રૂટીન ફૅશનથી કંઈક હટકે ટ્રાય કરવું હોય તો પ્રિયંકાએ અપનાવેલી મૉડર્ન ક્લાસિક સ્ટાઇલ અપનાવી શકો છો
પ્રિયંકા ચોપડા
તાજેતરમાં પૅરિસ ફૅશન વીક માટે બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ નવા ફૅશન-ગોલ્સ આપ્યા છે. ટૂંકા અને ફિટિંગવાળા શાર્પ બ્લેઝર સાથે તેણે અંદર બ્લૅક ફુલ સ્લીવ ટી-શર્ટ પહેર્યું હતું. આ લુકનું મહત્ત્વપૂર્ણ પાસું તેનું આર્ટિસ્ટિક સ્કર્ટ હતું. અત્યંત બારીક ભરતકામ અને નીના ભાગે ફ્રિન્જ હતી. આ સ્કર્ટનો લુક બ્લૅન્કેટ સ્ટાઇલ જેવો લાગે છે અને આને કારણે તેના લુકમાં વૉલ્યુમ અને ડ્રામા ઉમેરાય છે. લુકને બૅલૅન્સ કરવા પ્રિયંકાએ શાર્પ પૉઇન્ટેડ બ્લૅક સ્ટિલેટો હીલ્સ ચૂઝ કરી હતી. ઍક્સેસરીઝમાં તેણે ફક્ત નાની હૂપ ઇઅરરિંગ્સ અને બ્લૅક રેક્ટૅન્ગ્યુલર સનગ્લાસિસ પહેરીને મૉડર્ન ક્લાસિક લુક અપનાવ્યો હતો. ટેક્સ્ચર્ડ અને પ્રિન્ટેડ લેયર્ડ સ્કર્ટ સાથે શાર્પ બ્લેઝર સ્ટાઇલ કરીને પાવરફુલ લુકમાં પ્રિયંકા બૉસ લેડી વાઇબ આપતી હતી ત્યારે તમે પણ આવો બોલ્ડ અને સૉફિસ્ટિકેટેડ લુક અનાવવા માગતા હો તો આ સ્ટાઇલ-ગાઇડને અનુસરજો.
તમે પણ થાઓ ઇન્સ્પાયર
ADVERTISEMENT
પ્રિયંકાના આ લુકનું મુખ્ય આકર્ષણ તેનું પ્રિન્ટેડ અને ટેક્સ્ચર્ડ સ્કર્ટ હતું. મૉડર્ન ફૅશનમાં માત્ર પ્લેન કાપડને બદલે વિવિધ ટેક્સ્ચર જેમ કે ટ્વીડ, જૅકાર્ડ અથવા એમ્બ્રૉઇડરી ધરાવતાં સ્કર્ટ ખૂબ જ ટ્રેન્ડમાં છે. જો તમે ઑફિસ કે કોઈ ફૉર્મલ ઇવેન્ટ માટે આ લુક વિચારી રહ્યા હો તો ઘૂંટણથી નીચેની લંબાઈ ધરાવતું મિડી સ્કર્ટ પસંદ કરો. ડાર્ક બેઝ પર આર્ટિસ્ટિક પ્રિન્ટ્સ તમને ક્રીએટિવ લુક આપશે.
સ્કર્ટને સૉલિડ કલરના શાર્પ બ્લેઝર સાથે પેર કરી શકાય. આ તમારા લુકને ઇન્સ્ટન્ટ સ્ટ્રક્ચર્ડ લુક આપે છે. બ્લેઝરના ફિટિંગ પર ખાસ ધ્યાન આપો. ખભાના ભાગેથી ફિટિંગ ચોકસાઈભર્યું હોવું જોઈએ. જો સ્કર્ટ વધુપડતું પ્રિન્ટેડ હોય તો બ્લેઝર હંમેશાં સિંગલ કલરનું જેમ કે બ્લૅક, નેવી બ્લુ કે ચારકોલ ગ્રે રાખવું જેથી બૅલૅન્સ્ડ લુક મળે.
જ્યારે તમે હેવી ટેક્સ્ચર અને બ્લેઝર પહેરો છો ત્યારે ઘરેણાં ઓછાં રાખો. એક આકર્ષક હૅન્ડબૅગ અને પૉઇન્ટેડ હીલ્સ અથવા ક્લાસિક પમ્પ્સ આ લુકમાં ચાર ચાંદ લગાવી દેશે.
બૉસ લેડી લુક માટે સ્લીક હેરસ્ટાઇલ અથવા હળવા મેસી વેવ્સ મસ્ત લાગશે. મેકઅપને મૅટ રાખવાનો પ્રયાસ કરો જેથી તમારો આત્મવિશ્વાસ ચહેરા પર ઝળકે.
હાઈ-પ્રોફાઇલ બિઝનેસ-મીટિંગ્સ, આર્ટ-એક્ઝિબિશન, કૉર્પોરેટ ડિનર કે ઈવનિંગ પાર્ટીઓમાં સરળતાથી આવો લુક કૅરી કરી શકો છો.
ટેક્સ્ચર્ડ સ્કર્ટની પસંદગી કરતી વખતે શું ધ્યાન રાખવું?
જો તમારે ઑફિસ કે ફૉર્મલ મીટિંગમાં જવું હોય તો ટ્વીડ ટેક્સ્ચરવાળું સ્કર્ટ તમારા લુકને રૉયલ અને સ્ટ્રક્ચર્ડ બનાવશે. જૅકાર્ડ કાપડમાં વણેલી ડિઝાઇન હોય છે જે લગ્નપ્રસંગ કે સાંજનાં ફંક્શન્સ માટે પર્ફેફેક્ટ છે.
જો તમારે કૅઝ્યુઅલ છતાં સ્ટાઇલિશ દેખાવું હોય તો ઝીણી પ્લીટ્સવાળું એકર્ડિયન સ્કર્ટ પસંદ કરો.
પાર્ટી અને બોલ્ડ લુક માટે લેધર ટેક્સ્ચર્ડ સ્કર્ટ ઇમ્પ્રેસિવ લાગશે. ટેક્સ્ચર્ડ સ્કર્ટ પોતે જ એક સ્ટેટમેન્ટ પીસ છે એટલે એની સાથે ઉપર તમે જે સ્ટાઇલ કરો એ બૅલૅન્સ્ડ લાગવી જોઈએ.
સ્કર્ટના કલર સાથે મૅચ થતું અથવા કૉન્ટ્રાસ્ટ બ્લેઝર પહેરી શકાય. બ્લેઝરની અંદર પ્લેન કેમિસૉલ અથવા બૉડીસૂટ પણ સૂટ થશે. ક્રિસ્પ વાઇટ શર્ટ સાથે સ્કર્ટનું કૉમ્બિનેશન સુઘડ અને પ્રોફેશનલ લાગશે.
તમે કૅઝ્યુઅલ લુક અપનાવવા માગતા હો અને તમારું સ્કર્ટ ઘેરવાળું હોય તો ટર્ટલનેક અથવા સ્લિમ ફિટ ટૉપ તમારા બૉડી શેપને હાઇલાઇટ કરશે.
જો તમારું સ્કર્ટ મલ્ટિ-કલર ટેક્સ્ચર કે પ્રિન્ટ ધરાવતું હોય તો તમારા બ્લેઝર કે ટૉપનો કલર એવો જ પસંદ કરો જે સ્કર્ટની ડિઝાઇનમાં ક્યાંક નાની માત્રામાં વપરાયો હોય. આનાથી આખું આઉટફિટ કો-ઑર્ડિનેટેડ લાગશે અને ક્વાએટ લક્ઝરી ફીલ આપશે.
જો સ્કર્ટ હાઈ-વેસ્ટ હોય તો એક પાતળો લેધર બેલ્ટ લગાવવાથી લુક વધુ શાર્પ લાગશે. ટેક્સ્ચર્ડ સ્કર્ટ સાથે સ્ટ્રક્ચર્ડ હૅન્ડબૅગ અથવા ક્લચ વધુ સારું લાગશે. સ્કર્ટમાં પહેલેથી જ ટેક્સ્ચર હોવાથી ગળામાં બહુ ભારે હાર પહેરવાને બદલે સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ અથવા સ્લીક ઘડિયાળ પસંદ કરો.
