બોલવું એ પોતાની જાતમાં જ એક અનન્ય કળા છે, પરંતુ બોલવાની યોગ્ય કળા ફક્ત એ નથી કે યોગ્ય સ્થાને યોગ્ય વાત કરવામાં આવે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
સામાન્યપણે દુનિયામાં બે પ્રકારના લોકો આપણને જોવા મળે છે, એક બહિર્મુખી વ્યક્તિત્વવાળા અને બીજા અંતર્મુખી વ્યક્તિત્વવાળા. આ બન્ને પ્રકારની વ્યક્તિઓનાં રુચિ, વલણ તેમ જ કાર્યપદ્ધતિમાં ભારે તફાવત હોય છે. દાખલા તરીકે બહિર્મુખી વ્યક્તિ કામવાસના, વિષય-ભોગ અને પદ-પ્રતિષ્ઠા વગેરેની પૂર્તિમાં ગૂંચવાયેલી રહે છે; જ્યારે અંતર્મુખી વ્યક્તિનો સ્વભાવ અને આચરણ બરાબર એનાથી વિપરીત જોવા મળે છે. મનોવૈજ્ઞાનિકોના મત અનુસાર બહિર્મુખી મનઃસ્થિતિ નકામાપણાની પરિચાયક છે અને એટલે જ આવી વ્યક્તિઓ પોતાની લાગણીઓ પર નિયંત્રણ નથી ધરાવતી. અને એટલે જ એવું જોવામાં આવે છે કે આવા લોકો મોટા ભાગે મનોવિકારગ્રસ્ત અથવા તો અપરાધી પ્રવૃત્તિના હોય છે. એનાથી વિપરીત અંતર્મુખી વ્યક્તિ બાહ્ય જગતને નહીં, અપિતુ અંતર્જગતને વધુ મહત્ત્વ આપે છે. તેઓ કોઈ વસ્તુની આકર્ષક બનાવટની જગ્યાએ એની ઉપયોગિતાને વધુ મહત્ત્વ આપે છે અને યોજનાબદ્ધ રીતે વ્યવસ્થિત કામ કરનારા આવા લોકો શાંત, એકાગ્ર અને ઓછું બોલનારા હોય છે.
બોલવું એ પોતાની જાતમાં જ એક અનન્ય કળા છે, પરંતુ બોલવાની યોગ્ય કળા ફક્ત એ નથી કે યોગ્ય સ્થાને યોગ્ય વાત કરવામાં આવે. નહીં, એની સાથે-સાથે એ પણ જરૂરી છે કે જ્યાં ખોટી અથવા નકારાત્મક બાબતોનો સંદર્ભ દેવો પડે, ત્યાં ચૂપ રહેવાની કળાને પણ ધારણ કરવી. ધરતીમાતાએ આપણા સહુને જીભ એક જ આપી છે, પણ આંખ અને કાન બે-બે આપ્યાં છે જે એક પરોક્ષ સંકેત આપે છે કે આપણે જ્યારે પણ કંઈ બોલીએ ત્યારે એના વર્તમાન પરિણામને પણ ધ્યાનમાં રાખીએ તેમ જ ભાવિ પરિણામને પણ ધ્યાનમાં રાખીએ, કારણ કે અવિચારીપણે બોલવાવાળી વ્યક્તિ પોતાના મિત્રોને પીડા પહોંચાડે છે, દુશ્મનોને ફાયદો કરાવે છે અને સ્વયંને નુકસાન. ત્યારે જ તો એમ કહેવાયું છે કે ‘વધુ બોલીને કોઈ દુશ્મનને મિત્ર બનાવી શકાતો નથી, પરંતુ વધુ બોલીને કોઈ મિત્રને ચોક્કસ રીતે દુશ્મન બનાવી શકાય છે.’ એટલે આ સમજવું ખૂબ જ જરૂરી છે કે એક પ્રતિભાશાળી વ્યક્તિ એ જ હોય છે જે જેટલું બોલે છે એના કરતાં બેવડું સાંભળવાની ક્ષમતા ધરાવતી હોય, કારણ કે જેની અંદર સાંભળવાની કળા આવી જાય છે તે પોતાના કામની વાતો પર ધ્યાન આપે છે અને વ્યર્થની વાતો પ્રત્યે આંખ આડા કાન કરી નાખે છે. એટલે વડીલો દ્વારા સદૈવ આજની પેઢીને એ જ સલાહ આપવામાં આવે છે કે ‘બોલવું ત્યારે જ જ્યારે આપણા શબ્દ મૌન કરતાં વધુ સારા હોય અર્થાત્ પ્રસંગની ગંભીરતાને જોઈ ચૂપ રહેવું એ એક લાંબીલચક નિષ્ફળ કેફિયત કરતાં વધુ સારું છે.’
ADVERTISEMENT
- રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી
(રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજી આંતરરાષ્ટ્રીય વક્તા, આધ્યાત્મિક શિક્ષાવિશ્લેષક, લેખક એવમ્ એક અનુભવી મેડિટેશન શિક્ષકના રૂપમાં પ્રસિદ્ધ છે.)

