ચોક્કસ માહિતી મળ્યા બાદ એને શોધવા થાણે અને MBVV પોલીસની જૉઇન્ટ ટીમે તપાસ શરૂ કરી
પ્રતીકાત્મક તસવીર
થાણેના કોલશેત વિસ્તારમાં આવેલી લોઢા અમારા સોસાયટીમાં રહેતા ડૉક્ટર દંપતીના ઘરેથી ચોરી થયેલો લૅબ્રૅડૉર નસલનો મૅક નામનો શ્વાન મીરા રોડમાં હોવાની ચોક્કસ માહિતી મળ્યા બાદ શનિવાર રાતથી થાણે અને મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV) પોલીસની બે ટીમોએ શ્વાન અને એને લઈ જનારની જૉઇન્ટ તપાસ શરૂ કરી છે. ડૉ. રોહન દુબ્બલના ઘરે ચોરીના ઇરાદે આવેલી એક મહિલા સહિત બે લોકો મંગળવારે બપોરે ઘરમાં કોઈ વસ્તુ હાથમાં ન આવતાં ઘરમાં પાળેલો ડૉગી પોતાની સાથે લઈ ગયા હતા. આ મામલાની ફરિયાદ પોલીસમાં નોંધાયા બાદ પોલીસે લોઢા અમારા સોસાયટી તેમ જ આસપાસના વિસ્તારના આશરે ૭૦થી વધારે ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં. આ ઉપરાંત સોશ્યલ મીડિયા પર પણ મૅકને શોધવા માટે ઝુંબેશ ચલાવવામાં આવતાં એ મીરા રોડમાં હોવાની ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ હતી.
થાણેના ડૉક્ટર કપલના ઘરેથી શ્વાન ચોરાયો હોવાનો રિપોર્ટ ‘મિડ-ડે’માં શનિવારે પ્રકાશિત થયો હતો.
ADVERTISEMENT
ડૉક્ટર દંપતીના ઘરમાંથી ચોરાયેલો શ્વાન ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે એની સાથે એક પરિવારની ભાવનાઓ જોડાયેલી હોવાથી એને શોધવા માટે અમે બે સેપરેટ ટીમો તૈયાર કરી છે એમ જણાવતાં કાપુરબાવડી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રવીણ માનેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોસાયટીના અને એની આસપાસના CCTV કૅમેરાનાં ફુટેજમાં એક મહિલા સાથે એક પુરુષ દેખાયો છે. તેમના ચહેરા ક્લિયર ન દેખાતાં હાલમાં આગળનાં ફુટેજ તપાસવામાં આવી રહ્યાં છે. પુરુષ સાથે આવેલી મહિલા ડૉક્ટર દંપતીને ઓળખતી હોવાની માહિતી પણ અમને ગુપ્ત સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે. જોકે મહિલાની ધરપકડ થયા બાદ આગળની બધી ચીજો ક્લિયર થશે. દરમ્યાન શનિવારે ચોરાયેલો શ્વાન મીરા રોડમાં હોવાની ચોક્કસ માહિતી મળ્યા બાદ અમારી ટીમ મીરા રોડના નયાનગર વિસ્તારમાં પહોંચી હતી, જ્યાંથી શ્વાનને લઈ ગયેલી મહિલા થોડી વાર પહેલાં છટકી ગઈ હતી એટલે તે મહિલા મીરા રોડની હોવાથી ખાતરી થતાં અમે લોકલ MBVVની નયાનગર પોલીસની પણ મદદ લીધી છે. તેમની એક ટીમ ડૉગીને શોધવા માટે કામ કરી રહી છે. આ ઉપરાંત મીરા રોડ અને આસપાસના વિસ્તારમાં પૅટ્રોલિંગ કરતા પોલીસસ્ટાફને પણ શ્વાનના ફોટો શૅર કરવામાં આવ્યા છે. મહિલા જે રિક્ષામાં મીરા રોડમાંથી પસાર થતી જોવા મળી હતી તે રિક્ષા-ડ્રાઇવર સુધી પણ અમે પહોંચ્યા હતા. જોકે તેની પાસેથી અમને કોઈ ઉપયોગી માહિતી મળી નહોતી. આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.’
કેવી રીતે ખબર પડી કે મૅક મીરા રોડમાં છે?
ડૉ. રોહન દુબ્બલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયા પર મૅકની પોસ્ટ વાઇરલ થયા બાદ મીરા રોડના એક ઍનિમલપ્રેમીએ મૅકની ઓળખ કરીને એ મીરા રોડમાં હોવાની માહિતી અમને આપી હતી એટલે તાત્કાલિક અમે બન્ને મીરા રોડ પહોંચ્યા હતા જ્યાં મૅક જોવા મળ્યો હતો. ત્યાં આસપાસના વિસ્તારમાં મૅકની શોધ કરવામાં આવી હતી, પણ એ મળ્યો નહોતો. ઍનિમલપ્રેમીએ મૅકની ચાલવાની સ્ટાઇલ અને એની સાથે રહેલી મહિલાની માહિતી અમને આપી ત્યારે ખાતરી થઈ ગઈ હતી કે એ અમારો મૅક જ છે. અમારા મૅકને જલદી શોધી કાઢે એવી અમારી પોલીસને અપીલ છે.’


