હજારો વર્ષોથી અહીંના સ્થાનિક લોકો આ વાનરદેવથી એવા ખફા છે કે મારુતિ નામની ગાડી પણ ખરીદતા નથી, તેમનાં સંતાનોનાં નામ પણ સંકટમોચનના નામ પરથી રાખતા નથી
દ્રોણગિરિ પર્વત, નીતી ગામ, ઉત્તરાખંડ
ઉત્તરાખંડના નીતી અને મહારાષ્ટ્રના નાંદુર નિમ્બાદૈત્ય નામના ગામમાં હનુમાનજીનું મંદિર જ નથી. હજારો વર્ષોથી અહીંના સ્થાનિક લોકો આ વાનરદેવથી એવા ખફા છે કે મારુતિ નામની ગાડી પણ ખરીદતા નથી, તેમનાં સંતાનોનાં નામ પણ સંકટમોચનના નામ પરથી રાખતા નથી. અરે, બહારગામથી એ નામધારી વ્યક્તિ ગામમાં આવે તો તેને પણ ગામમાં પ્રવેશવા દેતા નથી
ઈ. સ. ૨૦૦૯ની પહેલી ફેબ્રુઆરીએ ભારતના અગ્રણી અંગ્રેજી અખબારમાં એક ન્યુઝ છપાયા હતા, એમાં જે લખાયું હતું તે અક્ષરશઃ અહીં વાચીએ...
ADVERTISEMENT
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલા નાંદુર નિમ્બા ગામમાં સુભાષ દેશમુખ બહુ લોકપ્રિય ડૉક્ટર હતા. આ ગામ તેમ જ એની આજુબાજુ આવેલાં અનેક ગામડાંઓના રહેવાસીઓ ડૉ. દેશમુખ પાસે ઇલાજ કરાવવા આવતા. આ તબીબને મળવા લાંબી લાઇન લાગતી હોવા છતાં ગ્રામ્યજનો ડૉ. સુભાષ પાસે જ ઇલાજ કરાવવાનો આગ્રહ રાખતા. વર્ષોથી આ પ્રૅક્ટિસ ચાલી રહી હતી. અચાનક ડૉક્ટરનું ક્લિનિક ખાલી રહેવા લાગ્યું. દરદીઓની લાંબી કતાર ગાયબ થઈ ગઈ. જ્યાં પેશન્ટને કલાકો સુધી રાહ જોવી પડતી હતી ત્યાં એકેય વ્યક્તિ દવા લેવા નહોતું આવતું. આવું શા માટે થયું એવો વિચાર કરતાં-કરતાં ડૉક્ટર સમજી ગયા કે તેમનાથી કંઈક ભૂલ થઈ ગઈ છે. તેમણે થોડા દિવસ પૂર્વે જ મારુતિ 800 કાર ખરીદી હતી એ વાતથી ગ્રામ્યજનો ડૉક્ટરથી એટલા નારાજ હતા કે તેમની સાથે દરેક સંબંધ કાપી નાખ્યા. ડૉક્ટર સુભાષે પોતાની ભૂલ સમજીને અઠવાડિયા પહેલાં જ લીધેલી નવી મારુતિ વેચી નાખી અને બીજી કાર ખરીદી લીધી.
વાંચવામાં અતાર્કિક લાગે, પરંતુ આ ઘટના શંભર ટકે સત્ય આહે. નાંદુર નિમ્બામાં હનુમાનજીનું ક્યાંય સ્થાન નથી. ન મંદિરમાં, ન રમકડાંમાં કે નૉટ ઈવન ઑન કૅલેન્ડર.
lll
રામસેવક હનુમાનજી અને પાર્વતીપુત્ર ગણેશજી યુનિવર્સલ ભગવાન છે. સનાતનધર્મીઓ તો ઠીક અન્ય ધર્મીઓ પણ આ બેઉ દેવને પૂજે છે. તેમનામાં શ્રદ્ધા રાખે છે, કારણ કે ગણપતિબાપ્પાની હાજરી શુભત્વ લાવે છે અને પવનપુત્રની હાજરી સંકટ હરે છે. તો નીતી તેમ જ નાંદુર નિમ્બાના હિન્દુઓને આ કેસરીનંદન સાથે શું પ્રૉબ્લેમ છે?
નાંદુર નિમ્બાદૈત્ય, મહારાષ્ટ્ર
એ કથાઓ જાણીએ, પણ એ પહેલાં કહી દઈએ કે આજનું તીર્થાટન થોડું હટકે છે. આજે કોઈ મંદિર કે તીર્થક્ષેત્રની વાત નથી કરી રહ્યા, પરંતુ આપણા દેશમાં કેટલી ન્યારી-ન્યારી વિવિધતાઓ છે, ધાર્મિક માન્યતાઓ છે એ વિશે જાણવાના છીએ.
જો તમે રામાયણ બરાબર વાંચ્યું હશે કે ધ્યાનથી જોયું હશે તો તમને ખ્યાલ હશે કે જ્યારે શ્રીરામ, લક્ષ્મણ, હનુમાનજી સહિત વાનરસેનાએ રાવણના સકંજામાંથી સીતામાતાને છોડાવવા લંકા પર ચડાઈ કરી હતી ત્યારે રામ અને લંકેશના સૈન્ય વચ્ચે ઘમસાણ યુદ્ધ થયું હતું. રાવણના પુત્રો અને લક્ષ્મણજી પણ આ યુદ્ધમાં સામેલ હતા. એમાંય મેઘનાદ (રાવણનો શક્તિશાળી પુત્ર) અને લક્ષ્મણજી વચ્ચે તો સામસામી લડાઈ થઈ હતી. બેઉએ એકબીજા પર અનેક દિવ્યાસ્ત્રો છોડ્યાં હતાં, પરંતુ કાબેલ યોદ્ધા હોવાથી બેઉ એ શસ્ત્રોથી બચી જતા હતા. એવામાં મેઘનાદે ચાલાકી કરી. તે વાદળોમાં છુપાઈ ગયો અને ત્યાંથી બાણની વર્ષા કરવા લાગ્યો. યુદ્ધમેદાનમાં રહેલા સૈનિકો એનાથી ઘવાતા જતા હતા. આ તીર ક્યાંથી આવે છે એનો કોઈને તાગ નહોતો મળતો, કારણ કે મેઘનાદ તો વાદળોના ધુમ્મસમાં હતો જેથી કોઈને દેખાતો નહોતો. આ પરિસ્થિતિ જોઈને લક્ષ્મણજી પોતાની શક્તિ વડે મેઘનાદ પાસે પહોંચી ગયા અને ત્યારે મેઘનાદે શક્તિબાણ નામના ઘાતક હથિયારનો લક્ષ્મણજી પર પ્રહાર કર્યો. એ શસ્ત્ર એવું પાવરફુલ હતું કે લક્ષ્મણજી તરત બેભાન થઈ ગયા. રામની સેના એ જોઈને સ્તબ્ધ થઈ ગઈ. લક્ષ્મણની હાલત જોઈને શ્રીરામ કલ્પાંત કરવા લાગ્યા અને તરત રાજવૈદ્યને તેડાવ્યા (એક માન્યતા પ્રમાણે એ સુષોણ વૈદ્ય હતા. અન્ય મત અનુસાર એ જામવન્ત હતા). લક્ષ્મણજીની આવી હાલત જોઈને વૈદ્યે જણાવ્યું કે હિમાલયમાં કૈલાશ અને ઋષભ પર્વતની શૃંખલામાં એક પહાડ પર સંજીવની જડીબુટ્ટી મળે છે જો એ લક્ષ્મણને અપાય તો તેમનો પ્રાણ બચી શકે. એ સાંભળીને રામભક્ત હનુમાનજી તો `ઊડ્યા હિમાલય કી ઓર... અને વૈદ્યના જણાવ્યા અનુસાર પહોંચી ગયા એ જગ્યાએ. પરંતુ લીલીછમ વનરાઈથી લથબથ એ પર્વત પરની કઈ વનસ્પતિ સંજીવની જડીબુટ્ટી છે એનો હનુમાનજીને ખ્યાલ ન આવ્યો અને બાહુબલીએ એ આખો પર્વત ઉપાડી લીધો અને પાછા લંકા ઊપડી ગયા.
ઍન્ડ ધિસ ઇઝ ધ રિઝન. દ્રોણગિરિ તરીકે ઓળખાતા આ પર્વતની આસપાસના રહેવાસીઓ અંજનેયથી નારાજ છે. કહે છે કે અહીંના લોકો દ્રોણગિરિને દેવતા માનીને એ પવિત્ર પર્વતની પૂજા કરતા હતા. જ્યારે હનુમાનજી અહીં આવ્યા ત્યારે પર્વતદેવ ધ્યાનસાધના કરી રહ્યા હતા. પવનપુત્રે પર્વતદેવની સાધના પૂર્ણ થવાની રાહ પણ ન જોઈ કે ન તેમની અનુમતિ માગી અને આખો ને આખો એ પાવનગિરિ અહીંથી લઈ ગયા એથી એ ‘ગાંવવાલે’ બજરંગીથી નારાજ છે. અહીં મંદિરો છે. હિન્દુ પ્રજા ત્યાં પૂજા પણ કરે છે પરંતુ ક્યાંય મારુતિની મૂર્તિ કે ફોટો નથી. અહીં પણ લોકો પોતાનાં સંતાનોનાં નામ ચિરંજીવી પરથી નથી રાખતા, મારુતિ ગાડી નથી ખરીદતા અને એ નામધારી કોઈ વ્યક્તિ ગામમાં આવે તો તેને પ્રવેશવા પણ નથી દેતા. એક સમાચાર અનુસાર બાલાજી નામધારી એક યુવક આ ગામમાં પેટિયું રળવા આવ્યો હતો. ત્યારે ગ્રામ્યજનોએ બાકાયદા તેની નૂતન નામ આપવાની નામકરણવિધિ કરી હતી. એ પછી જ તેને ગામમાં રહેવા દીધો. એટલું જ નહીં, આખા ગામમાં લાલ રંગના ધ્વજ કે વાવટા ફરકાવવા પર પણ પ્રતિબંધ છે.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા જોશીમઠથી ૫૦ કિલોમીટરના અંતરે આ દ્રોણગિરિ પર્વત છે. આજે પણ આ પર્વતની ટોચનો ભાગ કપાયેલો દેખાય છે. સ્થાનિક લોકો તો એની પૂજા કરે જ છે, પરંતુ ચારધામના બદ્રીનાથથી ૪૫ કિલોમીટરના અંતરે આવેલું હોવાથી અનેક ધાર્મિક આસ્થાળુઓ પણ એની મુલાકાત લે છે. ટ્રેકિંગના શોખીનોમાં પૉપ્યુલર આ ક્ષેત્ર શિયાળામાં બરફની રજાઈ ઓઢીને સોહે છે તો ઉનાળામાં હિલ રેન્જ મહોરતાં ચોતરફ પથરાઈ જતા લીલાછમ ગાલીચા ખરેખર મુલાકાતીઓને સંજીવની રસ પીવડાવવાનું કામ કરે છે. નીતી ગામ સુધી પહોંચવા ૧૦ કિલોમીટરનું ટ્રેકિંગ કરવું પડે છે, પરંતુ ત્યાં પણ વિકાસ ઝડપથી થઈ રહ્યો છે એટલે વાહન સેવા સત્વર શરૂ થઈ જાય એવું જણાય છે.
હનુમાનજી આખો પહાડ લઈ ગયા એટલે દ્રોણગિરિની આજુબાજુ રહેતા લોકો નારાજ છે એ તો સમજાયું પણ મહારાષ્ટ્રમાં નાંદુર નિમ્બા દૈત્યના રહેવાસીઓને હનુમાનજી સાથે શું સમસ્યા છે? સાંગા તરી.
તો એ કાળ છે ત્રેતાયુગનો જેમાં રાજ્યાભિષેક થવાને બદલે રામજીને વનવાસ મળ્યો અને લક્ષ્મજી, સીતામાતા સહિત ત્રણેય અયોધ્યાથી નીકળી ગયાં. પહાડો, નદીઓ, જંગલો પસાર કરતાં-કરતાં તેમનો વનવાસ કાળ પસાર થઈ રહ્યો હતો ત્યાં જ સીતાજીનું હરણ થયું. ગીચ અરણ્યમાં આવીને કોણ પત્નીને ઉપાડી ગયું. તે ક્યાં હશે, કઈ પરિસ્થિતિમાં હશે એ વિચારે રામ-લક્ષ્મણ અહીંતહીં ભટકતા હતા. એ દરમ્યાન તેમની વહારે આવ્યા હનુમાનજી. ત્રણેય જણ ફરતાં-ફરતાં દંડકારણ્ય વિસ્તારમાં પહોંચ્યાં. તેઓ કેદારેશ્વર ક્ષેત્રમાં આવ્યાં ત્યારે અહીં શાસન કરતો નિમ્બા જે મૂળ હતો તો દૈત્ય પણ રામજીનો ભક્ત હતો. તેને પ્રભુનાં દર્શન કરવાનું મન થયું. તે દાનવ પહોંચ્યો મર્યાદાપુરુષોત્તમના ચરણે. ત્યાં તેણે હનુમાનજીને જોયા. હનુમાનજીની પ્રભુભક્તિ જોઈને નિમ્બાને ખૂબ અદેખાઈ આવી અને તેણે કેસરી કે લાલ સાથે યુદ્ધ માંડી દીધું.
જોકે બીજી કથા કહે છે કે હનુમાનજીને ખબર પડી કે આ તો દાનવ છે જે શ્રીરામને નુકસાન પહોંચાડી શકે છે એથી તેનું હનન કરવા તેમણે દાનવ સાથે યુદ્ધ છેડ્યું. હનુમાનજીને ખબર નહોતી કે નિમ્બા પણ રામનો ભક્ત છે.
ખેર, બેઉ બળિયા હતા. એક પછી એક યુદ્ધકળાઓ વાપરી રહ્યા હતા ત્યાં એ યુદ્ધ અટકાવવા શ્રીરામ પ્રગટ થયા અને રામે આ દૈત્યની અનુઠી પ્રીતિ જોઈ તેને આ ક્ષેત્રના રક્ષક બનવાનું વરદાન આપ્યું અને સાથે આશીર્વાદ આપ્યા કે તું અસુર છે છતાં અહીંના લોકો હંમેશાં તારી પૂજા કરશે. ત્યારથી પારનેરની નજીક આવેલા આ ગામમાં હનુમાનદેવની એન્ટ્રી બંધ છે. સ્થાનિક લોકો નિમ્બાદૈત્યની પૂજા કરે છે અને ત્યાંના લોકોને હજીયે આ દૈત્ય હાજરાહજૂર છે એવા અનેક પરચા મળે છે.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
વેલ દ્રોણગિરિ કે નિમ્બાદૈત્યનાં દર્શને જવું કે નહીં એ તમારી મરજી, પણ જાઓ તો દ્રોણગિરિ પર્વતની આસપાસ આવેલાં ગામો ખાસ કરીને નીતીમાં હોમ સ્ટેનો વિકલ્પ છે. અહીં બારે મહિના પર્વતારોહકોનો આવરોજાવરો રહે છે એથી સ્થાનિક લોકોને હૉસ્પિટલિટીનો સારો અનુભવ છે. ઍન્ડ ત્યાં પહોંચવા આગળ કહ્યું એમ જોશીમઠ કે બદરીનાથનો રૂટ છે જ. બસ, છેલ્લાં ૧૦થી ૧૨ કિલોમીટરની પર્વતીય ચડાઈ કરવી પડશે. ઉપરથી દ્રોણગિરિની સાથે હિમાલયની અન્ય પર્વત-શૃંખલાઓનાં પણ દર્શન થશે.
નાંદુર તરીકે પણ ઓળખાતું (જોકે મહારાષ્ટ્રમાં બીજું એક પણ નાંદુર છે) દૈત્ય નિમ્બા અહમદનગર જિલ્લાના પારનેરથી નજીક છે. પુણેથી ૯૫ કિલોમીટરના અંતરે આવેલા મહારાષ્ટ્રના નાનકડા ગામડામાં જવા સરકારી બસ પણ અવેલેબલ છે અને ટૅક્સીઓ પણ મળી રહે છે. જો એવી વાયા-વાયા મુસાફરી ન કરવી હોય તો મુંબઈથી ડ્રાઇવ ૨૪૦ કિલોમીટર ઍન્ડ રિચ નિમ્બાદૈત્ય.
હા, મારુતિ 800 નહીં લઈ જતા હોંકે (જોકે હવે ક્યાં આ ગાડી દેખાય જ છે કે મળે છે?)

