છ મહિનાના એક્સ્પો દરમ્યાન વિશ્વભરમાંથી લગભગ ૨૮ મિલ્યન જેટલા સહેલાણીઓ આવશે એવી ધારણા છે ત્યારે જાણીએ આ વૈશ્વિક એક્સ્પો શું છે
આ એક્સ્પોમાં ભારતનું પૅવિલિયન પણ છે જેમાં ભારતીય સંસ્કૃતિ, અવનવા ટેક્નૉલૉજીના આવિષ્કારો અને ખાણીપીણીની ચીજોના સ્ટૉલ્સ છે.
જપાનના ઓસાકા શહેરના તટીય વિસ્તારમાં ભરાયેલા વર્લ્ડ એક્સ્પોમાં ૩૮૩ એકરમાં ૧૫૫ દેશો સસ્ટેનેબલ લિવિંગના વિકલ્પો, રોબોટિક્સમાં અવનવી શોધો અને પર્યાવરણ બચાવવા માટે જરૂરી ટેક્નોલૉજિકલ આવિષ્કારોની રજૂઆત કરી રહ્યા છે. આ છ મહિનાના એક્સ્પો દરમ્યાન વિશ્વભરમાંથી લગભગ ૨૮ મિલ્યન જેટલા સહેલાણીઓ આવશે એવી ધારણા છે ત્યારે જાણીએ આ વૈશ્વિક એક્સ્પો શું છે? એમાં શું-શું જોવા અને જાણવા જેવું છે
તારીખ ૧૩ એપ્રિલ ૨૦૨૫થી છેક ૧૩ ઑક્ટોબર ૨૦૨૫. આ છ મહિના માટે જપાનનું ઓસાકા માનવમહેરામણથી ધમધમતું રહેશે. કારણ? બ્યુરો ઇન્ટરનૅશનલ ડેસ એક્સપોઝિશન (BIE) દ્વારા ૧૮૪ દિવસ ચાલનારા એક ભવ્ય વર્લ્ડ એક્સ્પોનું આયોજન જપાનના ઓસાકા શહેરમાં કરવામાં આવ્યું છે. આમ તો ઓસાકામાં આ એક્સ્પો બીજી વારનો છે. આ પહેલાં ૧૯૭૦ની સાલમાં પણ જપાન આ એક્સ્પો માટે યજમાન બન્યું હતું. તમને આટલું વાંચ્યા પછી કંઈક મૂંઝવણ સતાવે એ પહેલાં કહી દઈએ કે જે રીતે વૈશ્વિક કક્ષાએ દર પાંચ વર્ષે ઑલિમ્પિક ગેમ્સનું આયોજન થાય છે એ જ રીતે દર પાંચ વર્ષના અંતરાલે વિશ્વના અલગ-અલગ મેજબાન દેશમાં આ વર્લ્ડ એક્સ્પોનું પણ આયોજન થતું હોય છે અને દર વખતે આ એક્સ્પો એક નિર્ધારિત થીમ પર આધારિત હોય છે. ખબર છે, અમને ખબર છે કે આટલું વાંચ્યા પછી તમારી જિજ્ઞાસા વધી છે અને આ એક્સ્પો શું છે અને એ વિગતો શું છે એ વિશે જાણવાની ઇન્તેજારી જન્મી છે. આથી જ આજે ચાલો તમારી સાથે આપણે બધા જપાનના આ ઓસાકા વર્લ્ડ એક્સ્પોમાં એક શબ્દલટાર મારવા નીકળીએ અને સાથે જ જાણીએ આ એક્સ્પો વિશેની કેટલીક રસપ્રદ વાતો.
ADVERTISEMENT
તો વાસ્તવમાં આ વર્લ્ડ એક્સ્પો યુનાઇટેડ નેશન્સના કોઈ ને કોઈ નિર્ધારિત ગોલ પર આધારિત આયોજિત થતો એક્સ્પો છે જે ઑલિમ્પિક ગેમ્સની માફક જ દર પાંચ વર્ષે કોઈક ને કોઈક દેશમાં યોજાય છે. અલબત્ત, જે-તે દેશે એની મેજબાની માટે ઉમેદવારી અને દાવેદારી નોંધાવી પડે છે. છેલ્લે ૨૦૨૦ની સાલમાં એનું આયોજન થયું હતું, પરંતુ વિશ્વને ભરખી જનારી કોવિડની મહામારીને લીધે એ વર્ષ માટે આ એક્સ્પોનું આયોજન એક વર્ષ પાછળ ઠેલાયું અને ૨૦૨૧માં આયોજન થયું. ત્યાર બાદ પાંચ વર્ષની સાઇકલને અનુસરતાં ૨૦૨૫માં ફરી એક વાર એનું આયોજન થયું અને એ આ વખતે જપાનના ઓસાકા શહેરમાં થયું છે.
વર્લ્ડ એક્સ્પો-૨૦૨૫નો ઉદ્દેશ
વર્ષ ૨૦૨૫ સુધીમાં યુનાઇટેડ નેશન્સ દ્વારા આવનારા વર્ષ ૨૦૩૦ માટે લગભગ ૧૭ જેટલા SDGs નક્કી કરવામાં આવ્યા હતા, અર્થાત્ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. એમાં ગરીબીનાબૂદી, ભૂખમરાની નાબૂદી, સ્વાસ્થ્ય, સુવ્યવસ્થા સાથેનું ભણતર, જેન્ડર ઇક્વલિટી, સાફ અને સતત જળપ્રવાહ, અફૉર્ડેબલ અને ક્લીન એનર્જી, આર્થિક વિકાસ અને સુવ્યસ્થિત વર્કકલ્ચર, ઇન્ડસ્ટ્રી ઇનોવેશન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અસમાનતાની નાબૂદી, સ્વચ્છ સામાજિક અને શહેરી વિકાસ, જવાબદારીપૂર્ણ વપરાશ અને ઉત્પાદન, ક્લાઇમેટ ઍક્શન, જળની ગહેરાઈમાં જીવતા જીવોની જિંદગી, જીવન અને જમીનનું ઐક્ય, શાંતિ, ન્યાય અને સંસ્થાપન અને ઉદ્દેશો માટે સાંધીકરણ જેવા ૧૭ ગોલ્સ નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉદ્દેશો ભલે ખૂબ મહત્ત્વાકાંક્ષી અને દૂરસુદૂર જણાતા હોય, પરંતુ એ હાંસલ કરવાની મનસા વૈશ્વિક સ્તરે કેળવાય અને સ્વીકારાય એ હેતુથી વિશ્વફલક પર આવા મેળાઓનું આયોજન થતું હોય છે.
ઊડતી ટૅક્સીની વાતો થઈ રહી છે ત્યારે આ એક્સ્પોમાં હૉન્ડા દ્વારા નવું બનેલું હૅન્ડ્સ-ફ્રી પર્સનલ મોબિલિટી ડિવાઇસ ડિસ્પ્લેમાં મુકાયું હતું. અહીં તમે બૅટરી-પાવર્ડ ઍરક્રાફ્ટની જૉય રાઇડ પણ લઈ શકો છો.
વર્લ્ડ એક્સ્પો વાસ્તવમાં શું છે અને શા માટે?
વર્લ્ડ એક્સ્પો એક એવી ઇવેન્ટ છે જે વૈશ્વિક કક્ષાએ યોજાય છે અને એનો આશય હોય છે વિશ્વના અનેક દેશોના માણસોને એક નિર્ધારિત જગ્યાએ ભેગા થવા માટે પ્રેરણા આપવી અને ત્યાં લોકોને વિશ્વનાં નવાં ઇનોવેશન્સ કે સામાજિક અથવા માનવીય જવાબદારીઓ વિશે અવગત કરાવવા. ટૂંકમાં, એવા વિષયોને આ એક્સ્પોમાં લઈ આવવા જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામાન્ય માનવીને કે માનવીય જીવનને અસર કરતા હોય.
બૅટરી-પાવર્ડ ઇલેક્ટ્રિક યુનિ-વન સ્કૂટર પર આખા પૅવિલિયનમાં ફરી શકો છો.
તો યુનાઇટેડ નેશન્સ (UNO ) વિશે તો આપણે બધા જ જાણીએ છીએ. વિશ્વના અનેક દેશોનો સમૂહ જ્યાં ભેગો મળે છે, વિશ્વના વિકાસ અને બહેતર માનવીય જીવન માટે જ્યાં પ્રયત્નો અને પ્રોજેક્ટ્સ હાથ ધરાય છે એવી એક સંસ્થા એટલે યુનાઇટેડ નેશન્સ. તો યુનાઇટેડ નેશન્સના પ્લૅટફૉર્મ દ્વારા આખા વિશ્વના અનેક દેશો ભેગા મળીને કોઈ ને કોઈ શુભ આશય સાથે વિશ્વફલક પર એક મેળાનું આયોજન કરે છે અને એ માટે નિર્ધારિત કરવામાં આવે છે કોઈ એક એવો વિષય કે થીમ જેને બધા દેશો અગ્રતાક્રમ આપીને એ વિશે કામ કરે. આ જ આશય અંગે જાગરૂકતા અને પ્રેરણા માટે વૈશ્વિક ફલક પર જે મેળાનું આયોજન થાય છે એને કહેવામાં આવે છે ‘વર્લ્ડ એક્સ્પો’!
