ગુજરાતી છોકરાઓએ ઑસ્ટ્રેલિયામાં પ્રૂફ પીઝેરિયા નામની ઑથેન્ટિક પીત્ઝાની રેસ્ટોરાં શરૂ કરી અને યુરોપિયનોનાં દિલ જીતી લીધાં.
ઑસ્ટ્રેલિયામાં પીત્ઝા
મારા નાટકની ઑસ્ટ્રેલિયાની ટૂર તો પૂરી થઈ ગઈ અને હું ઇન્ડિયા પણ આવી ગયો પણ નીકળતાં પહેલાં મેં ઑસ્ટ્રેલિયામાં કરેલો એક અદ્ભુત ફૂડ-એક્સ્પીરિયન્સ મારે તમારી સાથે શૅર કરવો છે, એ શૅર કરતાં પહેલાં મારે તમને કહેવું છે કે સામાન્ય રીતે હું પીત્ઝા, પાસ્તા અને બર્ગર ખાવાનું અવૉઇડ કરું. આપણે એને જન્ક ફૂડ કહીએ છીએ અને જન્ક ન ખાવું જોઈએ એવું ડૉક્ટર આપણને સતત કહેતા હોય છે. જોકે આ નનૈયો હું સાંભળું ત્યારે મને દર વખતે થાય કે આવું કેમ? જેને આપણે જન્ક કહીએ છીએ એ તો ઇટલી અને યુરોપના લોકોનો રોજનો ખોરાક છે, તેમને તો એ જન્ક નુકસાન નથી કરતું.
મારા આ સવાલનો જવાબ મને મેલબર્નના પ્રૂફ પીઝેરિયામાં મળ્યો. ઇટલીમાં ઘરેઘરમાં રોજ પીત્ઝા ખવાય પણ એ લોકો જે મેંદો વાપરે છે એ એકદમ સારી ક્વૉલિટીનો હોય છે. બીજી વાત, મેંદાના લોટમાંથી જે કણક એ લોકો બનાવે છે એને એ લોકો ચાર દિવસ માટે મૂકી દે અને ચાર દિવસ પછી એ લોટ વાપરે. ઇટલીમાં આને સ્ટેઇંગ પ્રોસેસ કહે છે અને પીત્ઝા બનાવવામાં આ સ્ટેઇંગ પ્રોસેસ બહુ મહત્ત્વની છે. ચાર દિવસ કણક પડી રહે એટલે એમાં આપોઆપ આથો આવી જાય, જેને લીધે એમાં યીસ્ટ નથી નાખવું પડતું, કારણ કે યીસ્ટ શરીર માટે નુકસાનકર્તા છે. ત્રીજી વાત, ઇટલીમાં મોટા ભાગે માર્ગરિટા પીત્ઝા જ ખવાય છે. આ પીત્ઝામાં બ્રેડ, ટમૅટોની પ્યુરી અને મોઝરેલા ચીઝ જ હોય. પીત્ઝામાં વપરાતી ટમૅટો પ્યુરી એ લોકો ત્યારે ને ત્યારે જ બનાવે અને એટલું જ નહીં, મોઝરેલા ચીઝ પણ એ લોકો ઘરમાં જ બનાવે અને પીત્ઝામાં તાજેતાજું ચીઝ નાખે. આપણે ત્યાં પીત્ઝા પર ચીઝનો ડુંગરો ખડકી દેવામાં આવે પણ ઇટલી અને યુરોપમાં નામ પૂરતું ચીઝ નાખે. યુરોપમાં તો મેં જોયું છે કે તમે એક્સ્ટ્રા ચીઝનું કહો કે તરત તમને તે પૂછે, ઇન્ડિયન?
પીત્ઝાની હજી એક વધુ વાત કહું. ઇટલી અને યુરોપમાં વુડફાયરમાં પીત્ઝા બને, જેને લીધે સ્વાદમાં પણ ફરક પડે અને અમુક પૌષ્ટિક સત્ત્વો પણ અકબંધ રહે છે.
પ્રૂફ પીઝેરિયાની ઑસ્ટ્રેલિયામાં ત્રણ બ્રાન્ચ છે પણ હું જે બ્રાન્ચ પર ગયો હતો ત્યાં ગુજરાતીઓની વસ્તી નામપૂરતી. એ એરિયામાં ફૉરેનર્સ પુષ્કળ રહે છે અને એ લોકોની આ ફેવરિટ પીત્ઝા-શૉપ છે.
આ પ્રૂફ પીઝેરિયા આપણા બે ગુજરાતી છોકરાઓએ શરૂ કરી છે. એ લોકો બધા ઇન્ગ્રીડિઅન્ટ્સ અને મેંદાનો લોટ સુધ્ધાં ઇટલીથી મગાવે અને એ જ પ્રોસેસ ફૉલો કરે જે ઇટલીમાં ફૉલો કરવામાં આવે છે. એને લીધે સ્વાદમાં જબરદસ્ત ઑથેન્ટિસિટી છે. મેં ત્યાં જઈને સૌથી પહેલાં માર્ગરિટા પીત્ઝા મગાવ્યો. એ જે પીત્ઝાનો બેઝ હતો એ બેઝ આપણી તંદૂરી રોટી જેટલો જાડો હતો. હા, તમારે એ ટુકડો બે હાથે જ પકડવો પડે. નહીં તો એ વાંકો વળી જાય. એમાં ચીઝ નામ પૂરતું અને એકદમ તાજી બનેલી ટમૅટો પ્યુરીનો સ્વાદ. સાહેબ, સાચે જ મજા આવી ગઈ. થયું કે આપણે ત્યાં તો પીત્ઝાના નામે શું ભળતું-સળતું ખવડાવે છે. આ જે પીત્ઝા હતો એની કિંમત ૨૮ ડૉલર હતી. સામાન્ય રીતે ઑસ્ટ્રેલિયામાં બીજા પીત્ઝા ૮ ડૉલરમાં મળતા હોય છે. સમજી જાઓ, કેટલો મોંઘો! અને સ્વાદમાં એટલો જ અવ્વલ. એ પછી જે મેં બીજો પીત્ઝા ટ્રાય કર્યો એ હતો મશરૂમ પીત્ઝા. આ મશરૂમ પીત્ઝામાં ઉપરથી બ્લૅક વિનેગર નાખ્યો હતો. સામાન્ય રીતે વિનેગર ખાટો હોય પણ આ બ્લેક વિનેગર સહેજ સ્વીટ હતો. મશરૂમ પીત્ઝા જેવો પીત્ઝા મેં મારી લાઇફમાં પહેલાં ક્યારેય ટ્રાય નહોતો કર્યો.
મેં પાસ્તા પણ ટ્રાય કર્યા. એ નોકી પાસ્તા હતા. એમાં બૉઇલ કરેલા બટાટા પણ હતા. વાઇટ સૉસમાં બનેલા એ પાસ્તાની તો રેસિપી પણ મેં ઇન્ડિયામાં જોઈ નથી. સૌથી છેલ્લે મેં આઇસક્રીમ મગાવ્યો. આ આઇસક્રીમને ઇટલીમાં જીલાટો કહે. જીલાટો એટલે આઇસક્રીમ પણ બરફનો આઇસક્રીમ, એમાં દૂધ ન હોય. લેમન જીલાટોનો ચટાકો તો અત્યારે આ લખતી વખતે પણ મારા મોઢામાં બોલે છે. આપણને એમ થાય કે આટલી સરસ રેસિપી તૈયાર મળે છે તો પછી શું કામ આપણે ત્યાં એને બદલી નાખવામાં આવતી હશે. ઇટલીમાં જો તમારે આપણા જેવો આઇસક્રીમ ખાવો હોય તો મિલ્ક-આઇસક્રીમ માગવાનો. બાકી તમારી સામે બરફનો જ આઇસક્રીમ એટલે કે ગોળો જ આવે.

