Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > બોરીવલીની આઇ. સી. કૉલોનીનાં વડાપાંઉ ટ્રાય કર્યાં છે?

બોરીવલીની આઇ. સી. કૉલોનીનાં વડાપાંઉ ટ્રાય કર્યાં છે?

Published : 06 June, 2026 11:38 AM | IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

નીતિન પાટીલનાં વડાપાંઉની સૌથી મોટી ખાસિયત એ છે કે વડાપાંઉમાં આવતી એકેએક ચીજનો સ્વાદ અદ્ભુત છે

બોરીવલી જવાનું બને તો ખાસ આઇ. સી. કૉલોની જજો અને નીતિન પાટીલનાં વડાપાંઉનો આસ્વાદ માણજો

ખાઈપીને જલસા

બોરીવલી જવાનું બને તો ખાસ આઇ. સી. કૉલોની જજો અને નીતિન પાટીલનાં વડાપાંઉનો આસ્વાદ માણજો


અત્યારે મારા નાટકનાં રિહર્સલ્સ ચાલે છે જે માટે મારે રોજ બોરીવલી જવાનું બને. બોરીવલી શું કામ તો એનું તમને કારણ કહું. આજકાલ રિહર્સલ્સ હૉલમાં બહુ ધાંધિયા થઈ ગયા છે. ક્યાંય હૉલ મળતા જ નથી. બીજું એ કે AC સિવાય હવે કામ થઈ જ નથી શકતું એટલે ઍર-કન્ડિશન્ડ હૉલ જ શોધવો પડે. બોરીવલીના પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમમાં ત્રણેક હૉલ છે એટલે મોટા ભાગે એકાદ હૉલ મળી જાય અને પછી અમે ત્યાં જ રિહર્સલ્સ કરવાનું પસંદ કરીએ. ગુરુવારે બન્યું એવું કે બધા કલાકારોએ નક્કી કર્યું કે છને બદલે ૭ વાગ્યે ભેગા થઈએ અને ખબર પડી ત્યારે હું તો લોખંડવાલાથી રવાના થઈ ગયો હતો એટલે બોરીવલી પહોંચીને હું તો મારા સાથી કલાકાર અને મિત્ર નીલેશ પંડ્યાના ઘરે આઇ. સી. કૉલોનીમાં પહોંચી ગયો. બોરીવલીમાં કોઈને પણ આઇ. સી. કૉલોની વિશે પૂછો તો તે તમને દેખાડી દે. મેટ્રોમાં એક્સર સ્ટેશન આવે. ત્યાંથી આ જગ્યા સાવ નજીક પડે.

નીલેશના ઘરે નિરાંતે થોડો ટાઇમપાસ કરી ચા પીને અમે બહાર નીકળ્યા. ત્યાં આઇ. સી. કૉલોની પાસે એક ચર્ચ છે. આ ચર્ચની બરાબર સામે એક લારી પાસે મેં ગિરદી જોઈ અને મેં નીલેશ પંડ્યાને પૂછ્યું, ‘આ શું છે ભાઈ?’ 



નીલેશ મને કહે, ‘મારે તમને આ જગ્યાએ લઈ જવા હતા, પણ દર વખતે ભુલાઈ જતું હતું. ચાલો, આપણે જઈએ. આ અમારો અહીંનો ફેસમ વડાપાંઉવાળો છે.’


મેં નામ વાંચ્યું : નીતિન પાટીલ વડાપાંઉ અને સાહેબ, મુંબઈની આવી વરાઇટીનું નામ વાંચ્યા પછી હું ઝાલ્યો જાઉં?

મેં તો કહ્યું, ‘ચાલો, જઈએ.’


અમે બન્ને પહોંચ્યા નીતિન પાટીલ પાસે અને જઈને બે વડાપાંઉનો ઑર્ડર આપ્યો. તમે માનશો નહીં, અમારા વડાપાંઉનો ઑર્ડર આવવામાં અમારે ઓછામાં ઓછી ૨૦ મિનિટ રાહ જોવી પડી. મેં તમને કહ્યું એમ લાંબી લાઇન અને એમાં પણ પાર્સલવાળા અઢળક. બે ને ૪ ને ૬ ને ૮. વડાપાંઉ જે રીતે લોકો લઈ જતા હતા એ જોઈને મારા મોઢામાં તો પાણી આવવા માંડ્યું અને સાહેબ,

એ વસૂલ પણ થયું.

એકદમ મોટું વડું અને એના પર મમરી લાગેલી હોય. એકદમ કરકરી. પાંઉમાં વડાપાંઉની જે પૉપ્યુલર ચટણી છે એ લાલ સૂકી ચટણી, તીખી-મીઠી ચટણી અને પછી એમાં એકદમ ક્રિસ્પી અને ગરમાગરમ મમરી પણ. એને લીધે વડાપાંઉ વધારે ક્રિસ્પી બનતું હતી. મેં એક વાત ખાસ નોંધી છે. છેલ્લા થોડા સમયથી વડાપાંઉ બનાવવાવાળા વડાં પર બહુ ધ્યાન નથી આપતા અને એ પછી પણ તેમનું ચાલતું રહે છે એનું કારણ છે ચટણીઓ. જો તમારી ચટણીઓ સારી હોય તો વડાપાંઉનો સ્વાદ આવે જ નહીં એટલે વડામાં ઉતારેલી વેઠ કોઈને પકડાય નહીં. જોકે નીતિન પાટીલનાં વડાં પણ જબરદસ્ત હતાં. એ તમે એમ ને એમ ખાઓ તો પણ મજા આવે એવાં હતાં. 

વડાપાંઉ પછી અમે દાળવડાં પણ મગાવ્યાં. તેનાં દાળવડાં પણ એકદમ સરસ હતાં અને એ ખાતી વખતે મારા મનમાં પહેલો વિચાર એ આવ્યો કે આપણે ત્યાં આટલી સરસ વરાઇટી બનાવતા લોકો કેવા છાના ખૂણે બેઠા છે. નરેન્દ્ર મોદીએ આ લોકોને હાઇપ મળે, આ લોકો પૉપ્યુલર થાય એવી કોઈ યોજના બનાવવી જોઈએ.

મોદીમામા જ્યારે કરે ત્યારે, અત્યારે તો આપણે એ કામ કરીએ. બોરીવલી જવાનું બને તો ખાસ આઇ. સી. કૉલોની જજો અને નીતિન પાટીલનાં વડાપાંઉનો આસ્વાદ માણજો. ખરેખર મજા આવશે, મારી ગૅરન્ટી.

Whatsapp-channel Whatsapp-channel

06 June, 2026 11:38 AM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK