે તમે પણ અંતરાત્માના અવાજ મુજબ વિચારતા થઈ જશો અને એ મુજબનાં કાર્યો કરશો. આટલું જો તમે કરી શકશો તો આ વિરાટ વિશ્વની સમગ્ર બ્રહ્માંડની અંદર વ્યાપ્ત બનેલી ઈશ્વરી શક્તિનો પરિચય તમને થતો રહેશે. પછી તમને સમજાવા લાગશે કે જે કાંઈ બની રહ્યું છે, સર્જન-વિસર્જન, જન્મ-મૃત્યુ એ બધું વિશ્વની શક્તિના અંશ થકી જ બની રહ્યું છે. માનવજાત ઈશ્વરનો જ એક અંશ છે અને તેથી જ તે મુક્તિ એટલે કે નિર્વાણને પાત્ર છે. આ મુક્તિ બહારથી નહીં પણ અંદરથી પ્રાપ્ત થાય છે અને મનની અંદર બેઠેલા ઈશ્વરીય અંશને સમજવાથી પ્રાપ્ત થાય છે.
-હેમંત ઠક્કર

