Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > કે. રુસ્તમ કા આઇસક્રીમ નહીં ખાયા તો ક્યા ખાયા

કે. રુસ્તમ કા આઇસક્રીમ નહીં ખાયા તો ક્યા ખાયા

Published : 17 May, 2025 11:02 AM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

મરીન ડ્રાઇવ આવ્યા હોઈએ અને કે. રુસ્તમનો આઇસક્રીમ ન ખાઈએ એ‍વું પણ ભાગ્યે જ જોવા મળે. મુંબઈગરાઓ માટે આ નામ કોઈ નવું નથી.

કે. રુસ્તમ આઇસક્રીમ

કે. રુસ્તમ આઇસક્રીમ


મરીન ડ્રાઇવ એટલે શહેરની ભાગદોડ અને કોલાહલ વચ્ચે બે ક્ષણનો આરામ અને શાંતિ મેળવવાનું ઠેકાણું. મરીન ડ્રાઇવ આવ્યા હોઈએ અને કે. રુસ્તમનો આઇસક્રીમ ન ખાઈએ એ‍વું પણ ભાગ્યે જ જોવા મળે. મુંબઈગરાઓ માટે આ નામ કોઈ નવું નથી. અનેક પરિવારો તો એવા હશે જે પેઢીઓથી કે. રુસ્તમના આઇસક્રીમનો આસ્વાદ માણતા હશે


મરીન ડ્રાઇવ જઈએ એટલે કે. રુસ્તમનો આઇસક્રીમ તો ખાવો જ પડે એ મુંબઈગરાઓ માટે એક વણલખ્યો નિયમ બની ગયો છે. કે. રુસ્તમ ઍન્ડ કંપનીની શરૂઆત ખોદાબક્સ રુસ્તમ ઈરાનીએ કરી હતી. શરૂઆતમાં આ શૉપ કેમિસ્ટ અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર હતી જે પછીથી ૧૯૫૩માં આઇસક્રીમ પાર્લરમાં ફેરવાઈ ગઈ. દરિયાકિનારે ફરવા આવતા લોકો ગોલા, લીંબુપાણી, જૂસ, આઇસક્રીમની લિજ્જત માણતા હોય છે. કે. રુસ્તમની દુકાન પણ દરિયા નજીક જ છે એટલે તેમણે સેલ વધારવા માટે આઇસક્રીમ વેચવાનું શરૂ કર્યું. તેમના આઇસક્રીમનો સ્વાદ લોકોની દાઢે એવો વળગ્યો કે જોતજોતામાં એ ફેમસ થઈ ગયો. મુંબઈમાં હવે નૅચરલ્સ, બાસ્કિન રૉબિન્સનાં આઇસક્રીમ પાર્લરો છવાઈ ગયાં છે છતાં તેમની ટફ કૉમ્પિટિશન વચ્ચે પણ કે. રુસ્તમે એનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. લોકોમાં અહીંની લોકપ્રિયતા હજી જળવાયેલી છે. ગયા વર્ષે ટેસ્ટઍટલસે વિશ્વની ૧૦૦ મોસ્ટ આઇકૉનિક આઇસક્રીમ્સની યાદી બહાર પાડી હતી. એમાં ભારતના પાંચ આઇસક્રીમનો સમાવેશ હતો અને એમાંથી કે. રુસ્તમનો મૅન્ગો આઇસક્રીમ મોખરે હતો.



કે. રુસ્તમના આઇસક્રીમની બે વસ્તુ લોકોને ખૂબ આકર્ષે છે. એક તો તેમની વિવિધ પ્રકારની ફ્લેવર્સ. અહીં તમને મૅન્ગો, બ્લૅક કરન્ટ, વૉલનટ, કૉફી, પાન, અંજીર, આમન્ડ, ચૉકલેટ, કેસર પિસ્તાં જે જોઈએ એ બધું મળી જશે. વચ્ચે-વચ્ચે તેઓ યુનિક કૉમ્બિનેશન ધરાવતી ફ્લેવર્સ પણ લાવતા રહે છે જેમ કે ચૉકલેટ મિન્ટ કે પછી જિંજર લાઇમ. બીજું, આઇસક્રીમ સર્વ કરવાની તેમની યુનિક સ્ટાઇલ. કદાચ આ રીતે બીજે ક્યાંય આઇસક્રીમ સર્વ કરવામાં નહીં આવતો હોય. અહીં કોનમાં ભરીને કે કપમાં નાખીને આઇસક્રીમ સર્વ નથી થતો જે સામાન્ય રીતે બધી જગ્યાએ આપણને મળે છે. બ્રેડની બે સ્લાઇસ વચ્ચે સ્ટફિંગ ભરીને જેમ સૅન્ડવિચ બનાવવામાં આવે સેમ એવી જ રીતે અહીં બે વેફર બિ​સ્કિટની વચ્ચે આઇસક્રીમની સ્લાઇસ ભરીને આપવામાં આવે છે. એટલે આ આઇસક્રીમને તમારે ચાટીને કે ચમચીથી નહીં પણ ડાયરેક્ટ સૅન્ડવિચની જેમ ખાવાનો હોય છે. લોકોને તેમની આ સર્વિંગ સ્ટાઇલ પણ ખૂબ આકર્ષે છે.


મલાડમાં રહેતાં ૭૩ વર્ષનાં સુવર્ણા બક્ષી ૧૯૭૩થી કે. રુસ્તમના આઇસક્રીમનો સ્વાદ માણે છે. મુંબઈના આ આઇકૉનિક આઇસક્રીમ પાર્લર સાથે જોડાયેલી યાદોને વાગોળતાં સુવર્ણાબહેન કહે છે, ‘હું મૂળ રાજકોટની છું. પરણીને ૨૧ વર્ષની ઉમંરે મુંબઈમાં સાસરે આવી ગયેલી. એ વખતે અમે ગોરેગામમાં રહેતા હતા. શનિ-રવિવારની રજા હોય ત્યારે હું મારા પતિ સાથે મરીન ડ્રાઇવ ફરવા માટે આવતી. એ વખતે રુસ્તમનો આઇસક્રીમ ખાધા વગર ઘરે જવા માટે ટ્રેન પકડવાની જ નહીં એવો અમારો નિયમ હતો. તેમનો પાન અને બટરસ્કૉચ ફ્લેવરનો આઇસક્રીમ મને ખૂબ ભાવતો. મારી બે દીકરીઓ નાની હતી. તેમને પણ અમે ત્યાં લઈ જઈને આઇસક્રીમ ખવડાવતા. અત્યારે મારી દીકરીઓના ઘરે પણ બે દીકરાઓ છે. તેમને પણ નાનીની જેમ કે. રુસ્તમનો આઇસક્રીમ બહુ ભાવે. હજી ત્રણ મહિના પહેલાં જ અમારા ઘરે મહેમાન આવેલા. તેમની સાથે કારમાં હું સાઉથ મુંબઈમાં ફરવા માટે આવેલી. એ સમયે પણ મેં રુસ્તમનો આઇસક્રીમ ખાધેલો. અમારા મહેમાનોને પણ એ ખૂબ ભાવેલો. આજે મને ૭૩ વર્ષ થવા આવ્યાં છે, પણ કોઈ દિવસ એવું નથી થયું કે ત્યાંનો આઇસક્રીમ ખાધા બાદ શરદી થઈ ગઈ હોય. વર્ષો પછી પણ તેમના આઇસક્રીમનો ટેસ્ટ એવો જ છે.’


કે. રુસ્તમના આઇસક્રીમના ફૅન એવા બોરીવલીમાં રહેતા અને વ્યવસાયે આર્કિટેક્ટ એવા ૬૦ વર્ષના પરેશ શાહ કહે છે, ‘૧૯૮૨-’૮૩ની સાલમાં મેં આર્કિટેક્ચર જૉઇન કર્યું. મારી કૉલેજ પ્રભાદેવીમાં હતી. મારું રહેવાનું મલાડમાં હતું. જનરલી સબર્બમાં રહેતા હોય તેમને સાઉથ મુંબઈમાં એટલું જવાનું થાય નહીં. મારી કૉલેજના સાઉથ મુંબઈમાં રહેતા મિત્રો થકી પહેલી વખત મારે કે. રુસ્તમમાં જવાનું થયેલું. એ પછી તો મારાં લગ્ન થયાં. બાળકો થયાં. તે પણ હવે મોટાં થઈ ગયાં છે. દીકરી પરણી ગઈ છે અને દીકરો પરણવાનો છે. આટલાં વર્ષો વીતી ગયાં છતાં કે. રુસ્તમના આઇસક્રીમનો મોહ હજી છૂટ્યો નથી. મારાં સંતાનોને પણ કે. રુસ્તમનો આઇસક્રીમ બહુ ભાવે. વચ્ચે જ્યારે ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા અને કે. રુસ્તમ વચ્ચે જમીનને લઈને વિવાદ ચાલતો હતો અને કે. રુસ્તમને બંધ કરવાની વાતો થતી હતી ત્યારે પણ મારાં સંતાનોનું પહેલું રીઍક્શન એ જ હતું કે આપણે આ આઇકૉનિક જગ્યા ગુમાવી બેસીશું. સાઉથ મુંબઈ જવાનું થાય તો કે. રુસ્તમનો આઇસક્રીમ ખાધા વગર ન ચાલે. હું મારાં સંતાનોને જેમ કે. રુસ્તમનો આઇસક્રીમ ખવડાવવા માટે લઈ જતો એમ એ લોકો પણ ભવિષ્યમાં તેમનાં સંતાનોને ત્યાં લઈ જશે એની મને ખાતરી છે. એ લોકો સમય-સમય પર આઇસક્રીમની જે ઇનોવેટિવ ફ્લેવર લાવે છે એ બીજે ક્યાંય નહીં મળે.’

કે. રુસ્તમ આઇસક્રીમ સાથેની કૉલેજ સાથે સંકળાયેલી યાદોને શૅર કરતાં પ્રાર્થના સમાજમાં રહેતાં ૫૯ વર્ષનાં અલકા કાણકિયા કહે છે, ‘મને આઇસક્રીમ ખાવાનો ખૂબ શોખ. લગભગ દરરોજ જ આઇસક્રીમ ખાવા જોઈએ. મારું ભણવાનું કે. સી. કૉલેજમાં હતું. એટલે હું અને મારી ફ્રેન્ડ કોકી અમે બન્ને કે. રુસ્તમમાં અવારનવાર આઇસક્રીમ ખાવા પહોંચી જઈએ. આજે પણ હું અને મારી ફ્રેન્ડ મળીએ તો અમે કે. રુસ્તમના આઇસક્રીમને યાદ કરીએ. અત્યારે તો આઇસક્રીમ પાર્લરમાં જાઓ એટલે એકથી એક ઇનોવેટિવ રીતે આઇસક્રીમ સર્વ કરવામાં આવે, પણ એ વખતે એ‍વું નહોતું. એટલે કે. રુસ્તમે બે વેફર બિસ્કિટની વચ્ચે આઇસક્રીમ સર્વ કરીને આપવાનું શરૂ કર્યું ત્યારે એ બહુ ઇનોવેટિવ લાગતું. એમનો ટેસ્ટ વર્ષો પછી પણ એવો જ છે. મને તેમનો સ્ટ્રૉબેરી આઇસક્રીમ બહુ ભાવે. હજી પણ હું સમય મળે ત્યારા મારા ત્રણેય દીકરાઓ સાથે કે. રુસ્તમનો આઇસક્રીમ ખાવા પહોંચી જાઉં.’

અંધેરીમાં રહેતા ૭૦ વર્ષના કિશોર ભુપતાણી તો સ્કૂલ-ટાઇમથી કે. રુસ્તમનો આઇસક્રીમ ખાતા આવ્યા છે. આ આઇકૉનિક આઇસક્રીમ પાર્લર સાથેનાં સંસ્મરણોને તાજાં કરતાં તેઓ કહે છે, ‘હું અગાઉ કાલબાદેવીમાં રહેતો હતો. અમે ભરડા ન્યુ હાઈ સ્કૂલમાં ભણતા. એમાં અમારા પી.ટી.ના સર હતા તે પારસી હતા. તેમનું નામ જાલ પારડીવાલા હતું. તે બૉમ્બે સ્પોર્ટ્‍સ અસોસિએશનના પ્રેસિડન્ટ પણ હતા. પી.ટી.ની બધી જ એક્સરસાઇઝ તેઓ ખૂબ જ ડિસિપ્લિનથી કરાવતા. અમે દસમા ધોરણમાં હતા ત્યારે અમને કે. રુસ્તમનો આઇસક્રીમ ખવડાવવા લઈ ગયેલા. હજી થોડા સમય પહેલાં જ બાવન વર્ષે અમે બધા સ્કૂલ ફ્રેન્ડ્સ મળેલા. અમે સ્કૂલમાં ગયેલા. અમારો જે ક્લાસ હતો એમાં ગયા. જૂની વાતો વાગોળી. શાળામાં જે શિસ્તના પાઠ ભણ્યા એ જીવનમાં અમને બધાને બહુ કામ આવેલા. મારા મિત્રવર્તુળમાં કોઈ ડૉક્ટર, કોઈ CA, કોઈ બિઝનેસમૅન છે. સ્કૂલની સાથે અમે બધા કે. રુસ્તમનો આઇસક્રીમ ખાવા માટે પણ ગયેલા. તેમનો સૅન્ડવિચ આઇસક્રીમ ખાઈને બધાને બહુ જ મજા પડેલી, કારણ કે તેની સાથે અમારું બધાનું એક ઇમોશનલ અટૅચમેન્ટ છે.’  

જોકે ઘણા લોકોને કે. રુસ્તમનો આઇસક્રીમ ઓવરહાઇપ્ડ લાગે છે. તેમનું કહેવું છે કે આનાથી પણ સારાં બીજાં આઇસક્રીમ પાર્લર છે જ્યાં તેમનાથી સસ્તા અને સ્વાદમાં વધુ સારા આઇસક્રીમ મળે છે. આ આઇસક્રીમ પાર્લર સાથે લોકોનાં ઇમોશન્સ જોડાયેલા છે એટલે અહીં આવીને જૂની યાદોને તાજી કરે છે. તમે હજી સુધી કે. રુસ્તમના આઇસક્રીમનો સ્વાદ માણ્યો ન હોય તો જ્યારે ચર્ચગેટ બાજુ આવવાનું થાય ત્યારે ત્યાં જરૂર જજો. તેમના આઇસક્રીમનો ટેસ્ટ માણીને તમે જ નક્કી કરજો કે ત્યાં  ફરી-ફરી જવા જેવું છે કે નહીં.

 રુસ્તમ આઇસક્રીમવાળા ઑનલાઇન પેમેન્ટ ઍક્સેપ્ટ નથી કરતા એટલે ઘરેથી કૅશ લઈને જ નીકળજો. તેમના આઇસક્રીમની પ્રાઇસ-રેન્જ ૫૦થી ૧૦૦ રૂપિયાની વચ્ચે છે. એ સિવાય અહીં બેસીને આઇસક્રીમ ખાવાની વ્યવસ્થા નથી. અહીં સાંજના સમયે લોકોની ભીડ પણ બહુ હોય છે. 

Whatsapp-channel Whatsapp-channel

17 May, 2025 11:02 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK