સક્સેસ મેળવ્યા બાદ વિમેન કમ્યુનિટીને કઈ રીતે આગળ વધારવી એ આવડત ફેમસ મેકઅપ-આર્ટિસ્ટ અને ઑન્ટ્રપ્રનર બીજલ ગડામાં છે અને તેમની આ જ ક્વૉલિટી મેકઅપ ઇન્ડસ્ટ્રીમાં તેમને બધા કરતાં યુનિક બનાવે છે
બીજલ ગડા
દરેક સફળ વ્યક્તિને સંઘર્ષમાંથી પસાર થવું પડે છે. જર્નીમાં આવતી દરેક ચૅલેન્જને ફેસ કરીને પોતાને સાબિત કરવાનું હોય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે સફળતા મળ્યા બાદ એને ટકાવી રાખવા માટે પણ મહેનત તો કરવી જ પડે છે. મુલુંડમાં રહેતાં બીજલ ગડાની સ્ટોરી પણ કંઈક એવી જ છે. નાની ઉંમરે આર્થિક તંગીને લીધે મેકઅપ શીખવા પર મજબૂર થયેલી યુવતીએ મેકઅપ ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે ખ્યાતિ પ્રાપ્ત કરી અને સમયની સાથે કદમથી કદમ ચલાવીને તે કઈ રીતે ઇવૉલ્વ થઈ એ કહાની તમને જરૂર પ્રેરણા આપશે.
પહેલી ગુરુ મમ્મી
ADVERTISEMENT
મેકઅપના ફીલ્ડમાં પોતાની જર્નીની શરૂઆત કઈ રીતે થઈ એ દિવસોને યાદ કરતાં બીજલ ગડા કહે છે, ‘હું કૉલેજમાં ભણતી હતી ત્યારે જ મમ્મી પુષ્પા નાગડાએ અચાનક એક વાર મને કહ્યું કે બીજલ, તું પણ મેકઅપ શીખી જાને તો મને સારું પડશે, એકલા હાથે સૅલોં ચલાવવામાં થોડી મુશ્કેલી પડે છે. કલ્યાણમાં અમારું ઘર હતું. એ સમયે આર્થિક તંગી હતી. પપ્પા કરિયાણાનો બિઝનેસ કરતા હતા, પણ અચાનક તે લૉસમાં જતાં ફાઇનૅન્સની કમાન મમ્મીના હાથમાં આવી ગઈ હતી અને ત્યારે મમ્મીને હેલ્પ થઈ શકે એ માટે હું તેની સાથે કામ કરવા લાગી. મમ્મીએ જ મને મેકઅપ સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવી હતી અને હું પણ કામચલાઉ ધોરણે મમ્મીને હેલ્પ કરી શકું એ વિચારીને શીખી ગઈ હતી, પણ મારી ડેસ્ટિની જ મેકઅપ હશે એ મને ખબર નહોતી.’
ડેસ્ક-જૉબ છોડી
બીજલે બૅન્કિંગ ઍન્ડ ઇન્શ્યૉરન્સમાં બૅચલર્સ ડિગ્રી અને પછી CFP એટલે કે સર્ટિફાઇડ ફાઇનૅન્શિયલ પ્લાનરનો કોર્સ કર્યો હતો. ડેસ્ટિની વિશે વાત કરતાં બીજલ કહે છે, ‘મને પહેલેથી જ મોટી ઑફિસમાં જૉબ કરવાની ઇચ્છા હતી. L&T કંપનીમાં જૉબ લાગી એ સમયે મને રિયલાઇઝ થયું કે આ મારા માટે નથી. નોકરી લાગ્યા બાદ ક્લૅરિટી આવી. ત્રણ મહિના કામ કરીને મેં મારી પહેલવહેલી જૉબને ટાટા-બાયબાય કહીને મેકઅપમાં જ આગળ વધવાનું નક્કી કર્યું. ડિગ્રી હોવા છતાં મેકઅપ કરતી જોઈને ઘણા લોકોએ મને મહેણાં-ટોણા માર્યાં, કારણ કે એ સમયે મેકઅપનું એટલું ચલણ નહોતું. લોકો શું કહેશે એની પરવા મેં ત્યારે નહોતી કરી. પછી મારાં લગ્ન વિમલ ગડા સાથે નક્કી થયાં. લગ્ન કરીને મુલુંડ આવી ત્યારે મારા મેકઅપ પ્રત્યેના પૅશનને વિમલની ફેમિલીએ ફુલ સપોર્ટ કર્યો. મારાં સાસુ પુષ્પાબહેન ઍક્સિડન્ટનો ભોગ બન્યાં હોવાથી પથારીવશ હોવા છતાં મને તેમણે મેકઅપમાં આગળ વધવા ઉત્તેજિત કરી. મારી સફળતાની પાછળ મમ્મી, સાસુ અને પતિનો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો છે.’
ટ્રેન્ડ સાથે શીખતાં રહેવું
સમય પ્રમાણે અપગ્રેડ રહેવું જરૂરી છે એવું માનતાં બીજલે અત્યાર સુધી લંડન, ન્યુ યૉર્ક અને રશિયા જેવા દેશોમાંથી ૪૪ ઇન્ટરનૅશનલ ડિગ્રી અને સર્ટિફિકેટ હાંસલ કર્યાં છે અને ધીરે-ધીરે તે સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ બની ગયાં છે. તેમણે ગુજરાતી ઍક્ટ્રેસ મિત્રા સોલંકી, ટીવી-કલાકાર હર્ષ દેસાઈ, ઉર્ફી જાવેદ, અનુષ્કા સેન, જન્નત ઝુબૈર, સુરભી-સમૃદ્ધિ જેવા કલાકારો સાથે કામ કર્યું છે. ૧૩ વર્ષ પહેલાં બીજલે મુલુંડ-વેસ્ટમાં પોતાની બીજલ ગડા મેકઓવર્સ (BGM) નામની ઍકૅડેમીની શરૂઆત કરી. મેકઅપ અને બ્યુટી માટે વન-સ્ટૉપ સૉલ્યુશન બનાવવા તેમણે ઍકૅડેમીની સાથે સૅલોં પણ બનાવ્યું અને પોતાનું એમ્પાયર બિલ્ડ કર્યું. બીજલ કહે છે, ‘મારી ઍકૅડેમીને આગળ લાવવામાં મારાં મમ્મી અને ભાભીનું યોગદાન રહ્યું છે. મારાં ભાભી નેઇલ-આર્ટિસ્ટ છે તો સ્ટુડન્ટ્સને એ પણ શીખવા મળી રહે છે. હું અહીં સુધી પહોંચી હોવા છતાં મમ્મી ક્યારેક-ક્યારેક મારા મેકઅપમાં મિસ્ટેક્સ શોધતી હોય છે, કારણ કે તે હંમેશાં પર્ફેક્શનની આગ્રહી રહી છે. અમે ત્રણેય મળીને ક્લાસ ચલાવીએ છીએ.’
ગેમચેન્જર સોશ્યલ મીડિયા
૨૦૧૬-’૧૭માં લોકો સોશ્યલ મીડિયાને ફક્ત ટ્રેન્ડ માનતા હતા ત્યાં બીજલ ગડાએ એનો ઉપયોગ પોતાની બ્રૅન્ડને ડેવલપ કરવા માટે કર્યો. અઢળક વિડિયોઝ, ટ્યુટોરિયલ્સ, લાઇવ સેશન્સ અને સ્પીચના માધ્યમથી ફક્ત મુંબઈની જ નહીં, ભારતભરની યુવતીઓ સુધી પહોંચ્યાં. સમયની સાથે ઇવૉલ્વ થવામાં માનતાં બીજલ આ વિશે કહે છે, ‘સોશ્યલ મીડિયા ફક્ત કન્ટેન્ટને જોવા માટે જ નથી, એ આપણા બિઝનેસને ડેવલપ કરવાનું પાવરફુલ વેપન બની શકે એ વાત મને સમય કરતાં પહેલાં સમજાઈ ગઈ હોવાથી હું મારા કામની પબ્લિસિટી સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર કરતી હતી. કોરોનાકાળમાં બધા જ ઘરે બેઠા હતા પણ હું ઘેરબેઠાં મેકઅપની ટ્રેઇનિંગ આપી રહી હતી અને ભારતના ખૂણે-ખૂણેથી યુવતીઓ મારા ક્લાસમાં જોડાઈ રહી હતી.’
બિજલે ઍસિડ-અટૅક સર્વાઇવરનું મેકઓવર કર્યું
બિઝનેસ-લર્નિંગ
એવું શું આપી શકાય જે સ્ટુડન્ટ્સની લાઇફમાં વૅલ્યુ ઍડ કરે? દર વર્ષે આવું વિચારીને અવનવા અખતરા કરતાં બીજલ કહે છે, ‘દર વર્ષે બર્થ-ડેના દિવસે હું મારી જાતને એક સવાલ કરું કે આ વખતે નવું શું છે બીજલ? એમાંથી મળતા જવાબ અને આઇડિયાઝને હું અજમાવું છું. મેકઅપ તો બધી જ આર્ટિસ્ટ શીખવે છે, પણ એને ડેવલપ કઈ રીતે કરવું એ વિશે વાતો થતી નથી એવો વિચાર આવ્યો ત્યારે ૨૦૨૧માં મેં નક્કી કર્યું કે મારી ઍકૅડમીમાં ભણવા આવતી છોકરીઓને મેકઅપ સાથે તેના બિઝનેસને ડેવલપ કરવાનું નૉલેજ આપીશ. મેં અત્યાર સુધી દોઢ લાખ કરતાં વધુ છોકરીઓને મેકઅપ અને પચીસ હજાર કરતાં વધુ સ્ટુડન્ટ્સને બિઝનેસને ડેવલપ કરતાં શિખવાડ્યું છે અને આ પ્રોસેસ ચાલુ જ છે. મેકઅપ અને હેરસ્ટાઇલ શિખવાડવાની સાથે હું દેશના ખૂણે-ખૂણે જઈને માસ્ટરક્લાસ અને સેમિનાર્સ પણ લઉં છું. એક જમાનામાં હું એકલા હાથે બધું સંભાળતી હતી, પણ હવે મારી ઍકૅડેમીમાં ૨૬ જણનો સ્ટાફ છે એટલું જ નહીં, જે સ્ટુડન્ટ્સની સ્થિતિ નબળી હોય તેમને લોન ફૅસિલિટી પણ આપીએ છીએ. આવું કદાચ કોઈ મેકઅપ ઍકૅડેમીમાં નહીં થતું હોય. સ્ટુડન્ટ્સને બેટર ટ્રેઇનિંગ મળે એ માટે હું AI એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ મારા ઍપ-ડેવલપમેન્ટ માટે કરું છું. કન્ટેન્ટ-ક્રીએશન અને વિડિયો-મેકિંગને સરળ બનાવવાની સાથે અફૉર્ડેબલ રેન્જમાં મેકઅપ કોર્સ ડિઝાઇન કર્યા છે. મને લાગે છે ભારતમાં AIનો યુઝ કરનારી અને બિઝનેસ ટ્રેઇનિંગ આપનારી પહેલી મેકઅપ ઍકૅડેમી અમારી છે. મને નવતર પ્રયોગ કરવા બહુ જ ગમે છે.’
સામાજિક પ્રવૃત્તિ
ઍસિડ અટૅક સર્વાઇવરને મેકઅપ કરીને ચર્ચામાં આવેલાં બીજલ ગડા આ વિશે જણાવે છે, ‘એમાં થયું એવું કે એક પીડિતાએ મને જોઈને મેકઅપની ઇચ્છા વ્યક્ત કરી, પણ તેની સ્કિનમાં મેકઅપ બહુ મુશ્કેલ હોવાથી મેં ના પાડી. તેની સતત આજીજીને લીધે હું તેને મેકઅપ કરવા તૈયાર થઈ. મેકઅપ કર્યા બાદ ચહેરાની સુંદરતાને જોઈને એ છોકરી ખુશ અને ભાવુક થઈ એ ક્ષણે મને અહેસાસ થયો કે મેકઅપમાં કેટલો પાવર છે. મને એવું લાગ્યું કે મેં મારા જીવનમાં કંઈક કર્યું છે. ત્યાર બાદ અમે મુંબઈ, ગુડગાંવ અને દિલ્હીના NGO સાથે જોડાયા જે ઍસિડ અટૅક સર્વાઇવર્સ માટે કામ કરી રહ્યાં છે.’
એમ્પાવર્ડ વિમેન કમ્યુનિટી
પૅશનની સાથે બીજલ હાલમાં એમ્પાવર્ડ વિમેનની કમ્યુનિટી બિલ્ડ કરી રહ્યાં છે. આ ઝુંબેશ વિશે વાત કરતાં તે કહે છે, ‘મને એવી કમ્યુનિટી બિલ્ડ કરવી છે જ્યાં સ્ત્રીઓ એકબીજાના બિઝનેસને આગળ વધારવામાં મદદ કરી શકે. મેં આ ઇનિશ્યેટિવ શરૂ કર્યું ત્યારથી અઢળક મેસેજ આવી રહ્યા છે, પણ મારી ટીમ બિઝનેસને વેરિફાય કરે ત્યાર બાદ હું કોઈના બિઝનેસ વિશે વાત કરું છું જેથી બિઝનેસ અને કમ્યુનિટીની ઑથેન્ટિસિટી જળવાઈ રહે.’
અંગત જીવન વિશે જાણવા જેવું
મેકઅપ-આર્ટિસ્ટ પહેલાં એક મધર છું એવું માનતાં બીજલ ગડા ૧૩ વર્ષના દીકરા સાથેના બૉન્ડ વિશે કહે છે, ‘મારા દીકરા ધ્રુવના ઉછેરમાં બાંધછોડ ન થાય એનું મેં પૂરતું ધ્યાન રાખ્યું છે. હસબન્ડ સપોર્ટિવ હોવાથી એટલો વાંધો આવતો નથી, પણ મમ્મીની ડ્યુટીનું કોઈ રિપ્લેસમેન્ટ નથી. મેં ઍકૅડેમી પણ મારા ઘરથી એક મિનિટના અંતરે ખોલી જેથી જ્યારે મારા દીકરાને જરૂર પડે ત્યારે હું તેની પાસે પહોંચી શકું. પેરન્ટિંગ અને બિઝી પ્રોફેશનલ લાઇફ વચ્ચે હું મી-ટાઇમ પણ સ્પેન્ડ કરું છું. હું સેમિનાર્સ અને વર્કશૉપ્સ માટે મહિનામાં ભારતનાં બેથી ત્રણ શહેરો વિઝિટ કરતી હોઉં છું ત્યારે સમય મળતાં હું ત્યાં આસપાસની જગ્યાને એક્સપ્લોર કરું છું. વાંચનનો શોખ હોવાથી હું કાજલ ઓઝા વૈદ્યનાં પુસ્તકો અને અંગ્રેજી બુક્સ વાંચું છું. ગયા વર્ષે મેં મેકઅપ ગાઇડ આપવા પુસ્તક લખ્યાં પણ હતાં. હેલ્થ-કૉન્શિયસ હોવાથી હેલ્ધી ડાયટ ફૉલો કરું છું અને જિમ ક્યારેય મિસ કરતી નથી.’

