જો ભક્તિના અમૃત સાથે એને લેવામાં આવે તો આનંદ થશે. મોક્ષ રોટલો છે પણ ભક્તિ પરમ પેય છે. વિજ્ઞાનનો સિદ્ધાંત ગોસ્વામીજી ઉત્તરકાંડમાં પેશ કરે છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
એક વાત યાદ રાખજો, એકલો રોટલો ખાવાથી સ્વાદ નથી આવતો. ભૂખ હોય તો બધું જ સ્વાદિષ્ટ લાગે એ વાત જુદી છે. અત્યંત ભૂખ હોય તો બધું જ આપણને ભાવે પરંતુ એકલો રોટલો એટલો સ્વાદિષ્ટ નહીં લાગે, દૂધની સાથે રોટલો ખાઈએ તો વધારે સ્વાદ લાગે. એમ એકલો મોક્ષ સ્વાદ નહીં આપે, જો ભક્તિના અમૃત સાથે એને લેવામાં આવે તો આનંદ થશે. મોક્ષ રોટલો છે પણ ભક્તિ પરમ પેય છે. વિજ્ઞાનનો સિદ્ધાંત ગોસ્વામીજી ઉત્તરકાંડમાં પેશ કરે છે.
કોઈ પણ જગ્યાએ તમે એવું જોયું છે કે સ્થળ વગર જળ રહી શકે? ઇમ્પૉસિબલ, પાણી પાત્ર વગર રહી જ ન શકે. ઘડો જોઈએ, પ્યાલો જોઈએ, વાટકો જોઈએ. અરે, બીજું કંઈ ન હોય તો આપણી હથેળી જોઈએ, જે કંઈ હોય એ પણ પાણીને પાત્ર તો જોઈએ જ. નદીનું પાણી, સમુદ્રનું પાણી થલ, ભૂમિ પર રહે. સ્થળ વગર પાણી રહી ન શકે, આકાશમાં પણ વાદળાંઓમાં રહે છે. એ વાદળો પણ અમુક વાયુઓનાં સંયોજન છે. પાત્ર વગર, આધાર વગર પાણી રહી જ ન શકે.
ADVERTISEMENT
આ દૃષ્ટાંત આપીને તુલસીજી એ બતાવે છે કે સ્થળ વગર જેમ જળ ન રહી શકે એવી જ રીતે ભક્તિ વગર મોક્ષ કોઈ દિવસ રહી શકે નહીં. અસંભવ છે. મોક્ષ ઘણાને મળે છે પણ મોક્ષનું સુખ લેવું હોય તેણે ભજન કરવું પડશે.
ભક્તિ હોય તો ધન-દાન સમર્પણનું રૂપ ધારણ કરી લે. ભક્તિ હોય તો ગુણ દૈવી સંપદા બની જાય, સદ્ગુણ બની જાય. ભક્તિ હોય તો પરિજન, આખો પથારો એક પરોપકારનું કામ, એક ધર્મના થાંભલા બનવા માંડે. ભક્તિ હોય તો બળ, આત્મબળ બની જાય; વૈરાગ્યનું બળ બની જાય, વિરાગનું બળ બની જાય, વિવેકનું બળ બની જાય; ત્યાગ બની જાય, ત્યાગબળ બની જાય. જો ભક્તિ હોય તો.
ભક્તિ ભળી જાય તો કુળ ધન્ય, ભક્તિ ભળી જાય તો જાતિ ધન્ય. ભક્તિ ભળે તો ધર્મ દિવ્ય બને. ફલ લાગી જાય ધર્મના વજને, જો ભક્તિ ભળે અને બડાઈ તો જ સાચી, જો એમાં ભક્તિ ભળે. ભક્તિનું આ મહાત્મ્ય છે અને આ મહાત્મ્ય વચ્ચે એ જ કહેવાનું છે કે યાદ રાખજો, ભક્તિથી ભગવાન પણ વેચાઈ જાય. ભક્તિ હોય તો શક્તિ પણ આપોઆપ ખીલે અને ભક્તિ થકી ખીલેલી શક્તિ ક્યારેય નોધારા નથી થવા દેતી. નોધારા પણ ન થવા દે અને અધીરા પણ ન થવા દે. ભક્તિની આ તાકાત, ભક્તિનું આ બળ, આ શક્તિ છે. એ માણસને ટટ્ટાર ઊભા રહેતાં કરે છે.

