Shibu Soren Death: ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું ગંગા રામ હોસ્પિટલમાં નિધન; ૮૧ વર્ષીય સોરેન લાંબા સમયથી કિડનીની સમસ્યાથી પીડાતા હતા
શિબુ સોરેન
ઝારખંડ (Jharkhand)ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન (Shibu Soren)નું ૮૧ વર્ષની વયે અવસાન થયું. તેમણે દિલ્હી (Delhi)ની સર ગંગારામ હોસ્પિટલ (Sir Ganga Ram Hospital)માં અંતિમ શ્વાસ લીધા. તેમની દોઢ મહિનાથી સારવાર ચાલી રહી હતી. શિબુ સોરેનને કિડની સંબંધિત સમસ્યાઓના કારણે જૂનના છેલ્લા અઠવાડિયામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દીકરા મુખ્યમંત્રી હેમંત સોરેન (Hemant Soren)એ સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ (X) પર તેમના પિતાના અવસાન વિશે માહિતી આપી હતી.
‘ગુરુજી’ શિબુ સોરેનનો પાર્થિવ દેહ આજે સાંજે રાંચી (Ranchi) પહોંચશે, તેમના પાર્થિવદેહને આવતીકાલે વિધાનસભામાં દર્શન માટે રાખવામાં આવશે. અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે નેમરા (Nemra), રામગઢ (Ramgarh)માં કરવામાં આવશે. નેમરા ગુરુજીનું પૈતૃક ગામ અને જન્મસ્થળ છે.
ADVERTISEMENT
શિબુ સોરેનના દીકરા અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને તેમના પિતાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કરતા લખ્યું છે કે, ‘આદરણીય દિશોમ ગુરુજી આપણને બધાને છોડીને ચાલ્યા ગયા છે. આજે હું શૂન્ય થઈ ગયો છું...’
आदरणीय दिशोम गुरुजी हम सभी को छोड़कर चले गए हैं।
— Hemant Soren (@HemantSorenJMM) August 4, 2025
आज मैं शून्य हो गया हूँ...
શિબુ સોરેન છેલ્લા ઘણા વર્ષોથી બીમાર હતા અને જૂનના છેલ્લા અઠવાડિયામાં તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની હાલત ગંભીર રહી હતી અને તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા.
શિબુ સોરેન ઝારખંડમાં `ગુરુજી` તરીકે જાણીતા હતા. તેઓ ઝારખંડ મુક્તિ મોરચા (Jharkhand Mukti Morcha)ના સ્થાપક નેતાઓમાંના એક હતા અને તેમણે આદિવાસી અધિકારોની લડાઈમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેમણે અલગ ઝારખંડ રાજ્ય માટે ચળવળનું નેતૃત્વ કર્યું અને ત્રણ વખત રાજ્યના મુખ્યમંત્રી પણ બન્યા. શિબુ સોરેનના નેતૃત્વમાં, ઝારખંડ મુક્તિ મોર્ચાએ આદિવાસી વિસ્તારોમાં સામાજિક અને રાજકીય જાગૃતિનું અભિયાન શરૂ કર્યું અને રાજ્યને એક અલગ ઓળખ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi), રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu), કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) અને અન્ય ઘણા અગ્રણી નેતાઓએ શિબુ સોરેનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
`ગુરુજી` શિબુ સોરેનના મૃત્યુના સમાચાર ફેલાતા જ ઝારખંડમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે. રાજકીય અને સામાજિક સંગઠનોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ગુરુજીના જવાથી ઝારખંડના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે. ભાવિ પેઢીઓ તેમના યોગદાનને હંમેશા યાદ રાખશે.
દિશોમ ગુરુજી શિબુ સોરેનના નિધન બાદ, ઝારખંડમાં રાજ્ય સરકારે ત્રણ દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે. આ શોક સમયગાળો ૪ ઓગસ્ટથી ૬ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન, રાજ્યની તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે અને આ સમયગાળા દરમિયાન કોઈ પણ રાજ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં નહીં આવે. રાજ્ય શોકની જાહેરાત સાથે, સમગ્ર રાજ્યમાં શોકનું વાતાવરણ છે. દિશોમ ગુરુજીના યોગદાનને યાદ કરીને, રાજકીય અને સામાજિક સંગઠનોએ ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

