નૉર્મલ લુકને ઇન્સ્ટન્ટ ક્લાસિક અને પ્રીમિયમ બનાવતાં આ જૅકેટ્સનું મહત્ત્વ વધી રહ્યું છે
સ્ટ્રક્ચર્ડ જૅકેટ્સ
એક સમય હતો જ્યારે પુરુષોની ફૅશન માત્ર ફૉર્મલ શર્ટ-પૅન્ટ અથવા કૅઝ્યુઅલ ટી-શર્ટ પૂરતી સીમિત હતી. જોકે બદલાતા સમય સાથે હવે પુરુષો પોતાના દેખાવ અને સ્ટાઇલિંગને લઈને વધુ સભાન બન્યા છે. હાલમાં મેન્સવેરની દુનિયામાં એક મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. હવે લાઉડ ફૅશનને બદલે સૉફિસ્ટિકેશન અને ક્લાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. એમાં સ્ટ્રક્ચર્ડ જૅકેટ્સ અને એલિવેટેડ બેઝિક્સ ફૅશન-પૉપ્યુલર બની રહ્યાં છે.
સ્ટ્રક્ચર્ડ જૅકેટ્સ
ADVERTISEMENT
હવે પુરુષો એવાં કપડાં પસંદ કરી રહ્યા છે જે દેખાવમાં સિમ્પલ હોય, પણ જેની બનાવટ અને ફિટિંગ એકદમ શાર્પ હોય. આ લિસ્ટમાં સૌથી ઉપર છે સ્ટ્રક્ચર્ડ જૅકેટ્સ. સ્ટ્રક્ચર્ડ જૅકેટ્સ એટલે એવાં જૅકેટ્સ જેમનું શોલ્ડર કટિંગ અને ફિટિંગ તમારા શરીરને સ્ટ્રક્ચર આપે છે. પહેલાં જૅકેટ્સ માત્ર ઑફિસની મીટિંગ્સ કે લગ્નપ્રસંગો પૂરતાં મર્યાદિત હતાં, પરંતુ હવે એ ડેઇલીવેઅરનો ભાગ બની રહ્યાં છે. સ્ટ્રક્ચર્ડ જૅકેટની ખાસિયત એ છે કે એ તરત જ પર્સનાલિટીને અપલિફ્ટ કરે છે. પછી ભલે એ હળવા લિનન મટીરિયલમાં હોય કે રિચ વુલન ફૅબ્રિકમાં, આ જૅકેટ્સ કૅઝ્યુઅલ જીન્સ સાથે પણ એટલાં જ પ્રભાવશાળી લાગે છે જેટલાં ફૉર્મલ ટ્રાઉઝર્સ સાથે. જો તમારે રફ ઍન્ડ ટફ લુક જોઈતો હોય તો સ્પોર્ટ્સ કોટ બેસ્ટ છે. ખભા પર પૅડિંગ હોવાથી એ સ્ટ્રક્ચર્ડ દેખાય છે અને પહેરવામાં કમ્ફર્ટેબલ હોય છે.
એલિવેટેડ બેસિક્સ
એલિવેટેડ બેસિક્સ પણ એટલાં જ પૉપ્યુલર થઈ રહ્યાં છે એટલે તમારા વૉર્ડરોબમાં રહેલાં સાદાં ટી-શર્ટ્સ, ક્લાસિક ચિનોઝ, સાદા શર્ટની ક્વૉલિટી અને ફીટિંગમાં સુધારો કરવો જેથી એ પ્રીમિયમ દેખાય. તમે જ્યારે એક બેઝિક હાઈ-નેક ટી-શર્ટ પર શાર્પ કટનું સ્ટ્રક્ચર્ડ જૅકેટ પહેરો છો ત્યારે એ સિમ્પલ લુકને પણ હાઈ-ફૅશન બનાવી દે છે.
કમ્ફર્ટેબલ ફૅશન
લોકો હવે એવાં કપડાં ઇચ્છે છે જે આરામદાયક પણ હોય અને સાથે જ પ્રોફેશનલ લુક પણ આપે. સ્ટ્રક્ચર્ડ જૅકેટ્સ પાવર-ડ્રેસિંગની વ્યાખ્યા બદલી રહ્યાં છે. એ માત્ર લુકને સારો જ નથી દેખાડતા, સાથે સ્ટાઇલ-સેન્સને પણ બહુ સારી રીતે પ્રેઝન્ટ કરે છે. ફૅશન હવે પર્સનલ એક્સપ્રેશન બની ગઈ છે. સ્ટ્રક્ચર્ડ જૅકેટ અને એલિવેટેડ બેઝિક્સનો સમન્વય એ સાબિત કરે છે કે પુરુષો હવે ફાસ્ટ ફૅશન પાછળ દોડવાને બદલે લાંબો સમય ટકી રહે એવી સ્ટાઇલ અને ક્વૉલિટીમાં ઇન્વેસ્ટ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
