નવી દિલ્હીમાં કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા આયોજિત રાષ્ટ્રીય પરિષદમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય : ભારતીય ફિલ્મઉદ્યોગને પણ આ દેશોમાં શૂટિંગ કરવાનું ટાળવાનું આહ્વાન
ગઈ કાલે દિલ્હીમાં વેપારીઓની રાષ્ટ્રીય પરિષદમાં CAITના ફાઉન્ડર, સેક્રેટરી જનરલ અને BJPના સંસદસભ્ય પ્રવીણ ખંડેલવાલ પાર્ટીનાં સિનિયર નેતા સ્મૃતિ ઈરાની સાથે.
ભારતીય વેપારી સમુદાય હંમેશાં રાષ્ટ્ર સાથે ખભેખભા મિલાવીને ઊભો રહ્યો છે. કોઈ પણ દેશ શાંતિના દુશ્મનો સાથે ઊભા રહીને ભારતની અખંડિતતાને પડકારવાનું સાહસ કરશે ત્યારે અમે અમારા હાથમાં રહેલું આર્થિક બહિષ્કારનું સૌથી મજબૂત શાંતિપૂર્ણ હથિયાર વાપરીને એનો જવાબ આપીશું.
આવા આક્રોશ સાથે ગઈ કાલે નવી દિલ્હીમાં વેપારીઓની રાષ્ટ્રીય પરિષદમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આર્થિક રાષ્ટ્રવાદના આકર્ષક પ્રદર્શનમાં ભારતભરના ૧૨૫થી વધુ ટોચના વેપાર નેતાઓએ આ ઠરાવમાં ટર્કી અને અઝરબૈજાન સાથેના તમામ વ્યાપારિક, મુસાફરી અને સાંસ્કૃતિક સંબંધોના બહિષ્કારની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
આ કૉન્ફરન્સનું આયોજન કરનાર કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ આગળ વધીને ભારતીય ફિલ્મઉદ્યોગને આ દેશોમાં શૂટિંગ કરવાનું ટાળવાનું આહ્વાન કર્યું હતું અને ચેતવણી આપી હતી કે ત્યાં કરવામાં આવતી કોઈ પણ ફિલ્મ કે પ્રોડક્ટના શૂટિંગે જાહેર અને વ્યાવસાયિક પ્રતિક્રિયાનો સામનો કરવો પડશે.
ચોવીસ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતા CAITના સેક્રેટરી જનરલ અને સંસસભ્યદ પ્રવીણ ખંડેલવાલે કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘દુર્ભાગ્યપૂર્ણ છે કે ટર્કી અને અઝરબૈજાન જેણે સંકટના સમયે ભારતની સદ્ભાવના, સહાય અને વ્યૂહાત્મક સમર્થનનો લાભ મેળવ્યો છે એણે હવે પાકિસ્તાનનો પક્ષ લેવાનું પસંદ કર્યું છે. જે દેશ આતંકવાદને સમર્થન આપવા માટે વૈશ્વિક સ્તરે જાણીતો છે એને ભારતીય વેપારનેતાઓ વિશ્વાસઘાત તરીકે જોઈ રહ્યા છે. તેમનું આ વલણ ભારતના સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય હિતને નુકસાન પહોંચાડે છે. સાથોસાથ ૧૪૦ કરોડ ભારતીયોની લાગણીઓનું, ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કરવામાં આવેલી સદ્ભાવનાનું અપમાન કરવા સમાન છે.’
CAITના મુખ્ય નિર્ણયો
માલનો બહિષ્કાર : ટર્કી અને અઝરબૈજાન સાથે સંકળાયેલા માલની આયાત અને નિકાસ પર તાત્કાલિક રોક.
વેપારસંબંધો પર રોક : ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળો અને બન્ને દેશોની કંપનીઓ સાથેના સોદાઓને નિરુત્સાહી કરવામાં આવશે.
પ્રવાસન પ્રતિબંધ : પ્રવાસ-વ્યાવસાયિકો અને એજન્સીઓ બન્ને દેશોને પર્યટન અથવા વ્યવસાય માટે પ્રોત્સાહન આપવાનું બંધ કરશે.
નીતિગત દબાણ : દ્વિપક્ષી વેપાર સંબંધોની વ્યાપક સમીક્ષા કરવા વિનંતી કરતું એક મેમોરેન્ડમ વાણિજ્ય અને વિદેશ મંત્રાલયને મોકલવામાં આવશે.
રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અભિયાન : રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક સાર્વભૌમત્વ પર ભાર મૂકતાં CAIT બહિષ્કાર પર જાહેર એકત્રીકરણનું નેતૃત્વ કરશે.

