અમદાવાદના સરદારધામથી શરૂ થયું અનોખું પૅડલ ટુ પ્લાન્ટ મિશન, ૧૦ સાઇકલસવાર નીકળ્યા અનોખી યાત્રા પર
૧૦ સાઇકલસવાર નીકળ્યા અનોખી યાત્રા પર
પર્યાવરણની જાળવણી અને રક્ષા માટે ગઈ કાલે અમદાવાદના સરદારધામથી પૅડલ ટુ પ્લાન્ટ મિશન સાથે ૧૦ સાઇકલસવારો અનોખી સાઇકલયાત્રા માટે નીકળ્યા હતા. આ સાઇકલયાત્રા ૭ રાજ્યોનાં ૧૦૦ શહેરોમાંથી પસાર થશે અને એક લાખથી વધુ વૃક્ષોના રોપા વાવીને વધુ ને વધુ વૃક્ષો વાવવાનો મેસેજ ફેલાવવામાં આવશે. પૅડલ ટુ પ્લાન્ટ ટીમના નીલેશ બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમદાવાદના સરદારધામથી અમારી સાઇકલયાત્રાને ફ્લૅગ-ઑફ કરાવવામાં આવી હતી. પાંચ કિલોમીટર સુધી અમે સાઇકલયાત્રા કરીને શરૂઆત કરી હતી. આ સાઇકલયાત્રા અમે સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત કરીએ છીએ એટલે ૩૧ ઑક્ટોબરે સરદાર પટેલ જયંતીના દિવસથી અરુણાચલ પ્રદેશમાં ઇન્ડિયા-મ્યાનમાર બૉર્ડર પાસે આવેલા પંગસૌ પાસથી સાઇકલયાત્રા શરૂ કરીશું. ત્યાંથી આસામ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ થઈને ગુજરાતમાં આવીશું. ૬૦થી વધુ દિવસની આ સાઇકલયાત્રા દરમ્યાન ૧૦૦ શહેરોમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. એક લાખથી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે. આ પહેલ દરમ્યાન પર્યાવરણની જાગૃતિ તથા હરિયાળા અને સ્વચ્છ ભારતનો મેસેજ પણ ફેલાવીશું. અમારી ૧૦ જણની ટીમ છે. દરેક શહેરમાં અમારી સાથે સ્થાનિક સાઇકલસવારો જોડાશે. અમારી સાઇકલયાત્રાને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાનો સહયોગ મળ્યો છે.’


