પૂર્વી ભારત સિવાય આ એક એવી મહાપૂજા અને મહાવ્રત છે જેનું નેપાલ, ઇન્ડોનેશિયા, મૉરિશિયસ, ફિજી, સાઉથ આફ્રિકા, ત્રિનિનાદ, અમેરિકા, ઇંગ્લૅન્ડ, આયરલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, મલેશિયા અને જપાન જેવા દેશોમાં પણ એનું અદકેરું મહત્ત્વ છે
છટ પૂજા
બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ જેવાં રાજ્યોમાં મોટા પાયે ઊજવાતા સૂર્યદેવતાના આ તહેવાર પાછળનો ઇતિહાસ જાણવા જેવો છે
ભારત સિવાય ક્યાં ઊજવાય છે?
ADVERTISEMENT
ગઈ કાલથી શરૂ થયેલા છઠ પૂજાના મહાપર્વની આપ સર્વને ખૂબ-ખૂબ શુભકામનાઓ. અત્યંત કઠિન તપમાં જેની ગણતરી મોખરાની હરોળમાં થતી હોય એવા આ પર્વનું વાસ્તવિક કહાણીથી લઈને સનાતન ધર્મમાં, વિજ્ઞાનમાં અને સામાજિક જીવનમાં પણ અદકેરું મહત્ત્વ છે. કુલ ચાર દિવસોના આ પર્વને આપણા પૂર્વજોએ ચાર મહત્ત્વના પડાવોમાં વહેંચ્યું છે. આ પર્વનો પહેલો પડાવ એટલે કે ગઈ કાલનો પહેલો દિવસ ‘નહાય ખાય’ (કદ્દુ ભાત)થી શરૂ થયો. ત્યાર બાદ આજનો દિવસ એટલે ‘ખરના’. પછીનો દિવસ ત્રીજો પડાવ એટલે સાંધ્ય અર્ઘ્ય અને આ તપપર્વનો છેલ્લો દિવસ એટલે પ્રાતઃ અર્ઘ્ય. ‘છઠ માવડી’ની પૂજાઅર્ચના સાથે જ સૂર્યનારાયણની આરાધનાના આ પર્વમાં ક્યાંય તમને છઠમાતાની તસવીર કે મૂરત જોવા ન મળે, કારણ કે તેઓ સ્વયં સૃષ્ટિદેવીના અવતાર ગણાવાયાં છે. મહાન સનાતન ધર્મમાં હાજર એવાં અનેક ઉદાહરણો અને વાસ્તવિક ઇતિહાસની માફક જ આ પર્વના વ્રતનું મહત્ત્વ પણ કોઈ લિંગવિશેષ પૂરતું નથી, પુરુષ અને સ્ત્રી બન્ને દ્વારા કરવામાં આવતા વ્રતનું પર્વ છે.
સૌથી પહેલાં એ જાણવું પડે કે શાસ્ત્રોમાં છઠ પૂજા વિશે શું માહિતી મળે છે. અત્યંત કઠિન ગણાતું આ તપ કેમ પુરુષ અને સ્ત્રી બન્ને દ્વારા કરવામાં આવે છે? શું એની પાછળનું કોઈ કારણ છે? હા છે, ચોક્કસ જ છે. છઠ પૂજા અને એની પાછળના ઇતિહાસ વિશેની માહિતી આપણને મહાન સનાતન સંસ્કૃતિના ત્રણ મહાન ગ્રંથોમાં મળે છે : બ્રહ્મપુરાણ, બ્રહ્મવૈવર્તપુરાણ અને વિષ્ણુપુરાણ. તો શરૂઆત એ જાણવાથી કરીએ કે સૌથી પહેલાં છઠ પૂજા અને છઠનું વ્રત કોણે અને શા માટે રાખ્યું હતું.
શા માટે સ્ત્રીઓ આ વ્રતપૂજા કરે છે?
પરમપિતા બ્રહ્માજીને આપણે વિશ્વના રચયિતા-સર્જનકર્તા તરીકે પૂજીએ છીએ. સાથે જ એ પણ જાણીએ છીએ કે આ સમગ્ર સૃષ્ટિના દરેક જીવમાત્રની ઉત્પત્તિ એક યા બીજી રીતે બ્રહ્માજીમાંથી જ થઈ છે. આ સૃષ્ટિને પણ તેમણે જ જન્મ આપ્યો હતો. એ જ બ્રહ્માજીના પુત્ર છે પ્રજાપતિ દક્ષ, જેમની ૧૩ પુત્રીઓના વિવાહ મહર્ષિ મરીચિના પુત્ર મહર્ષિ કશ્યપ જોડે થયા હતા. હવે એ તો સર્વવિદિત છે કે દક્ષ કન્યાઓ અને મહર્ષિ કશ્યપ દ્વારા જ આ સૃષ્ટિની સકલ યોનિના તમામ જીવોનો જન્મ થયો. દક્ષ પ્રજાપતિની આ ૧૩ કન્યાઓમાં સૌથી મોટી દીકરી હતી અદિતિ, જેમના દ્વારા તમામ દેવતાઓનો જન્મ થયો. ત્યાર બાદ અદિતિથી નાની એટલે કે બીજી પુત્રી દિતિની કૂખે જે પુત્રો જન્મ્યા તે કહેવાયા દૈત્યો. આ પ્રકારે જોવા જઈએ તો દૈત્યો દેવોના નાના ભાઈઓ થયા.
સમય વીતતાં દેવો અને દૈત્યો વચ્ચે વૈમનસ્ય વધતું જ ગયું અને પરિણામસ્વરૂપ દેવાસુર સંગ્રામ થવા માંડ્યો. દૈત્યો સ્વાભાવિક રૂપે જ દેવો કરતાં વધુ શક્તિશાળી અને માયાવી હતા (એક સાલસ, સકારાત્મક વ્યક્તિ કરતાં ગુંડાતત્ત્વો વધુ જોરાવર અને લુચ્ચાં હોય એ વાસ્તવિકતા છે જ). ત્રિદેવો જે રીતે તટસ્થ છે એ જ રીતે આ દેવાસુર સંગ્રામમાં પણ ત્રિદેવોએ પોતાની તટસ્થતા જાળવી. પરિણામ સ્વરૂપ દેવોને તેમની તો કોઈ સહાયતા મળી શકે એમ હતું નહીં. આથી પહેલા દેવાસુર સંગ્રામમાં દેવતાઓનો પરાજય થયો અને દૈત્યોએ સ્વર્ગ સહિત ત્રણેય લોક પર આધિપત્ય જમાવી લીધું.
પોતાના પુત્રો દેવોનો આવો પરાજય જોઈ દેવમાતા અદિતિ પરમપિતા બ્રહ્માજી પાસે ગયાં અને તેમને આખીયે પરિસ્થિતિની જાણ કરી. બ્રહ્મદેવે સ્વયં પોતાના છઠ્ઠા અંગમાંથી એક દેવીને જન્મ આપ્યો, જેઓ કહેવાયાં દેવસેના. બ્રહ્માજીના જ છઠ્ઠા અંગમાંથી ઉત્પન્ન થયેલાં હોવાને કારણે તેઓ ષષ્ઠીદેવી કહેવાયાં. આક્રંદ કરી રહેલાં દેવમાતા અદિતિને બ્રહ્માજીએ માતા દેવસેનાની પૂજા કરવા માટે કહ્યું. પુત્રોની પરિસ્થિતિ કાજ એક મા પોતાનો જીવ પણ આપી દેવા તૈયાર હોય છે ત્યારે આ તો સ્વયં દેવોનાં માતા હતાં. અદિતિએ ૧૦૦ વર્ષો સુધી ષષ્ઠીદેવીની આરાધના કરી. તેમની એ તપસ્યાથી પ્રસન્ન થયેલાં ષષ્ઠીદેવીએ અદિતિને દર્શન આપ્યાં અને તેમને ચાર દિવસના અત્યંત કઠિન તપ પછી વરદાનની પ્રાપ્તિનું વચન આપ્યું. અદિતિએ એ જ પ્રમાણે ચતુર્થ દિવસની તપસ્યા કરી અને આખરે દેવી વરદાન માટે દૃશ્યમાન થયાં. અત્યંત પ્રસન્ન વદનવાળાં માતા દેવસેનાને અદિતિએ પોતાના પુત્રોના પરાજય અને પરિસ્થિતિ વિશે જણાવ્યું ત્યારે ષષ્ઠીદેવીએ અદિતિને સર્વગુણ સંપન્ન એક એવા પુત્રનું વરદાન આપ્યું જે તેમને આ પરિસ્થિતિમાંથી ઉગારી શકે. ષષ્ઠીદેવીએ વરદાનના ફળસ્વરૂપ માતા અદિતિને ત્રિદેવોના ગુણોથી યુક્ત એવા એક પુત્રની પ્રાપ્તિ થઈ જેમનું નામ આદિત્ય. દેવોના પણ તારણહાર તરીકે જન્મેલા એ ત્રિદેવ ગુણધારી આદિત્ય એટલે જ દેવ વિવસ્વાન, સૂર્યદેવ. આદિત્યના જન્મ બાદ દેવતાઓએ તેમનું તેજ સાથે લઈ દૈત્યો પર આક્રમણ કર્યું અને આખરે દેવોનો વિજય થયો. પુરાણોમાં વર્ણિત આ કથાને કારણે જ દરેક સ્ત્રીએ આ વ્રત અને છઠ પૂજા કરવી જોઈએ એવું માહાત્મ્ય કહેવાયું છે.
ચાર દિવસની છઠપૂજાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગઈ કાલે પહેલા જ દિવસે સેંકડો ભક્તો ગંગાનું પવિત્ર સ્નાન કરીને છઠીમૈયાની પૂજા કરવા માટે ઊમટી પડ્યા હતા.
મહાન સનાતન ધર્મ મનુષ્યના વિચારો અને જીવનના પાઠોને કેટલા વિશાળ ફલક પર લઈ જઈને મૂકી દે છે. આ આખીયે કથા એક રૂપક છે વાસ્તવિક જીવનનું. જ્ઞાન, ધર્મ, સ્વાસ્થ્ય, કર્મ વગેરે અનેકાનેક સદ્ગુણોના પ્રકાશ વિના કોઈ પણ મનુષ્યની ભીતરના કે બહારના વિશ્વના દેવ (સત્કર્મો, ધર્મ વગેરે) જીવિત રહી શકતા નથી અથવા ઉદય પામી શકતા નથી. એવી પરિસ્થિતિમાં દૈત્ય (દુર્ગુણો, દુષ્કર્મો વગેરે...) જ રોજિંદા જીવન અને વિચારો પર આધિપત્ય જમાવી લે છે. સૂર્યદેવ દરેક અર્થમાં પ્રકાશનો એક એવો સ્રોત છે જે જીવનના દરેક પ્રકારના અંધકારો દૂર કરે છે.
માતા અદિતિ દ્વારા થયેલું તપ અને એના પરિણામ સ્વરૂપ આદિત્યદેવના જન્મને કારણે જ છઠ પૂજામાં ભગવાન સૂર્યનારાયણનું અતિવિશેષ મહત્ત્વ છે. છઠ પૂજામાં અસ્ત થઈ રહેલા અને ઉદય થઈ રહેલા સૂર્યનારાયણને અર્ઘ્ય આપવામાં આવે છે. સુખરૂપ, નીરોગી સ્વસ્થ જીવન આપવા માટે આપણે તેમનો ધન્યવાદ કરતા હોઈએ છીએ.
છઠ પૂજા અને દેવાર્ક
માતા અદિતિ દ્વારા રાખવામાં આવેલા એ ચાર દિવસના વ્રતને જ સૃષ્ટિની પ્રથમ છઠ પૂજા માનવામાં આવે છે. માતા ષષ્ઠીદેવીનું જ નામ કાળક્રમે અપભ્રંશ થતાં-થતાં ‘છઠ માઈ’ થયું. શાસ્ત્રોમાં વિદિત હોવા અનુસાર માતા અદિતિએ આ સૃષ્ટિનું પ્રથમ છઠ વ્રત રાખ્યું હતું જેને કારણે તેમને આદિત્યદેવ પુત્ર તરીકે પ્રાપ્ત થયા એ સ્થળ એટલે બિહારનું દેવ નામનું ગામ, જ્યાં દેવ સૂર્યમંદિર સ્થિત છે જેને દેવાર્ક પણ કહેવામાં આવે છે.
આમ તો આખાય વર્ષ દરમિયાન શ્રદ્ધાળુઓ દેવ સૂર્યમંદિરમાં દર્શનાર્થે જતા હોય છે. પરંતુ રવિવારે ખાસ આ મંદિરમાં દર્શન માટે ભીડ જામતી હોય છે. છઠપર્વના અવસરે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. દૂર-સુદૂરથી આવતા ભક્તો અહીં હવન-પૂજન કરાવે છે. એવી માન્યતા છે કે આજ સુધી આ મંદિરથી કોઈ પણ ભક્ત ખાલી હાથે નથી ગયો. દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરનારું આ સૂર્યદેવનું મંદિર એ કારણથી પણ પ્રસિદ્ધ છે કે મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત કર્યા બાદ ભક્તો ફરી એક વાર કાર્તિક અથવા ચૈત્રની છઠ પૂજાએ આવી સૂર્યદેવને અર્ઘ્ય સમર્પિત કરતા હોય છે.
શા માટે પુરુષો આ વ્રતપૂજા કરે છે?
