વર્તમાનમાં જે સામાજિક વાતાવરણ વચ્ચે આપણે સૌ જીવી રહ્યા છીએ ત્યાં ઉપર લખેલી પંક્તિઓનું મહત્ત્વ ઘણું વધી જાય છે
પ્રતીકાત્મક તસવીર
અંગ્રેજીમાં એક જાણીતી કહેવત છે કે ‘હસશો ત્યારે વિશ્વ તમારી સાથે હસશે, રડશો ત્યારે તમારે એકલાએ રડવું પડશે.’ વર્તમાનમાં જે સામાજિક વાતાવરણ વચ્ચે આપણે સૌ જીવી રહ્યા છીએ ત્યાં ઉપર લખેલી પંક્તિઓનું મહત્ત્વ ઘણું વધી જાય છે, કારણ કે સ્વાર્થ અને લોભથી ભરપૂર જીવન જીવતાં-જીવતાં જ્યારે આપણે પોતાના જીવનના નિર્ણાયક બિન્દુ પર આવીને પોતાની જાતને વગર કોઈ સાથ કે સથવારા વિના એકલા અનુભવીએ છીએ ત્યારે આપણને આ કટુ સત્યનું ભાન થાય છે કે ‘સારા સમયમાં સાથ આપનારા લોકો મળી રહે છે, પરંતુ ખરાબ સમયમાં હિંમત અને આધાર આપનાર મુશ્કેલીથી જ કોઈ એક પણ મળશે.’ આ વાત ઉપરથી આપણે એ શીખ લેવી જોઈએ કે દરેકના જીવનમાં સારો અને ખરાબ સમય તો આવતો અને જતો રહે છે, પરંતુ સામાન્યપણે આપણે સૌ આનંદકારક અને પ્રસન્ન પરિસ્થિતિઓમાં એટલી હદે ખોવાઈ જતા હોઈએ છીએ કે આપણે પોતાની જાતને સુધ્ધાં ભૂલીને મુક્ત પંખીની જેમ હવામાં ઊડવા માંડીએ છીએ, ત્યાં વળી બીજી બાજુએ જ્યારે કોઈ સમસ્યાજનક પરિસ્થિતિનો સામનો આપણને કરવો પડે છે ત્યારે આપણે એ બિલકુલ ભૂલી જઈએ છીએ કે આ તો ફક્ત એક અલ્પ કાળની પરીક્ષા છે જે આવીને જતી રહેશે. આપણે એ મુખ્ય વસ્તુ ભૂલી જતા હોઈએ છીએ કે આ સમગ્ર વિશ્વમાં જ્યારે કશું જ કાયમી નથી તો પછી પરિસ્થિતિઓ શું એમાં અપવાદ છે? એટલે આપણે બદલાતી પરિસ્થિતિઓ પ્રમાણે પોતાની જાતને બદલવાનું શીખવું પડશે. ત્યારે જ તો આપણે સમય સાથે કદમથી કદમ મિલાવીને ચાલી શકીશું.
જે વ્યક્તિ આનંદકારક પરિસ્થિતિઓમાં વધારે ઉત્સાહિત નથી થતી તેમ જ કપરી પરિસ્થિતિઓમાં વધારે હતાશ નથી થતી એ જ સાચા અર્થમાં એક સ્થિર અને સલામત જીવન જીવી શકે છે, કારણ કે આપણે સૌ આ વિશાળ સૃષ્ટિ રંગભૂમિ પર અભિનેતા રૂપે પોતપોતાની અનન્ય ભૂમિકા બજાવી રહ્યા છીએ એટલા માટે આપણે બન્ને પરિસ્થિતિઓમાં (સુખદ-દુ:ખદ) સમાન રીતે પોતાની ભૂમિકા બજાવવી જોઈએ અને દરેકની ભૂમિકાને સાક્ષી થઈને જોવી જોઈએ કારણ કે આ સૃષ્ટિ રંગભૂમિ પર બધું જ પૂર્વનિર્ધારિત છે એટલે દરેક પ્રકારની પરિસ્થિતિમાં સંતુલન બનાવીને રાખવું આપણા માટે ફરજિયાત છે અન્યથા આપણે પોતાના દ્વારા સર્જિત કરોળિયાની જાળમાં અટવાઈને પોતાનું જ નુકસાન કરી બેસીશું. પણ શું આવી બધી પરિસ્થિતિઓની વચ્ચે રહીને સંતુલન બનાવી રાખવું એટલું સરળ છે? અવશ્ય! એના માટે આપણે સંપૂર્ણપણે આપણી બુદ્ધિને તેમને સમર્પિત કરવી પડશે જેઓ સર્વોચ્ચ છે અને જેઓ સમગ્ર બ્રહ્માંડના કર્તા-ધર્તા છે. આમ કરવાથી આપણે બધા પ્રકારના વ્યર્થ અને નકારાત્મક વિચારોથી મુક્ત થઈ જઈશું અને એ સર્વોચ્ચ સર્વશક્તિમાનની અસીમ કૃપાના પાત્ર બની જઈશું. એટલે યાદ રાખો કે જીવન ખૂબ જ ટૂંકું છે અને એમાં જો આપણે સ્થૂળ સ્તરે ઉપલબ્ધ માહિતીઓને સંગ્રહિત કરવામાં વ્યસ્ત થઈ જઈશું તો આપણે શાંતિ પ્રાપ્ત કરવાના સૂક્ષ્મ અનુભવોને ગ્રહણ કરવામાં અક્ષમ થઈ જઈશું. તો આવો, આજથી આપણે પોતાના જીવનમાં સંપૂર્ણ આનંદ અને સુખનો અનુભવ કરવા માટે પોતાની દરેક ક્ષણનો સદુપયોગ કરવાનું પ્રણ લઈએ.
ADVERTISEMENT
-રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી

