ચમકતી સુડોળ પીઠનું પ્રદર્શન કરતી બૅકલેસ ચોલીઝ પછી હવે પેઇન્ટેડ બ્લાઉઝનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. મેંદી કે બૉડી પેઇન્ટની મદદથી બ્લાઉઝ જેવી ડિઝાઇન આજકાલ સોશ્યલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડિંગ છે. આ ટ્રેન્ડમાં શું ચાલે છે એ વિશે જાણીએ
બ્લાઉઝ પેઇન્ટિંગ
દેવદિવાળી પછી હવે શુભ પ્રસંગોનાં મુરતો નીકળવા લાગ્યાં છે. છેક હોળાષ્ટક બેસે ત્યાં સુધી પ્રસંગો આવતા રહે. તહેવારો હોય કે લગનસરા, દર વર્ષે કંઈક ને કંઈક નવો ટ્રેન્ડ કે નવી ફૅશન આવતી હોય છે. હમણાં થોડાક વખતથી છોકરીઓ વિન્ટેજ સાડીઓ માટે પોતાની દાદી-નાની અને મમ્મીનાં કબાટ ફંફોસતી થઈ ગઈ છે. સાથે બ્લાઉઝની ફૅશન પણ જોરમાં છે. એમાં આજકાલ બૅકલેસ બ્લાઉઝ પહેરીને પછી બૅક પર બ્લાઉઝની જેમ પેઇન્ટ કરવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. શરીર પર પેઇન્ટિંગ કરવું કે ટૅટૂ ચીતરવું એ કંઈ નવી વાત નથી. આપણે ત્યાં કાપડું, ચોલી કે કબજો પહેરવાની પ્રથા છે જે બૅકલેસ હોય છે. ત્રાજવડા, માંદળા કે આડળીખાડળી જેવાં ટૅટૂ આપણે ત્યાં હાથ, પગ, ગળા, ચહેરા અને પીઠ પર પણ પરાપૂર્વથી બનતાં આવ્યાં છે. બૅકલેસ બ્લાઉઝ પહેરીને રેડીમેડ ટૅટૂથી ડિઝાઇન કરવાનું તો ચલણમાં હતું. વચ્ચે પીઠ પર મેંદીની ડિઝાઇન કરવાનો ટ્રેન્ડ પણ ચાલ્યો હતો. હમણાં પીઠ પર બ્લાઉઝના શેપમાં પેઇન્ટિંગ કરવાનો ટ્રેન્ડ ચાલુ થયો છે. સામાન્ય પબ્લિક આ ટ્રેન્ડને અપનાવશે કે નહીં અથવા કેટલું અપનાવશે એ વિશે અમે ફૅશન-ડિઝાઇનર નિશા ગોસલિયા સાથે વાત કરી.