UNOએ સામાન્ય જનતા હેતુ આ પ્રકારના એક્સ્પોમાં વિષયોની પસંદગી કેવી કરી હોય છે એ સમજવા માટે કેટલાંક દૃષ્ટાંત લઈએ તો ૧૮૫૩ની સાલમાં ન્યુ યૉર્કમાં જે એક્ઝિબિશન થયું હતું એનો વિષય હતો એલિવેટર. ત્યાર બાદ વિશ્વ માટે ટેલિફોનની શોધ નવી-નવી હતી. આથી ટેલિફોન અંગે જાગૃતિ ફેલાવવી એ UNOને પોતાની નૈતિક જવાબદારી લાગી અને ૧૮૭૬ની સાલમાં ફિલાડેલ્ફિયામાં જે એક્સ્પોનું આયોજન થયું એનો વિષય હતો ટેલિફોન. ત્યાંથી આગળ વધીએ તો હમણાં ૨૦૨૫માં જ્યાં આયોજન થયું છે એ જ ઓસાકામાં આ પહેલાં ૧૯૭૦ની સાલમાં વર્લ્ડ એક્સ્પો યોજાયો હતો અને એ સમયે એનો આશય, સબ્જેક્ટ કે થીમ હતી ફૅમિલી રેસ્ટોરાં, વાયરલેસ ટેલિફોન્સ, ઇલેક્ટ્રિક કાર્સ અને મૂવિંગ સાઇડવૉલ્કસ અર્થાત્ એસ્કેલેટર્સ. એ જ રીતે આ વર્ષે ફરી એક વાર જપાનના ઓસાકામાં આ વર્લ્ડ એક્સ્પો યોજાયો છે અને આ વખતે એની મુખ્ય થીમ છે ‘ડિઝાઇનિંગ ફ્યુચર સોસાયટી ફૉર અવર લાઇવ્ઝ’. એની સાથે જ આ એક્સ્પોમાં સબથીમ તરીકે આવરી લેવામાં આવ્યું છે જીવન બચાવો (સેવિંગ લાઇવ્ઝ), સશક્તીકરણ (એમ્પાવરિંગ લાઇવ્ઝ) અને એકમેક સાથે જોડાણ (કનેક્ટિંગ લાઇવ્ઝ). એમાં રોબોટિક્સથી લઈને અલગ-અલગ દેશોની રેસ્ટોરાં સુધ્ધાં આવરી લેવામાં આવી છે.
લૅબોરેટરીમાં ખાસ પ્રકારના સ્ટેમ સેલ્સથી બનેલું ધબકતું હાર્ટ જપાનના નેચરવર્સ પૅવિલિયનમાં મુકાયું છે.
હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ માટે ડોનરની જરૂર ન પડે એ માટે આ નવી ટેક્નૉલૉજી હજી ડેવલપમેન્ટના તબક્કામાં છે.
એક્સ્પો માટે દેશની પસંદગી કઈ રીતે?
૧૯૭૦માં જપાનમાં વર્લ્ડ એક્સ્પોનું આયોજન થયું હતું ત્યારે એશિયા ખંડ માટે જપાન પહેલો એવો દેશ બન્યો હતો જ્યાં આ વર્લ્ડ એક્સ્પોનું આયોજન થયું હોય અને જપાન યજમાન દેશ બન્યો હોય. હવે પંચાવન વર્ષ બાદ ૨૦૨૫માં ફરી એક વાર યજમાન દેશ જપાનનું ઓસાકા એનું ડેસ્ટિનેશન બન્યું છે.
તો પ્રશ્ન એ થાય કે કયા દેશમાં આ વર્લ્ડ એક્સ્પોનું આયોજન થશે એ નક્કી કોણ કરે અને કઈ રીતે? તો વાત કંઈક એવી છે કે બ્યુરો ઇન્ટરનૅશનલ ડેસ એક્સપોઝિશન (BIE)ને સૌથી પહેલાં તો રસ ધરાવતા જે-તે દેશે પોતાની ઉમેદવારી નોંધાવવી પડે. ત્યાર બાદ એ માટે વોટિંગ થાય અને બે-બે વારની એ વોટિંગ ચારણીમાં ચણાયા બાદ જે-તે દેશને એની મેજબાની કરવાનો મોકો મળે. ત્યાર બાદ તબક્કાવાર જે-તે દેશોમાં BIE પરીક્ષણ હાથ ધરે છે, કારણ કે આ મેળામાં આખા વિશ્વમાંથી અનેક દેશોના હજારો લાખો લોકો આવતા હોય છે. તો આટલા મોટા આયોજન માટે એ દેશ પાસે યોગ્ય લોકેશન, યોગ્ય ટ્રાન્સપોર્ટેશન, ટૂંકમાં કાબેલિયત છે કે નહીં એની ખાતરી કરે છે. આ ચારણીની પ્રક્રિયામાંથી જપાન ૯૨ વોટ સાથે વિજયી ઘોષિત થયું અને ૨૦૨૫નો વર્લ્ડ એક્સ્પો જપાનના તટીય પ્રદેશ ઓસાકામાં યોજાઈ રહ્યો છે.
આ એક્સ્પો માટે ખાસ મ્યાકુ-મ્યાકુ નામનો મૅસ્કોટ બનાવવામાં આવ્યો છે જે ઠેર-ઠેર અલગ-અલગ સાઇઝ અને શેપમાં દિશાસૂચન કરતો જોવા મળશે.
કેવો છે ઓસાકા એક્સ્પો?
કુલ ૩૮૩ એકરના વિસ્તારમાં એટલે કે ૧૫૫ હેક્ટર જેટલી વિશાળ જગ્યાને સમાવી લેતો આ વર્લ્ડ એક્સ્પો - ૨૦૨૫ જપાનનું મુખ્ય પોર્ટ શહેર અને ફાઇનૅન્શિયલ કૅપિટલ ગણાતા ઓસાકામાં આયોજિત થયો છે. અહીં લગભગ ૧૫૫ જેટલા તો અલગ-અલગ દેશોના એક્ઝિબિશન માટે વિશાળ પૅવિલિયન બનાવવામાં આવ્યા છે.
આ સિવાય જપાનની ટોહાટા આર્કિટેક્ટ્સ અને અઝુસા સિક્કેઇ દ્વારા એક ગ્રૅન્ડ રિંગ બનાવવામાં આવી છે જે ત્યાં આવનારા સહેલાણીઓ માટે મુખ્ય આકર્ષણના કેન્દ્ર સમાન છે. એ સિવાય આ બન્ને કંપનીઓએ સાથે મળીને ત્રણ શહેર જેટલી મોટી થીમેટિક ડિસ્ટ્રિક્ટનું બાંધકામ કર્યું છે. આખરે છ મહિના જેટલા લાંબા સમય સુધી ચાલનારો આ વિશ્વમેળો જપાન માટે એક નવી આર્થિક ક્રાન્તિ લઈને આવનારો સાબિત થવાનો છે. વૈશ્વિક ફલક પર આયોજિત થઈ રહેલો આ મેળો એક ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ છે જ્યાં આ છ મહિના દરમ્યાન વિશ્વભરથી લગભગ ૨૮ મિલ્યન જેટલા સહેલાણીઓ આવશે એવી ધારણા છે.
જ્યાં ટેક્નૉલૉજિકલ ઇનોવેશન્સથી લઈને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ્સ, ગ્લોબલ કો-ઑપરેશન અને રોબોટિક્સ જેવા અનેક વિષયો સાથે દુનિયાના વિવિધ દેશો પોતાના સ્ટૉલ્સ અને આખેઆખું પૅવિલિયન સુધ્ધાં ભરી દેશે. આ વિશાળ મેળામાં ભારતે પણ પોતાની હિસ્સેદારી નોંધાવી છે અને ખાવાના સ્ટૉલ્સથી લઈને ભારતનાં પણ થીમ-બેઝ સ્ટૉલ્સ અને પૅવિલિયન બનાવવામાં આવ્યાં છે.
જપાને આ માટે ૨૦૨૦ની સાલથી જ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને તેઓ ધારે છે કે આ મેળાને કારણે જપાનમાં તો એક નવી ઊર્જાનો પ્રારંભ થશે જ, સાથે જ વિશ્વના અનેક દેશોમાં સસ્ટેનેબલ ગ્રોથ અને ડેવલપમેન્ટ્સ જોવા મળશે.
જપાને આયોજન કઈ રીતે કર્યું?
વોટિંગ બાદ જ્યારે રિઝલ્ટ આવ્યું કે ૨૦૨૫નો આ વૈશ્વિક મેળો જપાનના ઓસાકામાં યોજાશે ત્યાર બાદ જાન્યુઆરી ૨૦૧૯માં જપાન દ્વારા ‘ધ જપાન અસોસિએશન ફૉર ધ ૨૦૨૫ વર્લ્ડ એક્સપોઝિશન’ બનાવવામાં આવ્યું. મેળાના આયોજનના એ છ મહિના દરમ્યાન વિશ્વભરમાંથી અંદાજે કેટલા સહેલાણીઓ આવશે અને તેમના રહેવા માટે હોટેલો, ટ્રાન્સપોર્ટ માટે વાહનવ્યવહાર વગેરેની સગવડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ખાવા-પીવા વગેરેની વ્યવસ્થા પ્લાન કરી. ત્યાર બાદ આ માટે તાકીદે પૅવિલિયન્સનું બાંધકામ શરૂ થયું. એમાંનાં કેટલાંક પૅવિલિયન્સ માત્ર લાકડામાંથી બનાવવામાં આવ્યાં છે તો કેટલાંક વળી કૉન્ક્રીટનાં બનાવ્યાં છે, કેટલાંક માત્ર નૅચરલ સોર્સનો ઉપયોગ કરીને તો કેટલાંક રોબોટિક્સ ટેક્નૉલૉજી દ્વારા. જે-તે દેશોની થીમ્સ અને એ અનુસાર એમનાં એક્ઝિબિશન્સને ધ્યાનમાં રાખીને અસોસિએશને એ પ્રમાણે પૅવિલિયન્સ બનાવવાનાં હતાં. આ સાથે જ વિશ્વના ખંડ અનુસાર ઝોન્સ અને ત્યાર બાદ ખાણી-પીણીનાં અલાયદાં આકર્ષણોનું ધ્યાન રાખવાનું એ તો ખરું જ. કહેવાય છે કે એક પૅવિલિયનની મુલાકાત માટે એક સહેલાણીને કમસે કમ એક દિવસ પણ ઓછો પડે એટલી મોટી જગ્યામાં આ આખું આયોજન થયું છે અને એવાં તો ૧૫૫ જેટલાં પૅવિલિયન છે.
ભારત પણ પાછળ નથી
છ મહિના ચાલનારા આ ભવ્ય મેળામાં કુલ ૧૫૯ દેશો અને ૭ ઇન્ટરનૅશનલ ઑર્ગેનાઇઝેશન્સ ભાગ લઈ રહ્યાં છે. એમાં ભારત પણ એક છે. ભારતનો આખો એક અલગ પ્લૉટ જપાનના ઓસાકામાં બનાવવામાં આવ્યો છે. ભારતના ધી ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઑર્ગેનાઇઝેશન (ITPO) દ્વારા ભારતનાં અચીવમેન્ટ્સ અને ઇનિશ્યેટિવ્ઝનું પ્રદર્શન આ મેળામાં કરવામાં આવી રહ્યું છે. ભારતના આ અલાયદા ડિજિટલ અને હાઈ-ટેક પૅવિલિયનમાં સહેલાણીઓને મુખ્યત્વે જોવા મળશે મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા દ્વારા થયેલા વિકાસની ગાથા. જેમ કે એનર્જી ક્ષેત્રે, સ્પેસ ટેક્નૉલૉજી ક્ષેત્રે, આઇટી, ટૂરિઝમ, અને કલ્ચર ક્ષેત્રે ભારતે શું કર્યું છે; આ બધાં ક્ષેત્રે ભારતે કેવો વિકાસ કર્યો છે એ વિશે વિશ્વભરના સહેલાણીઓને ભારત આ મેળા દ્વારા અવગત કરાવશે.
આ સિવાય બધા અલગ-અલગ દેશોની અવનવી ખાવાની ચીજવસ્તુઓ અને રીતભાત માટેનો એરિયા બનાવવામાં આવ્યો છે એમાં પણ ભારત પાછળ નથી. ભારતનો ઇન્ડિયન કરી સૂપ તો આ વર્લ્ડ એક્સ્પોમાં અલાયદા આકર્ષણ તરીકે સિલેક્ટ થયો છે અને એ માટે ‘કરી - ઇન્ડિયન કરી શૉપ’ તરીકે એક અલાયદો સ્ટૉલ આ મેળામાં રાખવામાં આવ્યો છે.
આપણે બધા ભલે વર્લ્ડ એક્સ્પો-૨૦૨૫માં જપાનના ઓસાકા સુધી નહીં જઈ શકીએ, પરંતુ આ શબ્દસફર દ્વારા કમસે કમ ઓસાકાની એક વર્ચ્યુઅલ ટૂર તો માણી જ શકીએને? બસ, આટલા જ આશય માત્રથી આજે આપણે આ સફર આરંભી હતી જે ભારતની વિકાસગાથાનું પણ એક અલગ પૅવિલિયન આ મેળામાં સ્થાપિત થયું છે એના ગૌરવ સાથે પૂર્ણ કરીએ.

