મધ્ય પ્રદેશનું નેમાવર ફક્ત એક ગામ નથી, એ જીવતું-જાગતું મ્યુઝિયમ છે. અહીંની દરેક શેરીએ ઐતિહાસિક અવશેષો જોવા મળે છે. એમાં પણ અહીંના સિદ્ધનાથ મહાદેવ મંદિરના તાંતણા તો બ્રહ્માજી તથા પાંડવો સાથે જોડાયેલા છે
મધ્ય પ્રદેશનું નેમાવર ફક્ત એક ગામ નથી, એ જીવતું-જાગતું મ્યુઝિયમ
જેમ-જેમ આપણે ભારતના હૃદય કહેવાતા મધ્ય પ્રદેશમાં આગળ વધી રહ્યા છીએ એમ-એમ આ રાજ્યનાં અવનવાં રૂપ ઉજાગર થતાં જાય છે. પંચાવન જિલ્લાઓ ધરાવતા આ સ્ટેટમાં ભીમ બેટકાનાં બેમિસાલ રૉક શેલ્ટર્સ છે તો ખજૂરાહોનાં બોલકાં સ્મારકો પણ છે. બાંધવગઢ અને કાન્હામાં બેફિકરાઈથી હરતાં-ફરતાં પ્રાણીઓ છે તો મધ્ય પ્રદેશ અને ગુજરાતની જીવનરેખા સમી મા નર્મદા પણ છે. બે-બે પવિત્ર જ્યોતિર્લિંગ, સાંચીના સ્તૂપ, અનેક જૈન મંદિરો જેવાં પૂજનીય સ્થાનો છે તો ગ્વાલિયરનો ઓરછાનો કિલ્લો, ઇન્દોરનાં રજવાડાં સાથે શિવપુરીની છત્રીઓ (રાજા-મહારાજાઓનાં સમાધિસ્થળ) પણ છે. એ જાણીતાં સ્થળોની સાથે અહીં સેંકડો એવાં સ્થળો પણ છે જે સુંદર તો છે જ, ઇન ફૅક્ટ સુંદરતમ છે છતાં શાંત છે. તેઓ પોતાની સુંદરતા કે વિશેષતાના ગુણોનાં ગીતો ગાતાં નથી. દેવાસ જિલ્લાનું નેમાવર આવું જ એક સ્થાન છે જે પોતાની આગોશમાં અત્યંત અલંકૃત સ્થાપત્યો તથા ખૂબ પાવન સ્થળોને સમાવીને બેઠું છે, દેશની અમૂલ્ય ધરોહરને સાચવીને બેઠું છે છતાં સિદ્ધ ઋષિની જેમ પોતાની મહાનતા કે વિશિષ્ટતાનો શોરબકોર કર્યા વગર સમાધિમાં લીન છે.
સો લેટ્સ ગો નેમાવરના એવા અદ્વિતીય શિવાલયે જે મંદિર તો નાયાબ છે જ, સાથે ત્યાંના શિવલિંગ પર મા નર્મદાનું જળ ચડાવતાં ઓમનો ધ્વનિ સંભળાય છે.
ADVERTISEMENT
નર્મદા નદીના તટ પર વસેલું નેમાવર હાલ નાનકડું ગામડું છે, પણ એનાં મૂળિયાં સૃષ્ટિના રચનાકાર બ્રહ્માજી સાથે જોડાયેલાં છે. વશિષ્ઠસંહિતામાં આલેખાયેલું છે કે બ્રહ્માજીના માનસપુત્રો સનક, સનંદન, સનાતન અને સનતકુમારે અહીંના શિવલિંગની સ્થાપના કરી હતી તો પદમપુરાણ કહે છે કે આ તો સ્વયંસિદ્ધા શિવલિંગ છે. એમ તો સ્કંદપુરાણમાં પણ અહીંના શિવાલયનો ઉલ્લેખ છે અને એક દંતકથા કહે છે કે એક વખત કૌરવો અને પાંડવો વચ્ચે એક જ રાત્રિમાં મંદિરનું નિર્માણ કરવાની હોડ લાગી હતી. કૌરવો તો ૧૦૦ હતા અને પાંડવો પાંચ. ૧૦૦ કુરુપુત્રોએ તો એક જ રાતમાં મંદિર ઊભું કરી દીધું, પરંતુ પાંડવો દેવાલયનું નિર્માણ પૂરું કરી શક્યા નહીં અને પો ફાટી ગઈ. સવાર થતાં કૌરવોને ખબર પડી કે પિતરાઈઓ આ ચૅલેન્જમાં નાકામિયાબ થયા છે એટલે તેમણે પાંડુ પુત્રોની હાંસી કરી. કૌરવોની આ ચેષ્ટાથી મહાબલી ભીમને એટલો બધો ક્રોધ આવ્યો કે કૌરવો દ્વારા નિર્મિત મંદિર પૂર્વાભિમુખ હતું એ તેણે પોતાના બાહુબળથી પશ્ચિમાભિમુખ બનાવી દીધું અને એના પર પોતાનો અધિકાર જમાવી દીધો. આ મંદિરથી થોડે દૂર એક ઔર અધૂરું મંદિર છે જેની છત નથી અને કહેવાય છે કે આ પાંડવોનું એ અપૂર્ણ દેવળ છે.
ખેર, આ કહાનીમાં સત્ય કેટલું છે એ તો શોધનો વિષય છે, પણ ભારતીય પુરાતત્ત્વ ખાતાના સર્વેક્ષણ અનુસાર અત્યારે ઊભેલા આ મંદિરના પાયાની શિલાઓ પાંચ હજાર વર્ષથી વધુ પ્રાચીન છે અને કલાત્મક શિખરોની નીચેના પથ્થરો સાડાત્રણ હજાર વર્ષ પહેલાંના છે. વળી ભારતીય તવારીખ કહે છે કે મહાભારતકાળમાં આ ભૂમિ નાભાપટ્ટમ નામે ઓળખાતી હતી. નદીના તટ પર આવેલું આ નગર તો પ્રખ્યાત વ્યાપારિક કેન્દ્ર હતું.
હવે પ્રશ્ન એ થાય છે કે એવું તે કયું તત્ત્વ છે આ ધરતીમાં જેથી પહેલાં બ્રહ્માજીના પુત્રો અને પછી કૌરવો-પાંડવો તેમ જ ઋષિ માંડવ્ય એના તરફ ખેંચાયા. વેલ, એ ચુંબકીય ખેંચાણ એ હોઈ શકે કે આ ભૂમિને દેવી નર્મદાની નાભિ મનાય છે અને એ મર્મસ્થાન એ સમયે તો ઠીક, આજે પણ હજારો યાત્રાળુઓને પોતાના તરફ ખેંચે છે. નર્મદાની પરિક્રમા કરતા યાત્રાળુઓ અહીં આવે છે, મા નર્મદામાં સ્નાન કરે છે અને સિદ્ધનાથ મહાદેવને જળ ચડાવે છે.
lll
નાઓ, કટ ટુ ટેમ્પલ. અગિયારમી સદી દરમ્યાન અહીં રાજ્ય કરતા પરમાર રાજવીઓએ આજે અહીં ઊભેલા શિવાલયનું નિર્માણ કરાવ્યું છે. ગુલાબી અને પીળા બલુઆ પથ્થરમાંથી નિર્મિત નાગર શૈલીના આ મંદિરમાં અનેક નકશીદાર સ્તંભોવાળો વિશાળ રંગમંડપ, ગર્ભગૃહ તેમ જ અંતરાલ છે. મંડપની છતનો ભાગ તો અદ્ભુત છે જ, પણ મંદિરની બહારની દીવાલોના સ્તંભોને જોડતી હવાબારીઓ પણ બેનમૂન છે. જાળીદાર આ બારીઓની ડિઝાઇનની સામે આજની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સથી બનાવાયેલી ડિઝાઇન પણ પાણી ભરે એવી સુપર્બ છે. મંદિરના ઓટલા પર કતારબદ્ધ દેવ-દેવીઓ, અપ્સરાઓ, વિવિધ ક્રિયાઓ કરતા શિવગણો, ગણેશ, સપ્ત માતૃકાઓનાં શિલ્પો તેમ જ વિધ-વિધ અંગભંગિમા ધરાવતાં સ્ત્રી-પુરુષોની આકૃતિઓ તથા ફૂલ-પત્તી-વેલ, કમળની ઘુમાવદાર પટ્ટીઓ તેમ જ દરવાજાઓની ત્રણે બાજુએ ઉકેરાયેલાં શિવજી, વિષ્ણુ, નારદ તેમ જ અન્ય દેવોનાં શિલ્પો જો બોલી શકતાં હોત તો અહીં આવનારા દર્શનાર્થીઓનું મૌખિક સ્વાગત કરત.
શિખરની વાત કરીએ તો આ ભૂમિજા મંદિરના ૮૦ ફુટ ઊંચા શિખરની ચારે બાજુ નાનાં-નાનાં ત્રિકોણીય શિખરોની શ્રેણીઓને વિભાજિત કરતી ઊભી પટ્ટીઓ છે. અગેઇન, આ પટ્ટીઓની બારીક નકાશીને જોઈને કલાકારોએ કરેલી મહેનતને સલામ કરવાનું મન થાય છે. હવે આખા મંદિરની વિશિષ્ટતાની વાત કરીએ તો અહીં નંદીદેવ માટે પણ અલગથી એક ઓપન કક્ષ છે. મોટા ભાગે નંદીને શિવાલયના મુખ્ય પ્રવેશદ્વાર પાસે કે ગર્ભગૃહની બરોબર સામે બિરાજમાન કરાતા હોય છે, પણ અહીં નંદીદેવ માટે સ્પેશ્યલ દેરી છે જે મુખ્ય મંદિરની બહારની બાજુએ છે.
ભારતીય પુરાતત્ત્વ વિભાગ કહે છે કે ‘આ મંદિર વિવિધ કાળખંડ દરમ્યાન બન્યું છે. થોડાં-થોડાં વર્ષોના અંતરાલ બાદ એ સંપૂર્ણ રીતે તૈયાર થયું હશે.’ હોય જ વળી. જે રીતે મંદિરનું નકશીકામ થયું છે એ જોતાં એને દશકાઓ તો થાય જ!
નાભિ કુંડ
મંદિરના બાહ્ય તેમ જ આંતરિક ભાગોની સરખામણીએ ગર્ભગૃહ એકદમ સિમ્પલ છે. ગભારાની મધ્યમાં ભૂમિ પર જ દોઢથી બે ફુટનું શ્યામ શિવલિંગ છે. માન્યતા છે કે મોગલોએ આપણી સંસ્કૃતિ, ધર્મસ્થાનો, પ્રાચીન ગ્રંથોનો નાશ કરવા જે નાપાક કરતૂતો કર્યાં હતાં એનો ભોગ આ સિદ્ધેશ્વર મહાદેવ પણ બન્યા હતા. કહે છે કે ઔરંગઝેબે આ લિંગ પર ત્રણ વાર કર્યા હતા અને એ ઘામાંથી રક્ત તથા જલની ધારાઓ ફૂટી હતી. આજે પણ એ પ્રહારનાં નિશાનો લિંગ પર મોજૂદ છે. આમ તો સનાતન ધર્મ અનુસાર ખંડિત મૂર્તિ કે લિંગ પૂજિત નથી રહેતાં, પરંતુ આ શિવલિંગ અતિ પ્રાચીન હોવા સાથે ચમત્કારિક અને જીવંત હોવાને કારણે એની પૂજા પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે છે. મૂળે આ મંદિરનું નિર્માણ ત્રણ મજલામાં થયું હતું. ભોંયરામાં મહાકાલેશ્વર બિરાજમાન હતા અને તેમના સુધી પહોંચવા ભૈરવ ગુફા બનાવાઈ હતી. આ ગુફા દ્વારા નર્મદાનાં જળ મહાકાલનો અભિષેક કરતાં. જોકે કાળક્રમે નદીની માટી આ ભૂર્ગભમાર્ગમાં ભરાઈ જતાં જળનો માર્ગ અવરોધાઈ ગયો છે. એ જ રીતે પ્રથમ મજલે બિરાજમાન ઓમકાર લિંગની પણ પૂજા નથી થતી, કારણ કે પહેલા માળે જતી સીડી તૂટી ગઈ છે. મંદિર પુરાતત્ત્વ ખાતાના આધીન હોવાથી નવી સીડી કે મંદિરમાં નવું નિર્માણ કરવું શક્ય નથી. ભક્તો માટે સિદ્ધનાથ બાબા પૂજનીય છે અને રહેશે. ભાવિકો પરમ આસ્થાથી બાબાનો અભિષેક અને પૂજા-અર્ચના કરે છે.
મંદિરના પ્રાંગણમાં જ રાણી અહિલ્યાબાઈ હોલકરે બનાવેલી નાનકડી ધર્મશાળા છે. એની કન્ડિશન સારી છે, પરંતુ ભક્તો અહીં રોકાતા નથી. જોકે રાણીએ બનાવેલો ઘાટ એટલો વ્યવસ્થિત અને સગવડદાયક છે જેથી અહીં આવનાર દરેકને સિદ્ધનાથની સાથે માતા નર્મદાનાં સુગમતાથી દર્શન થાય છે. સિદ્ધેશ્વર મહાદેવને મત્તા ટેકવાથી દિલ સુકૂન અનુભવે છે અને માતા નર્મદાના સમીપે બેસવાથી અને એના કલકલ વહેતા પાણીને જોવામાત્રથી રીચાર્જ થઈ જવાય છે.
આગળ કહ્યું એમ નેમાવર હવે તો નાનું ગામડું રહ્યું છે. અહીં પહોંચવા સડકમાર્ગ સિવાય અન્ય ઑપ્શન નથી. ઇન્દોરથી ૧૩૫ કિલોમીટર અને ભોપાલથી ૧૬૦ કિલોમીટરની રોડ-જર્ની કરો અને સિદ્ધેશ્વરની નગરીએ પહોંચો. હા, આ પવિત્ર શિવધામ નર્મદાના પરિક્રમા રૂટ પર છે એટલે અહીં પદયાત્રા કરીને પણ પહોંચી શકાય છે. રહેવા માટે ગામમાં સાદાં ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓ છે અને સાદું જમવાનું તેમ જ ચા-પાણી પીરસતાં ભોજનાલયો કે ટપરીઓ છે. જોકે એ સીઝન સમયે (શ્રાવણ માસમાં અને પરિક્રમાના ટાઇમે) વધુ સક્રિય હોય છે. બાકી ચાલુ હોવાની કોઈ ગૅરન્ટી નહીં.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
મા નર્મદાનું નાભિસ્થાન નાભિકુંડ તરીકે ઓળખાય છે. નર્મદા નદીની મધ્યમાં મોજૂદ આ કુંડ સુધી જવા નદીના તટ પરથી જ બોટ મળી રહે છે. અહીં એક સૂર્યકુંડ પણ છે જ્યાં વિષ્ણુજીની પ્રતિમા સ્થાપિત છે.
નેમાવર ઘાટથી એકાદ કિલોમીટર દૂર બાલમુકુંદ સેવા આશ્રમ છે. રેવામૈયાની પંચકોશી પરિક્રમા કરનાર યાત્રાળુઓને રાતવાસો તેમ જ ભોજન માટે અહીં સારી સુવિધાઓ છે. જોકે એ સિવાય નેમાવરની આજુબાજુ બીજા બે આશ્રમ છે તથા હોટેલ, ગેસ્ટ હાઉસ, લૉજ વગેરે પણ છે.
નેમાવરમાં જ નર્મદાતટેથી ૭૦૦ મીટર દૂર સિદ્ધોદય જૈન મંદિર અને ત્રિકાલ ચોવીસી જૈન દિગંબર મંદિર બની રહ્યાં છે. પૂર્ણતાની નજીક આવેલું આ વિશાળ ટેમ્પલ કૉમ્પ્લેક્સ વાસ્તુશિલ્પના ચમત્કાર સમું છે.
જનરલી પરિક્રમાવાસીઓ મા રેવાને ઓળંગતા નથી, પરંતુ તમને એવો બાધ ન હોય તો સિદ્ધેશ્વરના સામા કાંઠે આવેલું રિદ્ધનાથ મંદિર પણ આકર્ષક અને પ્રાચીન છે. એની આજુબાજુ પણ અનેક દેવળો છે.

