કૉટન અને સિલ્કના બ્લેન્ડથી બનેલા ચંદેરી કાપડની રિચનેસ સાડીના રૂપમાં તો જોઈ જ રહ્યા છીએ; પણ આ જ ફૅબ્રિકને આવનારા તહેવારોમાં અનારકલી, કુરતા-પાયજામા અને પલાઝોના રૂપમાં પહેરીને ફૅશન અને સ્ટાઇલ સ્ટેટમેન્ટને અપગ્રેડ કરી શકાય
સારા અલી ખાન
અભિનેત્રી સારા અલી ખાન છાશવારે પોતાના આઉટફિટ્સથી યુવતીઓને ફૅશન-ગોલ્સ આપતી રહે છે. તાજેતરમાં એક ઇવેન્ટમાં તેણે ચંદેરી ફૅબ્રિકથી બનેલા સફેદ કલરના કુરતા-પાયજામા પહેરીને એથ્નિક વેઅરને રીડિફાઇન કરી હતી. ફૅબ્રિકની રિચનેસને લીધે તેનો લુક એલિગન્ટ અને ક્લાસિક લાગતો હોવાથી તે આકર્ષણનું કેન્દ્ર બની હતી. સામાન્યપણે ચંદેરી ફૅબ્રિકની સાડી જ બહુ પૉપ્યુલર છે, પણ આવનારા તહેવારોમાં આ ફૅબ્રિકથી કેવા પ્રકારના એથ્નિક વેઅર બની શકે અને એને સ્ટાઇલ કઈ રીતે કરી શકાય એ વિશે ફૅશન-ડિઝાઇનિંગના ક્ષેત્રે પચીસ વર્ષનો અનુભવ ધરાવતાં અને મલાડમાં બુટિકનું સંચાલન કરતાં ફૅશન-ડિઝાઇનર પરિણી ગાલા પાસેથી જાણીએ.
ચંદેરી વિશે કેટલું જાણો છો?
ADVERTISEMENT
ચંદેરી કાપડનો ઉદ્ગમ મૂળ મધ્ય પ્રદેશના ચંદેરી શહેરથી થયો છે. આજે ફૅશન સતત બદલાતી રહે છે ત્યારે ચંદેરીની લોકપ્રિયતા વર્ષોથી એવી જ છે. માર્કેટમાં ચંદેરી કૉટન, ચંદેરી સિલ્ક અને ચંદેરી સિલ્ક કૉટન એમ ત્રણ પ્રકારનાં કાપડ વેચાય છે. કૉટન અને સિલ્કના બ્લેન્ડથી બનેલું આ કાપડ લુકમાં રિચનેસ આપે છે. દેખાવમાં શિફૉન જેવું અને પાતળું હોવાથી એ હેવી એમ્બ્રૉઇડરી વર્ક ઝીલી શકે નહીં પણ એમાં મિરર વર્ક, બ્લૉક પ્રિન્ટ, હૅન્ડ-પેઇન્ટિંગ, બુટ્ટી વર્ક અને જરી વર્કથી ચંદેરીની રિચનેસને વધારી શકાય છે. પહેરવામાં એકદમ કમ્ફર્ટેબલ અને હળવુંફૂલ હોય છે, પણ એની રિચનેસને લીધે એ વારતહેવારે અને ખાસ પ્રસંગે જ પહેરાતું હોય છે.
જરી વર્કવાળી કુરતી અને પૅન્ટ લુકને સિમ્પલ અને સોબર બનાવશે.
કેવાં આઉટફિટ્સ બની શકે?
ચંદેરી કાપડમાં કૉટન હોવાથી ઘણા મર્યાદિત આઉટફિટ બની શકે. એમાંથી સાડી સિવાય સારા અલી ખાને પહેર્યા એવા કુરતા-પાયજામા બની શકે. જે યુવતીઓને મિનિમલિસ્ટ ફૅશનમાં રસ હોય તેમના માટે કુરતા-પાયજામા બેસ્ટ આઉટફિટ કહેવાશે. એ તમારા લુકને સિમ્પલ અને સરળ તો રાખશે જ અને સાથે ફૅબ્રિકને લીધે ઉમેરાતી રિચનેસ ફેસ્ટિવ વાઇબ્સ પણ આપશે. ચંદેરીના અનારકલી ડ્રેસ અને લેહંગા પણ રજવાડી ફીલિંગ આપશે. જરી અથવા મિરર વર્કવાળા ડ્રેસ પહેરી શકાય. આ ઉપરાંત શરારા અને ઘરારા જેવા ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસ યંગ ગર્લ્સને ફ્રેશ વાઇબ્સ આપશે. એમાં પરંપરાની સાથે આધુનિકતાનો સુમેળ જોવા મળશે. આ ઉપરાંત પ્લેન ડ્રેસ પર ચંદેરી દુપટ્ટો અથવા સ્ટોલ રાખવાથી પણ તમારો લુક એન્હૅન્સ થશે. સાડી એકદમ સાદી હોય પણ એની સાથે ચંદેરી ફૅબ્રિકનું બ્લાઉઝ પહેરશો તો સાદી સાડીની રિચનેસ પણ વધી જશે.
ઘરારામાં કુરતી ભરેલી હશે તો અલગ ઉઠાવ આવશે.
કલર્સની પસંદગી
ચંદેરીનું કાપડ થોડું ટ્રાન્સપરન્ટ હોવાથી ઓપેક અને ડાર્ક કલર્સ કરતાં પેસ્ટલ કલર્સ વધુ સારા લાગશે. આવા કાપડમાં તમે જેટલું સિમ્પલ રાખશો એટલો જ વધુ એનો ઉઠાવ આવશે. તેથી પેસ્ટલ્સમાં પણ બદામી, પીચ, લૅવન્ડર, પિસ્તાં, ઑલિવ ગ્રીન, ગુલાબી અને પીળો કલર ફેસ્ટિવ વાઇબ્સ આપશે.
અનારકલીમાં દુપટ્ટો હાઇલાઇટ થાય છે.
સ્ટાઇલિંગ ટિપ્સ
ચંદેરી કુરતા-પાયજામા સાથે જ્વેલરી મિનિમલિસ્ટ રાખવી જોઈએ. ફક્ત ઝુમકા પહેરશો તો પણ તમારો ફેસ્ટિવ લુક એન્હૅન્સ થશે. સારા અલી ખાને તેના ચંદેરી આઉટફિટ પર એમ્બ્રૉઇડરીવાળી મોજડી પહેરી હતી એ રીતે તમે પણ સ્ટાઇલ કરી શકો છો. જો મોજડી ન પહેરવી હોય તો બ્લૉક હીલ્સ પણ સૂટ થશે.
અનારકલી ડ્રેસ પર સ્ટેટમેન્ટ ચોકર અને હાથમાં કડાં પહેરવાં. પેસ્ટલ ટોન્સની હીલ્સ એના પર વધુ સારી લાગશે. ઍક્સેસરીઝમાં પોટલી બૅગ અથવા મિરર વર્કવાળું ક્લચ આઉટફિટમાં ઉઠાવ લાવશે. ચંદેરી ફૅબ્રિકનું અનારકલી ખરીદતી વખતે એટલું ધ્યાન રાખવું કે એ ઓછા વર્કવાળું હોય અને એને જરીવાળા દુપટ્ટા સાથે પેર કરી શકાય.
પરિણી ગાલા, ફૅશન એક્સપર્ટ
જો કોઈ લગ્નપ્રસંગમાં જવાનું થાય તો શરારા પૅન્ટ સાથે શૉર્ટ કેપ સ્ટાઇલ કુરતીને દુપટ્ટા સાથે સ્ટાઇલ કરી શકાય અને ઍક્સેસરીઝમાં માથાપટ્ટી અથવા માંગટીકા અને મોટાં ઇઅરરિંગ્સ તમારા સ્ટાઇલ સ્ટેટમેન્ટને યુનિક બનાવશે. ફુટવેઅરમાં કિટન અથવા સ્ટેડી પ્લૅટફૉર્મ હીલ્સ પહેરી શકાય. જો તમને દુપટ્ટો ન પહેરવો હોય તો સ્ટેટમેન્ટ નેકલેસ પહેરી શકાય જેથી લુક બ્લૅન્ક ન લાગે.
ચંદેરી ફૅબ્રિકના ડ્રેસ સાથે ઑર્ગન્ઝા કે નેટના દુપટ્ટા પણ તમને ચમકાવશે અને રહી વાત મેકઅપની તો એને નૅચરલ અને મિનિમલિસ્ટ રાખવો, પણ આંખોને બોલ્ડ કરવા માટે વિન્ગ્ડ આઇલાઇનર અને લિપ્સને હાઇલાઇટ કરવા માટે બોલ્ડ કલર્સની લિપસ્ટિક તમારા લુકને વધુ નિખારશે.

