કવિતાઓમાં આકાશ માટે નભ, ગગન, વ્યોમ, અંબર, આભ, આકાશ જેવા ઢગલાબંધ શબ્દો ‘સ્કાય’ કરતાં ઊંચું વૈવિધ્ય બતાવે છે.
પ્રતીકાત્મક તસવીર
થોડા વખત પહેલાં ગુજરાતની કોઈ સ્કૂલમાં એક ઘટના બની હતી. ચિત્રો જોઈને વ્યક્તિની ઓળખ કરવાનું વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું. ગાંધીજી, નેહરુજી, સરદાર તો ઓળખાઈ ગયા, પરંતુ એક મુછાળા મર્દને એકેય વિદ્યાર્થી ઓળખી ન શક્યો. એ હતા ઝવેરચંદ મેઘાણી. જેમનું સાહિત્ય એટલે રસધાર, જેમનું કવિત્વ એટલે શૌર્ય ટપકતી કૃતિ, તેમની ઓળખ આટલી ઝડપથી ભૂંસાઈ રહી છે એનું મુખ્ય કારણ છે ગુજરાતી ભાષીઓનો ગુજરાતીપ્રેમ!
ગુજરાતી ભાષા સાથે જોડાયેલું વૈવિધ્ય વિસ્મય ઉપજાવે એવું છે. કવિતાઓમાં આકાશ માટે નભ, ગગન, વ્યોમ, અંબર, આભ, આકાશ જેવા ઢગલાબંધ શબ્દો ‘સ્કાય’ કરતાં ઊંચું વૈવિધ્ય બતાવે છે. નીર, જળ, પાણી, વારિ, અંબુ જેવા શબ્દ સરોવરમાં ‘વૉટર’ એક તરતું બતક માત્ર લાગે. ‘ફાયર’ની સામે પણ અગ્નિ, અનલ, આગ, ધૂમધ્વજ, વહીની જેવી ધગધગતી વરાઇટી છે. ગુજરાતી ભાષામાં સંસ્કારિતાનું પ્રતિબિંબ પણ કેવું અદ્ભુત ઝિલાયું છે! બીજો પુરુષ (એટલે કે સેકન્ડ પર્સન) માટે અંગ્રેજીમાં ‘યુ’થી આગળ કાંઈ નથી. કૂતરાને બોલાવવો હોય, દીકરાને બોલાવવો હોય, મિત્રને બોલાવવો હોય કે વડીલને બોલાવવા હોય, બધા માટે કૉમન વાક્ય ‘યુ કમ હિયર’.
ADVERTISEMENT
આની સામે ગુજરાતીમાં ‘તું આવ’, ‘તમે આવો’ અને ‘આપ પધારો’ જેવી વિવિધતા જોવા મળે છે. આમાં માત્ર શબ્દોનું વૈવિધ્ય નથી, પણ આદરની જાળવણી પણ છે. મારી ભાષા જો મારો આદર જાળવી કે જણાવી ન શકે તો એ વિકલાંગ છે.
કૅનેડાસ્થિત એક ગુજરાતી પરિવારને અમદાવાદમાં મળવાનું થયેલું. ૧૦ અને ૧૨ વર્ષનાં બેય સંતાનોની ગુજરાતી ભાષા ઉપરની પકડ જોઈને ઘણું આશ્ચર્ય થયેલું. તેમના વાક્યોમાં રૂઢિપ્રયોગો પણ છૂટથી થતા જોઈને કોઈ પ્રૌઢ ગુજરાતીની છાંટ જોવા મળી. પૂછતાં ખબર પડી કે સંસ્કારને બાધા ન પહોંચાડે એવા સંવાદોવાળા ઢગલાબંધ ગુજરાતી નાટકો વગેરેના અંશો જેવી સામગ્રી શોધી-શોધીને ડાઉનલોડ કરી મમ્મી તેમને સંભળાવતી અને સમજાવતી. બાળકની અંદર રહેલી વાર્તારુચિના નેજા હેઠળ આ કાર્ય સરસ પાર પડી ગયું.
ઘરમાં દાદા-દાદી હાજર હોય તો આ અદ્ભુત ‘ઇન-હાઉસ ફૅસિલિટી’નો પણ ફાયદો ઉઠાવી શકાય. સંતાનની જેમ ભાષા વિશે પણ મારાપણાનો ભાવ લાવવો જરૂરી છે. જે ભાષામાં વિચારો આવે અને જે ભાષામાં સ્વપ્ન આવે એ મારી ભાષા!

