Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > અનામી એવા એ કપલનાં વડાપાંઉ ટ્રાય કરવાનો મોકો મને કેટલા વખતે મળ્યો

અનામી એવા એ કપલનાં વડાપાંઉ ટ્રાય કરવાનો મોકો મને કેટલા વખતે મળ્યો

Published : 26 April, 2025 02:58 PM | IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

રસ્તા પર ડાફોળિયાં મારીને હું ફૂડ-સ્ટૉલ શોધ્યા કરતો હોઉં. જુહુમાં એવો જ એક સ્ટૉલ મારી નજરમાં હતો જ્યાં જવાનો મોકો મને છેક એકાદ વર્ષે મળ્યો અને મારો ફેરો વસૂલ રહ્યો

સંજય ગરોડિયા

સંજય ગરોડિયા


ગયા અઠવાડિયે આપણે સુરતનાં વડાપાંઉનો આસ્વાદ માણ્યો અને આ વખતે યોગાનુયોગ એ જ વડાપાંઉનો આસ્વાદ માણવાનો છે. આવું શું કામ બન્યું એની વાત પહેલાં કહું.


સામાન્ય રીતે હું ગાડીમાં જતો હોઉં તો મારી નજર આજુબાજુમાં ફર્યા કરતી હોય અને જો મુંબઈમાં હોઉં તો મારી નજર અલગ-અલગ સ્ટૉલ અને ખૂમચા પર હોય. ખાવાના એ સ્ટૉલ પર જ્યાં હું ગિરદી જોઉં એ જગ્યા મારા મનમાં સ્ટોર થઈ જાય અને એ સ્ટૉલની હું વિઝિટ કરું, પણ ઘણી વાર એવું બને કે મારે ઉતાવળે ક્યાંક પહોંચવાનું હોય એટલે ત્યાં જઈ ન શકું તો ઘણી વાર રૉન્ગ સાઇડને લીધે મારાથી જઈ ન શકાય એટલે હું આગળ નીકળી જાઉં, પણ એ જગ્યા તો મારા મનમાં રહી જ જાય.



જુહુમાં આવી જ એક જગ્યા છે. તમને પહેલાં જગ્યા કહી દઉં. જુહુ-વર્સોવા સર્કલથી આપણે ડી. એન. નગર તરફ જઈએ તો ડાબી બાજુએ જુહુ-વર્સોવા રોડ આવે. એ રોડથી સહેજ આગળ જઈએ તો ડાબી બાજુએ તરત જ એક ગલી આવે. આ ગલીના ખૂણા પર એક સ્ટૉલ અને એના પર હું કાયમ પંદર-વીસ લોકોની ગિરદી જોઉં અને મને કૌતુક થાય. બુધવારે હું ને મારી વાઇફ પાર્લા જતાં હતાં ત્યારે મારું ધ્યાન એ સ્ટૉલ પર ગયું અને મેં કહ્યું કે હવે મોકો જતો નથી કરવો. મેં તો ગાડી ઊભી રખાવી સાઇડ પર અને પહોંચ્યો હું એ સ્ટૉલ પર.


એક કપલ હતું જે ત્યાં વડાપાંઉ બનાવતું હતું. આપણે ત્યાં મુંબઈમાં આ રીતે ઘણાં હસબન્ડ-વાઇફ નાના ફૂડ-સ્ટૉલ ચલાવે છે. થોડાં વર્ષો પહેલાં પરેલમાં ગાંધી હૉસ્પિટલ પાસે પણ એક કપલ ઊભું રહેતું, તે પણ વડાપાંઉ અને ભજિયાં અને એવી વરાઇટી આપતું. લિમિટેડ સ્ટૉકમાં જ માલ લઈ આવે અને એ સ્ટૉક પૂરો થઈ જાય એટલે જતાં રહે. આ કપલને મેં પહેલાં વડાપાંઉનો ઑર્ડર આપ્યો. એકદમ ઑથેન્ટિક મુંબઈનાં વડાપાંઉ. પાંઉ એકદમ સૉફ્ટ અને વડું એકદમ કરકરું. મજા પડી ગઈ. પછી મને થયું કે ચાલ બીજી કોઈ આઇટમ ટ્રાય કરું એટલે મેં મરચાનાં ભજિયાં મગાવ્યાં. પાંચથી છ ઇંચ લાંબા મરચાનાં ભજિયાં આવ્યાં. આછી તીખાશવાળાં મરચાનાં ભજિયાં પણ એકદમ કરકરાં હતાં. એ ખાઈને તો મને થયું કે હજી કંઈક ખાવું જોઈએ એટલે મેં મગાવી બટાટાની કતરી. આ બટાટાની કતરીને સુરતમાં આલૂપૂરી કહે તો સૌરાષ્ટ્રમાં એને પતરીનાં ભજિયાં કહે અને સાદી ભાષામાં એને બટાટાનાં ભજિયાં કહે. બટાટાની કતરી પણ બહુ સરસ હતી. કતરીમાં રહેલી બટાટાની સ્લાઇસ એટલી પાતળી હતી કે મને પહેલો વિચાર આવ્યો કે આટલી ઝીણી સ્લાઇસ કેવી રીતે કરી શકાતી હશે.

આ સ્ટૉલનું કોઈ નામ નથી પણ હા, એ લોકોનું કામ બહુ એટલે બહુ સરસ છે. એકદમ રીઝનેબલ પ્રાઇસ અને ક્વૉલિટીમાં એક નંબર. નાનકડા બલ્બના પ્રકાશમાં ચલાવાતા આ સ્ટૉલની વિઝિટ અચૂક લેવી જોઈએ એવું મને લાગે છે તો મને એ પણ લાગે છે કે આ પ્રકારે જ્યાં કપલ ફૂડ-સ્ટૉલ ચલાવતું હોય ત્યાં ફૂડ ટ્રાય કરવું જોઈએ. એનું એક કારણ છે. જ્યાં હસબન્ડ-વાઇફ સાથે હોય ત્યાં ભેળસેળ થવાની શક્યતા બહુ નહીંવત્ થઈ જતી હોય છે, કારણ કે કોઈ હસબન્ડ ઇચ્છે નહીં કે તેની વાઇફ પણ આ બધામાં બદનામ થાય એટલે તે ક્વૉલિટી સાથે બાંધછોડ કરે નહીં અને સ્ત્રી તો મા અન્નપૂર્ણા કહેવાય જ છે એટલે તે પણ ક્યારેય ક્વૉલિટી સાથે બાંધછોડ કરી ન શકે.


જ્યારે પણ જુહુ જવાનું બને કે એ બાજુએથી પસાર થાઓ ત્યારે અચૂક આ કપલને ત્યાં જઈ તેમનાં વડાપાંઉ કે ભજિયાં માણજો. તમને બહુ મજા આવશે. હું એ જગ્યાએ વીસથી ત્રીસ મિનિટ રોકાયો હોઈશ પણ એટલી વારમાં મારી આંખ સામે મેં ચાલીસેક પાર્સલ જતાં જોયાં, જેના પરથી તમને પણ અણસાર આવશે કે સ્વાદ કેવો અદ્ભુત હશે.

Whatsapp-channel Whatsapp-channel

26 April, 2025 02:58 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK