પ્રેમથી જગત જીતી શકાય. પ્રેમથી પીડ-નીર પ્રાપ્ત થાય. આંખોમાં નીર ધસી આવે. એક પીડા છે હૃદયમાં. હૃદયમાં પીડ, નયનમાં નીર છે
સત્સંગ
પ્રતીકાત્મક તસવીર
સત્ય, પ્રેમ અને કરુણાની વાત કરું તો ઘણા મને પ્રેમનું પૂછે કે પ્રેમથી શું થાય.
પ્રેમથી જગત જીતી શકાય. પ્રેમથી પીડ-નીર પ્રાપ્ત થાય. આંખોમાં નીર ધસી આવે. એક પીડા છે હૃદયમાં. હૃદયમાં પીડ, નયનમાં નીર છે. પીડ દુઃખ છે, દુઃખ અગ્નિ છે, તાપ છે અને તાપને ઠંડો જળ જ કરી શકે. આ જળ એટલે જ પ્રેમ. જેણે પ્રભુને સાચો પ્રેમ કર્યો તે દિલનો બીમાર થાય છે. અધ્યાત્મ દિલની બીમારી, એનું દિલ સંસારીઓનું નથી રહેતું. શુદ્ધ-અશુદ્ધ લોહી ધમની, શિરાઓમાં જતું તો હશે, શારીરિક ઘટના ઘટતી હશે; પણ જેણે પ્રેમ કર્યો તેનું દિલ બદલાઈ જાય છે. તેની પૂરેપૂરી ભૂમિકા બદલાઈ જાય છે. એક પીડા, એક કસક લાગી જાય છે અને આંખોમાંથી અશ્રુ વહેતાં રહે છે.
ADVERTISEMENT
પ્રેમથી પ્રાપ્ત થાય વિશ્વાસ-નિઃશ્વાસ.
પ્રેમમાં વિશ્વાસ હોય છે અને નિઃશ્વાસ પણ નીકળતા રહે છે. પ્રભુ પર પૂરેપૂરો વિશ્વાસ હોય છે અને બીજી બાજુ એ ક્યાંય દેખાતો ન હોવાની પીડામાં ફળફળતા નિઃશ્વાસ પણ નીકળે છે. આવી અવસ્થા આવે એટલે માણસને ચેન ન પડે. સામર્થ્ય હોવા છતાં દીનતા આવે. ઈશ્વર નજરે ન ચડે એટલે દુઃખ થાય, પણ વિશ્વાસ તો પાકો છે કે પ્રેમ કરવા યોગ્ય તું જ છે. જ્યાં બુદ્ધિ અને તર્ક એક બાજુએ રહી જાય છે. તું કચડી નાખે, મારી નાખે પણ અમે તારા છીએ. એક વિશ્વાસ છે, મારો પ્રિયતમ મારા માટે જે નક્કી કરે એ મને મંજૂર છે.
પ્રેમથી અભિલાષા પ્રાપ્ત થાય.
મળો, દર્શન કરો, વાતચીત કરો. શ્રી વલ્લભાચાર્યના શબ્દોમાં મનોરથ કહી દો. એક ઉત્કટ ઇચ્છા કે દર્શન કરીએ, મળીએ, સાંભળીએ, વાત કરીએ. આ અભિલાષા પ્રેમની પહેલી સ્થિતિ છે. હરપળ પ્રિયપાત્રને મળવાની, તેનાં દર્શન કરવાની ઇચ્છા થાય. આ ઇચ્છા કદી સમાપ્ત પણ ન થાય. બહુ ઊંચી કક્ષાની આ તલપ છે. એક વખત ઈશ્વર સાથે આવું અનુસંધાન થઈ ગયું તો સમજો બેડો પાર!
ક્યારેય ભૂલતા નહીં, મોહથી વિકાર ઉત્પન્ન થાય છે, પ્રેમથી સંસ્કાર ઉત્પન્ન થાય છે અને આ બધા સંસ્કારો જ છે. આંખમાં આંસુ આવવાં એ પણ સંસ્કાર છે અને પ્રિયતમની ચિંતા થવી એ પણ સંસ્કાર છે. પ્રેમ વિશ્વાસ આપે એ પણ સંસ્કાર છે અને નિઃશ્વાસ બનાવે એ પણ સંસ્કાર જ છે. પ્રેમ સંસ્કાર સિવાય કંઈ ન આપે અને મોહ વિકાર સિવાય કશું ન આપે એટલે મોહમાં નહીં રહેતા, પ્રેમ કરજો. પ્રેમ જ તમને તારવશે અને પ્રેમ જ તમારો બેડો પાર કરશે.