LoC પાસે ફરતી જોવા મળતાં જાસૂસી કરતી હોવાની શંકા
પ્રતીકાત્મક તસવીર
નાગપુરથી ૧૫ વર્ષના પુત્ર સાથે ટૂર પર નીકળેલી એક મહિલા કારગિલના છેલ્લા ગામ હુંદરબનથી રહસ્યમય રીતે પુત્રને હોટેલમાં મૂકીને ગાયબ થવાથી સુરક્ષા એજન્સીની ઊંઘ ઊડી ગઈ છે. મહિલા પુત્ર સાથે લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) પાસે ફરતી જોવા મળી હતી એટલે મહિલા જાસૂસ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ૧૦થી ૧૪ મે દરમ્યાન ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. સીઝફાયર જાહેર કરવામાં આવ્યાની સવારે જ આ મહિલા હોટેલમાં પુત્રને મૂકીને જતી રહેતાં સિક્યૉરિટી એજન્સી આ મહિલાને શોધી રહી છે. કારગિલના પોલીસ-અધિકારી નીતિન યાદવે જણાવ્યું હતું કે ‘નાગપુરની મહિલા ૯ મેએ ૧૫ વર્ષના પુત્ર સાથે કારગિલ પહોંચી હતી. બન્ને સ્થાનિક હોટેલમાં રોકાયાં હતાં. પૂછપરછમાં પુત્રે કહ્યું છે કે તેણે તેની મમ્મી સાથે કેટલાક દિવસથી બૉર્ડરની આસપાસના વિસ્તારમાં યાત્રા કરી હતી અને એ પહેલાં પંજાબના બૉર્ડર એરિયામાં તેઓ ગયાં હતાં.’ એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ મહિલાએ જાણીજોઈને સીમા પર કરી હશે અથવા તો કોઈ સીક્રેટ ઑપરેશનમાં તે સામેલ હશે. શક્ય છે કે તે કોઈ દુર્ઘટનાનો શિકાર પણ બની હોય. મહિલાના પરિવાર સાથે સંપર્ક કરવામાં આવ્યો છે અને તેને શોધવા માટે વિશેષ સર્ચ ટીમ બનાવવામાં આવી છે.

