યંગસ્ટર્સ જ નહીં, મિડલ એજની મહિલાઓમાં પણ પૉપ્યુલર થઈ રહેલા આ ટ્રેન્ડને ફૉલો કરતી વખતે શું તકેદારી રાખવી એ જાણી લો
પ્રતીકાત્મક તસવીર
ડિસ્ટ્રેસ્ડ જીન્સ વર્ષોથી ફૅશનમાં છે અને હજીયે યંગસ્ટર્સમાં ફેમસ તો છે જ. જોકે હવે એમાં પૅચવર્કનો ટ્રેન્ડ ફરી શરૂ થયો છે. ફાટેલા જીન્સમાં અલગ-અલગ પ્રકારની રંગબેરંગી લેસ કે ડિઝાઇનવાળાં પૅચિસ લગાવવાની ફૅશન ચાલી છે. યુવાનો તો ઠીક, મિડલ એજના લોકોમાં પણ આ ટ્રેન્ડ પસંદ પડી રહ્યો છે. જોકે આ થોડી ક્રેઝી કહી શકાય એવી ફૅશન છે અને આવી ફૅશન સાથે સ્ટાઇલિંગ કરવામાં ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે એમ છે. ક્યાંક એવું ન થાય કે ખોટી ઍક્સેસરીઝ, ટૉપ કે ખોટાં શૂઝ અને પર્સ તમારા જીન્સના લુકને કિલ કરી દે. આવા જીન્સમાં પૅચ કેવા હોવા જોઈએ તેમ જ એની સ્ટાઇલિંગમાં અને અન્ય બાબતો વિશે શું ધ્યાનમાં રાખવાનું હોય એ વિશે નિષ્ણાત સાથે વાત કરીએ.
પહેરશો કેવી રીતે?
ADVERTISEMENT
પર્સનલ બ્રૅન્ડિંગ એક્સપર્ટ દિવ્યા અડવાણી કહે છે, ‘આ ટ્રેન્ડ નવો નથી. વર્ષોથી આવાં ડિસ્ટ્રેસ્ડ જીન્સ લોકો પહેરતા આવ્યા છે. જોકે થોડા-થોડા સમયે લોકોને કંઈક ને કંઈક નવું જોઈતું હોય છે. ટ્રેન્ડી તથા ફૅશનેબલ દેખાવાના ચક્કરમાં નવી-નવી શોધ થતી રહે છે. આ પૅચવર્ક પણ આ જ રીતે ટ્રેન્ડમાં આવ્યું છે. આ કન્સેપ્ટ બહુ રિચ નથી લાગતો છતાં પહેરવું હોય તો કોઈ સૉલિડ કલરના ટૉપ સાથે પહેરવું જોઈએ. જેમ કે પૅચવર્કવાળું બ્લુ ડેનિમ છે તો એની સાથે વાઇટ શર્ટ પહેરી શકાય અથવા કોઈ સટલ કલરનું. આવા જીન્સ સાથે તમે પ્રિન્ટેડ ટૉપ ન પહેરી શકો કે પછી એની સાથે ક્રૉપ ટૉપ પણ નહીં જાય.’
કેવા પ્રકારના પૅચિસ ચાલે?
ડિસ્ટ્રેસ્ડ જીન્સમાં પૅચિસ કરવા માટે મોસ્ટ ડ્યુરેબલ ફૅબ્રિક ડેનિમ છે. દિવ્યા કહે છે, ‘ઓરિજિનલ પૅન્ટનું જે ફૅબ્રિક હોય એના જેટલા જ વેઇટનું અને એની આજુબાજુનો જે શેડ હોય એ પ્રકારનું ફૅબ્રિક હશે તો જ એસ્થેટિક કન્સિસ્ટન્સી જળવાશે અને એક સરસ લુક આવશે. સ્ટર્ડી કૉટન કૅન્વસ ફૅબ્રિક પણ વાપરી શકાય. ઓરિજિનલ જીન્સના કાપડનું જે વેઇટ હોય એ જ વેઇટ પૅચવર્ક માટે વપરાતા કાપડનું હોવું જોઈએ અને તો જ એ સરખી રીતે બ્લેન્ડ થશે. જો તમને રફ લુક જોઈતો હોય તો પૅચની એજને સ્ટિચ ન કરવી. ડેકોરેટિવ ટચ માટે એમ્બ્રૉઇડરીડ ફૅબ્રિક પણ યુઝ કરી શકાય, પરંતુ એ જીન્સના ઓરિજિનલ લુકને કૉમ્પ્લીમેન્ટ આપતું હોવું જોઈએ. આ પ્રકારના જીન્સમાં રફ અને વિન્ટેજ વાઇબ માટે લેધર પૅચિસ પણ લગાવવામાં આવે છે. કન્ટેમ્પરરી સ્ટાઇલ કરવી હોય તો મેશ ફૅબ્રિકના પૅચ પણ લગાવવામાં આવે છે જેનાથી એક લેયર્ડ ઇફેક્ટ ઊભી થાય છે.’
આ ભૂલ ન કરાય
અખતરો કરતાં ખતરો ન થઈ જાય એવી સ્પષ્ટતા કરતાં દિવ્યા કહે છે, ‘આ ફૅશન ખૂબ જ ટ્રિકી છે એટલે કે જો તમે એને વ્યવસ્થિત રીતે સ્ટાઇલ નહીં કરો તો તમારા ઓવઑલ લુકને કિલ કરી શકે છે. આવું પૅચવર્કવાળું ડિસ્ટ્રેસ્ડ જીન્સ પહેરવું હોય અને એલિગન્ટ તેમ જ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનાવવું હોય તો અમુક વાતો ધ્યાનમાં રાખવાની ખૂબ જરૂર છે. ઇન જનરલ વાત કરીએ તો આ ગમે ત્યાં કૅરી કરી શકાય એવો લુક પણ નથી. હા, યંગ છો, કૉલેજ-ગોઇંગ છો તો કૉલેજમાં પહેરી લીધું, પાર્ટીમાં પહેરી લીધું કે બાળકો સાથેની કોઈ ઇવેન્ટ હોય ત્યાં પહેરી લીધું તો ચાલી જાય. ફ્રેન્ડ સાથે ગેટ-ટુગેધર છે કે પછી તમે મિત્રો રખડવા જાઓ છો તો પણ ચાલી જશે. મિડલ એજના લોકોને જો પહેરવું હોય તો એક સારા ટ્યુલિપ અથવા તો બટનડાઉન કૉલર્ડ શર્ટ સાથે આવું પૅચવર્ક જીન્સ પહેરી શકાય. એ સાથે તમારી બૉડીટાઇપ શું છે એ પણ ધ્યાનમાં રાખવાનું રહે છે. જો તમે સ્લિમટ્રિમ છો તો ફ્લેર પૅન્ટ પહેરી શકાય અને જો શરીર ભરાયેલું અને હાઇટ શૉર્ટ છે તો ફિટેડ જીન્સ અપીલિંગ લાગશે.’
ઍક્સેસરીઝમાં ટ્રાય કરો
આ પ્રકારના જીન્સ સાથે ઍક્સેસરીઝ કેવી પહેરવી જોઈએ એ વિશે પણ દિવ્યા અડવાણી ટિપ્સ આપે છે. તેઓ કહે છે, ‘સિલ્વર કલરની નોઝ પિન આ સ્ટાઇલ સાથે ફાઇન લાગે છે. જોકે એમાં પણ ફેસ સ્ટ્રક્ચર અને સ્કિન ટોન શું છે એ જોવું પડે, પણ સૂટ તો કરે છે. જો તમે સાથે વાઇટ ટૉપ પહેર્યું છે તો ઇન્ડો-વેસ્ટર્ન લુક લઈ શકાય. સાથે વાઇટ શૂઝ પહેરી શકાય. આ સ્ટાઇલ ફન્કી સ્ટાઇલમાં જાય એટલા માટે એની સાથે ઍક્સેસરીઝ હોય, પર્સ હોય, બેલ્ટ હોય કે પછી શૂઝ હોય; ફન્કી સ્ટાઇલિંગમાં પૅર નહીં કરવાનાં. અન્ય ઍક્સેસરીઝની વાત કરીએ તો ગરબામાં જે પ્રકારની સિલ્વર કે ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી આપણે પહેરતા હોઈએ છીએ એ સ્ટાઇલિંગને ધ્યાનમાં રાખવી. ટૂંકમાં કહીએ તો, આવી ફૅશન કરતી વખતે થોડું ધ્યાન રાખવું. સ્ટાઇલ સ્ટેટમેન્ટ બનવું જોઈએ. આવા જીન્સ સાથે બાકીનું બધું સોબર હોવું જોઈએ અને તો જ તમારું આ પૅન્ટ સ્ટૅન્ડઆઉટ કરશે.’

