મૉન્સૂનની સીઝનમાં વરસાદને લીધે ભીનાં થતાં કપડાંને લીધે ત્વચામાં ઇરિટેશન થાય છે ત્યારે ઝડપથી સુકાઈ જાય અને કમ્ફર્ટેબલની સાથે સ્ટાઇલિશ ફીલ કરાવે એવાં ફૅબ્રિકનાં આઉટફિટ્સની પસંદગી કરવી જોઈએ
પૉલિએસ્ટર, મસલિન સિલ્ક
ચોમાસામાં કપડાં ભીનાં થાય તો સ્કિન પર ચોંટવા લાગે છે અને ભીનાં કપડાંમાં જ આખો દિવસ ઑફિસમાં કામ કરવામાં ઇરિટેશન થાય છે અને એમાંય ઑફિસમાં AC હશે તો તબિયત પણ બગડી શકે છે. તેથી ફૅશનેબલ દેખાવાનો અર્થ સ્ટાઇલિશ દેખાવું નથી પણ ઋતુના હિસાબે કયું ફૅબ્રિક શરીરને કમ્ફર્ટ આપે છે એ વધુ જરૂરી હોય છે. વરસાદી સીઝનમાં એવા ફૅબ્રિકની પસંદગી કરવી જોઈએ જે લાઇટવેઇટ હોય અને ઝટપટ સુકાઈ જાય. કયા ફૅબ્રિકની પસંદગી કરવાથી તમારું સ્ટાઇલ-સ્ટેટમેન્ટ અપગ્રેડ થાય છે એની જાણકારી હોવી જરૂરી છે. આ વિશે ફૅશન ક્ષેત્રે એક દાયકાનો અનુભવ ધરાવતાં ફૅશન-ડિઝાઇનર કવિતા સંઘવી પાસેથી જાણીએ.
આટલું રાખો ધ્યાન
ADVERTISEMENT
જો તમે કાપડની શુદ્ધતા પાછળ જશો તો એ ચોમાસામાં તમને ઇરિટેશન જ આપશે અને સાથે એમાં દુર્ગંધ અને ફંગસ થવાનો પ્રૉબ્લેમ થશે એ અલગ. આના કરતાં બ્લેન્ડ એટલે કે બે પ્રકારના કાપડને મિક્સ કરીને બનાવવામાં આવેલા ફૅબ્રિકની પસંદગી ચોમાસા માટે ઉત્તમ રહેશે. જેમ કે કૉટનને અન્ય લાઇટવેઇટ ફૅબ્રિક સાથે બ્લેન્ડ કરીને તૈયાર થયેલું કાપડ. એને રેયૉન, સૅટિન અને પૉલિએસ્ટર જેવા ફૅબ્રિક સાથે બ્લેન્ડ કરીને નવું ફૅબ્રિક બનાવાય છે જે લાઇટવેઇટ પણ હોય છે અને ચોમાસામાં જલદી સુકાઈ પણ જાય છે. આ ઉપરાંત નાયલૉન, પૉલિએસ્ટર, જ્યૉર્જેટ અને શિફોન જેવાં કાપડ પણ પાણી ન શોષતાં હોવાથી મૉન્સૂન માટે બેસ્ટ માનવામાં આવે છે. આ કાપડ ભલે આર્ટિફિશ્યલ છે, પણ એ ક્વિકલી ડ્રાય થઈ જાય છે અને એને ઇસ્ત્રીની પણ જરૂર પડતી નથી. એ ઝડપથી સુકાઈ જવાની સાથે એમાં ડાઘ પણ ઓછા દેખાય છે. એ શરીરને ચીપકે એવાં ન હોવાથી ત્વચાને કમ્ફર્ટ આપે છે.
મસલિન સિલ્ક એ સ્માર્ટ ચૉઇસ
મસલિન સિલ્ક નામનું ફૅબ્રિક પણ ચોમાસાની ઋતુ માટે સારું ગણવામાં આવે છે. મસલિનની હળવાશ અને સિલ્કની ભવ્યતા ધરાવતું આ ફૅબ્રિક હળવુંફૂલ હોય છે અને એનું નૅચરલ અને સૉફ્ટ ફિનિશિંગ તમારા લુકને એલિગન્ટ બનાવવાની સાથે આરામદાયક અનુભવ આપે છે. આ ફૅબ્રિકની રચના એવી છે કે તમે કૅઝ્યુઅલ અને ફૉર્મલ વેઅર તરીકે પહેરી શકો છો એટલું જ નહીં, નાનાં-મોટાં ફંક્શન્સમાં કે દૂરના કોઈ રિલેટિવનાં ફંક્શન્સમાં હેવી આઉટફિટ ન પહેરવા હોય તો મસલિન સિલ્કની સાડી અથવા ડ્રેસ તમારા લુકને વધુ સુંદર બનાવશે. ફ્લોરલ, બાટિક, બ્લૉક પ્રિન્ટ જેવી ડિઝાઇનમાં મસલિન સિલ્ક સોળે કળાએ ખીલશે અને તમારી મૉન્સૂન ફૅશનમાં તાજગી ઉમેરશે.
કૉટનને કહો સ્ટ્રિક્ટ્લી ના
કૉટન અને ડેનિમ ફૅબ્રિક આમ ભલે બહુ પૉપ્યુલર અને કૉમન હોય પણ મૉન્સૂનમાં એનું કામ નથી. પ્યૉર કૉટન ભેજને શોષે છે તેથી એ વજનમાં પણ હેવી થઈ જાય છે અને નૉર્મલ ટેમ્પરેચરમાં પણ એ ઠંડક ફીલ કરાવે છે અને આ જ કારણ છે કે ચોમાસામાં કૉટનનાં કપડાં ન પહેરવાં જોઈએ. એવી જ રીતે ડેનિમ પણ ભીનાં થાય તો જલદી સુકાતાં નથી. લિનન ફૅબ્રિકનો ઉપયોગ પણ હવે ઘણો ઓછો થઈ ગયો છે. જ્યારે ભારે વરસાદ ન હોય ત્યારે લિનન યોગ્ય વિકલ્પ બની શકે છે.
પ્રિન્ટ્સ કેવી હોવી જોઈએ?
ચોમાસામાં ફૅબ્રિકની પસંદગી કરવાની સાથે કલર્સ અને પ્રિન્ટ્સના સિલેક્શનમાં પણ થોડું ધ્યાન રાખવું જરૂરી છે. ડાર્ક કલર્સ પહેરશો તો કપડાં પર લાગેલા કાદવના ડાઘ ઓછા દેખાશે. ચોમાસું રંગીન મિજાજ લઈને આવતું હોવાથી ફ્લોરલ, જ્યોમેટ્રિક અને ઍબ્સ્ટ્રૅક્ટ પ્રિન્ટ્સ ઉપરાંત સ્ટ્રાઇપ્સ અને પોલ્કા ડૉટ્સનું ફ્યુઝન તમારા લુકને વધુ ડ્રામેટિક બનાવશે અને તમારી મૉન્સૂન ફૅશનમાં વધુ એક શેડ ઍડ કરશે.
યુઝફુલ ટિપ્સ
ચોમાસામાં ટાઇટ કપડાં પહેરવાનું ટાળવું જોઈએ નહીં તો જો કપડાં ભીનાં થશે અને ત્વચા સાથે ચોંટેલાં રહેશે તો ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધી જાય છે.
ફૅબ્રિકની સાથે રેઇનકોટની પસંદગી કરતી વખતે વાઇબ્રન્ટ કલર્સ સિલેક્ટ કરશો તો સારું લાગશે.
ઑફિસવેઅરમાં વન-પીસ અને મિડ-લેન્ગ્થ ગાઉન ઉપરાંત શૉર્ટ કુરતી અને ઍન્કલ-લેન્ગ્થ પૅન્ટ પહેરવાં જોઈએ. દુપટ્ટાવાળા ડ્રેસિસને અવૉઇડ કરો તો સારું. એને બદલે જો જૅકેટ હશે તો તમારી સ્ટાઇલને યુનિક બનાવશે અને કૅરી કરવામાં પણ ઈઝી હશે.
ડેનિમ પહેરવાના શોખીન લોકોએ જાડા કાપડને બદલે પાતળા કાપડનાં ડેનિમ પણ આવે છે એ પહેરવાનું પ્રિફર કરવું જોઈએ.
વાઇટ, લાઇટ શેડ્સના કલર્સને બદલે મિનિમલિસ્ટ લુક આપે એવા કલર્સનાં કપડાં પહેરવાં જોઈએ અને કપડાંની સાથે વધુ ઍક્સેસરીઝ પણ ન પહેરવી જોઈએ.

