Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > વડોદરાની ભૂમિ પર મળી ગયું કાઠિયાવાડી સ્ટ્રીટ-ફૂડ

વડોદરાની ભૂમિ પર મળી ગયું કાઠિયાવાડી સ્ટ્રીટ-ફૂડ

Published : 25 July, 2026 04:35 PM | IST | Vadodara
Sanjay Goradia | sangofeedback@mid-day.com

મસાલા સિંગ અને ગોરધનની ચટણી તરીકે ઓળખાતી કોઠાની લીલી ચટણી વાપર્યા વિના કાઠિયાવાડી સ્ટ્રીટ-ફૂડની એક પણ વરાઇટી બને નહીં

વડોદરાની ભૂમિ પર મળી ગયું કાઠિયાવાડી સ્ટ્રીટ-ફૂડ

વડોદરાની ભૂમિ પર મળી ગયું કાઠિયાવાડી સ્ટ્રીટ-ફૂડ


ફિલ્મ અને નાટકના શોના કારણે મારે હમણાં-હમણાં ગુજરાતમાં વધારે રહેવું પડે છે. અનાયાસ આ બન્ને કામ અંતર્ગત મારે હમણાં ફરી વાર વડોદરા જવાનું થયું અને મારી આ કૉલમની ડેડલાઇનનો દિવસ પણ આવી ગયો એટલે મેં તો વડોદરામાં જ કંઈક સારી આઇટમ શોધવાનું શરૂ કર્યું. વડોદરામાં મલ્હાર પૉઇન્ટ નામની એક જગ્યા છે. ત્યાં માધવ ભેળવાળો છે. આમ તો આપણને એમ જ થાય કે ભેળ એટલે ભેળ અને મને પણ એવું જ થયું હતું કે ત્યાં શું જવાનું, પણ મને કહેવામાં આવ્યું કે આ માધવવાળો બધું કાઠિયાવાડી ટેસ્ટનું બનાવે છે અને ટેસ્ટ એકદમ ઑથેન્ટિક છે.
વડોદરામાં કાઠિયાવાડ!
હું તો પહોંચ્યો માધવ ભેળવાળાને ત્યાં અને મને ખબર પડી કે તે ભાઈ પોતે જ કાઠિયાવાડના, રાજકોટના છે. તેણે બધી કાઠિયાવાડી આઇટમ જ રાખી છે. સિંગ-બટાટા, લસણિયા બટાટા, ભૂંગળા બટાટા, બ્રેડ કટકા, તીખા-મોળા. નામો વાંચીને જ મને મોઢામાં પાણી આવી ગયું. એક ખાસ વાત કહું. આ બધી વરાઇટી મેં રાજકોટ અને જામનગરમાં ખૂબ ખાધી છે. આ જે કાઠિયાવાડનું ટિપિકલ સ્ટ્રીટ-ફૂડ છે એની મોટામાં મોટી ખાસિયત એ છે કે એમાં ઘરે બનાવેલી મસાલા સિંગ અને કોઠાની લીલી ચટણી હોય જ હોય. એ વિના એ લોકોની આ બધી ડિશ બને જ નહીં અને સાહેબ, આ બન્ને વરાઇટી તમે એક વાર ટ્રાય કરો એટલે તમે એના આશિક થઈ જાઓ. 
મેં તો પહેલો જ ઑર્ડર આપ્યો બ્રેડ કટકાનો. બ્રેડને એટલી ઇન્ટરેસ્ટિંગ બનાવી જાણે એ કાઠિયાવાડી જ હોય. આ ડિશ બને કેવી રીતે એ તમને કહું. પાઉંના નાના-નાના ટુકડા કરીને એને મીઠી ચટણીમાં બોળી દે અને પછી એના પર પેલી રાજકોટની પૉપ્યુલર લીલી ચટણી, સિંગ અને થોડી સેવ નાખીને તમને આપે. તમે ખાઓ એટલે જલસો પડી જાય. જે સેવ નાખી હોય એ સેવ પણ એટલી મુલાયમ હોય કે બોખો માણસ પણ મસ્ત રીતે ખાઈ લે. રાજકોટમાં સર્વેશ્વર ચોક નામના એરિયામાં મગનના બ્રેડ કટકા મળે છે જે બહુ સરસ બને છે. 
બ્રેડ કટકા પછી મેં એક નવી વરાઇટી જોઈને એનો ઑર્ડર આપ્યો. એ વરાઇટી એટલે દાબેલી ભેળ. એ બને આપણી કચ્છની દાબેલીની જેમ જ, પણ એમાં પૂરણની જગ્યાએ ભેળ ભરવામાં આવે. હવે તમે રેગ્યુલર ભેળ મગાવો એ પણ જુદી અને આ દાબેલીમાં નાખવામાં આવે એ ભેળ પણ જુદી રીતે બને. એક ખાસ વાત કહું. કાઠિયાવાડમાં ભેળમાં ટમેટાં પણ નાખે અને પેલી ઘરે બનાવેલી મસાલા સિંગ પણ નાખે. દાબેલી ભેળ પણ મને ભાવી એટલે મેં માગ્યા સિંગ બટાટા. જામનગરમાં આ સિંગ બટાટાને બી-બટાટા કહે છે. આ જે બી-બટાટા છે એ આમ તો ફરાળી આઇટમ, પણ જો એમાં લસણ નાખ્યું હોય તો એ ફરાળમાં ખવાય નહીં. સિંગ બટાટામાં પણ જલસો પડ્યો એટલે મેં મારી ફેવરિટ કાઠિવાયાવાડી 
સ્ટ્રીટ-ફૂડ આઇટમ મગાવી - તીખા મોળા. 
આ જે તીખા મોળા છે એની રેસિપી કહું. તીખા ગાંઠિયા અને મોળા ગાંઠિયા મિક્સ કરવાના. આ જે ગાંઠિયા હોય એ થોડા જાડા અને કડક હોય. બન્ને ગાંઠિયા મિક્સ કરીને એમાં તીખી-મીઠી અને લીલી ચટણી નાખે અને જરાક સિંગ નાખીને તમને આપે. કાઠિયાવાડમાં તો ઘણા આને સાંજના હેવી નાસ્તા તરીકે પણ ખાસ. એમાં એ લોકો કરે એવું કે તીખા મોળા મગાવે અને બાજુમાં તીખી-મીઠી ચટણી લે અને પછી એક્સ્ટ્રા પાઉં માગી લે. પાઉંને રોટલીની જેમ ટુકડો કરવાનો, એમાં જરાક તીખા મોળા લેવાના, પછી એ ટુકડો ચટણીમાં ઝબોળવાનો અને ખાવાનો. બ્રેડ બની જાય રોટલી અને તીખા મોળા બની જાય શાક. બસ, તમને બે-ચાર કલાકનો ટેકો મળી જાય. 
આ બધું ખાધા પછી પણ માહ્યલો બકાસુર વારંવાર એક આઇટમ માગ્યા કરે. સ્પેશ્યલ દહીંવડાં. મને થયું કે ચાલો, રાજકોટમાં તો મને ટ્રાય કરવાનો મોકો નથી મળતો તો અહીં એ ટ્રાય કરી લઉં. મેં ઑર્ડર આપ્યો અને મને જવાબ મળ્યો, ‘નથી, ખલાસ થઈ ગયા.’
રાજકોટમાં પટેલ ભેળ નામની એક જગ્યા છે. હું શો માટે જઉં ત્યારે દર વખતે સાંજે ઑડિટોરિયમ પહોંચતાં પહેલાં પટેલ ભેળમાં જઉં અને દહીંવડાં માગું અને મને આ જ જવાબ મળે, ‘નથી, ખલાસ થઈ ગયા.’
આનું કારણ એ કે રાજકોટવાળા દહીંવડાંમાં રોજેરોજનું દહીં જ લે અને દહીં પણ કેવું? એકદમ રગડા જેવી મલાઈમાંથી બનેલું. રાજકોટમાં જેવું બને છે એવું જ મારી સાથે વડોદરામાં બન્યું. હશે, હું જ કહેતો હોઉં છુંને કે સારું અને સ્વાદિષ્ટ ખાવા માટે પૈસા નહીં, નસીબ જોઈએ. કાઠિયાવાડી દહીંવડાં ખાવા માટે મારું નસીબ હજી નહીં ખૂલ્યું હોય, બીજું તો શું કહું?                         


Whatsapp-channel Whatsapp-channel

25 July, 2026 04:35 PM IST | Vadodara | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK