Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક મહિલા ડૉક્ટરની આત્મહત્યા પછીના કડાકાભડાકા

એક મહિલા ડૉક્ટરની આત્મહત્યા પછીના કડાકાભડાકા

Published : 26 October, 2025 08:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડૉ. સંપદા મુંડેએ હથેળી પર જે બે જણનાં નામ લખ્યાં હતાં એમાંનો એક આરોપી પ્રશાંત બનકર ઝડપાયો

હાથ પર લખેલી સુસાઇડ-નોટ, ડૉ. સંપદા મુંડે, આરોપી પ્રશાંત બનકર

હાથ પર લખેલી સુસાઇડ-નોટ, ડૉ. સંપદા મુંડે, આરોપી પ્રશાંત બનકર


ડૉ. સંપદા મુંડેએ હથેળી પર જે બે જણનાં નામ લખ્યાં હતાં એમાંનો એક આરોપી પ્રશાંત બનકર ઝડપાયો, પણ સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બદને ફરાર : ડૉક્ટરના પરિવારનો આક્ષેપ છે કે પ્રશાંત જ મુખ્ય આરોપી છે, જ્યારે પ્રશાંતના પરિવારનું કહેવું છે કે ૧૫ દિવસ પહેલાં ડૉક્ટરે જ પ્રશાંતને પ્રપોઝ કર્યું હતું

સાતારા જિલ્લાના ફલટણની સરકારી હૉસ્પિટલમાં સર્વિસ કરતી બીડની મહિલા ડૉક્ટર સંપદા મુંડેએ ફલટણની જ એક હોટેલમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જોકે મરતાં પહેલાં તેણે પોતાના હાથ પર સુસાઇડ-નોટ લખી હતી. એમાં તેણે ફલટણ પોલીસના સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બદનેએ ૪ વાર તેના પર બળાત્કાર કર્યો હોવાનું અને તેના મકાનમાલિકના દીકરા પ્રશાંત બનકરે તેને માનસિક ત્રાસ આપ્યો હોવાનું લખ્યું હતું. એ કેસમાં પોલીસે ઝડપી તપાસ કરીને પ્રશાંત બનકરને ફલટણના જ એક ફાર્મ-હાઉસમાંથી ઝડપી લીધો હતો. તેને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને ૨૮ ઑક્ટોબર સુધીની પોલીસ-કસ્ટડી આપી હતી, જ્યારે નાસતા ફરતા અન્ય આરોપી ગોપાલ બદનેને શોધવા પોલીસની સંખ્યાબંધ ટીમ દોડાદોડ કરી રહી છે.



ડૉક્ટરે કરેલી આત્મહત્યાનું આ પ્રકરણ ચર્ચાના ચકડોળે ચડતાં એની ઝડપી તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એથી સાતારા પોલીસે આરોપી ગોપાલ બદને અને પ્રશાંત બનકરને ઝડપી લેવા અલગ-અલગ ટીમ બનાવીને તેમની શોધ ચલાવી હતી. ગોપાલ બદનેનું છેલ્લું લોકેશન શુક્રવારે સાંજે પંઢરપુર હોવાનું જણાઈ આવ્યું હતું. તે પણ બીડનો હોવાને કારણે બીડ તરફ જતી વખતે પંઢરપુરમાં ફોન બંધ કરી દીધો હશે એવી અટકળો પોલીસ મૂકી રહી છે. તેની શોધ ચલાવાઈ રહી છે.


બીજી બાજુ કેસનો બીજો આરોપી પ્રશાંત બનકર ફલટણના જ તેના એક ​મિત્રના ફાર્મ-હાઉસમાં છુપાયો હોવાની માહિતી મળ‍તાં પોલીસે ગઈ કાલે પરોઢિયે એ ફાર્મ-હાઉસ પર છાપો મારીને તેને ઝડપી લીધો હતો. પોલીસે તેને કોર્ટમાં હાજર કરીને ૭ દિવસની કસ્ટડી માગી હતી. સામે પક્ષે પ્રશાંતના વકીલે દલીલ કરીને તેને ઓછામાં ઓછી કસ્ટડી આપવામાં આવે એવી રજૂઆત કરી હતી. કોર્ટે એ પછી ૪ દિવસની કસ્ટડી આપી હતી.

ડૉક્ટર પ્રશાંતને બ્લૅકમેઇલ કરતી હોવાનો પ્રશાંતના પરિવારનો આક્ષેપ


આત્મહત્યાના આ ચર્ચાસ્પદ કેસમાં પકડાયેલા પ્રશાંત બનકરના પરિવારે હવે આત્મહત્યા કરનાર ડૉ. સંપદા મુંડે પર જ આક્ષેપ કર્યા છે. પ્રશાંતની બહેને આ બાબતે આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘મહિલા ડૉક્ટર જ મારા ભાઈને ટૉર્ચર કરતી હતી. તે તેને બ્લૅકમેઇલ કરતી હતી. તેણે ૧૫ દિવસ પહેલાં જ મારા ભાઈને પ્રપોઝ કર્યું હતું. આ ઉપરાંત મારો ભાઈ પુણેમાં જ ડ્યુટી પર હોય છે અને વચ્ચે-વચ્ચે આવતો-જતો હોય છે. તેનો આ પ્રકરણ સાથે કોઈ સંબંધ નથી. તેને આ કેસમાં ખોટો ફસાવવામાં આવી રહ્યો છે.’

પ્રશાંતના ભાઈએ કહ્યું હતું કે ‘તે ડૉક્ટર જ મારા ભાઈને વધારે ફોન કરતી હતી. તેમની વચ્ચે શું વાત થતી હતી એની તપાસ થવી જોઈએ. તેમની વચ્ચે શું ચૅટિંગ થતું હતું, કોણ કોને હેરાન કરતું હતું એની તપાસ થવી જોઈએ.’

પ્રશાંતની બહેને વધુમાં કહ્યું હતું કે ‘સંપદા અમારા પરિવારની સભ્ય જેવી હતી. તે અમારી બહેન જેવી હતી. તે હંમેશાં અમારા ઘરે આવતી અને અમારી સાથે વાતો કરતી. જૉબ પર થતા ત્રાસ વિશે પણ તે વાતો કરતી. એથી તેને માનસિક ત્રાસ થતો હોય એવું જણાતું હતું. મારા ભાઈ અને ડૉક્ટરની આ જ મહિનામાં ઓળખાણ થઈ હતી. ૧૫ દિવસ પહેલાં જ તેણે મારા ભાઈને પ્રપોઝ કર્યું હતું. તે મારા ભાઈને ‘દાદા’ (મોટા ભાઈ) તરીકે બોલાવતી હતી. એથી મારા ભાઈએ તેને સમજાવી હતી. એ પછી એ વિષય ત્યાં જ પૂરો થઈ ગયો હતો. એ પછી બન્ને સંપર્કમાં નહોતાં. લક્ષ્મીપૂજન વખતે અમે સાથે મળીને એની ઉજવણી કરી હતી. એ વખતે મારા ભાઈએ ડૉક્ટરના કેટલાક ફોટો પાડ્યા હતા. એ વ્યવસ્થિત ન આવતાં બન્ને વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો. મારો ભાઈ તેને વઢ્યો હતો. જોકે ત્યાર બાદ તેણે સંપદાને સૉરી પણ કહ્યું હતું. મારા ભાઈનો એક ફ્રેન્ડ બીમાર હતો એટલે તે તેના ઘરે ગયો હતો. ત્યારે ડૉક્ટરે તેને અનેક વાર કૉલ કર્યા હતા. કૉલ કરીને તે ટૉર્ચર કરતી હતી, તમને મારી પડી નથી એમ કહીને બ્લૅકમેઇલ કરતી હતી.’

પ્રશાંત બનકરના પિતાના ફ્લૅટમાં ડૉ. સંપદા ભાડે રહેતી હતી

એવું જાણવા મળ્યું છે કે આરોપી પ્રશાંત બનકરના પિતાના ફ્લૅટમાં જ ડૉ. સંપદા મુંડે છેલ્લા ૮ મહિનાથી ભાડે રહેતી હતી. પ્રશાંત બનકર અને ડૉ. સંપદા વચ્ચે ઝઘડો થતાં પ્રશાંતે તેને કહી દીધું કે તારે અમારા ફ્લૅટમાં રહેવાનું નથી. એમ કહીને તે ફ્લૅટ પર જઈને તાળું મારી આવ્યો હતો. એથી સંપદાએ બુધવારે મધરાત બાદ ફલટણની મધુદીપ હોટેલમાં રહેવું પડ્યું હતું. તેણે બે દિવસ માટે રૂમ બુક કરીને મધરાત બાદ ૧.૩૦ વાગ્યે ચેક-ઇન કર્યું હતું. આ બનાવથી સખત માનસિક તાણમાં આવી ગયેલી સંપદાએ ત્યાર બાદ પ્રશાંતને અને ગોપાલ બદનેને અનેક કૉલ કર્યા હતા. એ પછી તેણે સવારથી જ દરવાજો ન ખોલતાં સાંજે ૪ વાગ્યે હોટેલ મૅનેજમેન્ટે શંકા જતાં દરવાજો ખોલ્યો ત્યારે તેણે આત્મહત્યા કરી હોવાની જાણ થઈ હતી.

રોજેરોજ પોસ્ટમૉર્ટમ કરનારી છોકરી શું સ્ટ્રૉન્ગ ન હોય? દબાણ કરી તેને આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવી હોવાનો પરિવારનો આરોપ

આત્મહત્યા કરનાર ડૉ. સંપદા મુંડેની કઝિન બહેને આક્ષેપ કરતાં કહ્યું છે કે ‘રોજેરોજ અનેક પોસ્ટમૉર્ટમ કરનારી છોકરી શું મજબૂત ન હોય? તેને પોસ્ટમૉર્ટમ રિપાર્ટ બદલાવવાનું દબાણ કરવામાં આવતું હતું એટલું જ નહીં, અનફિટ આરોપીને તે ફિટ છે એવું​ સર્ટિફિકેટ આપવા પણ દબાણ કરવામાં આવતું હતું. એ આપવાનો તેણે ઇનકાર કરતાં તેના પર દબાણ વધતું ગયું. તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો એથી તેણે આ બાબતે સંબંધિત અધિકારીઓને પાંચ પાનાંનો પત્ર પણ લખ્યો અને રાઇટ ટુ ઇન્ફર્મેશનમાંથી પણ માહિતી મગાવવાની અરજી કરી હતી. પરંતુ એના પર પણ કંઈ જ કાર્યવાહી ન કરવામાં આવી. સંપદાએ તેના હાથ પર લખેલી સુસાઇડ-નોટ પર ન જતાં તેણે જે પત્ર લખેલો એમાંની વિગતો પર તપાસ કરવામાં આવે.’

ડૉ. સંપદાએ ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ (DYSP)ને પત્રમાં શું લખ્યું હતું?

ડૉ. સંપદાએ ૧૯ જૂનના જે ફરિયાદ કરતો પહેલો પત્ર ફલટણના DYSPને લખ્યો હતો એમાં તેણે કહ્યું હતું : આરોપી ફિટ ન હોવા છતાં આરોપી ફિટ છે એવો રિપોર્ટ આપવાનું દબાણ કરવામાં આવતું હતું એટલું જ નહીં, આ બાબતે મેં પોલીસ-ઇન્સ્પેક્ટરને પણ જણાવ્યું હતું પણ તેમણે એ વાત ઉડાડી દીધી હતી. એ પછી ડૉ. સંપદાએ RTI મારફત શું કાર્યવાહી કરવામાં આવી એ પણ જાણવા માગ્યું હતું. તેણે ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલને અહેવાલ મોકલાવ્યો હતો એમાં સ્પષ્ટ લખ્યું હતું કે જો મને કંઈ થઈ જાય તો પોલીસ જવાબદાર રહેશે.

સસ્પેન્ડેડ સબ-ઇન્સ્પેક્ટર ગોપાલ બદને હતો રંગીલા સ્વભાવનો

આત્મહત્યા કરનાર ડૉ. સંપદા મુંડેએ ગોપાલ બદનેએ ૪ વાર બળાત્કાર કર્યો હોવાનું તેના હાથ પરની સુસાઇડ-નોટમાં લખ્યું હતું. ગોપાલ મદને મહિલાઓની છેડતી કરતો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ફલટણની સબ-​ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં આવનારા દરદીઓનાં સગાંઓએ પણ આ બાબતે મીડિયા સામે આવીને ફરિયાદ કરી છે. એક મહિલાએ કહ્યું હતું કે ગોપાલ બદને મહિલાઓની છેડતી કરતો, તેમને આંખ મારતો અને જો તેની સામે ફરિયાદ કરવા જાય તો ઊલટું ફરિયાદી પાસે જ પૈસા માગતો. અન્ય મહિલાએ કહ્યું હતું કે તેની ભત્રીજીને ગોપાલ બદનેએ તેના પતિની સામે જ આંખ મારી હતી. એથી જ્યારે આ બાબતે તેની ભ​ત્રીજી ફરિયાદ કરવા ગઈ ત્યારે બદનેએ તેની પાસે ૫૦૦૦ રૂપિયા માગ્યા હતા. તેને પૈસા ન આપ્યા એટલે પછી ફરિયાદ પણ નહોતી લેવામાં આવી.

Whatsapp-channel Whatsapp-channel

26 October, 2025 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK