યુવાનો ટીમ બનાવીને આર્મીને મદદરૂપ થવા તૈયાર : લખપત તાલુકાના દયાપર અને ગુનેરી ગામ તેમ જ નલિયા, નખત્રાણા સહિતનાં નગરોમાં ગઈ કાલે આખી રાત સલામતી માટે જાગતા રહ્યા યુવાનો : ગામ છોડીને કોઈ ક્યાંય ગયું નથી
કચ્છના નખત્રાણામાં કચ્છી લોહાણા સમાજના પ્રમુખ રાજુ પલણ.
ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તનાવભરી પરિસ્થિતિમાં ગુજરાત અલર્ટ મોડમાં છે ત્યારે કચ્છની સરહદ પર આવેલાં ગામડાંઓમાં અલગ જ જુસ્સો જોવા મળી રહ્યો છે અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ગામમાંથી ગભરાઈને કોઈ પલાયન નથી થયું. સરહદી ગામડાંઓમાં ગભરાટ નહીં, ગંભીરતા સાથે કચ્છી માડુઓ સતર્કતા દાખવી રહ્યા છે એટલું જ નહીં, કેટલાંય ગામડાંઓમાં તો યુવાનોની ટીમ બનાવી છે અને પ્રવર્તમાન સ્થિતિમાં કોઈ પણ મુશ્કેલી સર્જાય તો મદદરૂપ બનવા તૈયાર છે. આર્મીને તમામ પ્રકારે સહયોગ કરવા સરહદના ગ્રામજનો તૈયાર છે.
કચ્છમાં પાકિસ્તાને ગુરુવારે ડ્રોન હુમલો કર્યો, પરંતુ એને ભારતીય સૈન્યએ નાકામયાબ બનાવ્યા બાદ સતર્કતાના ભાગરૂપે લખપત તાલુકાના દયાપર અને ગુનેરીગામ તેમ જ નલિયા અને નખત્રાણા સહિત કચ્છના કંઈકેટલાંય ગામો-નગરોમાં ગઈ કાલે આખી રાત યુવાનો સલામતી માટે જાગતા રહ્યા અને જ્યાં સુધી ભારત-પાકિસ્તાન વચ્ચેની તનાવભરી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી યુવાનો ગામમાં જાગતા રહેશે અને કોઈ પણ મદદ માટે ૨૪ કલાક તૈયાર રહેશે.
ADVERTISEMENT
લડી લેવાની માનસિકતા સાથે તૈયારી કરી લીધી છે
ભારત-પાકિસ્તાન સરહદથી અંદાજે ૨૩ કિલોમીટર દૂર લખપત તાલુકામાં આવેલા દયાપર ગામમાં રહેતા અને વિદ્યાભારતી સંલગ્ન કચ્છ યુવક સંઘ દ્વારા સંચાલિત છાત્રાલયના વ્યવસ્થાપક રામજી ગોરડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારું ગામ સરહદ નજીક છે. ગુરુવારે બ્લૅકઆઉટમાં ગામના ૨૦ યુવાનોની ટીમ આખી રાત જાગતી હતી અને જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી યુવાનો રોજ રાતે જાગશે. ગામમાં વિસ્તાર પ્રમાણે આ યુવાનોએ ચોકીપહેરો કર્યો હતો. જો કોઈ મુશ્કેલી સર્જાય કે કોઈને હૉસ્પિટલ લઈ જવા પડે કે આર્મીને પણ જરૂર પડે તો મદદ માટે ગામના યુવાનો અને ગામઆખું તૈયાર છે. જરૂર પડ્યે જમવા-રહેવાની વ્યવસ્થા પણ કરવાની તૈયારી કરી છે. યુદ્ધ જેવી સ્થિતિમાં અમારા ગામમાં કોઈ ખચકાટ નથી અને ગ્રામવાસીઓ દરેક રીતે તૈયાર છે. આવી સ્થિતિમાં ગામમાંથી કોઈ ગયું નથી, બધા ગામમાં જ છે. બૉર્ડર પરનાં ગામડાંઓમાં જાગ્રત નાગરિકોએ લડી લેવાની માનસિકતા સાથે તૈયારીઓ કરી લીધી છે અને સંત્રીની ભૂમિકામાં અમે બધા ગ્રામવાસીઓ બેઠા છીએ.’
તૈયાર છીએ : લખપત તાલુકામાં આવેલા ગુનેરી ગામના દેવુભા જાડેજા સહિતના ગ્રામજનો.
ગભરાઈને અમે ભાગતા નથી, ગામમાં જ છીએ
નલિયાના સરપંચ રામજી કોળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે રાતે નલિયા ગામમાં બ્લૅકઆઉટ થયો હતો અને ગામમાં ઘણા બધા લોકો સલામતી માટે પોતપોતાના એરિયામાં જાગતા હતા. જે પરિસ્થિતિ ઊભી થઈ છે એનાથી ગભરાઈને અમારા ગામમાંથી કોઈ ગયું નથી. અમે ભાગતા નથી, ગામમાં જ બેઠા છીએ. કોઈ ગભરાતું નથી. હવે જે થાય એ, ભગવાન કરે એ સાચું. ગામમાં ૧૫,૦૦૦થી વધુની વસ્તી છે અને જે સ્થિતિ ઊભી થઈ છે એ સિચુએશનમાં ગામના યુવાનો રાતે જાગતા રહેશે. આપણી આર્મી સારું કામ કરી રહી છે અને તેમને મદદ કરવા અને સહયોગ આપવા અમે તૈયાર છીએ.’
રાતે જમવાનું વહેલું પતાવી દઈએ છીએ, આર્મી છે એટલે ટેન્શન નથી
કચ્છના નખત્રાણામાં કચ્છી લોહાણા સમાજના પ્રમુખ અને નખત્રાણા ચેમ્બર ઑફ કૉમર્સના મહામંત્રી રાજુ પલણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારત-પાકિસ્તાન વચ્ચે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એને ધ્યાનમાં લઈને નખત્રાણાના લોકોએ સંપૂર્ણ રીતે બ્લૅકઆઉટ પાળ્યો હતો અને આવતા સમયમાં પણ પાળશે. એ દરમ્યાન ગામમાં લોકો જાગતા હતા. રાતે લાઇટો બંધ કરી દેવાની હોવાથી જમવાનું વહેલું પતાવી દઈએ છીએ. ૮ વાગ્યાથી લાઇટો બંધ કરવાની હોવાથી સાંજે ૭ વાગ્યે જમી લઈએ છીએ. ગામમાં ગભરાટ નથી, કેમ કે આર્મી છે એટલે કોઈ ટેન્શન જેવું નથી. બધાને આર્મીના જવાનો પર વિશ્વાસ છે. પાકિસ્તાને હુમલો કર્યો પણ એની સામે આપણી આર્મીએ કરી બતાવ્યું અને એને જબરદસ્ત જવાબ આપ્યો.’
કચ્છના દયાપર ગામના રામજી ગોરડિયા અને યુવાનો.
BSF બેઠી છે, અમને બીક નથી
કચ્છના બહુચર્ચિત હરામી નાળા વિસ્તારથી નજીક આવેલા લખપત તાલુકાના ગુનેરી ગામના લોકોને કોઈ ટેન્શન નથી એવા મત સાથે ગામના આગેવાન દેવુભા જાડેજાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારત-પાકિસ્તાન સરહદે આવેલા હરામી નાળાને અડીને અમારું ગામ આવેલું છે. ગામમાં ૧૩૦૦ જેટલી વસ્તી છે, પણ ગામમાં બીક જેવુ કાંઈ નથી અને કોઈ ગામ છોડીને ગયું નથી. અત્યારે અમારે ત્યાં પરિસ્થિતિ શાંત છે. બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF) બેઠી છે એટલે અમને બીક નથી. આર્મી અને તંત્ર પર અમને ગર્વ છે. તંત્ર દ્વારા રાતે લાઇટ બંધ રાખવાનું કહ્યું છે એટલે ગામમાં લાઇટો બંધ રાખીએ છીએ. ગામમાં પ્રાઇવેટ વાહનોનો સર્વે કર્યો છે અને મોબાઇલ ચાલુ રાખવાનું કહ્યું છે એટલે સરકારની બધી સૂચનાઓનું પાલન ગ્રામવાસીઓ કરી રહ્યા છે. અમારા ગામમાં છોકરાઓની ચાર ટીમ જાગતી રહે છે. અજાણ્યા માણસો આવે તો છોકરાઓ પૂછપરછ કરી લે છે.’

