અમે પાંચ ગણા પૈસા ચૂકવીને પ્રવાસ કરીએ છીએ ત્યારે રેલવે કર્મચારીઓ મફતમાં પ્રવાસ કરે એ કઈ રીતે ચલાવી લેવાય?
AC લોકલ ટ્રેનના પ્રવાસીએ આક્ષેપ કર્યા બાદ TTEએ રેલવે-કર્મચારીઓને સીટ પરથી ઊભા થઈ જવા કહ્યું અને તેમને છાવરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં ઝઘડા થવા એ કાંઈ નવીનવાઈની વાત નથી, પણ રેલવેના કર્મચારીઓને ઍર-કન્ડિશન્ડ (AC) ટ્રેનમાં મફત પ્રવાસ કરતા જોઈને અન્ય પ્રવાસીએ આક્ષેપ કર્યો હતો અને ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર(TTE)ને ફરિયાદ કરી ત્યારે તેમણે પણ ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો. આક્ષેપ કરનાર એ પ્રવાસીએ આ ઘટનાનો વિડિયો બનાવ્યો હતો અને એ સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.
આ ઘટના સેન્ટ્રલ રેલવેના દાદર સ્ટેશને ૫.૧૨ વાગ્યાની અંબરનાથ AC લોકલ ટ્રેનમાં બની હતી. સાંજનો સમય હતો એટલે ટ્રેનમાં ગિરદી હતી. થાણે આવ્યું ત્યારે ટ્રેનમાં ચાર TTE ચડ્યા હતા. ચાર પ્રવાસીઓ સીટ પર બેઠા હતા અને તેઓમાંના એકના ખિસ્સામાં નૅશનલ મઝદૂર રેલવે યુનિયનનું કાર્ડ હતું. TTE તેમની પાસે ગયો, પણ તેમની પાસે ટિકિટ કે પાસ માગ્યાં નહોતાં એટલે એક પ્રવાસીએ આક્ષેપ કર્યો કે તમે તેમની પાસે ટિકિટ કે પાસ કેમ ન માગ્યાં? તેઓ રેલવે-કર્મચારી છે એટલે શું તમે તેમનાં ટિકિટ-પાસ ચેક નહીં કરો? અમે જ્યારે પાંચ ગણા પૈસા ચૂકવીએ છીએ ત્યારે એ લોકો મફતમાં શા માટે પ્રવાસ કરે છે? તમે કેમ કોઈ ઍક્શન નથી લેતા? ત્યારે તેઓમાંના એક રેલવે-કર્મચારીએ કહ્યું કે હવે આ કહેશે એટલે શું તમે અમારી પાસે ટિકિટ-પાસ માગશો? આટલું થવા છતાં જ્યારે TTEએ તેમની પાસે ટિકિટ-પાસ ચેક કર્યાં નહીં ત્યારે આખરે એ પ્રવાસી તેમનો વિડિયો ઉતારવા માંડ્યો. એ પછી TTEએ તેમનાં ટિકિટ-પાસ માગ્યાં ત્યારે એક કર્મચારીએ તેનો પાસ (ગ્રીન પાસ) બતાવ્યો હતો. જ્યારે બાકીના રેલવે-કર્મચારીઓે ત્યાંથી ઊભા થઈને આગળ ચાલ્યા ગયા ત્યારે પેલા પ્રવાસીએ કહ્યું કે આ લોકોની રિસીટ કેમ નથી ફાડતા? તેમને કેમ પેનલ્ટી ભરવા નથી કહેતા? જોકે TTEએ તેને ગણકાર્યો નહીં. એક TTEએ એક કર્મચારીનો ગ્રીન પાસ બતાવીને કહ્યું કે અમે બધાને ચેક કરીએ છીએ.
ADVERTISEMENT
રેલવે શું કહે છે?
આ બાબતે જ્યારે સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર ડૉ. સ્વપ્નિલ નીલાનો સંપર્ક કરી પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચોક્કસ ગ્રેડ પછી રેલવેના કર્મચારીઓને ગ્રીન પાસ આપવામાં આવે છે. એ કર્મચારી પાસે ગ્રીન પાસ હતો. આ ઘટનાનાના TTEએ એ દરેક કર્મચારીના પાસ ચેક કરવા જરૂરી હતા. અમે એ માટે એ TTEને બોલાવ્યો હતો અને તેને કહ્યું હતું કે તમારે દરેક પ્રવાસી, પછી તે ભલે રેલવેનો કર્મચારી કેમ ન હોય, તેમનાં ટિકિટ-પાસ ચેક કરવાં જ જોઈએ.’

