એકલા જમવું એ ક્યારેક વ્યસ્તતાનું પરિણામ હોય તો વાંધો નથી પરંતુ જ્યારે એકલા જમવું મજબૂરી બને છે, દુનિયાથી ભાગવાનું બહાનું બને છે ત્યારે એ માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે.
ધનજી શાહ પત્ની પ્રવીણાબહેન સાથે.
માણસ એક સામાજિક પ્રાણી છે. તેને બીજા મનુષ્યો સાથે કનેક્ટ કરવાની સતત જરૂર રહે છે. ફૂડ આ કનેક્શનને સરળ બનાવે છે. એકલા જમવું એ ક્યારેક વ્યસ્તતાનું પરિણામ હોય તો વાંધો નથી પરંતુ જ્યારે એકલા જમવું મજબૂરી બને છે, દુનિયાથી ભાગવાનું બહાનું બને છે ત્યારે એ માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. આ રીતે વ્યક્તિ વધુ ને વધુ એકલી બનતી જાય છે અને ડિપ્રેશન જેવી તકલીફોને આવકારે છે
હાલમાં અનુપમ ખેરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમને એકલા જમવું બિલકુલ પસંદ નથી. તેમને હંમેશાં લોકોની સાથે જમવું ગમે છે. તેમણે કહ્યું હતું કે તેમના દાદા એવું માનતા હતા કે એકલા જમનારી વ્યક્તિ જેટલું એકલું કોઈ નથી. તેમણે કહ્યું કે પ્લેટમાં જમવાનું હોય, તમે રોટલી તોડો, એમાં દાળ અને શાક ભેળવો ત્યાં સુધી તો તમે કંઈ કરી રહ્યા છો પણ જ્યારે એ ટુકડાને મોઢામાં મૂકો એ પછી તમારી પાસે કરવા માટે કંઈ નથી; બસ, તમે એને ચાવો છો. તેમને એમ ગમતું નથી. તેમણે કહ્યું હતું કે તેમને માણસો ગમે છે અને તેમની વચ્ચે રહેવું ગમે છે, માણસો સાથે કનેક્ટ થવું પણ ગમે છે.
ADVERTISEMENT
જમવું એ માણસની મૂળભૂત જરૂરિયાતોમાં આવે છે. ભૂખ લાગે અને ખાઈ લીધું. પણ આપણે ત્યાં એ ફક્ત મૂળભૂત જરૂરિયાત નથી. ભારત દેશમાં ખોરાકનું જે મહત્ત્વ છે એ ઘણું જુદું છે. આપણે કોઈ દિવસ કોઈ વ્યક્તિને મળવા જઈએ તો કશું ખાધા-પીધા વગર મળવાનું બને નહીં. કોઈને મળવું કે વાત કરવી એમાં ફૂડ એક અતિ મહત્ત્વનો ભાગ બની જતો હોય છે. હૉસ્પિટલમાં બીમાર માણસની ખબર કાઢવા જતા લોકો પણ તેમના માટે ફળ લઈ જતા હોય છે. ઉત્સવો કે તહેવારમાં આપણે એકબીજાને ઘરે મળવા જઈએ ત્યારે મીઠાઈઓ લઈ જતા હોઈએ છીએ. પાર્ટી કે ગેટ-ટુગેધર કરીએ ત્યારે આપણે લોકોને જમવા ઘરે બોલાવીએ છીએ. મિત્રને મળવાનું હોય તો આપણે ચાની ટપરી પર ચા ને વડાપાંઉ ખાતાં-ખાતાં મળીએ છીએ તો કોઈ ક્લાયન્ટને મળવું હોય તો કૉફી-શૉપમાં ગોઠવીએ છીએ. મોટી-મોટી બિઝનેસ મીટિંગમાં પણ એક સેટ ફૂડ-મેનુ હોય છે. કોઈના ઘરે જઈએ તો જમ્યા વગર તે તમને પાછા ન મોકલે. અમથું જ મળવા ગયા હોય તો પણ ચા-નાસ્તો તો હોય જ. અને એ પણ ન કરો તો કંઈક તો લો એમ કહીને બે દાણા મોઢામાં મૂકવાનો રિવાજ આપણે ત્યાં છે. ફૂડ ફક્ત પોષણ નથી, કનેક્શન છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે જોડતું કનેક્શન. બે વ્યક્તિઓ કે વ્યક્તિઓનું આખું ઝુંડ ફૂડના માધ્યમથી એકબીજા સાથે જોડાતું હોય છે.
