Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > અહમને પોષનારા અઢળક હોય, સાચું સમજાવનારા બહુ ઓછા

અહમને પોષનારા અઢળક હોય, સાચું સમજાવનારા બહુ ઓછા

Published : 06 April, 2026 11:55 AM | IST | Mumbai
Swami Satchidananda

માણસ જ્યારે અહમ્ છોડી નથી શકતો ત્યારે તે ખોટા રસ્તે આગળ વધવા માટે ઉતાવળો થઈ જાય છે.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


હમણાં એક ભાઈ મળવા આવ્યા. તેમણે સવાલ કર્યો કે દુનિયાઆખીમાં આટલાં યુદ્ધો ચાલે છે એની પાછળનું કારણ શું? જવાબ આપ્યો : ઈગો, અહમ્.

માણસ જ્યારે અહમ્ છોડી નથી શકતો ત્યારે તે ખોટા રસ્તે આગળ વધવા માટે ઉતાવળો થઈ જાય છે. હું તો કહીશ કે અહમ્ છોડી નથી શકતો એટલે તેને ખોટા રસ્તા સિવાયનો કોઈ માર્ગ દેખાતો નથી. માણસના સ્વભાવની સૌથી ખરાબ વાત જો કોઈ હોય તો એ અહમ્ છે. અહમ્ માણસને સ્વકેન્દ્રીય બનાવે છે. મારાથી આગળ કોઈ નહીં, મારાથી મોટું કોઈ નહીં, હું કહું એ જ સાચું અને હું કરું એ જ વાસ્તવ‌િકતા. અહમ્ મનમાં ઘૂસે એટલે એ સૌથી પહેલું કામ એ કરે કે એ માણસની સાચું જોવાની કે સમજવાની ક્ષમતા ક્ષીણ કરી નાખે. પોતાનું જ નુક્સાન થતું હોય તો પણ અહમની આંગળીએ ચાલનારાને એ દેખાતું નથી હોતું કે પોતે જાતને જ નુકસાન પહોંચાડે છે. પોતાનું અહિત પણ રોકી ન શકે એનું નામ અહમી. અહમનું બીજું એક કામ પણ છે. એ માણસને પોતાના સિવાય બીજા કોઈનો વિચાર કરવા નથી દેતો. પોતાનો અહમ્ ઘવાય એટલે તે જખમી સિંહની જેમ આજુબાજુનું બધું તહસનહસ કરી નાખે. અહીં સુધી હજી ઠીક છે. એ પછી જ્યારે તેને સમજાય, એ પછી જ્યારે તેને ભૂલ દેખાય ત્યારે પણ તે માફી માગવાની મર્દાનગી દેખાડી નથી શકતો.



આવા અહમી લોકોના અહમને પોષવાવાળા પણ આજુબાજુમાં ઊભા જ હોય છે. હમણાં જ ક્યાંક વાંચ્યું જે આજના વિષય સાથે સુસંગત છે...


રાજા ને કહા રાત હૈ,

મંત્રી ને કહા રાત હૈ,


સંત્રી ને ભી કહા રાત હૈ,

બસ, યે સુબહ-સુબહ કી બાત હૈ...

જે અહમને પોષતો હોય છે તેનાથી મોટો શત્રુ જગતમાં કોઈ નથી અને યાદ રહે કે કડવું લાગે એ પછી પણ આંખ ખોલવાનું કામ કરે એનાથી મોટો મિત્ર કોઈ નથી. આવા મિત્રોનું જતન કરજો. આવા મિત્રો જ સાચા અને ખોટાનું માર્ગદર્શન આપશે. બીજા તો તમને તમારી દુનિયામાં રત રાખી પોતાનું કામ કરીને ચાલતી પકડી લેશે.

એવું નહોતું કે પહેલાંના સમયમાં અહમ્ નહોતો. હતો, પણ આજના સમયમાં અહમની માનસિકતા વધારે પડતી જોવા મળે છે અને એનું કારણ છે. માણસ હવે કાચનો બનતો જાય છે અને વધુ ને વધુ ઊંચે રહેવા માંડ્યો છે. પહેલાંનો માણસ જમીન પર રહેતો હતો, પણ આજનો માણસ ઊંચે રહે છે અને ઊંચે ઊડે છે. ઊડવાની સાચી મજા ત્યારે આવે જ્યારે મન પણ ગગન જેવું વિશાળ બને. એ માટે પહેલાં વિશાળ હૃદયના થવું પડે.

Whatsapp-channel Whatsapp-channel

06 April, 2026 11:55 AM IST | Mumbai | Swami Satchidananda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK