મુંબઈ પોલીસ ઝોન-૪નાં ૭ પોલીસ-સ્ટેશન વડાલા ટીટી, સાયન, માટુંગા, રફી અહમદ કિડવાઈ માર્ગ, ઍન્ટૉપ હિલ, કાલાચૌકી અને ભોઈવાડા પોલીસ-સ્ટેશનમાં ખાસ બાલ ‘સ્નેહી કક્ષ’ - ચાઇલ્ડ ફ્રેન્ડ્લી કૉર્નર બનાવવામાં આવ્યા છે
બાળકોને રમાડીને તેમનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરતી મહિલા પોલીસ-કર્મચારી
બાળકો પર થતા જાતીય અત્યાચારના કેસ વધી રહ્યા છે ત્યારે એ અબુધ બાળકો પાસેથી તેમની સાથે શું થયું છે તથા આરોપી વિશે માહિતી કઢાવતી વખતે પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને હવે બાળકોને બોલતાં કરવા માટે મુંબઈ પોલીસે ચાઇલ્ડ ફ્રેન્ડ્લી કૉર્નરનો કન્સેપ્ટ અમલમાં મૂક્યો છે. મુંબઈ પોલીસ ઝોન-૪નાં ૭ પોલીસ-સ્ટેશન વડાલા ટીટી, સાયન, માટુંગા, રફી અહમદ કિડવાઈ માર્ગ, ઍન્ટૉપ હિલ, કાલાચૌકી અને ભોઈવાડા પોલીસ-સ્ટેશનમાં ખાસ બાલ ‘સ્નેહી કક્ષ’ - ચાઇલ્ડ ફ્રેન્ડ્લી કૉર્નર બનાવવામાં આવ્યા છે.
મુંબઈ પોલીસ ઝોન-૪ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ રાગસુધા આર.ની દોરવણી હેઠળ ચાલુ કરવામાં આવેલા આ ઉપક્રમ વિશે માહિતી આપતાં માટુંગા પોલીસ-સ્ટેશનનાં મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર રૂપાલી જાધવે કહ્યું હતું કે ‘જાતીય અત્યાચારનો ભોગ બનેલાં નાનાં બાળકો પોલીસને માહિતી આપતાં અચકાય છે. તેઓ અમારો યુનિફૉર્મ જોઈને અમારાથી અંતર રાખે છે એટલે તેમને બોલતાં કરવા માટે તેમની પાસેથી માહિતી કઢાવવા આ ચાઇલ્ડ ફ્રેન્ડ્લી કૉર્નર ઊભો કરવામાં આવ્યો છે જેમાં સિવિલ ડ્રેસમાં મહિલા પોલીસ-કર્મચારી હોય છે. વળી અહીં બાળકોને ગમતાં કાર્ટૂન્સ, રમકડાં પણ હોય છે. અમે તેમને જમવાનું આપીએ, તેમની સાથે રમીએ, તેમનો વિશ્વાસ જીતીએ અને એ પછી તેઓ અમારી સાથે વાત કરતાં થાય છે અને માહિતી આપે છે. ઘણાં તો એવાં છે જેમને પોતાનું સરનામું પણ બોલતાં આવડતું ન હોય, તેમને ઘટનાસ્થળ પાસે શું હતું કે મંદિર હતું જેવી નાની-નાની વાતો પ્રોબ કરી વિગતો મેળવવાના પ્રયાસ કરવામાં આવે છે જેનો ધીમે-ધીમે ફાયદો થઈ રહ્યો છે.’