જમવામાં સાથે કોઈ તો જોઈએ જ
અનુપમ ખેરની જેમ ઘણા લોકોને એકલા જમવું બિલકુલ ગમતું નથી. પાર્લામાં રહેતાં ૫૯ વર્ષનાં હેમલ પટેલ એ વ્યક્તિઓમાંના એક છે જેમનાથી ઓછી રસોઈ બને જ નહીં. જેટલું જરૂરી હોય એના કરતાં તે વધુ જ બનાવે, કારણ કે લોકો સાથે વહેંચીને ખાઈ શકાય. તેઓ ૩૩ વર્ષનાં હતાં ત્યારે તેમના પતિનો દેહાંત થઈ ગયો હતો. એકલા હાથે તેમણે તેમના દીકરાને ઉછેર્યો. આજે દીકરો સર્જ્યન છે અને પરણી પણ ગયો છે. વહુ અને દીકરો કામ પરથી ઘરે ૧૦ વાગ્યે આવે તો અઢળક મમ્મીઓની જેમ હેમલબહેન પણ બન્નેની રાહ જુએ છે અને સાથે જ જમે. પરંતુ એ બન્ને ન હોય ત્યારે શું કરો? એ પ્રશ્નનો જવાબ આપતાં હેમલબહેન કહે છે, ‘એ બન્ને ન હોય ત્યારે હું માણસો શોધતી હોઉં કે આજે કોની સાથે જમું. મારી મિત્રોને ઘરે બોલાવી લઉં કે તેમની સાથે બહાર જતી રહું. હું ઘરે ટ્યુશન લઉં છું. એ છોકરાઓ મારી કંપની બની જાય. કંઈ ન મેળ પડે તો પાડોશીઓ સાથે વાટકી-વહેવાર પણ ઘણો. એટલે તેમની કંપની પણ મળી જાય. જો કંઈ જ ન થઈ શકે તો મારી કામવાળીને સાથે બેસાડી દઉં. તેને કહું કે તું આજે અહીં જ જમી લે.’
પોતાની આ આદત વિશે વાત કરતાં હેમલબહેન કહે છે, ‘નાનપણથી જ હું એવી હતી. મારા ઘરે પિયરમાં બધાને સાથે જ જમવાનો રિવાજ છે એટલે એકલા જમવાનું મને ક્યારેય ગમતું નહીં. મારાં દાદીજી સાસુ કમળાબા અને હું હંમેશાં સાથે જ જમતાં. આજે તે નથી પણ જમતી વખતે તેમને ખાસ હું યાદ કરી લઉં છું. સાથે જમવાથી જે પ્રેમ અને સ્નેહની આપ-લે થાય એ એકલા જમવામાં થતી નથી. મારે મન જમવાનું મહત્ત્વ ઓછું અને સાથે જમવાનું મહત્ત્વ ઘણું વધુ છે.’
ચૂપચાપ જમાતું નથી
વિલે પાર્લેમાં રહેતા ૬૭ વર્ષના ધનજી શાહને મિત્રો સાથે ખાવુંપીવું ખૂબ ગમે. અલગ-અલગ પ્રોગ્રામ બનાવી નાસ્તાપાર્ટીઓ કરવાની મોજ તેમને ગમે છે. ગાર્ડનમાં ચાલવા જાય ત્યાં તેમનું એક સિનિયર સિટિઝન ગ્રુપ સરસ જામી ગયું છે. તેમની સાથે અવારનવાર નાસ્તાપાર્ટી થતી રહે છે. એ વિશે વાત કરતા ધનજીભાઈ કહે છે, ‘જલેબી-ફાફડા મારાં ફેવરિટ. પણ એકલા ખાઉં તો ગળે ન ઊતરે, મિત્રો સાથે હોય તો એ જ જલેબી-ફાફડા લિજ્જતથી ખાઈ શકાય. મિત્રો સાથે હોવાથી જાણે એમાં સ્વાદ આવી જતો હોય છે.’
આજકાલ મોટા ભાગે કપલ્સ સાથે જમતાં હોય છે પણ ધનજીભાઈનાં પત્ની પ્રવીણાબહેન ઘરમાં બધાંને ગરમ જમાડતાં અને પછી તે જમતાં. છેલ્લાં સાત-આઠ વર્ષથી એમાં પરિવર્તન આવ્યું છે. એ વિશે વાત કરતાં ધનજીભાઈ કહે છે, ‘બાળકો મોટાં થઈ ગયાં. બધા કામે જતા રહે. અમે બન્ને જ ઘરે હોઈએ. અમારી જવાબદારીઓ પણ ઘટી ગઈ એટલે હવે અમને લાગે છે કે અમે સાથે જીવી લઈએ. આ વિચાર સાથે મેં તેને કહ્યું કે તારો આગ્રહ છે કે મને ગરમ રોટલી જમાડવી પણ મારો આગ્રહ એ છે કે આપણે બન્ને સાથે બેસીને જમીએ. એ દિવસથી અમે સાથે જ જમીએ છીએ. વાતો કરતાં-કરતાં, એકબીજાને મેણાંટોણા મારતાં-મારતાં, ઉલ્લાસ કરતાં-કરતાં જમીએ એટલે પચી પણ જાય છે. હવે એકલા જમવું બિલકુલ ગમતું નથી. એ ક્યારેક ન હોય તો હું રાહ જોઉં પણ જમી ન લઉં. ચૂપચાપ હવે જમાતું નથી.’

એકલતા
મુંબઈ જેવા શહેરમાં વ્યક્તિ ઘણી એકલી હોય એ સમજી શકાય. અઢળક લોકો છે જેને જમવાનો સમય નથી તે ટ્રેનમાં જર્ની કરતાં-કરતાં ડબ્બો ખોલી ખાઈ લેતા હોય છે. કામ ક્યારેક એટલું હોય કે ડેસ્ક પર જ કામ કરતાં-કરતાં ડબ્બો ખોલી બે મિનિટમાં લંચ પતાવી લેનાર પણ ઘણા લોકો છે. દુકાનમાં ઘરાકી વધુ હોય તો ગોડાઉનમાં બે મિનિટમાં દાળ-ભાત મિક્સ કરીને ખાઈ લેનાર દુકાનદારો માટે એ સહજ રૂટીન પ્રક્રિયા બની જતી હોય છે. બધા કામ પર નીકળી ગયા હોય ત્યારે ઘરે રહેનારી વ્યક્તિ એકલી જ જમતી હોય છે. તો શું તે એકલા છે? આ પ્રશ્નનો જવાબ આપતાં એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના સાઇકોલૉજિસ્ટ નરેન્દ્ર કિંગર કહે છે, ‘ના, એવું નથી. વ્યસ્તતાને એકલતા ન કહી શકાય, પણ અતિ વ્યસ્ત લોકો ધીમે-ધીમે એકલતા તરફ પ્રયાણ કરે છે એ વાત પણ એટલી જ સાચી છે. એટલે જ પરિવારનું કનેક્શન જાળવી રાખવા એવું કહેવામાં આવે છે કે આખા દિવસનું એક સમયનું ભાણું તમે સાથે લો. કોઈ વ્યક્તિ વ્યસ્તતાને કારણે કે જાતે પોતાની ઇચ્છાથી એકલી જમતી હોય તો એમાં કોઈ તકલીફ નથી. ઘણી વાર તમે ત્રસ્ત થઈ જાઓ કે તમને એકલા જ ખૂબ મજા આવતી હોય તો એકલા જમવું ખોટું નથી; પણ જો એ તમારી ચૉઇસ નહીં, મજબૂરી છે તો પ્રૉબ્લેમ છે. માણસ એક સામાજિક પ્રાણી છે. તેને બીજા માણસો સાથે કનેક્ટેડ રહેવાની જરૂર રહે છે. એ તેની મેન્ટલ હેલ્થને ટકાવી રાખવા માટે જરૂરી છે. એકલા જમો કે બધાની સાથે, તમે લોકો સાથે કનેક્ટેડ કેટલા છો એ જોવું જરૂરી છે. સાથે જમવું એ સરળ રીત છે કનેક્ટ થવાની. જો તમે એકલા હો, ડિપ્રેસ્ડ હો કે મૂડ ખરાબ હોય તો ૧૦૦ ટકા તમારે તમારી ગમતી વ્યક્તિ સાથે જ જમવું. એ તમારા માટે રેમેડી સાબિત થઈ શકે છે.’
ક્યારે એકલા જમવું એ એકલતાની નિશાની બને છે? આ પ્રશ્નનો જવાબ આપતાં નરેન્દ્ર કિંગર કહે છે, ‘એ દેખાડે છે કે તમને દુનિયાથી મતલબ નથી. તમે બને એટલા લોકોથી દૂર ભાગી રહ્યા છો, જે તમારી એકલતામાં વધારો કરે છે. તમે આહત થઈને, દુનિયાથી ત્રાસીને, થોડી શાંતિની શોધમાં એકલા જમો તો એમાં કશું ખોટું નથી. આમ એકલા જમવું એ પ્રૉબ્લેમ નથી જ. પણ આવા એપિસોડ એકાદ વાર થાય તો ઠીક છે. એ તમારી પૅટર્ન બની જાય, તમને એમ જ રહેવું ગમવા લાગે તો એ તકલીફ છે. તો કહી શકાય કે એ તમારી માનસિકતા પર નકારાત્મક અસર કરી રહ્યું છે.’

સર્વે
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર જ્યારે તમે તમારી મરજીથી નહીં, મજબૂરીથી એકલા જમતા હો તો એ તમને એકલતા કે ડિપ્રેશન તરફ લઈ જાય છે અને માનસિક હેલ્થ પર નકારાત્મક અસર પાડે છે. આ સર્વેમાં જે લોકો પરિવાર સાથે મળીને ડિનર કરતા હતા એના કરતાં જે લોકો એકલા ડિનર કરતા હતા તેઓ પર ડિપ્રેશન અને આપઘાતના વિચારો આવવાનું પ્રમાણ ૨૨.૯ ટકા જેટલું વધુ જોવા મળ્યું હતું; જેમાં સંશોધકોએ રેકમન્ડેશન આપ્યું હતું કે એક વયસ્ક વ્યક્તિની મેન્ટલ હેલ્થ સુધારવી હોય કે સ્વસ્થતા ટકાવવી હોય તો સાથે ડિનર કરવું એક રેમેડીનું કામ કરી શકે છે.


