સની દેઓલે આપ્યો મુખાગ્નિ : અમિતાભ બચ્ચન, ત્રણેય ખાન, દીપિકા પાદુકોણ-રણવીર સિંહ જેવા ટોચના સાથીઓ પહોંચ્યા સ્મશાનભૂમિ
ધર્મેન્દ્ર
ગઈ કાલે ધર્મેન્દ્રનું ૮૯ વર્ષની વયે અવસાન થયું હતું. આ મુદ્દે પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં નહોતું આવ્યું, પણ બપોરે ધર્મેન્દ્રના ઘરની બહાર ઍમ્બ્યુલન્સ આવી હતી અને ઘરની તથા વિલે પાર્લેના પવનહંસ સ્મશાનભૂમિની સુરક્ષા સઘન કરવામાં આવી હતી. આ ઍમ્બ્યુલન્સ સાથે આખો દેઓલ-પરિવાર જોવા મળ્યો હતો. એ પછી ધર્મેન્દ્રના અવસાનની માહિતી બહાર આવી હતી. ધર્મેન્દ્રના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન, આમિર ખાન, સલમાન ખાન, સલીમ ખાન, સંજય દત્ત, અક્ષય કુમાર, અનિલ કપૂર, જૅકી શ્રોફ, દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, અગસ્ત્ય નંદા, શબાના આઝમી, સૈફ અલી ખાન, રણદીપ હૂડા, ઝીનત અમાન, સોહા અલી ખાન, કુણાલ ખેમુ, નેહા ધુપિયા, અંગદ બેદી, ઝાયેદ ખાન, રાજકુમાર સંતોષી અને સિદ્ધાર્થ રૉય કપૂર પહોંચ્યાં હતાં. શાહરુખ ખાને આ અંતિમયાત્રામાં મૅનેજર પૂજા દાદલાણી સાથે હાજરી આપી હતી તો ગોવિંદા પોતે ગાડી ડ્રાઇવ કરીને પવનહંસ સ્મશાનભૂમિ પહોંચ્યો હતો. ભાગ્યે જ જાહેરમાં જોવા મળતાં સાયરા બાનો પણ ૮૧ વર્ષની ઉંમરે ધર્મેન્દ્રનાં અંતિમ દર્શન કરવા પહોંચ્યાં હતાં.
ધર્મેન્દ્ર છેલ્લા ઘણા સમયથી ઉંમરસંબંધી બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. ૧૦ નવેમ્બરે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને તેમને મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ દરમ્યાન તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. મીડિયામાં તેમના મૃત્યુના અહેવાલો પણ આવ્યા હતા, પરંતુ તેમના પરિવારે એને નકારી કાઢ્યા હતા. ૧૨ નવેમ્બરે ધર્મેન્દ્રને હૉસ્પિટલમાંથી ઘરે લઈ જવામાં આવ્યા હતા અને ઘરે જ સારવાર આપવામાં આવી રહી હતી.
ADVERTISEMENT
સની દેઓલે આપ્યો મુખાગ્નિ
ધર્મેન્દ્રને મોટા દીકરા સની દેઓલે મુખાગ્નિ આપ્યો હતો. તેણે પરિવારને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેની આંખોમાં દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. એ સિવાય અંતિમયાત્રામાં બૉબી દેઓલ, હેમા માલિની, એશા દેઓલ, આહના દેઓલ અને સનીના દીકરાઓ કરણ દેઓલ તથા રાજવીર દેઓલ વ્યથિત હાલતમાં જોવા મળ્યાં હતાં. અંતિમયાત્રા વખતે આખો પરિવાર ભાવુક થઈ ગયો હતો પણ બધાએ એકબીજાને સપોર્ટ આપ્યો હતો.
હેમા માલિનીએ ફૅન્સ સામે હાથ જોડ્યા
ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર પછી હેમા માલિની અને એશા દેઓલ જ્યારે ઘરે જવા રવાના થયાં ત્યારે તેમણે દુખી ચહેરે ફૅન્સ અને ફોટોગ્રાફર્સ સામે હાથ જોડ્યા હતા.
ફૅન્સની પીડા
ધર્મેન્દ્રના અવસાન પછી તેમના અંતિમ સંસ્કાર વિલે પાર્લેના પવનહંસ સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રના મૃત્યુના સમાચાર મળતાં જ ફૅન્સની ભીડ જમા થઈ ગઈ હતી. ફૅન્સની હાલત ભાવુક અને દુખદ હતી. ફૅન્સે અંતિમ વાર ધર્મેન્દ્રને જોવા માટે લાંબી લાઇનમાં ઊભા રહીને શ્રદ્ધાંજલિ આપી હતી. કેટલાક ફૅન્સ સ્મશાનભૂમિની બહાર રડતાં જોવા મળ્યા હતા. આ ભીડને કારણે વિલે પાર્લે અને સાંતાક્રુઝના મુખ્ય રસ્તાઓ પર લાંબો ટ્રાફિક જૅમ સર્જાયો હતો જે કલાકો સુધી ચાલ્યો હતો.
સોશ્યલ મીડિયા પર અમુક ફૅન્સે અંતિમયાત્રા બહુ ફટાફટ આટોપી લેવા બદલ પરિવારની ટીકા કરી હતી, પણ મોટા ભાગના ફૅન્સે પરિવારના દુઃખને સમજીને તેમના નિર્ણયને સ્વીકાર્યો હતો.