હવે આવીએ પુરુષ દ્વારા થયેલી પહેલી છઠ પૂજાની શાસ્ત્રોમાં વર્ણિત કહાણી પર. મહાન સનાતન હિન્દુ સંસ્કૃતિ અને ધર્મનાં પુરાણોમાં છઠ પૂજા અને છઠવ્રતનાં બે મુખ્ય વર્ણનો મળે છે. એક દેવમાતા અદિતિ દ્વારા અને બીજું પ્રિયવ્રત દ્વારા.
આપણે બધા જાણીએ છીએ કે પરમપિતા બ્રહ્માજીના પુત્ર એટલે મનુ, જેમને આપણે ‘સ્વયંભૂ મનુ’ તરીકે ઓળખીએ છીએ. બ્રહ્મદેવના જ વામ અંગ દ્વારા જન્મેલાં શતરૂપા સાથે સ્વયંભૂ મનુના વિવાહ થયા અને તેમના લગ્નજીવન દ્વારા જન્મેલા આપણે બધા કહેવાયા માનવ. મનુના નામ પરથી જ આપણને ‘માનવ’ તરીકેની ઓળખ મળી. એ મનુ અને શતરૂપાના બે પુત્રો થયા પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. ઉત્તાનપાદના મહાન પુત્ર એટલે ધ્રુવ, જેમને શ્રીહરિ વિષ્ણુની કૃપાથી અનંતલોક પ્રાપ્ત થયું.
મનુના બીજા પુત્ર પ્રિયવ્રતનાં લગ્ન થયાં હતાં માલિની સાથે, પરંતુ તેમને વૈવાહિક જીવનમાં કોઈ સંતાનની પ્રાપ્તિ ન થઈ. એને કારણે પ્રિયવ્રત અને માલિની ખૂબ દુખી રહેવા માંડ્યાં હતાં. એક શુભ સમય એવો આવ્યો જ્યારે મહર્ષિ કશ્યપ પ્રિયવ્રતના રાજ્યમાં પધાર્યા. હવે મહર્ષિ કશ્યપ એટલે બ્રહ્મપુત્ર મરીચિના પુત્ર અને સાથે જ સંબંધે પ્રિયવ્રત અને ઉત્તાનપાદના મોટા ભાઈ પણ થાય. પ્રિયવ્રત અને માલિનીએ તેમનો ખૂબ આદરસત્કાર કર્યો અને સેવા કરી. મહર્ષિ કશ્યપ નાના ભાઈ અને તેમની પત્નીની સેવાથી અત્યંત પ્રસન્ન થયા, પરંતુ તેમણે નોંધ્યું કે બન્નેની ભીતર કોઈક દુઃખ ઘર કરી ગયું છે જે તેમને હેરાન કરી રહ્યું છે. મહર્ષિ કશ્યપે કારણ પૂછ્યું ત્યારે પ્રિયવ્રતે પોતાની સંતાનહીનતા વિશે વાત કરી.
નાના ભાઈનું દુઃખ જાણી મહર્ષિ કશ્યપે પ્રિયવ્રત માટે પુત્રેષ્ટિ યજ્ઞ કરવાનો નિશ્ચય કર્યો. શુભ મુહૂર્તમાં કશ્યપ મુનિએ યજ્ઞ આરંભ કર્યો અને સમાપ્તિના ફળસ્વરૂપે દેવી માલિની ગર્ભવતી પણ થયાં. મહર્ષિ કશ્યપે દંપતીને અત્યંત હર્ષમાં જોઈ આશીર્વાદ આપ્યા અને પોતાના આશ્રમ તરફ પ્રયાણ કર્યું. પ્રિયવ્રત અને માલિનીનો એ સમય અત્યંત આનંદમાં વીતી રહ્યો હતો, પરંતુ તેમનો એ આનંદ પુત્રજન્મની પહેલી જ પળે ઓગળી ગયો કારણ કે માલિનીની કૂખે મૃત પુત્રનો જન્મ થયો હતો. પ્રિયવ્રત અને માલિનીનું દુઃખ બેવડાઈ ગયું. પુત્રઆશાથી શરૂ થયેલો આનંદ પુત્રવિયોગનું પરિણામ લઈને આવ્યો હતો. પ્રિયવ્રત એ મૃત સંતાનનું શવ લઈને આક્રંદમાં વન-વન ભટકવા માંડ્યો. આખરે તેમનાં દુઃખ અને વિષાદની પીડા એટલી વધી ગઈ કે તેમણે અગ્નિકુંડમાં પોતાની જાત હોમી દઈ પ્રાણનો ત્યાગ કરવાનો નિર્ણય લઈ લીધો.
જાતને ભસ્મ કરી નાખવાના એ નિર્ણય બાદ પ્રિયવ્રત આત્મદાહ કરવા જઈ રહ્યા હતા ત્યાં જ અચાનક એક અત્યંત તેજોમય દેવીનું પ્રાક્ટ્ય થયું. પ્રિયવ્રતે તે દેવીને નમન કરતાં તેમના પ્રાકટ્યનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે ‘હે રાજન, હું પરમપિતા બ્રહ્માની માનસપુત્રી દેવસેના છું. મારો પ્રાદુર્ભાવ બ્રહ્મદેવના છઠ્ઠા અંશથી થયો છે જેથી મારું નામ ષષ્ઠી પણ છે.’
પ્રિયવ્રત સાથેના એ સંવાદમાં ષષ્ઠીદેવી તેના મૃત પુત્ર વિશે જાણે છે અને તેઓ પ્રિયવ્રતના હાથમાં પકડાયેલા મૃત પુત્રના શવને સ્પર્શ કરે છે, જેને કારણે એ મૃત શિશુ તત્કાળ જીવિત થઈ રુદન કરવા માંડે છે. અકલ્પનીય આવો ચમત્કાર જોઈ પ્રિયવ્રત ષષ્ઠીદેવીના પગમાં પડી જાય છે. તેઓ ભિન્ન-ભિન્ન પ્રકારે દેવીની પૂજા કરવા માંડે છે. પુત્રઇચ્છાને પૂર્ણ કરનારાં એ દેવીનાં ચરણોમાં પડેલા પ્રિયવ્રત સર્વ દુઃખોના હરનારાં અને સદૈવ ઇચ્છાપૂર્તિ કરનારાં દેવી દેવસેનાની આરાધના માટે અત્યંત કઠિન તપ કરવાનો નિર્ણય કરે છે.
પ્રિયવ્રત પોતે એક પ્રજાપતિ હતા આથી તેમણે માતા ષષ્ઠીપૂજાનું વિધાન બનાવ્યું અને સર્વપ્રથમ એ કઠિન તપ સ્વયં પોતે રાખી માતા ષષ્ઠીની પૂજાનો પ્રારંભ કર્યો. જે દિવસે માતા ષષ્ઠીએ પ્રિયવ્રતના પુત્રને જીવિત કર્યો હતો એ કારતક માસની ષષ્ઠી તિથિ હતી. એ જ ષષ્ઠીદેવી અર્થાત દેવસેનાને આજે આપણે છઠમૈયા તરીકે ઓળખીએ છીએ અને તેમના વ્રતની પૂજા છઠપૂજા તરીકે ઊજવાય છે.
પુરાણકથાઓની પુષ્ટિ કરતા બીજા સંદર્ભો
બ્રહ્મપુરાણ અને બ્રહ્મવૈવર્ત પુરાણ સિવાય દક્ષિણ ભારતના ધાર્મિક ગ્રંથો ઊથલાવીએ તો એમાં કંઈક એવો ઉલ્લેખ મળે છે કે એ જ દેવસેનાના મહાદેવના મોટા પુત્ર કાર્તિકેય સાથે વિવાહ થયા હતા.
તો બીજા એક વર્ણન અનુસાર બ્રહ્મદેવનાં માનસપુત્રી એવાં ષષ્ઠીદેવીને માતા પાર્વતીના એક રૂપ દેવી કાત્યાયિની તરીકે પણ ગણાવવામાં આવ્યાં છે, જેમની પૂજા નવરાત્રિના છઠ્ઠા દિવસે એટલે કે ષષ્ઠીએ થતી હોય છે. આથી જ કહેવાય છે કે નિઃસંતાન દંપતીએ ‘છઠીમૈયા’ અર્થાત્ દેવી કાત્યાયિની અર્થાત્ દેવસેના અર્થાત ષષ્ઠીદેવીની પૂજા કરવી જોઈએ.
મહાભારતમાં પણ એવો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે કે મહાપરાક્રમી કર્ણ દરરોજ સૂર્યને અર્ઘ્ય આપતા હતા. પ્રાતઃ સમયે કટિ જેટલા ઊંડાણ સુધી ગંગામાં ઊતરી તેઓ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરતા અને ત્યાર બાદ કોઈ પણ યાચક તેમની પાસે કંઈ પણ માગતો એ તેને અવશ્ય પ્રાપ્ત થતું હતું. (બિહાર કર્ણની કર્મભૂમિ છે જ્યાં છઠ પૂજા અત્યંત ધર્મઆસ્થા સાથે ઊજવાય છે.)
