ગૂગલપેથી પેમેન્ટ કરવા રિક્ષા-ડ્રાઇવરને મોબાઇલ આપ્યો અને તેણે તકનો ગેરલાભ ઉઠાવીને લૉયરને ચૂનો ચોપડી દીધો
ફાઈલ તસવીર
ટૂંકી નજર ધરાવતા લૉયરે રિક્ષા-ડ્રાઇવરને પેમેન્ટ કરવા જતાં ૯૦,૫૧૮ રૂપિયા ગુમાવ્યા હોવાની ઘટના ૧૦ મેએ બની હતી. એમાં બાંદરાના પેરી ક્રૉસ રોડ પર રહેતા ૩૦ વર્ષના કૉર્પોરેટ લૉયર અમૂલ્ય શર્માએ ૯૦,૫૧૮ રૂપિયા ગુમાવ્યા હતા.
૧૦ મેએ અમૂલ્ય શર્મા અંધેરીની એક રેસ્ટોરાંમાં ફ્રેન્ડ સાથે રાતે ૧૨.૩૦ વાગ્યે ગયો હતો. વહેલી સવારે ૫.૪૫ વાગ્યે તેણે ઘરે આવવા રેસ્ટોરાંની બહારથી જ રિક્ષા પકડી હતી. અમૂલ્ય શર્મા તેનાં ચશ્માં રેસ્ટોરાંમાં ભૂલી ગયો હતો. રિક્ષા-ડ્રાઇવર તેને ફેરવી-ફેરવીને લાંબા રૂટથી બાંદરા લઈ આવ્યો હતો. એ પછી રિક્ષા-ડ્રાઇવરે તેની પાસે ૧૫૦૦ રૂપિયાનું ઊધડું ભાડું માગ્યું હતું. અમૂલ્ય શર્માએ પહેલાં તો આનાકાની કરીને ફક્ત ૫૦૦ રૂપિયા આપવાનું વલણ અપનાવ્યું હતું. રિક્ષા-ડ્રાઇવરે બહુ જીભાજોડી કરવા માંડતાં આખરે અમૂલ્ય શર્માએ તેને ૧૫૦૦ રૂપિયા આપવાનું ઍક્સેપ્ટ કરી લીધું હતું. અમૂલ્ય શર્માની નજર ટૂંકી હોવાથી તે ચશ્માં વગર મોબાઇલ ફોન પર ગૂગલપે ઑપરેટ કરી શકે એમ નહોતો એટલે તેણે તેનો મોબાઇલ રિક્ષા-ડ્રાઇવરને આપ્યો અને ગૂગલપેથી ૧૫૦૦ રૂપિયા લેવા કહ્યું હતું. એ માટે તેણે તેનો ગૂગલપેનો પિન પણ તેને કહ્યો હતો. રિક્ષા-ડ્રાઇવરે તકનો ગેરલાભ લઈને તેના અકાઉન્ટમાંથી ગૂગલપે મારફત ૯૦,૫૧૮ રૂપિયા મોહમ્મદ ફુકરાન શેખના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને મોબાઇલ અમૂલ્ય શર્માને પાછો આપી દીધાે હતો. ઘરે જઈને અમૂલ્ય સૂઈ ગયો હતો. ઊઠીને જ્યારે તેણે મોબાઇલ ચેક કર્યો ત્યારે તેને જાણ થઈ હતી કે રિક્ષા-ડ્રાઇવરે તેના અકાઉન્ટમાંથી ૯૦,૫૧૮ રૂપિયા સેરવી લીધા હતા. એથી તેણે તરત જ પોતાની બૅન્કને એ ટ્રાન્ઝૅક્શન વિશે જાણ કરી હતી. જોકે તેણે કામ માટે ચંડીગઢ જવું જરૂરી હોવાથી તે ચંડીગઢ જવા નીકળી ગયો હતો અને ત્યાંથી પાછા આવ્યા બાદ બાંદરા પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ કરી હતી.
ADVERTISEMENT
બાંદરા પોલીસે કહ્યું હતું કે ‘અમે ચેક કર્યું હતું કે ફરિયાદીના અકાઉન્ટમાંથી પૈસા ગૂગલ પેમેન્ટથી વિધડ્રૉ થઈને મોહમ્મદ ફુકરાન શેખના ખાતામાં ગયા હતા. બૅન્કમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે એ પૈસા બીજાં અનેક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને એમાંથી પણ ઉપાડી લેવામાં આવ્યા હતા. અમે હવે મોહમ્મદ ફુકરાન શેખ (જે પોતે રિક્ષા-ડ્રાઇવર હોવાની શંકા છે)ને શોધી રહ્યા છીએ. એની સાથે જ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન કૅમેરાનું ફુટેજ મેળવીને એના આધારે પણ રિક્ષા-ડ્રાઇવરની શોધ કરી રહ્યા છીએ.’

