આ રીતે ધુળેટીમાં કરો સ્કિન અને હેરની પ્રી-કૅર
પ્રતીકાત્મક તસવીર
આ વર્ષે રંગોમાં રંગાતાં પહેલાં કેમિકલયુક્ત રંગો અને પ્રદૂષણની વચ્ચે આ સેલ્ફ-કૅર રિચ્યુઅલ્સ તમારી સ્કિનની સાથે હેરને પણ પ્રોટેક્ટ કરશે
સ્કિન-શીલ્ડિંગ ટેક્નિક
ADVERTISEMENT
નૉર્મલી લોકો કોકોનટ ઑઇલ ત્વચા અને વાળમાં લગાવીને હોળી રમવા નીકળી પડે છે, પણ હવે સ્કિન-સાયન્સ બદલાયું છે. આજે માત્ર તેલ પૂરતું નથી. નિષ્ણાતો સૂચવે છે કે રંગોથી રમતાં પહેલાં સેરામાઇડયુક્ત મૉઇશ્ચરાઇઝર લગાવો. એ તમારી ત્વચા પર એક મજબૂત ‘બૅરિયર’ બનાવે છે જેથી રંગો પોર્સની અંદર ઊતરી શકતા નથી. ક્રીમ લગાવ્યાની ૨૦ મિનિટ બાદ વૉટર-રેઝિસ્ટન્ટ સનસ્ક્રીન લગાવવું અનિવાર્ય છે. આ ડબલ-લેયરિંગ ટેક્નિક સૂર્યનાં અલ્ટ્રાવાયલેટ (UV) કિરણો અને રંગોના કેમિકલ બન્નેથી રક્ષણ આપે છે. નખને રંગાતાં બચાવવા માટે ડાર્ક કલરની નેઇલપૉલિશ લગાવો અને ક્યુટિકલ્સ પર પેટ્રોલિયમ જેલી લગાવો જેથી રંગના ડાઘ સરળતાથી નીકળી જાય.
હેર-હાઇડ્રેશન
ગંદું પાણી અને પાકા રંગો વાળના નૅચરલ ઑઇલને છીનવી લે છે, જેનાથી ડૅન્ડ્રફ અને હેરફૉલની સમસ્યા વધે છે. ધુળેટી રમતી વખતે તેલની ચીકાશ ન ગમતી હોય તો હાઈ-એન્ડ લિવ-ઇન કન્ડિશનરનો ઉપયોગ કરી શકાય. એ વાળ પર એક પ્રોટેક્ટિવ લેયર બનાવે છે જેથી વાળ પ્રોટેક્ટેડ અને સેફ રહે છે. વાળ ખુલ્લા રાખીને ફોટો પડાવવાનો ક્રેઝ તમારા વાળને ડૅમેજ કરી શકે છે તેથી વાળને ટાઇટ બ્રેઇડ્સ કે ટૉપ બનમાં બાંધીને એના પર કલરફુલ બંડાના કે સ્કાર્ફ વીંટી શકો છો. આ સ્ટાઇલિશ લાગશે અને વાળને સીધા રંગોના સંપર્કથી બચાવે છે. રમવા જવું હોય એના અડધા કલાક પહેલાં હેર-પ્રોટેક્શન માટે રોઝમેરી કે ટી-ટ્રી એસેન્શિયલ ઑઇલનાં થોડાં ટીપાં તમારા રેગ્યુલર ઑઇલમાં ઍડ કરો. એ સ્કૅલ્પ પર ઍન્ટિ-બૅક્ટેરિયલ લેયર બનાવશે જેથી ગંદા પાણી કે કેમિકલથી થતી ખંજવાળ કે ઇન્ફેક્શન અટકશે.
પોસ્ટ-હોલી ડીટૉક્સ
રંગોને કાઢવા માટે સ્કિનને જોર-જોરથી ઘસવી નહીં. કેમિકલયુક્ત સાબુને બદલે દહીં અને ચણાના લોટનું મિશ્રણ વાપરો. આ મિશ્રણ સ્કિનને સાફ કરવાની સાથે હાઇડ્રેટેડ પણ રાખશે. રંગો સાફ કર્યા પછી સ્કિન ખૂબ જ સેન્સિટિવ થઈ જાય છે. ત્યારે ઍલોવેરા જેલ, મધ અને ચંદનનો હોમમેડ માસ્ક લગાવો. એ ઇન્ફ્લેમેશનને શાંત કરીને કુદરતી ગ્લો પાછો લાવશે. મોટા ભાગના લોકો ભૂલ કરે છે કે રંગ કાઢવા માટે ગરમ પાણી કે કપડાં ધોવાનો સાબુ વાપરે છે, પણ ગરમ પાણી સ્કિનને વધુ ડ્રાય કરે છે અને રંગને સ્કિન પર જ રહેવા દે છે તેથી હંમેશાં ઠંડા કે નવશેકા પાણીનો જ ઉપયોગ કરો.
ધુળેટી રમવા જતાં પહેલાંની પ્રો-કૅર ટિપ્સ
રંગો રમવાની ૨૦ મિનિટ પહેલાં સનસ્ક્રીન લગાવો કારણ કે સનસ્ક્રીનને સ્કિનમાં ઍબ્સૉર્બ થવામાં સમય લાગે છે.
આપણે આખા ચહેરા પર ક્રીમ લગાવીએ છીએ પણ હોઠ ભૂલી જઈએ છીએ. હોઠની સ્કિન ખૂબ પાતળી હોય છે. રમવા જતાં પહેલાં હોઠ પર લિપબામ અથવા ઘી લગાવો. આનાથી હોઠ પર રંગના ડાઘ નહીં પડે અને રંગોના કેમિકલથી હોઠ ફાટશે નહીં.
આંખોમાં રંગ જવો સૌથી જોખમી છે. લેન્સ પહેરતા હો તો એ કાઢી નાખવા અને એને બદલે ચશ્માં પહેરવાં. આજે ટ્રેન્ડી ઓવરસાઇઝ્ડ સનગ્લાસિસ પહેરવાનો ક્રેઝ છે જે તમારી આંખોને પાણી અને પાઉડરથી બચાવશે અને તમને કૂલ લુક પણ આપશે.
મોટા ભાગે હોળી રમ્યા પછી કાનની પાછળ અને અંદરની સ્કિન પર જામેલો રંગ કાઢવો મુશ્કેલ બને છે ત્યારે રમવા જતાં પહેલા કાનની આસપાસ વેસલિન લગાવવું. રંગ ગમે તેવો પાકો હશે, પણ એક જ વૉશમાં નીકળી જશે.
નખની અંદર રંગ ન ભરાય એ માટે પણ વેસલિન અથવા પેટ્રોલિયમ જેલી લગાવી દેવું. આનાથી નખની અંદર રંગ પકડાશે નહીં.
હોળીમાં ફોનની સેફ્ટી પણ બહુ જરૂરી છે. તમારા મોંઘા સ્માર્ટફોનને ઝિપલૉક બૅગમાં મૂકો. તમે વાપરી શકશો અને તમારો ફોન સુરક્ષિત પણ રહેશે.
