જૅકલિન ફર્નાન્ડિસે જે બનાના પીલ ફેશ્યલની વાત કરી એ એક ઘરગથ્થુ ઉપાય છે. એમાં કેળાની છાલના અંદરના ભાગને ચહેરા પર હળવા હાથે ૫-૧૦ મિનિટ માટે રગડવામાં આવે છે. એ પછી ૧૦ મિનિટ સુધી ચહેરાને એમ જ રાખી પાણીથી ધોઈ નાખવાનો હોય છે.
કેળાની છાલનું ફેશ્યલ અને અભિનેત્રી જૅકલિન ફર્નાન્ડિસ
અભિનેત્રી જૅકલિન ફર્નાન્ડિસે થોડા દિવસ પહેલાં જ પોતાનું સ્કિન કૅર સીક્રેટ જણાવતાં બનાના પીલ ફેશ્યલનો ઉલ્લેખ કર્યો હતો, જેને તેણે નૅચરલ બોટોક્સ ગણાવ્યું હતું. એવામાં આપણે પણ જાણીએ કે આ ફેશ્યલ કઈ રીતે ચહેરા પર લગાવવાનું અને એ ખરેખર નૅચરલ બોટોક્સ તરીકે કામ કરે કે નહીં
જૅકલિન ફર્નાન્ડિસે જે બનાના પીલ ફેશ્યલની વાત કરી એ એક ઘરગથ્થુ ઉપાય છે. એમાં કેળાની છાલના અંદરના ભાગને ચહેરા પર હળવા હાથે ૫-૧૦ મિનિટ માટે રગડવામાં આવે છે. એ પછી ૧૦ મિનિટ સુધી ચહેરાને એમ જ રાખી પાણીથી ધોઈ નાખવાનો હોય છે. ચહેરાને સાફ કરીને અંતે મૉઇશ્ચરાઇઝર અપ્લાય કરવાનું હોય છે. ઘણા લોકો દાવો કરે છે કે આમ કરવાથી ત્વચાની લવચીકતા વધે છે, ફાઇન લાઇન્સ સ્મૂધ થઈ જાય છે, સ્કિન મૉઇશ્ચરાઇઝ થાય છે અને ચહેરા પર એક ચમક આવે છે.
આને લઈને એક્સપર્ટનું કહેવું છે, કેળાની છાલમાં વિટામિન A, C, E, પોટૅશિયમ અને મૅગ્નેશિયમ જેવાં મિનરલ્સ અને ઍન્ટિઑક્સિડન્ટ્સ હોય છે. એટલે કેળાની છાલને ત્વચા પર ઘસવામાં આવે ત્યારે ત્વચા હાઇડ્રેટ થાય છે. કેળાની છાલને ચહેરા પર ઘસ્યા બાદ એ સુકાય ત્યારે ત્વચા પર એક પાતળું આવરણ બને છે. એનાથી થોડા સમય માટે ત્વચાને ટાઇટનિંગ ઇફેક્ટ મળે છે. કેળાની છાલ ઘસ્યા બાદ ચહેરો થોડો ફ્રેશ અને ચમકદાર પણ બને છે.
ચહેરા પર કેળાની છાલ ઘસવાના પોતાના ફાયદા છે, પણ એને નૅચરલ બોટોક્સ ગણાવવું અયોગ્ય હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. કેળાની છાલ ઘસ્યા પછી ચહેરા પર જે અસર દેખાય છે એ ખૂબ જ ટેમ્પરરી અને સર્ફેસ લેવલ પર હોય છે. બોટોક્સ ઇન્જેક્શન તો ચહેરાની માંસપેશીઓને આરામ પહોંચાડીને ચહેરાની કરચલીઓને ઓછી કરતું હોય છે.
એટલે લાંબા સમય સુધી ત્વચાની લવચીકતા જાળવવા અને કરચલીઓ ઓછી કરવા માટે દૈનિક જીવનમાં સ્કિનકૅર, ફેસ એક્સરસાઇઝ અને પ્રોફેશનલ ટ્રીટમેન્ટ્સ જરૂરી છે. કેળાની છાલનું ફેશ્યલ તમારા રૂટીનમાં ચહેરાને રિફ્રેશ બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. હા, એનો પ્રયોગ કરતાં પહેલાં પૅચ ટેસ્ટ કરવી જરૂરી છે. ખાસ કરીને જેમની સ્કિન ખૂબ સંવેદનશીલ હોય.


