ગરમીની સીઝનમાં સતત કંઈ ને કંઈ ઠંડું ખાવા-પીવાની ઇચ્છા થયા કરે. એવામાં આપણે આઇસક્રીમ ખાઈને કે કોલ્ડ ડ્રિન્ક પીને સંતોષ માનતા હોઈએ છીએ.
કોઠાનું શરબત
ગરમીની સીઝનમાં સતત કંઈ ને કંઈ ઠંડું ખાવા-પીવાની ઇચ્છા થયા કરે. એવામાં આપણે આઇસક્રીમ ખાઈને કે કોલ્ડ ડ્રિન્ક પીને સંતોષ માનતા હોઈએ છીએ. એ ખાઈને આપણને ઠંડું તો લાગે છે પણ વાસ્તવમાં એનાથી તરસ વધુ લાગે છે અને એ શરીરને હાઇડ્રેટ કરવાને બદલે ડીહાઇડ્રેટ કરે છે. એવામાં શરીરને કુદરતી રીતે ઠંડક આપતાં પીણાં પીવાં ખૂબ જરૂરી છે. આવું જ એક ડ્રિન્ક એટલે કોઠાનું શરબત. આ શરબત પીવાથી તમે ઉનાળામાં તરોતાજા અને ઊર્જાથી ભરપૂર રહેશો
ગુજરાતીમાં કોઠાનું ફળ, હિન્દીમાં બેલનું ફળ અને અંગ્રેજીમાં ઍપલવુડ અથવા એલિફન્ટ ઍપલ તરીકે જાણીતા ફળના સ્વાસ્થ્યસંબંધિત અનેક લાભો છે. જોકે એમ છતાં અન્ય ફળોની સરખાણીમાં એનું ખૂબ જ ઓછું સેવન થાય છે. આ ટ્રેડિશનલ ફ્રૂટનો આપણા આયુર્વેદમાં પણ ઉપયોગ થાય છે, પણ તેમ છતાં ઘણા લોકોને આ ફળ વિશે ખબર હોતી નથી. આ ફળનું બહારનું પડ કડક હોય છે, જ્યારે એની અંદરથી પલ્પ જેવું નીકળે છે. આ ફળનો સ્વાદ ખાટો હોય છે. ખાસ કરીને ઉનાળામાં કોઠાનું શરબત પીવાથી શરીરને ઠંડક મળે છે. આ એક રેસાવાળું ફળ છે એટલે કબજિયાતની સમસ્યા જેમને હોય એ લોકો આનું સેવન કરે તો તેમને રાહત મળી શકે છે. કોઠાના એ સિવાય પણ અગણિત ફાયદા છે જેના વિશે આપણે ન્યુટ્રિશનિસ્ટ રીમા ધોરાજીવાલા પાસેથી જાણી લઈએ.
ADVERTISEMENT
ગરમીમાં રાખશે તરોતાજા
ઉનાળામાં તાપમાન વધુ હોય ત્યારે લોકો કોઠાનું શરબત પીવાનું પસંદ કરે છે, કારણ કે એ શરીરને ઠંડું રાખીને ગરમીમાંથી રાહત આપે છે. ઉનાળામાં ગરમીને કારણે લૂ, ડીહાઇડ્રેશન, થાકની સમસ્યાથી બચવા માટે કોઠાનું શરબત પીવાથી ફાયદો થાય છે. કોઠાના ફળમાં એક તો પાણીનું પ્રમાણ સારું હોય છે. બીજું, એમાં પોટૅશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે. એટલે એનું શરબત બનાવીને પીવામાં આવે તો પરસેવાના કારણે શરીરમાં પાણીની કે ઇલેક્ટ્રોલાઇટ્સની ઊણપ સર્જાતી નથી. કોઠાના ફળમાં કૂલિંગ પ્રૉપર્ટીઝ હોય છે, જે શરીરને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે. એમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ પણ ખૂબ સારું હોય છે, જે શરીરને ઝડપથી એનર્જી પૂરી પાડીને ગરમીને કારણે થાક-નબળાઈ લાગતાં હોય તો દૂર કરે છે. ગરમીમાં વધુ ખાવાની ઇચ્છા થતી નથી એવામાં કોઠાનું ફળ ભૂખ ઉઘાડવાનું કામ પણ કરે છે.
પાચનની સમસ્યામાંથી રાહત
કોઠાનું ફળ આપણી ડાઇજેસ્ટિવ હેલ્થ સારી રાખે છે. એમાં ફાઇબર સારા પ્રમાણમાં હોય છે, ૧૦૦ ગ્રામ પલ્પમાં ૫.૨૧ ગ્રામ જેટલું ફાઇબર હોય છે. એ સિવાય કોઠાના ફળમાં નૅચરલ લૅક્સેટિવ પ્રૉપર્ટીઝ હોય છે. એને કારણે એ કબજિયાતની સમસ્યામાં રાહત આપવાનું કામ કરે છે. એવી જ રીતે ડાયેરિયા (ઝાડા)ની સમસ્યામાં પણ કોઠાનું ફળ ખાવાથી ફાયદો મળે છે. જોકે એ માટે કાચું કોઠાનું ફળ ખાવું જોઈએ. એ સિવાય અપચો, કબજિયાતને કારણે જેમને હરસ-મસાની સમસ્યા હોય એ લોકો માટે પણ કોઠાના ફળનું સેવન સારું કહેવાય. પેટના અલ્સરની સમસ્યામાં પણ એ રાહત પહોંચાડે છે.
બીજા પણ ફાયદા છે
વધુપડતી ગરમીને કારણે ઘણી વાર નસકોરી ફૂટવાની સમસ્યા પણ થતી હોય છે તો એમાં પણ કોઠાનું શરબત પીવાથી ફાયદો મળે છે. કોઠાનું ફળ શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢીને અને લોહીને સાફ કરીને લિવર, કિડની પરનો લોડ ઓછો કરે છે. એમાં વિટામિન Cનું પ્રમાણ ખૂબ સારું હોય છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. કોઠાના ફળમાં રહેલી હાઇપોગ્લાઇસીમિક પ્રૉપર્ટીઝના કારણે બ્લડ-શુગર લેવલને મૅનેજ કરવામાં પણ એ મદદરૂપ બને છે. એમાં ભરપૂર માત્રામાં ઍન્ટિઑક્સિડન્ટ્સ હોય છે, જે ફ્રી રૅડિકલ્સ સામે લડે છે અને શરીરને ઑક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવે છે. ઑક્સિડેટિવ સ્ટ્રેસ શરીરના કોષોને નુકસાન પહોંચાડે છે જે હૃદયસંબંધિત બીમારી, કૅન્સર, ડાયાબિટીઝ, ઑલ્ઝાઇમર્સ, પાર્કિન્સન્સ જેવી બીમારીનું જોખમ વધારી દે છે. પ્રદૂષણ, વધુપડતા પ્રોસેસ્ડ ફૂડનું સેવન, સ્મોકિંગ, સ્ટ્રેસ વગેરે જેવા એક્સટર્નલ ફૅક્ટર્સને કારણે ઑક્સિડેટિવ સ્ટ્રેસ વધે છે. ઘણી વાર ઉનાળાની ગરમીમાં હાઈ ટેમ્પરેચર પણ ઑક્સિડેટિવ સ્ટ્રેસ વધારી દેતું હોય છે. એવામાં કોઠાના ફળનું સેવન કરવાથી ફાયદો થાય છે. કોઠાના ફળમાં ઍન્ટિઇન્ફ્લેમૅટરી પ્રૉપર્ટીઝ પણ હોય છે, જે શરીરમાં ઇન્ફ્લેમેશન ઓછું કરીને આર્થ્રાઇટિસ જેવી સમસ્યામાં રાહત પહોંચાડે છે.
આયુર્વેદ શું કહે છે?
કોઠાના ફળના સેવનથી થતા ફાયદા વિશે વાત કરતાં વૈદ્ય પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘ઉનાળામાં શરીરની શક્તિઓને ટકાવી રાખવામાં અને શરીરની ગરમી ઓછી કરવા માટે આ ફળનું સેવન કરવાથી ફાયદો થાય છે. કોઠાનું ફળ રુચિકર છે. ગરમીમાં ખાવાની વધુ રુચિ ન થતી હોય તો એનું સેવન કરવું જોઈએ. એટલે અંદરથી આહાર પ્રત્યેની રુચિ વધશે. એ આહારને પચાવવા માટે પણ મદદરૂપ થાય. શરીરમાં પિત્ત ખૂબ વધી ગયું હોય તો કોઠાનું શરબત પીવાથી તરત બળતરામાંથી રાહત મળે. એવી જ રીતે કોઠાનું ફળ શ્વાસરોગ, ટીબી, લોહીના રોગો, ઊલટી, વાયુ, ઉધરસ આ બધામાં પણ ફાયદો કરે. એવી જ રીતે ઝાડા અને પેટના દરદમાં કોઠાનું કાચું ફળ ખાવાથી ફાયદો થાય છે. કાચું ફળ જ્વર (તાવ) કે કફ થયો હોય તો એમાં પણ ફાયદો પહોંચાડે છે. સામાન્ય રીતે કાચું ફળ વધુ ખાવામાં નથી આવતું. એ ખૂબ ખાટું હોય. એને એમનેમ ખાઓ તો દાંત અંબાઈ જાય. એમાં ગોળ-મસાલા મિક્સ કરીને એની ચટણી કે મુરબ્બો બનાવીને ખાઓ તો વાંધો ન આવે.
શું બનાવશો બેલ ફળમાંથી?
બેલ ફળનું શરબત બેલ ફળના કડક આવરણને દસ્તાથી ફોડીને એની અંદરનો જે પલ્પ છે એ ચમચીની મદદથી એક મોટા પહોળા વાસણમાં કાઢી લો. એમા અડધો લીટર પાણી નાખીને પલ્પને પંદર મિનિટ સુધી પલળવા દો. એ પછી પલ્પને સરખી રીતે મસળીને પાણીને ગાળી નાખો. એમાં એક ટેબલસ્પૂન ગોળનો પાઉડર અને એક ટીસ્પૂન શેકેલો જીરા પાઉડર મિક્સ કરો. બેલ ફળ સ્વાદમાં ખાટું હોય છે એટલે એમાં ગોળ નાખવો જરૂરી છે. એ સિવાય બેલ ફળના શરબતમાં ગોળ અને શેકેલું જીરું નાખવાથી એની કૂલિંગ ઇફેક્ટ વધી જાય છે.
ચટણી
એક પાકેલું બેલનું ફળ લઈને એનો પલ્પ કાઢી લો. એમાં એક કપ ગોળ, એક ટીસ્પૂન જીરા પાઉડર, એક ટીસ્પૂન ધાણા પાઉડર, એક ટીસ્પૂન લાલ મરચું પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું નાખો. આ બધી વસ્તુને મિક્સરમાં નાખીને પીસી લો. જરૂર પડે તો એમાં થોડું પાણી પણ ઉમેરી શકો. આ રીતે તમારી બેલની ચટણી બનીને તૈયાર છે જેને તમે થેપલા, પરાઠા, ભાખરી સાથે ખાઈ શકો.

