ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સ્પીડબોટની રાઇડનો માણ્યો રોમાંચ : ધરોઈને આઇકૉનિક પ્લેસ તરીકે વિકસાવવામાં આવશે : વડનગર, તારંગા, અંબાજી, પોળો ફૉરેસ્ટ સહિતનાં ઉત્તર ગુજરાતનાં પ્રવાસનસ્થળો અને યાત્રાધામોના વિકાસ દ્વારા ટૂરિઝમ સર્કિટ ઊભી કરાશે
ભૂપેન્દ્ર પટેલે પ્રવાસન પ્રધાન મુળુ બેરા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધરોઈ ઍડ્વેન્ચર ફેસ્ટનો આરંભ કરાવ્યો હતો.
ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળાઓમાં સાબરમતી નદી પર બનેલા ધરોઈ ડૅમ વિસ્તારમાં ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ૪૫ દિવસ ચાલનારા ધરોઈ ઍડ્વેન્ચર ફેસ્ટનો આરંભ કરાવી સ્પીડબોટની રાઇડનો રોમાંચ માણ્યો હતો. ગુજરાત સરકાર ધરોઈને આઇકૉનિક પ્લેસ તરીકે વિકસાવીને વડનગર, તારંગા, અંબાજી, પોળો ફૉરેસ્ટ સહિતનાં ઉત્તર ગુજરાતનાં પ્રવાસનસ્થળો અને યાત્રાધામોના વિકાસ દ્વારા ટૂરિઝમ સર્કિટ ઊભી કરશે.
ADVERTISEMENT
ભૂપેન્દ્ર પટેલે સ્પીડબોટની રાઇડનો રોમાંચ માણ્યો હતો
ભૂપેન્દ્ર પટેલે પ્રવાસન પ્રધાન મુળુ બેરા અને અન્ય મહાનુભાવો સાથે ઍડ્વેન્ચર ઍક્ટિવિટી સ્થળની મુલાકાત લઈને પૅરામોટરિંગ સહિતની રાઇડ્સ નિહાળી હતી અને ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. ધરોઈ ડૅમ રીજન ડેવલપમેન્ટ સમગ્રતયા ત્રણ ફેઝમાં સાકાર થશે. સ્પિરિચ્યુઅલ, ઍડ્વેન્ચરસ, ઇકો અને રેક્રીએશનલ ઍક્ટિવિટીઝથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ તેમ જ સ્થાનિક રોજગારના અવસર સાથે વોકલ ફૉર લોકલનું ધ્યેય પાર પાડવામાં આવશે. ધરોઈ ઍડ્વેન્ચર ફેસ્ટ ૪૫ દિવસ સુધી ચાલશે જેમાં લૅન્ડ-બેઝ્ડ, વૉટર-બેઝ્ડ અને ઍર-બેઝ્ડ ઍડ્વેન્ચર ઍક્ટિવિટીઝ પ્રવાસીઓને માણવા મળશે.

