Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > કોણે કહ્યું કે ધુળેટી ફક્ત સફેદ કપડાંમાં જ રમાય? આ વર્ષે રંગોત્સવમાં લાવો ગ્લૅમરસ ડ્રામા

કોણે કહ્યું કે ધુળેટી ફક્ત સફેદ કપડાંમાં જ રમાય? આ વર્ષે રંગોત્સવમાં લાવો ગ્લૅમરસ ડ્રામા

Published : 02 March, 2026 03:09 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

બૉલીવુડની ફિલ્મોમાં વાઇટ આઉટફિટ પહેરીને કલાકારોને રંગોથી રમતા જોઈને હવે લોકો પણ એ જ ટ્રેન્ડને વર્ષોથી ફૉલો કરી રહ્યા છે, પણ આ રૂઢિચુસ્ત ફૅશનને અલવિદા કહીને હાલના લેટેસ્ટ ટ્રેન્ડ સાથે ધુળેટીને બનાવો સ્ટાઇલિશ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ધુળેટીના દિવસે જાણે સફેદ યુનિફૉર્મ કમ્પલ્સરી બની ગયો છે, પણ વર્ષોથી આ જ મૉનોટોનસ ટ્રેન્ડ ચાલતો આવતો હોવાથી બોરિંગ અને પ્રિડિક્ટેબલ બની ગયો છે. હોળી રમતી વખતે પાણીમાં ભીના થયા પછી સફેદ કપડાંમાં ઘણી વાર ટ્રાન્સપરન્સી ઇશ્યુથી અકળામણ પણ ઊભી થાય છે, પણ આ વખતે તમે અમુક એવા ફૅશન-એક્સપરિમેન્ટ્સ કરી શકો છો જે આ દિવસે પણ તમારી ફૅશનને અપગ્રેડ કરશે.

સૉફ્ટ ઇઝ ધ ન્યુ બોલ્ડ



જો સફેદ કપડાં પહેરવાં બોરિંગ લાગતાં હોય તો પેસ્ટલ રંગો તમારા માટે બેસ્ટ ઑપ્શન્સ છે. પાઉડર બ્લુ, મિન્ટ ગ્રીન, લૅવન્ડર કે પીચ જેવા રંગો અત્યારે ગ્લોબલ ફૅશનમાં ટૉપ પર છે. ખાસ કરીને લિનન ફૅબ્રિકના કો-ઑર્ડ સેટ્સ ક્લાસી અને પ્રીમિયમ લુક આપે છે. આ રંગો પર જ્યારે ગુલાલ પડે છે ત્યારે એ એક લાઇવ કૅન્વસ જેવો લુક આપે છે.


નિયૉન નોસ્ટૅલ્જિયા

જો તમને સેન્ટર ઑફ ઍટ્રૅક્શન રહેવું ગમતું હોય તો નિયૉન પિન્ક, ઇલેક્ટ્રિક ઑરેન્જ કે લાઇમ ગ્રીન જેવા વાઇબ્રન્ટ શેડ્સ ટ્રાય કરો. નિયૉન ટી-શર્ટ કે ઓવરસાઇઝ્ડ શર્ટ્સને કાર્ગો પૅન્ટ્સ સાથે પેર કરવાથી એક સ્પોર્ટી અને એનર્જેટિક વાઇબ મળે છે. જેઓ પાર્ટી ઍનિમલ છે તેમના માટે આ પર્ફેક્ટ ચૉઇસ છે.


ઇન્ડો-વેસ્ટર્ન ફ્યુઝન

સફેદ કુરતાને રંગબેરંગી બાંધણી અથવા લહેરિયા કેપ સાથે રિપ્લેસ કરો. ક્રૉપ ટૉપ અને પલાઝો સાથે તમે લાંબું શિફૉન જૅકેટ સ્ટાઇલ કરો. આ તમને વધુ કમ્ફર્ટ આપશે અને લુક પણ રિચ લાગશે. આવા આઉટફિટ્સમાં ફોટોગ્રાફ્સ પણ બહુ મસ્ત આવશે. આની સાથે વૉટરપ્રૂફ શૂઝ સ્ટાઇલ કરીને મૉડર્ન ટ્‌વિસ્ટ આપી શકાય. ઍક્સેસરીઝમાં મોટી ફ્રેમવાળા કલરફુલ ગ્લાસિસ પણ પહેરવાથી લુક કમ્પ્લીટ લાગશે.

ટાઇ-ઍન્ડ-ડાઇ ફૅશન

હોળીમાં બધા રંગોથી રંગાવાના જ હોય તો કપડાં પહેલેથી જ રંગીન હોય તો ચાલે જ. આ માટે ટાઇ-ઍન્ડ-ડાઇ પ્રિન્ટ્સ અત્યારે હાઈ-ફૅશનમાં છે. રૉ અને એસ્થેટિક લુક ગમતો હોય એવા લોકો માટે આવી ફૅશન પર્ફેક્ટ ચૉઇસ છે. આ ટ્રેન્ડની સૌથી મોટી ખાસિયત એ છે કે તમારે બજારમાંથી મોંઘાં કપડાં ખરીદવાની જરૂર નથી. તમારા કબાટમાં પડેલાં જૂનાં સફેદ ટી-શર્ટ અથવા લાઇટ કલરના ડેનિમ જૅકેટ પર ઘરે જ પ્રયોગ કરી શકાય છે. કપડાંને ગૂંચળાં વાળીને, દોરીથી બાંધીને એના પર ફૅબ્રિક કલર્સ છાંટવાથી રૅન્ડમ પૅટર્ન બની જશે. ટાઇ-ઍન્ડ-ડાઇ આઉટફિટ્સ પહેરવાથી એવું દેખાઈ આવે છે કે તમે સ્ટાઇલ માટે બહુ મહેનત નથી કરી, છતાં તમે સૌથી અલગ અને ‘કૂલ’ લાગો છો. હોળીના ગુલાલ જ્યારે આ પ્રિન્ટ્સ પર પડે છે ત્યારે એ કપડાંની મૂળ ડિઝાઇન સાથે મિક્સ થઈ જાય છે અને સરસ મજાની કૅમોફ્લેજ ઇફેક્ટ બને છે. આવાં ટી-શર્ટ્‌સ પહેરતા હો તો બૉટમ્સમાં બ્લુ ડેનિમ્સ પહેરો. આ કૉમ્બિનેશન તમારા લુકને બૅલૅન્સ કરશે અને આર્ટિસ્ટિક લુક આપશે.

ફૅશન-ફૉર્વર્ડ દેખાવા આટલું કરજો

તમારા પેસ્ટલ કે વાઇટ આઉટફિટ સાથે મેટલિક સિલ્વર અથવા ગોલ્ડન બેલ્ટ અથવા હાઈ-ટૉપ સ્નીકર્સ પેર કરો. હોળીના મેલા રંગો વચ્ચે મેટલિક શાઇન ફ્યુચરિસ્ટિક ગ્લૅમર લુક આપશે.

નૉર્મલ કુરતાને બદલે મલ્ટિ-પૉકેટ કાર્ગોઝ અથવા બૉઇલર સૂટ પસંદ કરો. અત્યારે ગ્લોબલ ફૅશનમાં આ ટ્રેન્ડમાં છે અને તમને રફ ઍન્ડ ટફ લુક આપશે. પાણીમાં ભીના થયા બાદ પણ એ સ્કિન સાથે ચીપકશે નહીં.

હોળીમાં સનગ્લાસિસ કૉમન હોય છે, પણ તમે મિરર ફિનિશવાળા સ્પોર્ટ્સ ગ્લાસિસ ટ્રાય કરો. જ્યારે કલર તમારા ચહેરા પર ઊડશે ત્યારે ગ્લાસિસ પર પડતા રિફ્લેક્શનથી એક શાર્પ લુક ક્રીએટ થશે.

તમારા જૂના ડેનિમ જૅકેટની સ્લીવ્ઝ કાપીને એને ડિસ્ટ્રેસ્ડ વેસ્ટ તરીકે લેયર કરો. હોળીમાં જેટલી લેયર્સ હશે એટલો તમારો લુક વધુ ‘પર્સનલાઇઝ્ડ’ અને ફૅશન-ફૉર્વર્ડ લાગશે.

જો વાળ ખુલ્લા રાખવા હોય તો નિયૉન કલરની ક્લિપ્સ અથવા મેટલિક ચેઇન હેરબૅન્ડ્સનો ઉપયોગ કરો. રંગોથી વાળમાં આ મેટલિક શાઇન કૉન્ટ્રાસ્ટ ક્રીએટ કરશે.

તમારાં શૂઝમાં સાદી લેસ કાઢીને નિયૉન અથવા ગ્લો-ઇન-ધ-ડાર્ક લેસ નાખો. સાંજની હોળી-પાર્ટીમાં જ્યારે લાઇટ્સ ઓછી હશે ત્યારે આ લેસ તમારા લુકને હાઇલાઇટ કરશે.

સ્લીવલેસ ટૉપ કે કુરતા સાથે સ્કાર્ફને ગળામાં વીંટવાને બદલે એને કૅપ સ્ટાઇલમાં અથવા કમર પર બેલ્ટ તરીકે ટાઇ કરો. આ સ્ટાઇલ તમારા લુકમાં એક ઇન્સ્ટન્ટ ડ્રામા ઉમેરશે.

આટલું ધ્યાન રાખજો

એવાં ફૅબ્રિક્સ ટાળવાં જે ભીનાં થયા પછી શરીર સાથે ચોંટી જાય, જેમ કે શિફૉન કે પાતળું રેયૉન. આને બદલે લિનન, થિક કૉટન કે ડેનિમ બેસ્ટ છે, કારણ કે એ ભીના થયા પછી પણ લુક બગડતો નથી.

પેસ્ટલ કપડાં પહેરતા હો ત્યારે ક્યારેય સફેદ અન્ડરગાર્મેન્ટ્સ ન પહેરવાં, કારણ કે ભીનાં થયા પછી એ વધુ દેખાય છે. હંમેશાં ન્યુડ ઇનરવેઅર પસંદ કરવાં જેથી ટ્રાન્સપરન્સીનો ઇશ્યુ ન રહે.

નવાં કપડાં જો પહેરવાનાં હો તો એને પહેરતાં પહેલાં એક વાર મીઠાવાળા પાણીમાં ધોઈ લેવાં. આનાથી કપડાંનો ઓરિજિનલ કલર લૉક થઈ જશે અને રંગ ફૅબ્રિકને બગાડશે નહીં.

Whatsapp-channel Whatsapp-channel

02 March, 2026 03:09 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK