સ્ત્રીઓની અણિયાળી આંખોને સુંદરતા પ્રદાન કરતું આઇલાઇનિંગ એ આવડત માગી લેતી બાબત છે ત્યારે કૉસ્મેટિક પ્રોસેસ દ્વારા એક વાર કર્યા પછી બે-ત્રણ વર્ષ ચાલતું આઇલાઇનિંગ કરવાનાં જોખમ જાણવાં જરૂરી છે
પર્મનન્ટ આઇલાઇનિંગ
આઇલાઇનિંગ કરાવવું એ એક કળા છે. જો એ કળા ન આવડતી હોય તો હવે પર્મનન્ટ આઇલાઇનિંગ કરાવી શકાય છે. મેકઅપ આર્ટિસ્ટ પાસેથી જ થતી આ પ્રોસીજરમાં નૉર્મલ લુક સાથે મૅચ થાય એવું પર્મનન્ટ આઇલાઇનિંગ થાય છે જે બેથી ત્રણ વર્ષ સુધી ટકતી હોવાનો દાવો કરવામાં આવે છે. આવા આઇલાઇનિંગના ફાયદા-ગેરફાયદા કયા-કયા છે અને જો કરાવવું હોય તો કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ જાણવું જરૂરી છે. આંખ આપણા શરીરનો અત્યંત નાજુક અવયવ છે. આ કાર્યમાં વપરાતી પ્રોડક્ટ કે પછી આર્ટિસ્ટ વ્યવસ્થિત ન હોય તો આગળ તકલીફ પણ થઈ શકે છે. આવા પ્રશ્નોના જવાબ મેળવવા માટે એક્સપર્ટ સાથે વાત કરીએ.
આવડત માગી લેતું કામ
ADVERTISEMENT
પર્મનન્ટ આઇલાઇનિંગ વિશે વાત કરતાં બ્યુટિશ્યન ગીતા સરાવ્યા કહે છે, ‘આઇલાઇનર લગાવવી એ સ્કિલનું કામ છે પરંતુ રાઇટ ટેક્નિક અને પ્રૅક્ટિસથી એક પૉલિશ લુક આવી શકે છે. આ માટે અલગ-અલગ પ્રોડક્ટ આવે છે - જેલ આઇલાઇનર, પેન્સિલ આઇલાઇનર અને લિક્વિડ આઇલાઇનર. આપણી સ્કિનને અનુકૂળ પ્રોડક્ટ વાપરવી પડે નહીંતર ઇરિટેશન કે ઇન્ફેક્શન જેવી તકલીફ થઈ શકે. બીજું, જો કોઈના અનસ્ટેડી હાથ હોય અથવા સરખી ઈવન લાઇન ન થતી હોય તો શોભતું નથી. આ બધી કડાકૂટ છે જ એટલા માટે પર્મનન્ટ આઇલાઇનિંગ આમ જુઓ તો કન્વીનિઅન્ટ રહે એમ કહી શકાય. કોઈ પણ સિક્કાની બે બાજુ હોય એમ આ પદ્ધતિની પણ છે. એના ફાયદા છે તો સામે ગેરફાયદા પણ છે. બેઝિકલી આ પર્મનન્ટ આઇલાઇનિંગ કૉસ્મેટિકનો એક ભાગ છે જ્યાં માઇક્રો પિગમન્ટ સ્કિનની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે. આ પ્રોસીજર ટ્રૉપિકલ ઍનેસ્થેસિયા આપીને કરવામાં આવે છે. આ પર્મનન્ટ આઇલાઇનિંગનું ડ્યુરેશન એકથી ત્રણ વર્ષનું માનવામાં આવે છે.’
ફાયદા અને ગેરફાયદા
ફાયદાની વાત કરતાં બ્યુટિશ્યન રીટા કહે છે, ‘જેમના હાથ સ્ટેડી ન રહેતા હોય અથવા કોઈ જાતની તકલીફ હોય, જાતે મેકઅપ ન લગાવી શકતા હોય કે પછી જેમને ટ્રેડિશનલ મેકઅપની ઍલર્જી હોય એવા લોકો માટે આ ફાયદાકારક રહે છે. જેમ કે ટ્રેડિશનલ મેકઅપમાં ઝિન્ક અને સલ્ફર વાપરવામાં આવે છે. ઘણા લોકોની સ્કિનને ઝિન્ક અને સલ્ફરની ઍલર્જી હોય તો ટ્રેડિશનલ આઇલાઇનર નથી વાપરું શકાતું. તેમના માટે ઉપયોગી થઈ પડે છે. બીજું, એ ટાઇમસેવિંગ છે. દરરોજ લગાવવું ન પડે અને વળી લૉન્ગ-લાસ્ટિંગ છે. એના કારણે એક કન્સિસ્ટન્ટ લુક આવે છે તેથી કૉન્ફિડન્સ વધે છે. આ થયા ફાયદા. ગેરફાયદાની વાત કરીએ તો આ પ્રોસીજરમાં નીડલ યુઝ થાય છે જેના કારણે હેપેટાઇટિસ જેવાં ઇન્ફેક્શન થવાનો ડર રહે છે. બીજું, એમાં ત્વચામાં ઇન્ક ડિપોઝિટ કરવામાં આવે છે. જો કોઈને આ ઇન્કની ઍલર્જી થાય તો કૉમ્પ્લીકેશન્સ થઈ શકે છે. થોડુંક પેઇન અને ડિસકમ્ફર્ટ પણ થતું હોય છે. બીજી મહત્ત્વની વાત એ કે આ પર્મનન્ટ આઇલાઇનિંગ ત્રણ વર્ષ ટકે છે એવું માનવામાં આવે છે, પરંતુ સાચી વાત એ છે કે ધીમે-ધીમે એ ફેડ થતું જાય છે અને પછી ટચઅપની જરૂર પડે છે. અને આ ટચઅપ ઑન ઍન ઍવરેજ દર વર્ષે કરાવવું પડે છે એટલે ખર્ચ પણ ઘણો જ વધી જાય છે. એની ફ્લેક્સિબિલિટી પણ લિમિટેડ છે. આ એક સારો ઑપ્શન છે પરંતુ કરાવવું હોય તો હંમેશાં એક્સપર્ટ ડૉક્ટર અથવા તો ટેક્નિશ્યન પાસેથી જ કરાવવું જોઈએ. આંખ આપણું બહુ ડેલિકેટ અને મહત્ત્વનું અંગ છે. એના માટે રિસ્ક ન લેવાય, એટલે પૂરતી જાણકારી મેળવીને પછી જ કરાવવું.’

