Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > વટ પાડે છે આ બાએ ડિઝાઇન કરેલાં બ્રાઇડલ બ્લાઉઝ

વટ પાડે છે આ બાએ ડિઝાઇન કરેલાં બ્રાઇડલ બ્લાઉઝ

Published : 10 September, 2025 12:31 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

ઘરની આર્થિક સ્થિતિને બહેતર બનાવવા હાથમાં સોય-દોરો લઈને શરૂ કરેલી સફરને કળા અને મહેનતના જોરે દમયંતી દેઢિયા એટલી આગળ લઈ ગયાં કે આજે ૬૯ વર્ષની ઉંમરે તેઓ પોતાના નામનો ડિઝાઇનર સ્ટુડિયો ચલાવે છે

બ્લાઉઝનું કટિંગ કરી રહેલાં દમયંતીબહેન.

બ્લાઉઝનું કટિંગ કરી રહેલાં દમયંતીબહેન.


પરેલમાં રહેતાં ૬૯ વર્ષનાં દમયંતી દેઢિયાએ તેમના જીવનમાં સોય-દોરાથી ફક્ત કપડાં જ નથી સીવ્યાં, એમાંથી સફળ ઉદ્યોગ ઊભો કરીને પોતાની એક નવી ઓળખ બનાવી છે. તેઓ જીવનમાં ફૅશન-ડિઝાઇનિંગનો કોઈ પ્રોફેશનલ કોર્સ શીખ્યાં નથી. બસ, ઘરની આર્થિક સ્થિતિને જોઈને બેઝિક સીવણકામ શીખેલાં. તેમણે તેમની આ કળાને એટલી બધી નિખારી કે આજે પરેલમાં તેઓ પોતાના નામનો ડિઝાઇનિંગ સ્ટુડિયો ચલાવે છે. સાદા બ્લાઉઝથી લઈને વીસ-પસીચ હજાર રૂપિયાની કિંમતનાં બ્રાઇડલ બ્લાઉઝ તેઓ ડિઝાઇન કરી આપે છે એટલું જ નહીં, તેમના હાથ નીચે ૨૦ જણનો સ્ટાફ કામ કરે છે.


સિલાઈકામની શરૂઆત



આજથી લગભગ ૫૦ વર્ષ પહેલાં કયા સંજોગોમાં સીવણકામ શીખ્યાં એ ​વિશે વાત કરતાં દમયંતીબહેન કહે છે, ‘મારો જન્મ કચ્છના માંડવીના ગામમાં થયો હતો. અમે છ ભાઈ-બહેનો હતાં. એમાંથી સૌથી મોટું સંતાન હું હતી. ગામમાં મેં આઠમા ધોરણ સુધીનો અભ્યાસ કરેલો. આગળ ભણવાની સગવડ ગામમાં નહોતી એટલે ગોધરામાં મહિલા છાત્રાલયમાં ભણવા મોકલેલી. જોકે અધવચ્ચેથી જ પપ્પાએ મુંબઈમાં સેટલ થવાનું નક્કી કર્યું. એ લોકો મને એકલી ગોધરા મૂકીને મુંબઈ જવા ઇચ્છતા નહોતા એટલે મુંબઈમાં આગળનું ભણતર પૂરું કરાવવાનું વિચારેલું. જોકે મુંબઈ આવ્યા પછી પરિ​સ્થિતિ બદલાઈ ગઈ. મમ્મી બીમાર રહેવા લાગી. મુંબઈ આવતાં જ તેમને ઉપરાઉપરી ત્રણ વખત ટાઇફૉઇડ થઈ ગયો. તેમને એટલી અશક્તિ આવી ગયેલી કે બેડ પરથી ઊભાં પણ નહોતાં થઈ શકતાં. પપ્પા તેમની કરિયાણાની દુકાનના કામમાં વ્યસ્ત હોય એટલે ભાઈ-બહેનોને સાચવવામાં અને ઘરકામમાં મારું ભણતર છૂટી ગયું. એ સમયે મારી બાજુમાં એક ટેલર રહેતા. તેમની પાસેથી હું સિલાઈનું બેઝિક કામ શીખી. હું કામ શીખી ગઈ એટલે સિલાઈના ઑર્ડરનાં જે કામ હોય એ તેઓ મને પણ આપતા.’


પુત્ર કિરણ સાથે દમયંતી દેઢિયા.


લગ્ન પછી પણ કામ ચાલુ

લગ્ન પછી પણ સીવણકામ કઈ રીતે ચાલુ રહ્યું એ વિશે વાત કરતાં દમયંતીબહેન કહે છે, ‘હું ૧૯ વર્ષની થઈ એટલે પરણીને મારે કોલ્હાપુર જવું પડ્યું. મારા પપ્પાના એક મિત્ર કોલ્હાપુરમાં રહેતા હતા. તેમને ત્યાં એક કચ્છી છોકરો કામ કરતો હતો. તેમણે મારા પપ્પાને કહેલું કે છોકરો સારો છે, જો તમને તમારી દીકરીને કોલ્હાપુર મોકલવામાં વાંધો ન હોય તો. એ રીતે મારાં અને શામજીનાં લગ્ન થયાં અને મારે કોલ્હાપુર શિફ્ટ થવું પડ્યું. એ વખતે મારા પપ્પાની આર્થિક સ્થિતિ પણ એવી ખાસ નહોતી કે આ મામલે મમ્મી-પપ્પા વધુ વિચારે. હું પરણીને સાસરે આવી એટલે ખબર પડી કે સાસરે તો પરિસ્થિતિ મારા ઘર કરતાં પણ વિકટ છે. એટલે પતિને આર્થિક ટેકો આપવા માટે ઘરે સીવણકામ ચાલુ રાખ્યું. શામજી કોલ્હાપુરમાં મૅચિંગ સેન્ટરમાં કામ કરતા હતા એટલે ત્યાં મહિલાઓ બ્લાઉઝ લેવા આવે. તે તેમને પૂછી જુએ કે તમારે બ્લાઉઝ સીવડાવવું હોય તો કહેજો, મારી પત્ની સીવણકામ કરે છે. એટલે એ રીતે મને ઑર્ડર મળતા રહેતા.’

પોતાની દુકાન લીધી

ટેલરિંગની દુકાન શરૂ કઈ રીતે થઈ એ વિશે વાત કરતાં દમયંતીબહેન કહે છે, ‘લગ્નના એક વર્ષ પછી મને દીકરો કિરણ થયો. એ પછી દીકરી પલ્લવી થઈ. સીવણનું કામકાજ સારું ચાલી રહ્યું હતું. મારે પોતાની દુકાન શરૂ કરવી હતી. મારે એ રીતે કામ કરવું હતું કે સીવણકામની સાથે બાળકોનું પણ ધ્યાન રાખી શકું. એટલે પાછળના ભાગમાં ઘર અને આગળ મારી ટેલરિંગની દુકાન શરૂ કરી. મારું કામ એટલું સરસ હતું કે મારા પતિએ કહ્યું કે આપણે મુંબઈ શિફ્ટ થઈએ, મોટા શહેરમાં તારા કામની કદર થશે અને કામ પણ વધુ સારું મળશે. એ પછી ૧૯૮૧માં અમે ડોમ્બિવલીમાં શિફ્ટ થયાં. અહીં પણ ઘર સાથે દુકાન હોય એ રીતની વ્યવસ્થા કરેલી જેથી કામ સાથે સંતાનો સચવાઈ જાય. ડોમ્બિવલીમાં પાંચ વર્ષ રહીને કામ કર્યું. એ પછી દાદરના હિન્દમાતામાં અમે રહેવા ગયાં. અહીં અમે પોતાની નાની રૂમ લીધી અને ભાડા પર દુકાન લીધી. ૧૨ વર્ષ સુધી એ જ ભાડાની દુકાનમાં મેં કામ કર્યું. એ પછી પરેલમાં મેં પોતાની દુકાન લીધી. એ દુકાનની ઉપર માળિયું હતું તો અમે ઘર ત્યાં કરી નાખેલું. એ પછી પરેલમાં જ પોતાની અલગ રૂમ લઈ લીધી. અત્યારે એ માળિયાની જગ્યા પર બેસીને અમારો સ્ટાફ કટિંગ અને સિલાઈનું કામ કરે છે.’

કળાને નિખારતાં રહ્યાં

કોઈ પણ જાતના પ્રોફેશનલ કોર્સ વગર બદલાતી ફૅશન સાથે મૉડર્ન જમાના મુજબ ડિઝાઇનર બ્લાઉઝ તૈયાર કરવાનું કામ દમયંતીબહેન કઈ રીતે કરી લે છે? એનો જવાબ આપતાં તેઓ કહે છે, ‘હું મારી કળાને વિકસાવવા માટે ફિલ્મો જોઉં છું. ફિલ્મમાં મારું ધ્યાન એમાં જ હોય કે અભિનેત્રીએ કેવી ડિઝાઇનનું બ્લાઉઝ પહેર્યું છે. હું એની ઝીણી-ઝીણી ડીટેલ્સ મારા મગજમાં બંધ બેસાડી દઉં. એ પછી ઘરે આવીને એવી જ ડિઝાઇનનું બ્લાઉઝ બનાવવાનો પ્રયત્ન કરું. એ પછી મારે ત્યાં કામ કરે છે તે છોકરીને પહેરાવીને જોઉં કે સરખું બન્યું છે કે નહીં. મને સરખું બન્યું છે એમ લાગે એ પછી જ હું મારા ક્લાયન્ટને એ ડિઝાઇન દેખાડું. મેં સીવણકામ શીખેલું એ સાવ બેઝિક હતું. એ સમયે તો એવાં કોઈ ખાસ ડિઝાઇનર બ્લાઉઝ બનતાં પણ નહીં. એમ છતાં મારો હંમેશાં એવો પ્રયત્ન રહેતો કે હું કંઈક નવું બનાવું. મારામાં આ કોઠાસૂઝ ભગવાને આપી હોય એવું મને લાગે છે.’

હજી પણ ખૂબ ઍક્ટિવ

દમયંતીબહેન ૬૯ વર્ષનાં છે, પણ આ ઉંમરેય તેઓ તેમના દીકરા કિરણ સાથે મળીને આખો ડિઝાઇનર સ્ટુડિયો મૅનેજ કરે છે. આ વિશે વાત કરતાં કિરણ કહે છે, ‘મારી મમ્મી દરરોજ સવારે સાડાપાંચ વાગ્યે ઊઠીને જિમમાં જાય છે. એ પછી બ્રેકફાસ્ટ કરીને ૧૦ વાગ્યા સુધીમાં અમે બન્ને દુકાને આવવા માટે ઘરેથી નીકળી જઈએ. બપોરે એકથી બે વાગ્યા સુધી અમારો લંચ-ટાઇમ હોય. રાત્રે ૮ વાગ્યા સુધી અમે બન્ને દુકાનમાં જ હોઈએ. એ પછીનો જે સમય છે એ ફૅમિલી ટાઇમ હોય. હું મારી મમ્મીના બિઝનેસમાં જ જોડાયેલો છું. તેમને આ ઉંમરે પણ કામ કરવામાં જરાય થાક લાગતો નથી. મને યાદ નથી કે ક્યારેય તેમણે દુકાનના કામમાંથી રજા લીધી હોય. ૧૫ વર્ષ પહેલાં તેમની હિપ જૉઇન્ટ રિપ્લેસમેન્ટની સર્જરી થયેલી. ડૉક્ટરે તેમને ​એક મહિનો આરામ કરવાની સલાહ આપેલી. તેમને ઘરે બેઠાં-બેઠાં ચેન જ ન પડે એટલે તેમણે એક અઠવાડિયા પછી લૅપટૉપ શીખવાનું શરૂ કરી દીધેલું. તેમને અત્યારે સ્ટુડિયોના કામકાજમાં એ ખૂબ કામ આવી રહ્યું છે.’

જીવનમાં બીજા શોખ પણ ખરા

દમયંતીબહેન આ ઉંમરે પણ ખૂબ જ ઍક્ટિવ છે. દીકરો કિરણ કહે છે, ‘મારી મમ્મી રસોઈકળામાં માહેર છે. ઘરે મહેમાનો આવવાના હોય તો ૩૦ જણનું જમવાનું પણ એકલા હાથે તેઓ બનાવી શકે છે. મહેમાનો પણ તેમના હાથની બનેલી રસોઈની અચૂક પ્રશંસા કરે. તેમને હરવા-ફરવાનો પણ ખૂબ શોખ છે. આસામ, હિમાચલ, રાજસ્થાન બધે જ તેઓ ફરી આવ્યાં છે. યુરોપ પણ તેઓ ફરી આવ્યાં છે અને ઑસ્ટ્રેલિયા થોડા સમયમાં જવાના છે. આખું જીવન તેમણે કામમાં વિતાવ્યું છે, પણ છેલ્લાં થોડાં વર્ષોથી તેઓ હવે પોતાના માટે સમય કાઢે છે. ફિટનેસ પર તેઓ બહુ ધ્યાન આપે છે. હરવા-ફરવાનો શોખ પૂરો કરે છે. અમે ઘણી વાર તેમને કહીએ કે આ ઉંમરમાં હવે કામ કરવાની શું જરૂર છે? એટલે તેમનો જવાબ એવો હોય કે હું કામ કરું છું એટલે ખુશ છું. તેમને ખરી ખુશી તેમના કામમાંથી જ મળે છે.’

Whatsapp-channel Whatsapp-channel

10 September, 2025 12:31 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK