બાળસ્વરૂપમાં સ્ત્રી-પુરુષના ભેદ ઓગળી જાય છે. તોફાની બાળક હોય તો કાનુડો કહીએ એ સમજ્યા પણ તોફાની બાળકી હોય તો સહજ રીતે કાનુડી બોલાઈ જાય છે
પ્રતીકાત્મક તસવીર
ગોકુળાષ્ટમીની રાહ માત્ર ભક્ત નહીં, ખુદ સમય પણ જોતો હોય છે. અર્જુન વિરાટ સ્વરૂપ જોઈને ચકિત થયો હતો. આપણે બાળસ્વરૂપ જોઈને ગદ્ગદિત થઈએ છીએ. બાળસ્વરૂપમાં સ્ત્રી-પુરુષના ભેદ ઓગળી જાય છે. તોફાની બાળક હોય તો કાનુડો કહીએ એ સમજ્યા પણ તોફાની બાળકી હોય તો સહજ રીતે કાનુડી બોલાઈ જાય છે. આજે આ કટાર કૃષ્ણાર્પણ કરીએ. નીરજા પારેખ કહે છે એવી અસમંજસ ઘણાને થતી હશે...
છે પ્રભુ, તો પણ પ્રભુ જેવો કદી લાગે નહીં
ADVERTISEMENT
કૃષ્ણ તું મારી સમજમાં કોઈ દી આવે નહીં
મિત્ર લાગે, પુત્ર લાગે, લાગે છે તું રાહબર
પણ મને ‘ભગવાન’ જેવી ભાવના જાગે નહીં
કૃષ્ણ અનેક ભૂમિકામાં યથોચિત ગોઠવાયા છે. તે ગોપીઓ સાથે મસ્તીખોર બન્યા તો રાક્ષસો સામે મહાપરાક્રમી બન્યા. તે ગોવાળ બનીને ગાયો ચરાવવા ગયા તો રાજા બનીને વૈભવી મહેલમાં પણ રહ્યા. એક તરફ તેમણે યમુનામાં છલાંગ લગાવી તો બીજી તરફ ગીતા દ્વારા વિસ્તરેલી છલાંગ આજે યુગો સુધી લંબાતી રહી છે. ખરેખર તો શાશ્વત શબ્દને તેમણે સાચો અર્થ આપ્યો. રશ્મિ અગ્નિહોત્રી વિરોધાભાસને નિરૂપે છે...
ફેરવે ભારે સુદર્શન, જાણે ફૂલની પાંખડી
ભલભલા પર્વત ઊંચકતી એક ટચલી આંગળી
એ પ્રભુને છે ખબર આ સ્નેહની તાકાતની,
બેય હાથે તેણે ઊંચકી નાની અમથી વાંસળી
વાંસળી દ્વારા પ્રભુએ માત્ર સૂર નથી વહાવ્યા, પ્રેમ વહાવ્યો છે. એવી કલ્પના કરવાનું મન થાય કે અંતિમ સમયે વાંસળીના મધમીઠા સૂર સાથે જીવ જાય તો સીધો જ કૃષ્ણના ચરણે પહોંચી શકે. કૃષ્ણજન્મના માહોલમાં મરણની વાત અજુગતી લાગે પણ કૃષ્ણએ માત્ર જન્મ દ્વારા જ નહીં, મૃત્યુ દ્વારા પણ સંદેશ આપ્યો છે. દરેકે પોતાનું કર્મ પૂરું કરી વિદાય લેવાની છે. એક જીવનમાં બધાં કામ પૂરાં થઈ શકતાં નથી. કિરણ જોગીદાસ ‘રોશન’ કૃષ્ણને સકારણ વિનવે છે...
તમે છોડી ગયા એવી જ એ રાધા અધૂરી છે
યુગોથી એક પાવન પ્રેમની ગાથા અધૂરી છે
ફરી અવતાર લઈ આવો ઘણાં ભેગાં થયાં છે કામ
યશોદાએ લીધેલી કેટલી બાધા અધૂરી છે
ફરીથી અવતાર લઈ આવે એવાં એક, બે કે ત્રણ નહીં; હજાર કારણ મળી આવશે. રાક્ષસો સતયુગમાં પણ હતા અને કળિયુગમાં પણ છે. ફરક એટલો કે હવે શિંગડાં દેખાતાં નથી. નોકરાણી, પોલીસ, ડૉક્ટર, પાર્ટીની કાર્યકર્તા વગેરે અનેક સ્ત્રીઓ પર દુષ્કર્મ આચરનાર કર્ણાટકના પૂર્વ સંસદસભ્ય પ્રજ્વલ રેવન્નાને જન્મટીપની સજા જાહેર થઈ છે. વગનો ઉપયોગ ભોગ માટે કરતા આવા અનેક ગુનેગારો રાક્ષસોથી કમ નથી. એક દ્રૌપદીના ચીર પૂરનારો એક કૃષ્ણ ક્યાં-ક્યાં પહોંચી શકે? છતાં જિતુ સોની કરે છે એ વાત સાર્થક થાય એવી આશા જરૂર કરીએ...
નવી નવી લીલા ફરીથી તું કરી શકે નહીં?
ફરી ફરી યુગે યુગે તું અવતરી શકે નહીં?
યદા યદા હિ વાળી વાતનું સ્મરણ નથી તને?
પતન ધરમનું રોકવા પરત ફરી શકે નહીં?
ધરમનું પતન જ્યારે ધરમના જાણકારો કરે ત્યારે વધારે આઘાત લાગે. આશ્રમમાં અધ્યાત્મને બદલે લીલા આચરનારા બાબાઓ આપણી આસ્થા પર ખીલા ખોડે છે. પ્રજાનો પૈસો ઘર ભેગો કરનારા અધિકારીઓ, શાસકો, સ્કૅમરો અનેક સુદામાને જન્મ આપે છે. આ બધું આપણને દેખાય છે તો શું પરમેશ્વરને દેખાતું નહીં હોય? દેખાતું હશે, પણ માણસજાત પોતાનું પતન પોતે જ નોતરી રહી હોય તો મારે વિસર્જનમાં શું કામ શક્તિ ખર્ચવી એવો કોઈ વિચાર તેના મનમાં રમતો હશે. છતાં જિજ્ઞેશ ક્રિસ્ટી ‘સંગત’ કહે છે એવો અનુભવ ક્યારેક ને ક્યારેક દરેકને થયો હશે...
જ્યારે તમારા મનમાં વિકટ પ્રશ્ન આવશે
ગમ્મે તે રીતે કરવા મદદ કૃષ્ણ આવશે
લાસ્ટ લાઇન
નિષ્કામ છે, મદન છે, બધે કૃષ્ણ કૃષ્ણ છે
પાણી છે ને અગન છે, બધે કૃષ્ણ કૃષ્ણ છે
ગીતા સ્વરૂપ કાયમી સાથે જ હોય છે
યુગોનું જે કવન છે, બધે કૃષ્ણ કૃષ્ણ છે
બ્રહ્માંડ જેની સાક્ષી પૂરે છે પળે પળે
જાતે ધરા ગગન છે, બધે કૃષ્ણ કૃષ્ણ છે
સમજી શકો તો સાવ સરળ પાત્ર લાગશે
ચિંતન અને મનન છે, બધે કૃષ્ણ કૃષ્ણ છે
યોગી બની સમજશો કે શું કૃષ્ણ હોય છે
ઉત્થાન છે પતન છે, બધે કૃષ્ણ કૃષ્ણ છે
જો પામવો જ હોય તો પ્રેમી બની જુઓ
રાધા-મીરા મગન છે, બધે કૃષ્ણ કૃષ્ણ છે
પામ્યો અમર ગઝલથી કનૈયાના પ્રેમને
કીર્તન, ગઝલ, ભજન છે, બધે કૃષ્ણ કૃષ્ણ છે
- સુનીલ કઠવાડિયા, વડોદરા

