ડૉ. દિવ્યા દેઢિયાને ભરતકામના પાંસઠથી વધુ ટાંકા આવડે છે અને આજ સુધી તેઓ અઢીસોથી વધારે મહિલાઓને આ ટાંકા શીખવી ચૂક્યાં છે
ડૉ. દિવ્યા દેઢિયા
તમે નોંધ્યું હશે કે આજકાલ લોકો પરંપરાગત વસ્તુઓ ફરીથી પસંદ કરવા લાગ્યા છે, પછી એ કપડાં હોય કે ઍક્સેસરીઝ. એમાંય આજકાલ પરંપરાગત ભરતકામવાળી વસ્તુઓ જેમ કે ડ્રેસિસ, સાડીઓ અને બૅગ્સનો તો જબરદસ્ત ટ્રેન્ડ છે. કચ્છનો બાવળિયો ટાંકો હોય, પશ્ચિમ બંગાળનું કાંથા વર્ક હોય કે પછી કાશ્મીરનું આરી વર્ક... આ પરંપરાગત કળાની વસ્તુઓ પસંદ કરાઈ રહી છે. વચ્ચે એક-બે દાયકા એવા આવ્યા હતા કે આ પરંપરાગત પહેરવેશ અને ભરતકામથી લોકો એકદમ વિમુખ થઈ ગયા હતા, પરંતુ એ વખતે પણ અમુક વ્યક્તિઓ હતી જે આપણી આ પરંપરાનું સંવર્ધન કરી રહી હતી. એવી એક વ્યક્તિ એટલે વડાલામાં રહેતાં ડૉ. દિવ્યા દેઢિયા. ડૉ. દિવ્યાને ભરતકામના પાંસઠથી વધુ ટાંકા આવડે છે અને આજ સુધી તેઓ અઢીસોથી વધારે બહેનોને આ ટાંકા શીખવી ચૂક્યાં છે. ડૉ. દિવ્યા કહે છે, ‘હું મૂળ કચ્છની છું. કચ્છમાં ઘર-ઘરમાં ભરતગૂંથણ ચાલતું હોય એટલે મને નાનપણથી જ ભરતકામમાં સારી હથરોટી આવી ગઈ હતી. મને નવું-નવું શીખવાનો પણ ગજબનો શોખ હતો. ૧૯૯૨માં હું ગ્રૅજ્યુએશન પૂરું કરીને કચ્છથી મુંબઈ આવી. અગાઉ છોકરીઓ બહુ બહાર ન નીકળતી. મેં ઘરે જ રહીને કરી શકાય એવી મનગમતી પ્રવૃત્તિ શોધી કાઢી. મારા ભાઈની છપાઈકામની શૉપ હતી. હું તેને એમાં મદદ કરવા લાગી. ત્યાં મારી ઓળખાણ અમુક જણ સાથે થઈ, જેમને ટાંકા વિશેનું જબરદસ્ત નૉલેજ હતું. મને થોડાક તો આવડતા ને થોડાક હું તેમની પાસે શીખી. એ વખતે અમે ચાલીમાં રહેતાં. ચાલીની બીજી છોકરીઓને ખબર પડી કે દિવ્યાને સરસ ભરતકામ આવડે છે તો ઘણીબધી છોકરીઓ મારી પાસે શીખવા આવી. ત્યાર બાદ તેમણે પોતાના આણાનો બધો જ સરંજામ જાતે રેડી કર્યો. આજની તારીખે પણ એ બહેનપણીઓ મળે ત્યારે આ વાતને યાદ કરે.’
દિવ્યા દેઢિયાને તેમની કળાની કદરરૂપે મધ્ય પ્રદેશની સંસ્થા દ્વારા ડૉક્ટરેટની માનદ પદવી આપવામાં આવી છે.
ADVERTISEMENT
૧૯૯૩માં ડૉ. દિવ્યાનાં લગ્ન થયાં. તેઓ કહે છે, ‘મારા હસબન્ડની મેન્સનાં રેડીમેડ કપડાંની દુકાન હતી. મને એમાં રસ પડ્યો. મેં દુકાનમાં હતા એ કુરતા પર નાનું-નાનું વર્ક કરાવવાનું સૂચવ્યું અને એવા સૅમ્પલ-પીસ બનાવ્યા. લોકોને એ ખૂબ પસંદ પડ્યા. પછી તો ઑર્ડર મળવા લાગ્યા. મેં અનેક લોકોને આ ટાંકા શીખવ્યા અને પછી થયું એવું કે એમાંથી ઘણા અમારી જ શૉપમાં અમારી સાથે જોડાઈ ગયા. જોકે વચ્ચે એક-દોઢ દાયકો એવો આવ્યો કે લોકો પરંપરાગત પોશાક કે પછી ભરતગૂંથણથી સાવ જ વિમુખ થઈ ગયા.
મહિલાઓને ટાંકા શીખવતાં દિવ્યા દેઢિયા.
મને સતત આ બાબત કોરી ખાતી. આપણી પાસે ભરતગૂંથણની કળાનો અતિ સમૃદ્ધ વારસો છે, લોકો કેમ પસંદ કરતા નથી? આ વિશે વિચારતાં-વિચારતાં મને એક નવો આઇડિયા આવ્યો. ભલે છોકરીઓ ટ્રેડિશનલ કપડાં પહેરવાનું પસંદ નથી કરતી, તેમને વેસ્ટર્ન ડ્રેસ પસંદ છે તો એવા જ ડ્રેસમાં વર્ક કર્યું હોય તો? અને મેં મારી દીકરીનાં પૅન્ટ, સ્કર્ટ તેમ જ તેનાં ક્રૉપ ટૉપ વગેરેમાં કચ્છી વર્ક કર્યું. તેને ખૂબ ગમ્યું અને તેણે એ ડ્રેસિસ પહેરવા માંડ્યા. તેના ડ્રેસ જોઈને આજુબાજુવાળા, ફૅમિલીના લોકો તેમ જ તેની બહેનપણીઓ પૂછપરછ કરવા લાગ્યાં કે ક્યાંથી લીધું. અમુક જણે શીખવાની તૈયારી પણ બતાવી. સ્થિતિ બદલાઈ રહી હતી એટલે મને પાનો ચડ્યો અને મેં સાઠ પ્લસ ટાંકાનો નામ સાથેનો કોર્સ ડેવલપ કર્યો અને સંપૂર્ણપણે નિ:શુલ્ક શીખવવાનું નક્કી કર્યું. એ દિવસોમાં મારા ઘરે ઘરકામમાં મદદ માટે એક છોકરી આવતી. એ છોકરી મારા આ કામને ખૂબ રસપૂર્વક જોયા કરતી. મને તેની આંખોમાં શીખવાની ધગશ દેખાઈ. એક દિવસ મેં તેને પાસે બેસાડીને સોય-દોરો અને કાપડ આપ્યું અને બેઝિક ટાંકા શીખવાડ્યા. એ કામ તેણે અત્યંત સફાઈપૂર્વક કર્યું. મેં તેને કહ્યું તું આ શીખી જા, પછી તને આ વાસણ-પોતાં નહીં કરવાં પડે અને આ કામ કરીને ઘણા વધારે પૈસા કમાઈ શકીશ. તે પંદર-વીસ દિવસના ટૂંકા ગાળામાં બધા જ ટાંકા શીખી ગઈ. તે ભાઈંદર રહે છે અને આ જ કામ કરે છે. આ રીતે મારી વર્કશૉપનાં બીજ મંડાયાં.’
કચ્છી ટાંકા સાથે જરદોસી મિક્સ કરીને એનું ફૅન્સી વર્ઝન પણ તૈયાર કર્યું છે
ડૉ. દિવ્યાએ અઢીસોથી વધુ બહેનોને ટાંકા શીખવ્યા છે. હવે તો તેમનો સમાજ પણ મોટા પાયે વર્કશૉપનું આયોજન કરે છે અને ડૉ. દિવ્યાને બોલાવે છે. તેઓ કહે છે, ‘સમાજની બહેનોને પણ હું નિઃશુલ્ક આ ટાંકા શીખવું છું. આ વર્કશૉપમાં જવા માટે એકેય રૂપિયો ચાર્જ કરતી નથી. વર્કશૉપમાં અપાતી કિટ પણ હું જ બનાવી આપું છું. એ કિટમાં ત્રણ છાપેલા હાથરૂમાલ, આંગળીમાં પહેરવાની એક રિંગ, કટર અને પાંચ દોરા હોય છે. વર્કશૉપનાં ટોટલ ૬ સેશન હોય. વર્કશૉપમાં ટીનેજર છોકરીથી લઈને સિનિયર સિટિઝન મહિલાઓ અને ભાઈઓ પણ આવે છે અને રસપૂર્વક શીખે છે એ જોઈને મને કશુંક કર્યાનો સંતોષ થાય છે. સમાજે આપણને ઘણું આપ્યું છે, એમાંથી કશુંક આપણે સમાજને પાછું આપી શકીએ છીએ એ વાત મને ખૂબ ઇન્સ્પાયર કરે છે. વધુ ને વધુ લોકો સુધી આપણો આ ભવ્ય વારસો પહોંચે એવા મારા પ્રયત્નો રહે છે. મારી પાસેથી શીખીને ગઈ છે એમાંથી કેટલીયે છોકરીઓએ આ કામ કરીને પોતાનું ઘર લીધું છે. કોઈકના છોકરાઓ આ કામ કરીને ભણ્યા છે. ગુજરાતીઓને તો ચાલો આપણા ભરતગૂંથણમાં રસ પડે એની નવાઈ નથી, પરંતુ અનેક મહારાષ્ટ્રિયન બહેનો પણ ખૂબ ચાવથી મારી પાસેથી આ બધા જ ટાંકા શીખીને ગઈ છે. આ આપણી ધરોહર છે અને એ જીવંત રહેવી જોઈએ. મને હવે ખાતરી થઈ ગઈ છે કે આ કળા સદીઓ સુધી ટકશે. દેશ-વિદેશમાં પણ આપણે ત્યાંનું ભરતગૂંથણ પસંદ થવા લાગ્યું છે. મેં કચ્છી ટાંકા સાથે જરદોસી મિક્સ કરીને એનું ફૅન્સી વર્ઝન પણ તૈયાર કર્યું છે. સ્કર્ટ, ટૉપ, જૅકેટ અને પૅન્ટ જેવાં વેસ્ટર્ન કપડાં પર આ વર્કની અલગ ભાત પડે છે. મારા કરેલા પ્રયોગ સક્સેસફુલ થયા છે એની ખુશી છે.’
તાજેતરમાં જ મધ્ય પ્રદેશના બાલાઘાટના ‘ઇતિહાસ એવમ્ પુરાતત્ત્વ શોધ સંસ્થાન સંગ્રહાલય`એ દિવ્યા દેઢિયાને તેમની કળાના સન્માનમાં ડૉક્ટરેટની માનદ પદવી આપી છે. એ વિશે ખૂબ ઉત્સાહથી વાત કરતાં તેઓ કહે છે, ‘બાલાઘાટના `ઇતિહાસ એવમ્ પુરાતત્ત્વ શોધ સંસ્થાન સંગ્રહાલય` દ્વારા કળા, સાહિત્ય તેમ જ અન્ય ક્ષેત્રમાં નોંધનીય કામ કરનારને તેઓ ડૉક્ટરેટની માનદ ઉપાધિ આપવામાં આપે છે. આ વર્ષે એટલે કે ૨૩ ફેબ્રુઆરીના આયોજિત રાષ્ટ્રીય સાહિત્ય પુરાતત્ત્વના ૨૩મા મહા ભવ્ય અનુષ્ઠાનમાં મારી કળા માટે મને આ માનદ પદવી આપવામાં આવી. આ પૅશનનાં મૂળ મુંબઈ આવી ત્યારે ચાલીઓની બહેનપણીઓને ટાંકા શીખવાડેલા ત્યારે મંડાયાં હતાં. એ જ પૅશને મને અહીં સુધી પહોંચાડી. હું સમાજની સાથે પોતાના માટે પણ કશું કરી શકી એનો મને ગર્વ છે.’
સાહિત્યકાર પણ છે
ડૉ. દિવ્યા દેઢિયા સાહિત્ય સાથે પણ સંકળાયેલાં છે. તેઓ કચ્છી, ગુજરાતી અને હિન્દીમાં સરસ મજાની કવિતાઓ લખે છે. પ્રતિષ્ઠિત સામયિકોમાં તેમની કૃતિઓ છપાતી રહે છે અને તેઓ અનેક કવિસંમેલનો પણ ગજાવી ચૂક્યાં છે. ૨૦૨૪ના ડિસેમ્બરમાં તેમનું કચ્છી કવિતાઓનું પુસ્તક `દિવ્ય અભ` પણ પ્રકાશિત થયું છે.

