ઘણા પાસે ઇચ્છા કરતાં પૈસા ઓછા છે, કેટલાક પાસે જરૂર કરતાં ઓછા છે તો વળી કોઈની પાસે બીજા કરતાં ઓછા છે. સારાંશ એટલો કે પૈસાની વાત આવે ત્યારે બધાની પાસે એ ઓછા જ છે.
પ્રતીકાત્મક તસવીર
વાત-વાતમાં ‘ઓછું આવી જવું’ અને ઘણું મળવા છતાં ‘ઓછું લાગવું’ એ આપણી ખાસિયત છે. પોતાની જાતને ગરીબ માનવા સહેજે તૈયાર ન હોવા છતાં કરોડો લોકો એવું માને છે કે તેમની પાસે ઓછું છે. ઘણા પાસે ઇચ્છા કરતાં પૈસા ઓછા છે, કેટલાક પાસે જરૂર કરતાં ઓછા છે તો વળી કોઈની પાસે બીજા કરતાં ઓછા છે. સારાંશ એટલો કે પૈસાની વાત આવે ત્યારે બધાની પાસે એ ઓછા જ છે.
‘મોંઘવારી નડે છે’ આ પણ એક વ્યાપક ફરિયાદ છે, પરંતુ કઈ બાબતમાં એ સંશોધનનો વિષય છે. ઘણાને અનાજ, કઠોળ, દૂધ અને શાકભાજી મોંઘાં લાગે છે, કોઈને દર મહિનાનું શૉપિંગ મોંઘું લાગે છે. કોઈને સોના-ચાંદીના વધી ગયેલા ભાવ નડે છે, કોઈને નવી ગાડી લેવી છે પણ એ મોંઘી લાગે છે, કોઈને ફૉરેનની ટૂર મોંઘી લાગે છે, કોઈને હોટેલની ડિશ મોંઘી લાગે છે, કોઈને બ્રૅન્ડેડ પ્રોડક્ટ્સ મોંઘી લાગે છે. મોંઘવારી જરૂરિયાતમાં નડે છે કે મોજશોખમાં એ સંશોધન અનિવાર્ય છે.
ADVERTISEMENT
સમૂહલગ્નમાં કંકુ સાથે કન્યા વળાવનારની મોંઘવારી વિશેની ફરિયાદ જેન્યુઇન છે. બૅન્ક્વેટ હૉલના ડેકોરેશનની મૉનોપોલી મોંઘી લાગે એની ફરિયાદ જનરેટેડ છે. વાત-વાતમાં ઓછું લાગતું હોય, બીજાનું જોઈને ઓછું લાગતું હોય, ઇચ્છા અને ઉપલબ્ધિ વચ્ચેનો ગૅપ પુરાતો ન હોવાથી ઓછું લાગતું હોય ત્યારે મેળવવા કરતાં મૂલવવાનો પ્રયાસ કરવો જરૂરી છે. ‘નથી મળ્યું’ના મથાળા હેઠળનું લાંબું લિસ્ટ છોડીને ‘મળ્યું છે’ના મથાળાવાળું લિસ્ટ તૈયાર કરીએ. સુખી થવાનો અને જાતને સુખી માનવાનો આ પ્રયાસ અનિવાર્ય છે. ચાલો થોડી મુલવણી કરી લઈએ.
જો તમારા રસોડામાં આજનું જમવાનું હાજર હોય, કાલના ખોરાકની વ્યવસ્થા હોય, શરીર પર કપડાં હોય, માથે છાપરું હોય અને સૂવા માટે જગ્યા હોય તો સમજી લેજો કે તમે વિશ્વના ૭પ ટકા લોકો કરતાં સુખી છો. જો તમે ધારો એ લઈ શકો છો અને ઇચ્છો ત્યાં ફરી શકો છો તો સમજી લેજો કે તમે વિશ્વના ૧૮ ટકા લોકો કરતાં વધુ સુખી છો. જો તમારી તંદુરસ્તી સારી હોય, શરીરની ખામી કરતાં ક્ષમતા વધારે હોય તો માની લેજો કે આવતા અઠવાડિયાથી વધુ નહીં જીવી શકનારા લાખો લોકો કરતાં તમે વધુ સુખી છો. જો તમે આ લેખ વાંચી શકો, સમજી શકો તો તમે વિશ્વના એ કરોડો નિરક્ષરો કરતાં વધુ સુખી છો જે વાંચી, સમજી શકતા નથી કે જેમની પાસે ચોતરફ ફેલાયેલી માહિતીઓ ઍક્સેસ કરવાની સવલત નથી. આ રીતે જોઈએ તો આપણા સુખના પર્સન્ટાઇલ ઘણા ઊંચા છે.
કરોડોના કાન, અબજોની આંખ આપણી એવી ઍસેટ્સ છે જેના વગર લાખો- કરોડોએ જીવન ચલાવવું ઘણું અઘરું છે. મજાની પંક્તિઓને બે હાથ જોડીને ચાલો, પ્રભુની છબી સામે મમળાવીએ.
ત્રણ વાનાં મુજને મળ્યાં, હૈયું, મસ્તક, હાથ...
ઘણું દઈ દીધું નાથ, જા ચોથું નથી માંગવું