આ સિવાય મહાભારતમાં પણ છઠ પૂજાનો ઉલ્લેખ મળે છે. જ્યારે પાંડવોને વનવાસ થયો હતો ત્યારે શ્રીહરિ કૃષ્ણ દ્રૌપદીને છઠપૂજા કરવા માટે કહે છે, જેના વ્રતના પ્રભાવથી પાંડવો વનવાસમાં સુરક્ષિત રહે અને તેમને પોતાનું રાજ્ય પાછું મળે. શ્રીહરિ કૃષ્ણે પણ એક પિતા તરીકે સૂર્યદેવની પૂજા કરી હોવાનું સુંદર વર્ણન મળે છે. પોતાના પુત્ર સામ્બને જ્યારે કુષ્ઠ રોગ લાગુ પડે છે ત્યારે કૃષ્ણ સૂર્યદેવની આરાધના કરે છે અને તેમને અર્ઘ્ય અર્પણ કરે છે જેને કારણે સૂર્યદેવ પ્રસન્ન થઈ પોતાનાં તેજોમય કિરણો દ્વારા સામ્બને સ્વસ્થ કરે છે.
રામાયણમાં પણ સૂર્વદેવની આરાધનાની કથાઓ વિદિત છે જ. મહાબલી હનુમાનજીએ સૂર્યદેવ પાસે જ જ્ઞાન અને શિક્ષા અર્જિત કરી હતી એ સર્વવિદિત છે એટલું જ નહીં, શ્રીરામ ચંદ્રજીએ પણ રાવણયુદ્ધ અને રાવણવધ પહેલાં આદિત્યસ્તોત્રના પાઠ કર્યા હતા.
કઈ રીતે મનાવાય છે છઠ પૂજા?
પૂર્વી ભારત એમાંય ખાસ કરીને બિહાર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને ઝારખંડ જેવાં રાજ્યોમાં છઠ પૂજાનું વિશેષ મહત્ત્વ છે અને એને એક મહાપર્વ તરીકે ઊજવવામાં આવે છે જ્યાં માત્ર સ્ત્રીઓ કે માત્ર પુરુષો નહીં પરંતુ બન્ને સમાનરૂપે છઠ પૂજા અને વ્રત કરતાં હોય છે. કાર્તિક માસના શુક્લ પક્ષની છઠી એટલે કે ષષ્ઠી તિથિએ મનાવવામાં આવતું આ વ્રતપર્વ ‘છઠ પૂજા’ તરીકે પ્રખ્યાત છે.
આ તહેવાર મુખ્યત્વે ભગવાન સૂર્યનારાયણ અને તેમની પત્ની ઉષાને સમર્પિત છે. વાસ્તવમાં આ વ્રત કળિયુગના સંદર્ભે તો અત્યંત કઠણ તપસ્યા સમાન છે કારણ કે આ વ્રતમાં ૩૬ કલાકનું નિર્જળા વ્રત રાખવામાં આવે છે જેમાં વ્રતી પાણી પણ ગ્રહણ કરતા નથી. સ્ત્રી અને પુરુષ દ્વારા સમાન રીતે થતા આ વ્રતમાં વ્રતી સિલાઈ કર્યા વિનાનાં વસ્ત્રો ધારણ કરે છે. પાણી સહિત સ્વાદિષ્ટ ભોજનનો તો વ્રતી ત્યાગ કરે જ છે અને સાથે જ શૈયાત્યાગ પણ કરતા હોય છે. અર્થાત્ જમીન પર સૂવાનું. ધાર્મિક લાગણીની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા આ વ્રતમાં એવી માન્યતા છે કે જે કોઈ આ વ્રતનો આરંભ કરે પછી એ દર વર્ષે કરવું પડે છે અને આ નિયમ તેણે ત્યાં સુધી પાળવો પડે જ્યાં સુધી તેમના પછીની પેઢીની કોઈ વિવાહિત મહિલા કે વિવાહિત પુરુષ એ વ્રતનિયમ લેવા તૈયાર ન થાય. કુલ ચાર દિવસોમાં ઊજવાતું છઠ પૂજાનું આ વ્રત આ વખતે ૨૫ ઑક્ટોબર , શનિવારથી શરૂ થઈ ૨૮ ઑક્ટોબર, મંગળવાર સુધી મનાવવામાં આવશે જેમાં પહેલો દિવસ અર્થાત્ નહાય ખાય. બીજો દિવસ એટલે ખરના. ત્યાર બાદ ત્રીજો દિવસ અર્થાત સંધ્યા અર્ઘ્ય અને અંતિમ ચોથો દિવસ એટલે ઉષા અર્ઘ્ય.
૦૧. નહાય ખાય : કારતક મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે આ મહાવ્રત પર્વનો આરંભ થાય છે. આ દિવસે સૌથી પહેલાં ઘરની સાફસફાઈ કરી વ્રત કરનાર વ્રતી શુદ્ધ શાકાહારી ભોજન સાથે તેમના વ્રતનો આરંભ કરે છે. વ્રતીના ખાઈ લીધા બાદ જ ઘરના અન્ય સભ્યો ભોજન કરતા હોય છે. આ દિવસે ખાવામાં કદ્દુ (કોળું) અને ચણાની દાળ ભોજન તરીકે બનાવાય છે. આથી જ બિહાર અને ઉત્તર પ્રદેશમાં આ દિવસ ‘કદ્દુ-ભાત’ તરીકે પણ ઓળખાય છે.
૦૨. ખરના : ત્યાર પછીના દિવસે એટલે કે પંચમીએ વ્રત કરનાર વ્રતી આખો દિવસ નિરાહાર રહી માત્ર સાંજે ભોજન કરે છે. આ દિવસે જેમણે વ્રત ન કર્યું હોય એ બધા વ્રતીના ઘરે પ્રસાદ લેવા માટે ભેગા થતા હોય છે. પ્રસાદ તરીકે ઘી ચોપડેલી રોટલી અને ગોળ અથવા શેરડીના રસથી બનેલી ખીર પીરસાય છે જેને બિહારમાં રસિયા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે બનેલી રોટલી કે ખીરમાં મીઠું કે ખાંડ વાપરવામાં આવતા નથી. આ એવો પવિત્ર દિવસ મનાય છે જ્યારે વ્રત કરનાર અને તેના ઘરવાળા સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખતા હોય છે.
૦૩. સંધ્યા અર્ઘ્ય : ત્રીજો દિવસ અર્થાત્ ‘ષષ્ઠી’ અથવા ‘છઠ,’ જે મુખ્ય દિવસ તરીકે ગણાય છે. આ દિવસની સાંજે ઢળતા સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે. એક સમય એવો હતો કે જ્યારે આ અર્ઘ્ય ગંગા નદીમાં આપવાનું વિશેષ મહત્ત્વ ગણાતું હતું. સૂર્યદેવને અર્ઘ્ય આપ્યા બાદ પૂજા થઈ ગયા બાદ પ્રસાદમાં ઠકુઆ (એક એવી મીઠાઈ જે ઘઉંનો લોટ, ઘી અને ગોળ મિશ્રિત હોય છે. લોટ અને ઘી-ગોળ મિશ્રિત સાંચાને લાકડીથી ઠોકી-ઠોકીને બનાવવામાં આવતું હોવાથી એનું નામ પડ્યું ઠકુઆ), ચોખાના લાડુ (જેને લડુઆ કહેવામાં આવે છે), શેરડી અને મોટા લીંબુ (ડાભ) સાથે બીજાં ફળો આપવામાં આવે છે.
વાંસની એક ટોકરીમાં આ બધી જ સામગ્રીઓ સજાવીને સાંજે અર્ઘ્ય અને પૂજા માટે વ્રત કરનાર ગંગાતટે અર્થાત્ જ્યાં અર્ઘ્ય આપવાના હોય ત્યાં પહોંચે છે અને પૂર્ણ શ્રદ્ધાથી સૂર્યદેવની પૂજા કરી તેમને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે. આ એ દિવસ હોય છે જ્યારે વ્રત કરનાર વ્રતી સંપૂર્ણ દિવસ દરમિયાન નિર્જળા ઉપવાસ રાખે છે.
૦૪. ઉષા અર્ઘ્ય : સપ્તમી તિથિ અર્થાત કાર્તિક મહિનાના શુક્લ પક્ષની સાતમી તિથિ અને છઠપૂજા પર્વનો અંતિમ દિવસ. આગલા દિવસે પૂજાની જે વાંસની ટોકરી તૈયાર કરવામાં આવી હોય એ ટોકરીની ફરી એક વાર પૂજા કરવામાં આવે છે અને ફરી એક વાર એ બધોય પ્રસાદ જમા કરી વ્રતી એ જ સ્થાને પહોંચે છે જ્યાં ગઈ સાંજે તેમણે અર્ઘ્ય આપ્યાં હોય છે. ગઈ કાલે જે સૂર્યદેવની ઢળતી વેળા પૂજા કરી હતી એ જ સૂર્યદેવને આ દિવસે ઉગમણે પૂજવામાં આવે છે. અર્થાત્ ઉષા અર્ઘ્ય. પૂર્ણ શ્રદ્ધા અને નિર્જળા ઉપવાસી એ વ્રતી સૂર્યદેવના ઋણસ્વીકારની પૂજા અને અર્ઘ્ય કર્યા બાદ ઘરે આવી સમાપન પૂજા કરતાં હોય છે. ત્યાર બાદ કાચું દૂધ અને પ્રસાદ ખાઈને પોતાનું નિર્જળા વ્રત પૂર્ણ કરે છે જેને પારણાં કહેવાય છે.

મહાન સનાતન ધર્મ અને વિજ્ઞાન
વિશ્વની ગમે એટલી ઍડ્વાન્સ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી ઇન્સ્ટિટ્યૂટ લઈ લો, વિશ્વના ગમે એટલાં વિજ્ઞાનનાં થોથાં ઉઠાવીને જોઈ લો; દરેક દેશે, દરેક વિજ્ઞાનીએ, દરેક થિયરીએ સ્વીકાર્યું છે કે સૂર્ય અને એનાં કિરણો આ સૃષ્ટિ પર જીવમાત્રના જીવન માટે એક અનિવાર્ય સ્રોત છે. સૂર્ય વિના સૃષ્ટિમાં કોઈ પણ જીવન શક્ય નથી. વિજ્ઞાન આજે જે વાત સ્વીકારી રહ્યું છે એ થિયરી, એ માહાત્મ્ય આપણાં પુરાણો અને શાસ્ત્રોએ વર્ષો નહીં, યુગો પહેલાં કહ્યું છે અને સ્વીકાર્યું છે. સૂર્યપૂજાનું મહત્ત્વ અને વિવરણ આપણને વૈદિક કાળમાં પણ મળે છે. વેદોમાં બૃહદરૂપે સૂર્યનારાયણનું મહિમામંડન કરવામાં આવ્યું છે.
જ્યોતિષ વિજ્ઞાન હોય, ખગોળ વિજ્ઞાન હોય કે સૃષ્ટિ; નવગ્રહોના સ્વામી તરીકે અને જીવનસ્રોત તરીકે સૂર્યને આપણી મહાન ધર્મસંસ્કૃતિએ દેવ તરીકે સ્વીકાર્યા છે. અનેક શાસ્ત્રોમાં સૂર્યને અનેક પ્રકારના રોગોના નિવારક તરીકે અને સૂર્યકિરણોને અનેક રોગોના ઉપચાર તરીકે ગણાવાયાં છે. આ બધીયે રૂપકકથાઓને માત્ર મિથ તરીકે પણ ગણીએ તો પણ છઠ પૂજાને એ જ સૂર્યદેવના ઋણસ્વીકાર તરીકે અને તેમની કૃપાદૃષ્ટિ કાયમ બની રહે એ દૃષ્ટિએ પણ સ્વીકારવા યોગ્ય છે.
આખાય વિશ્વમાં એકમાત્ર સનાતન ધર્મસંસ્કૃતિ જ એટલી મહાન અને વિશાળ છે કે એ અતિપ્રાચીન હોવા છતાં અતિઆધુનિક છે. સાંપ્રત સમય હોય કે વૈદિક કાળ, સનાતન ધર્મસંસ્કૃતિની દૂરંદેશી અને વિલક્ષણતાની બરોબરી ક્યાંય થઈ શકે એમ નથી. એક તરફ રૂપકકથાઓ જ્યાં જ્ઞાન અને ધર્મરૂપી પ્રકાશ કિરણોની અનુપસ્થિતિમાં મનુષ્યની દૈવીવૃત્તિ પર દૈત્યવૃત્તિના વિજયની વાતો કહે છે ત્યાં જ બીજી તરફ સંપૂર્ણ સ્વસ્થ જીવનના દાતા એવા સૂર્યને જીવંત દેવ તરીકે સ્વીકારી તમામ પ્રકારની નકારાત્મકતા અને દૈત્યગુણોને હરાવી દૈવત્વ પામવા તરફ પણ લઈ જાય છે.
એ જ પુરાણો જ્યાં પ્રિયવ્રતની કથા દ્વારા સ્થૂળ જીવનનો મર્મ અને ઇચ્છા તથા માયાના બંધન વિશે પણ કહે છે અને એ જ પુરાણો સામાજિક અને વૈવાહિક જીવનમાં રહીને વ્રત અને પૂજા દ્વારા સંપૂર્ણ સમર્પણભાવ સાથે ઋણસ્વીકારના પાઠ પણ શીખવે છે. સૂર્ય, જેમના વિના જીવન શક્ય છે એવું આપણે વિચારી પણ શકતા નથી એ ઊર્જાના સાક્ષાત સ્રોત સામે નતમસ્તક થઈ ઋણસ્વીકાર દ્વારા નિરભિમાની, નિષ્પાપ અને સદ્ગુણોના ગ્રાહ્ય બનતાં પણ શીખવે છે.


