આજથી દાયકાઓ પહેલાં એક હિન્દી ફિલ્મ આવેલી : ‘તૂ નહીં ઔર સહી’. એ જ શબ્દોથી શરૂ થતું ટાઇટલ સૉન્ગ લખેલું મજરૂહ સુલતાનપુરીએ. સંગીતકાર રવિએ બાંધેલી તરજમાં ગાયું હતું મુકેશ ચંદ માથુર ઉર્ફે મુકેશે.
અમેરિકન પત્ની નૅન્સી સાથે તુકોજીરાવ, તુકોજીરાવ ત્રીજાનાં ત્રીજાં લગ્નનાં બૅન્ડ, બાજા, બારાત
આજથી દાયકાઓ પહેલાં એક હિન્દી ફિલ્મ આવેલી : ‘તૂ નહીં ઔર સહી’. એ જ શબ્દોથી શરૂ થતું ટાઇટલ સૉન્ગ લખેલું મજરૂહ સુલતાનપુરીએ. સંગીતકાર રવિએ બાંધેલી તરજમાં ગાયું હતું મુકેશ ચંદ માથુર ઉર્ફે મુકેશે. આ ફિલ્મ તો આવેલી ૧૯૬૦માં. અને ઇન્દોર રાજવી તુકોજી મહારાજે ગાદીત્યાગ કર્યો ૧૯૨૬માં. એટલે તેમણે તો આ ગીત ક્યાંથી સાંભળ્યું હોય? હા, કદાચ તેમના જીવન પરથી મજરૂહ સુલતાનપુરીને પ્રેરણા મળી હોય!
રાજકાજ ગયા પછી કરવું શું? દીકરો યશવંતરાવ ગાદીએ તો બેઠો પણ હજી સગીર વયનો હતો એટલે રાજ્યનો કારભાર પૉલિટિકલ એજન્ટ અને તેમણે નીમેલી સમિતિના હાથમાં હતો. એટલે તુકોજીરાવને તુક્કો આવ્યો : ચાલો જઈએ પરદેશની મુસાફરીએ.
સ્વિટ્ઝરલૅન્ડમાં તુકોજીરાવનો પોતાનો બંગલો હતો એટલે નાની રાણીને લઈને ઊપડ્યા સ્વિટ્ઝરલૅન્ડ. પણ છએક મહિના થયા ત્યાં નાની રાણી તો કંટાળી ગયાં. કહે ચાલો પાછાં ઘરે જઈએ! ‘તમારે જવું હોય તો જાઓ ઇન્દોર. મને તો અહીં ગોઠી ગયું છે.’ નાની રાણી ઇન્દોર ગયા પછી તુકોજીરાવ મનમાં ને મનમાં ગણગણ્યા હશે: ‘આજ મૈં આઝાદ હૂં દુનિયા કે ગગન મેં.’ અને તૈયાર થઈ ગયા નવી ગિલ્લી નવો દાવ માટે.
અને થયું કાગનું બેસવું અને તાડનું પડવું જેવું. અમેરિકાના સીએટલ, વોશિંગ્ટનમાં ૧૯૦૭ના સપ્ટેમ્બરની નવમીએ જન્મેલી નેન્સી મિલર. બાપ અલાસ્કાની ઘણી સોનાની ખાણોનો માલિક. તો મા હતી કૉન્સર્ટ પિયાનિસ્ટ. નૅન્સીએ યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટનમાં ‘ઓરિએન્ટલ સિવિલાઇઝેશન’ કહેતાં પૂર્વની સંસ્કૃતિનો અભ્યાસ કરેલો. બાપ પાસે ચિક્કાર પૈસો એટલે કમાવાની ચિંતા તો નૅન્સીને હતી જ નહીં. અવારનવાર ફરવા નીકળી પડે, ઘણી વાર મા-બાપ પણ સાથે હોય. જે વખતે તુકોજીરાવ સ્વિટ્ઝરલૅન્ડમાં, એ જ વખતે નૅન્સી પણ ત્યાં. તુકોજીરાવ અવારનવાર લુસેનના કસીનોમાં જાય. લાખ્ખો કમાય કે ગુમાવે. નૅન્સી પણ એ કસીનોમાં જાય. અને એક વાર બન્નેની નજર મળી, મન હળ્યાં. મૈત્રી થઈ. તુકોજીરાવ કરતાં નૅન્સી સત્તર વર્ષ નાની. પણ તુકોજીરાવના સંગનો રંગ લાગ્યો. તે પૅરિસ ગઈ તો તુકોજીરાવ પણ પૅરિસ. તે દાદી પાસે અમેરિકા ગઈ તો તુકોજીરાવ પણ અમેરિકા. ત્યાં જઈ નૅન્સીનાં દાદીને મળ્યા. કહે : ‘હું નૅન્સી સાથે લગન કરવા માગું છું.’ દાદીએ નૅન્સી સામે જોયું. નૅન્સી કહે : ‘હા, હું પણ તેમના પ્રેમમાં પડી છું.’ મિયાં-બીબી રાજી તો ક્યા કરે દાદીજી! દીકરી અને દાદી એસ. એસ. જિનોઆ નામની સ્ટીમરમાં બેઠાં અને ૧૯૨૭ના ડિસેમ્બરની ૨૬ તારીખે આવી પહોચ્યાં મુંબઈ.
તુકોજીએ હિન્દુસ્તાનનો કિનારો છોડ્યો ત્યારથી બ્રિટિશ સરકારના ખબરીઓ તેમની નાની-મોટી વાતોની ખબર લંડન પહોંચાડતા હતા. એટલે તુકોજીરાવ અને નૅન્સીના પ્રેમપ્રકરણની વાત વાયા લંડન મુંબઈ પહોંચી ગઈ હતી. મુંબઈ સરકારે અમેરિકન એલચીને ચેતવ્યા. એસ. એસ. જિનોઆ મુંબઈના બેલાર્ડ પિયર પર નાંગરી ત્યારે નૅન્સીને મળવા અમેરિકન એલચી હાજરાહજૂર હતા. તેમણે તુકોજીરાવ સાથે લગ્ન ન કરવાની સલાહ આપી. પછી આડકતરી ધમકી. કશું બોલ્યા વગર નૅન્સીએ પોતાનો પાસપોર્ટ તેમના હાથમાં મૂક્યો અને બોલી : ‘વાંચો મારી જન્મતારીખ.’ એલચીએ વાંચી : ‘સપ્ટેમ્બર ૯, ૧૯૦૭.’ નૅન્સી : ‘હવે હું સગીર વયની નથી, પુખ્ત વયની છું. એટલે આપ મને રોકી શકો નહીં.’ અને અમેરિકન એલચીએ ચાલતી પકડી.
એ અરસામાં ગ્રેટ બ્રિટન અને અમેરિકાના સંબંધો બહુ એખલાસભર્યા નહોતા. એટલે એક તો બ્રિટિશ સરકારને વહેમ હતો કે આ નૅન્સી હિન્દુસ્તાનમાં રહીને જાસૂસી તો નહીં કરેને? નૅન્સીના બાપની સંપત્તિ અને લાગવગ વિશે બ્રિટિશ સરકાર જાણતી હતી. એટલે એવો પણ વહેમ હતો કે અમેરિકન સરકારને ઉશ્કેરીને તુકોજીરાવના ગાદીત્યાગ વિશે હોબાળો તો ઊભો નહીં કરાવેને? અમેરિકન એલચીના હાથ હેઠા પડ્યા એટલે બ્રિટિશ સરકારે તુકોજીરાવ સામે હથિયાર ઉગામ્યું : ‘તમને દર વરસે ૫૦ હજાર પાઉન્ડનું પેન્શન આપીએ છીએ એ સાવ ઘટાડી નાખશું.’ તુકોજીરાવ કહે : ‘ગાદીત્યાગ વિશેના કરારમાં આવી કોઈ કલમ નથી. છતાં તમે આમ કરશો તો હું પ્રિવી કાઉન્સિલમાં ધા નાખીશ.’
તો બીજી બાજુ ઇન્દોરની રૈયતે આ લગ્નનો વિરોધ કર્યો કારણ કે નૅન્સી પરધર્મી હતી. એમાંય તુકોજીરાવની ધનગર જ્ઞાતિનો વિરોધ તો ઘણો ઉગ્ર હતો. મોટી અને નાની રાણીઓએ પણ વિરોધ કર્યો: ‘ન કરે નારાયણ ને કાલ સવારે તમારાં સંતાનો રાજગાદી પર હક કરતાં આવે તો? અને નાની રાણીએ તો તરત ઉપવાસ શરૂ કરી દીધા. પણ આ વખતે તુકોજીરાવે મનમાં ગાંઠ વાળી લીધી હતી: ‘ડગલું ભર્યું કે ના હઠવું, ના હઠવું.’ બે રાણીઓનો વિરોધ છે? નૅન્સી અને તુકોજીરાવે લેખિત બાંહેધરી આપી કે ભવિષ્યમાં અમારું કોઈ સંતાન રાજગાદી પર હક નહિ કરે. બિનહિન્દુ સ્ત્રી સાથેનાં લગનનો ધનગર જ્ઞાતિ વિરોધ કરે છે? ૧૩ માર્ચે નાશિક જઈને નૅન્સીએ પોતાનો ધર્મ ત્યજી હિન્દુ ધર્મ અંગીકાર કર્યો અને નામ બદલીને નૅન્સીમાંથી શર્મિષ્ઠા દેવી બની.
૧૭ માર્ચ, ૧૯૨૮. ઇન્દોરથી લગભગ ૩૭ માઇલ દૂર આવેલું બડવાહ ગામ વહેલી સવારથી ધમધમતું હતું. દરિયા મહાલ પૅલેસને શણગારવામાં આવ્યો હતો. ગામમાં ઠેર ઠેર તોરણો બંધાયાં હતાં અને ચોરેચૌટે શરણાઈઓ ગુંજતી હતી. પૅલેસની બહારના મેદાનમાં પચીસ હજાર મહેમાનોને સમાવી શકે એવો વિશાળકાય તંબુ બાંધ્યો હતો. વરઘોડા માટે ઇન્દોર રાજ્યના હાથી-ઘોડા, પાયદળના સૈનિકો, બૅન્ડ વગેરે વાપરવાની તુકોજીરાવની માગણી અંગ્રેજ સરકારે સ્વીકારી હતી. પણ પૉલિટિકલ એજન્ટે તમામ અંગ્રેજ અધિકારીઓને આદેશ આપ્યો હતો કે લગ્ન સમારંભ વખતે હાજર ન જ રહેવું. પણ કેટલાક બિનસરકારી અંગ્રેજો અને પારસી અમલદારો હાજર રહ્યા હતા. કેટલાંક દેશી રાજ્યોએ પોતાના પ્રતિનિધિઓ મોકલ્યા હતા.
...લગ્ન પછી તુકોજીરાવ અને નૅન્સી ઉર્ફે શર્મિષ્ઠા દેવી પરદેશ આવજા કરતાં પણ મુખ્યત્વે ઇન્દોરમાં જ રહ્યાં. નૅન્સીએ ચાર દીકરીને જન્મ આપ્યો. અને બધીને મરાઠા કુટુંબોમાં પરણાવી. ૧૯૭૮ના મે મહિનાની ૨૭મી તારીખે તુકોજીરાવનું અવસાન થયું. એ પછી નૅન્સી મોટો મહેલ છોડી સુખ નિવાસ પૅલેસ નામના નાના મહેલમાં રહેવા ગઈ. એક અહેવાલ પ્રમાણે નૅન્સીના મૃત્યુ પછી તેની ચાર દીકરીઓ – શારદા રાજે, સીતા રાજે, સુમિત્રા રાજે અને સુશીલા રાજે – પોતાની માની સંપત્તિ માટે ઝઘડી હતી અને ઝઘડો અદાલત સુધી ગયો હતો.
યશવંતરાવ હોળકર (બીજા) ઉંમરલાયક થતાં ૧૯૩૦ના મે મહિનાની ૯મી તારીખે પૉલિટિકલ એજન્ટે તેમને રાજસત્તા સોંપી હતી. તેમણે ઇન્દોર રાજ્યમાં પહેલી વાર વિધાનસભાની સ્થાપના કરી અને વડા પ્રધાન અને ત્રણ પ્રધાનોનું મંત્રીમંડળ નીમીને તેમને કારભાર સોંપ્યો. ૧૯૪૭ના ઑગસ્ટની ૧૧મી તારીખે ભારતીય સંઘમાં જોડાવાના કરાર પર તેમણે સહીસિક્કા કર્યા અને ૧૯૪૮ના મે મહિનાની ૨૮મી તારીખે ઇન્દોરનું રાજ્ય ‘મધ્ય ભારત’ (આજનું મધ્ય પ્રદેશ) રાજ્યમાં ભળી ગયું. મુંબઈની એક હૉસ્પિટલમાં ૧૯૬૧ના ડિસેમ્બરની પાંચમી તારીખે યશવંતરાવનું અવસાન થયું.
પણ પછી મુમતાઝનું શું થયું? ૧૯૨૫ના જુલાઈની ૧૯મી તારીખે તેણે બાવલાથી થયેલી દીકરીને મુંબઈમાં જનમ આપ્યો અને તેનું નામ પાડ્યું સદ્દાત બેગમ. પણ પછી ૧૯૨૬ના માર્ચમાં તેણે ૨૮ વર્ષના અબ્દુલ રહેમાન સાથે નિકાહ પઢી લીધા. તે ચામડાનો મોટો વેપારી હતો. આ તેની ત્રીજી શાદી હતી. કૌટુંબિક ઝઘડાને કારણે મુમતાઝે પોતાની અમ્મીજાન પર કેસ માંડ્યો તો અમ્મીજાને સામો તેના પર કેસ ઠોકી દીધો. અબ્દુલ રહેમાન અને મુમતાઝ મુંબઈ છોડી કરાચી રહેવા ગયાં. ત્યાં ગયા પછી એ બન્ને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી અને બન્નેએ કાયદેસર છૂટાછેડા લીધા. ૧૯૨૯માં મુમતાઝ ફરી મુંબઈ આવી અને ગાયિકા તરીકેની કારકિર્દી શરૂ કરી. ઉર્દૂ, ફારસી અને મરાઠી ગીતોના તેના કાર્યક્રમ રૉયલ ઑપેરા હાઉસ અને એડવર્ડ થિયેટરમાં યોજાતા. થોડા વખત પછી તેને હૉલીવુડની પાંચ લાખ રૂપિયાની ઑફર મળી અને તે અમેરિકા ગઈ. એ પછીની તેના વિશેની કોઈ વિગત જાણવા મળતી નથી. હૉલીવુડની કોઈ ફિલ્મમાં તે જોવા મળી નહીં.
પણ હા, બાવલા મર્ડર કેસ પરથી મુંબઈમાં ‘કુલીન કાન્તા’ નામની મૂંગી ફિલમ બનેલી. ૧૯૨૫માં રિલીઝ થયેલી અ ફિલ્મનું દિગ્દર્શન હોમી માસ્તરે કર્યું હતું અને ઇન્દોરનરેશનું પાત્ર ભજવ્યું હતું જેને હિન્દી સિનેમાના પહેલવહેલા સ્ટાર તરીકે ઓળખાવવામાં આવે છે એ ખલીલ નામના ઍક્ટરે. મુમતાઝનો રોલ મિસ મોતીએ ભજવ્યો હતો. પટકથા લેખક હતા મોહનલાલ જ. દવે અને સિનેમૅટોગ્રાફી હતી જી. કે. ગોખલેની.
આજે આપણા દેશના વહીવટી તંત્રમાં, ન્યાય પદ્ધતિમાં, પોલીસ ખાતામાં જે કાંઈ મર્યાદા કે ઊણપ દેખાય એના માટે અંગ્રેજ રાજને ભાંડવાની આપણને ટેવ પડી ગઈ છે પણ જરા વિચાર કરો : જ્યારે આજનાં જેવાં સાધન-સગવડ મુદ્દલ નહોતાં ત્યારે બાવલા ખૂનકેસનો નિવેડો કેટલો ઝડપથી આવી ગયેલો.
મિસ્ટર બાવલાનું ખૂન થયું ૧૯૨૫ના જાન્યુઆરીની બારમી તારીખે સાંજના સાડાસાત વાગ્યે. વાઇસરૉયની મંજૂરી મેળવ્યા પછી ૧૯ જાન્યુઆરીએ મુંબઈ પોલીસની ટીમ ઇન્દોર પહોંચી અને આરોપીઓને ‘વધુ પૂછપરછ માટે’ મુંબઈ લઈ આવી. ચીફ પ્રેસિડન્સી મૅજિસ્ટ્રેટ એસ. એસ. રાંગણેકરની કોર્ટમાં ૨૬ માર્ચે કેસ દાખલ થયો અને એ જ દિવસે બૉમ્બે હાઈ કોર્ટમાં ટ્રાન્સફર થયો. ૨૭ એપ્રિલથી ત્યાં સુનાવણી શરૂ થઈ. ૧૦૨૫ની ૨૩ મેના દિવસે બૉમ્બે હાઈ કોર્ટે ચુકાદો જાહેર કર્યો. ગવર્નર, વાઇસરૉય, લંડનની પ્રિવી કાઉન્સિલ સુધી અપીલ થઈ. તેમના જવાબો આવી ગયા. અને ૧૯ નવેમ્બરની સવારે તો બે ગુનેગારોને ફાંસી પણ અપાઈ ગઈ.
પહેલા ખૂનકેસ સાથે રાજાબાઈ ટાવર જોડાયેલો હતો. આ બીજા ખૂનકેસ સાથે મલબાર હિલનો સંબંધ. હવે ત્રીજા ખૂન સાથે મુંબઈનું કયું સ્થળ જોડાયેલું હશે? રાહ જુઓ, આવતા શનિવાર સુધી.

